શ્રીમદ્ ભાગવત કથા ~ સ્કંધ ત્રીજો ~ અધ્યાય ચૌદમો ~ “દિતિનું ગર્ભધારણ” ~ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

(ત્રીજા સ્કંધના અધ્યાય તેરમો – “વારાહ – અવતારની કથા” અંતર્ગત આપે વાંચ્યું કે, શ્રી હરિએ કેવી રીતે બ્રહ્માજીના પુત્રો અને એમના થકી પેદા થનારી પ્રજાના નિર્વાહ માટે પ્રલયના જળમાં ડૂબેલી પૃથ્વીને વારાહનો અવતાર લઈને પોતાની દાઢથી ખેંચીને બહાર કાઢી હતી. હવે અહીંથી વાંચો આગળ, સ્કંધ ત્રીજાનો અધ્યાય ચૌદમો, “દિતિનું ગર્ભધારણ.” )

આ અધ્યાયમાં કુલ ૫૦ શ્લોકો છે.

શ્રી સૂતજી પછી આગળની કથા શૌનકાદિ ઋષિઓને નીચે પ્રમાણે કહે છે.

શ્રીશુકદેવજી પછી આગળ રાજાને કહે છે; – હે રાજન્ ! પ્રયોજનપૂર્વક વારાહ અવતાર લેનારા શ્રી હરિની પુણ્યકથા મૈત્રેયજીના મુખેથી સાંભળ્યા પછી વિદુરજીને તૃપ્તિ થતી નથી.

વિદુરજી નમ્રતાપૂર્વક હાથ જોડીને મૈત્રેયજીને પૂછે છે; – “હે ઋષિશ્રેષ્ઠ, ભગવાન જ્યારે વારાહ અવતારમાં લીલાપૂર્વક પોતાની દાઢોમાં પૃથ્વીને રાખીને જળમાંથી બહાર લાવી રહ્યા હતા ત્યારે દૈત્યરાજ હિરણ્યાક્ષ સાથે યુદ્ધ શા માટે થયું?”

શ્રી મૈત્રેયજી કહે છે;-  “વિદુરજી, અગાઉ, આ યુદ્ધ વિષે દેવતાઓએ બ્રહ્માજીને પૂછ્યું હતું અને બ્રહ્માજીએ એનો ઈતિહાસ એમને સંભળાવ્યો હતો. એ જ પરંપરામાંથી મેં સાંભળ્યું છે જે હું તમને કહી રહ્યો છું, તે ધ્યાનથી સાંભળો. એક વાર દક્ષકન્યા દિતિએ પુત્રપ્રાપ્તિની ઈચ્છાથી કામાતુર થઈને પતિ કશ્યપજીને પ્રાર્થના કરી. તે સમયે કશ્યપજી ભગવાન યજ્ઞપતિની આરાધના કરીને સૂર્યાસ્ત વેળા થવાના સમયે અગ્નિશાળામાં ધ્યાનસ્થ બેઠા હતા.

દિતિએ એમને કહ્યું;-હે વિદ્વન્ ! કામદેવ આજે મુજ અબળા પર બળ દાખવીને મને વિવશ કરી રહ્યા છે. પોતાના પુત્રોવાળી મારી શોક્યોની સુખ-સમૃદ્ધિ જોઈને મને ઈર્ષ્યાની આગથી બળી રહી છું. અમારા પિતાશ્રી દક્ષ પ્રજાપતિને એમની પુત્રીઓ પર ઘણો સ્નેહ હતો. એમણે અમને તેર દીકરીઓને -જેઓ બિલકુલ તમારા ગુણ-સ્વભાવને અનુરૂપ હતી- અમારી મરજીથી તમારા જેવા વિદ્વાન, મહાન ઋષિ સાથે પરણાવી. હે મંગલમૂર્તિ!, કમલલોચન, મહર્ષિ, તમારા જેવા પુરુષોની પાસે મારા જેવી દીનનું આવવું નિષ્ફળ નથી જતું.”

આમ, હે વિદુરજી, કામદેવના વેગને લીધે દિતિ અત્યંત બેચેન અને વિવશ થઈ રહી હતી. તેણે આ રીતે ઘણી બધી વાતો ઉપજાવીને, દીનતાથી મહામુનિને પ્રાર્થના કરી.

