સરદાર પટેલ વિશે ત્રણ કાવ્ય ~ (1) અમૃત ઘાયલ (2) ગની દહીંવાલા (3) કલ્પના બારોટ
સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે ત્રણ કાવ્ય
(1) જાગી જ્યોત અખંડ ~ અમૃત ઘાયલ

ગોખે ગોખે જ્યોત પ્રકાશે
જ્યોત પ્રકાશે પોત પ્રકાશે
પોત પ્રકાશે દાઝી બળતાં
પાપ અને પાખંડ
જાગી જ્યોત અખંડ
જડ જડ માંહે ચેતન નાચે
જળસ્થળ નાચે તનમન નાચે
રોમરોમ અંગઅંગમાં દોડે
જીવનમાં જ પ્રચંડ
જાગી જ્યોત અખંડ
બેડી તૂટી બંધન તૂટ્યાં
બંધન તૂટ્યાં કેદી છૂટ્યા
છૂટ્યા સત્તા-આકાંક્ષીના
હાથથી શાસન દંડ
જાગી જ્યોત અખંડ
સત્યની આગળ સત્તા ઝૂકી
ઐક્ય આગળ આકાંક્ષા ઝૂકી
લોખંડી વલ્લભનાં ચરણે
મૂક્યાં રાજ ઘમંડ
જાગી જ્યોત અખંડ
લોકો દેશનિવાસી રીઝ્યા
પૂર્વજ વૈકુંઠવાસી રીઝયા
શંખનાદ વલ્લભનો સુણી
ધૂમ મચી નવખંડ
(રાજકોટ, 1948)
(2) ભાગ્યરેખા ~ ગની દહીંવાલા

કપાળે ઉપસી આવેલ આક્રોશ શું આ!!
શું આડાં પડ્યાં મધ્યાહ્નનાં કિરણ આ!!
હવે શું ચિંતા ગહરી નિજ પરિવાર કેરી!!
ઉપસી આવી રેખાઓ હશે ક્રોધની!!
નહીં નહીં એ હતી સુખ-ચેનના અવરોધની,
પરાધીનતાને પડકારવા કશી શોધની,
આ… તે કરચલી નહીં, આપણી ભાગ્યરેખા,
સરદારશ્રીના કપાળે ઉપસી, દેતી દેખા.
જોડિયા સૂરજ શા ફાટફાટ ડોળા!!
ખૂણે રક્તિમ ઝાંય, આશ્ચર્યે પહોળા!!
ઊંડાણે કશો શાંત લાવા ઊકળતો;
કપાળે બેઠોબેઠો દરિયો ઊછળતો.
પરાક્રમી પુરુષ જે પામ્યા કરચળી કપાળે,
સદ્ભાગ્યે સાન્નિધ્ય પામ્યા, એ નિહાળે;
કપાળેથી જે રહી હોય પ્રભાવ વેરી;
નકી જાણજો એ છબી સરદાર કેરી.
(3) કેવાં હશે ભાવિ નરનાર? ~ કલ્પના બારોટ

સરદાર,
આપખુદ શિક્ષકના અન્યાય સામે
તમે પોકારેલ બંડની
પેલી વાત-
વર્ગખંડમાં હું કરું છું ખૂબ જુસ્સાભેર,
સામી આંખોમાં જોઉં છું ફૂટતી પોરસસેર;
પણ…
વિચારું છું, પછી એકાંતપળે
શિક્ષકખંડમાં બેસીને
કે, આપની જેમ
કરશે પ્રતિકાર
હિંદના આ ભાવિ નર-નાર;
હે સરદાર?
કે પછી –
થઈ જશે સાવ લુપ્ત
સઘળી સત્ત્વમૂલ પ્રતિકારશક્તિ
માણસની પૂંછડીની જેમ!!
(કાવ્યો મોકલનારઃ શ્રીમતી મેધા ત્રિવેદી, મુંબઈ)