કશ્યપજીએ દિતિને સમજાવતાં કહે;– “તારી ઈચ્છા, હે પ્રિયે, હું અવશ્ય પૂર્ણ કરીશ. જેના થકી અર્થ, ધર્મ અને કામ્ એ ત્રણેયની સિદ્ધિ  થતી હોય તેવી પોતાની પત્નીની કામના કોણ પૂરી ન કરે? હે માનિની, સ્ત્રીને તો ત્રિવિધ પુરુષાર્થની કામનાવાળા પુરુષનું અડધું અંગ કહેવામાં આવી છે. તેના પર ગૃહસ્થીની જવાબદારી નાખીને પુરુષ નિશ્ચિંત બની વિચરે છે. તારી સંતાનપ્રાપ્તિની કામના જરૂર પૂરી કરીશ, પણ તું એક મુહર્ત એટલે કે બે ઘડી માટે થોભી જા. અત્યારનો આ સમય રાક્ષસગણ જેવા ભયંકર જીવોનો છે. હે સાધ્વી, આ સંધ્યાકાળે ભૂતપ્રિય, ભૂતપતિ ભગવાન શંકર પોતાના ભૂત-પ્રેતાદિ ગણને સાથે લઈને નંદી પર સવાર થઈને વિચરણ કરે છે. અમે તો શું, પણ બ્રહ્મા વગેરે લોકપાલો પણ તેમણે બાંધેલી ધર્મની મર્યાદાનું પાલન કરે છે. આ ઘડી શુભ નથી. બે ઘડી થોભી જા.”

આમ ઘણું સમજાવવા છતાં કામાતુર દિતિએ બ્રહ્મર્ષિ કશ્યપજીનું વસ્ત્ર પકડી લીધું. ત્યારે કશ્યપજીએ પોતાની પત્નીને કામાતુર જોઈને, દૈવને નમસ્કાર કર્યા અને એકાંતમાં જઈને પત્નીનો સમાગમ કરીને પત્નીને સંતુષ્ટ કરી. પછી મુનિએ જળમાં સ્નાન કરીને, પ્રાણ અને વાણીનો સંયમ કરીને, વિશુદ્ધ ચિત્તે જ્યોતિર્મય સનાતન બ્રહ્મના ધ્યાનમાં બેસીને જપ કરવા લાગ્યા. દિતિનો કામાગ્નિ શાંત થતાં એને પણ પોતાના આ કર્મ બદલ ભારે શરમ આવી. એ બ્રહ્મર્ષિ પાસે જઈને, માથું નમાવીને કહેવા લાગી.

દિતિ કહે છે;-  “હે બ્રહ્મન્ !, મેં આપની વાત માની નહીં અને સર્વ ભૂતોના સ્વામી રુદ્રનો અપરાધ કર્યો છે. હું, રુદ્ર, ઉગ્રરૂપ તથા સત્પુરુષો માટે કલ્યાણકારી મહાદેવને પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરીને મારા અપરાધની ક્ષમા માગું છું. વળી સતીપતિ, ભગવાન રુદ્ર તો મારા બનેવી અને પરમ કૃપાળુ છે. એવા દેવાધિપતિ શ્રી મહાદેવ મારા પર અનુગ્રહ કરીને પ્રસન્ન થાય અને મારા ગર્ભને નષ્ટ ન કરે.”
આટલું કહીને દિતિ આંખમાં આંસુ સાથે હાથ જોડીને કાંપતાં ત્યાં જ ઊભી રહી.

હે વિદુર, જપ કરીને, સાયંકાલિન સંધ્યા-વંદન વગેરે કર્મોથી પરવાર્યા બાદ કશ્યપજીએ જોયું કે થરથર કાંપી રહેલી દિતિ, પોતાના સંતાનની લૌકિક અને પારલૌકિક ઉન્નતિ માટે સતત પ્રાર્થના કરી રહી છે.

કશ્યપજી ત્યારે દિતિને કહે છે;–હે પ્રિયે, તારું ચિત્ત કામવાસનાથી લિપ્ત હતું. મેં તે સમયે કહ્યું હતું કે આ સમય સમાગમ માટે યોગ્ય નથી. તો બે ઘડી (એક ઘડી એટલે હાલની ચોવીસ મિનીટ) થોભી જા પણ તેં કહ્યું ન માન્યું. મને ભાવિના એંધાણ દેખાઈ રહ્યા છે. તારી કૂખે બે પુત્રો જન્મશે અને તેઓ કર્મો થકી અધમ અને અધર્મ આચરનારા થશે. તેઓ સમસ્ત લોકોને અને લોકપાલોને પોતાના અત્યાચારોથી રંજાડશે, જ્યારે એમનાં હાથે થનારાં પાપો અને અત્યાચારોથી સર્વ લોક ત્રાહિમામ્, ત્રાહિમામ્ પોકારશે ત્યારે સમસ્ત લોકનું રક્ષણ કરનારા શ્રી હરિ સ્વયં અવતાર લેશે અને એમનો વધ કરશે.”

દિતિએ બે હાથ જોડીને કહ્યું;–સ્વામી, હું પણ એવું ઈચ્છું કે જો મારા પુત્રોનો વધ થાય તો તે સાક્ષાત ચક્રપાણિ ભગવાનના હાથે થાય અને એ રીતે તેઓ આ અધર્મકારી અને અધમ જીવનમાંથી મુક્તિ પામે. કામસુખ પામવાની મારી અધીરાઈ પર હું ખૂબ લજ્જિત છું. અને તમારી તથા દેવોના દેવ મહાદેવજીની ક્ષમા માગું છું.”

ત્યારે કશ્યપજી કૃપાવાન અવાજે બોલ્યા – “હે દેવી, તેં તારી ભૂલનો સ્વીકાર કર્યો છે અને પોતાના કર્મો પર શોક અને પશ્વાતાપ પ્રગટ કર્યો છે, જેથી તને તરત જ ઉચિત-અનુચિતનો ખ્યાલ પણ આવી ગયો. તારો ભગવાન માટેનો પૂજ્યભાવ અને શ્રદ્ધા પણ એમાં જણાઈ આવે છે. હું વરદાન આપું છું કે તારા પુત્રો શ્રી ભગવાનને હાથે જ મૃત્યુ પામશે. એટલું જ નહીં, પણ તારા બે પુત્રોમાંથી, એક પુત્રના ચાર સંતાનોમાંથી, એક પુત્ર એવો થશે કે જેના પવિત્ર યશનું ગાન ભક્તજનો શ્રી હરિના ગુણગાન સાથે કરશે. હે દિતિ, એ બાળક ઉદાત્ત ચરિત્રવાન, પ્રભાવશાળી, અને વિશુદ્ધ જીવનને અનુસરીને મોટો ભગવદ્ ભક્ત બનશે અને સ્વયંપ્રકાશ ભગવાન પણ તેની અનન્ય ભક્તિથી સંતુષ્ટ થઈને, તારા એ પૌત્રને દર્શન દેશે.”

આ કથા વિદુરજીને સંભળાવતા શ્રી મૈત્રેયજી કહે છે – વિદુરજી, દિતિએ જ્યારે સાંભળ્યું કે એનાં પુત્રો સાક્ષાત્ હરિને હાથે હણાશે અને એનો પૌત્ર શ્રી હરિનો ભક્ત થશે અને એમનાં દર્શન સદેહે કરીને મુક્તિ પામશે ત્યારે એની આંખોમાંથી હર્ષ અને પશ્વાતાપના અશ્રુઓ વહી રહ્યાં અને એ પ્રભુનું મનોમન સ્મરણ કરીને નમન કરતી રહી.

ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો તૃતીય સ્કંધનો “દિતિનું ગર્ભધારણ” નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

II શ્રી હરિ ૐ તત્સત II

વિચાર બીજઃ  

આધ્યાત્મિક સાહિત્ય અહીં રજુ કરાયું છે અને એની સાથે શરીરવિજ્ઞાનનો સંબંધ માનસશાસ્ત્ર સાથે છે એનું પ્રતિપાદન પણ થાય છે.

૧.      દરેક કાર્ય માટે અને  સંપર્ક કે સાથ માટે સહમતિ અને સંમતિ હોવી આવશ્યક છે. દિતિની સમાગમ માટેની અધીરાઈ અને પતિ કશ્યપમુનિનું એને થોભી જવા માટે કહેવાનું, એમાં સંકેત મળે છે કે હઠાગ્રહથી કુદરતી આવેગના પણ વિપરીત પરિણામ આવી શકે છે. અહીં સમાજશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર સાથે સમજશાસ્ત્રનો પણ મહિમા થયો છે

૨.      ભૂલની સમજણ અને પસ્તાવો કરવાથી કોઈ પણ વિષમ પરિસ્થિતિમાંથી મુક્તિનો માર્ગ મળી શકે છે, પણ ભૂલનો સ્વીકાર કર્યા વિનાનો પસ્તાવો કે સમજણનો કોઈ અર્થ નથી. અહીં દર્શનશાસ્ત્રનો મહિમા થયો છે.

.

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.