ઘોંઘાટ (વાર્તા) ~ નિમિષા મજમુદાર, મહેસાણા

(શબ્દો: ૧૮૬૦)

એસ.જી. હાઈવેના ટ્રાફિકમાં દોડતી, અટકતી, વળી ભાગતી વિહંગની કારના બંધ કાચ, પેલે પારથી અંદર ધસી આવવા માંગતા વાહનોના ટોં ટોં.., ટીટ ટીટ.., પોં પોં.. ના કર્કશ અવાજોને ખાળવાનો નબળો પ્રયત્ન કરી રહ્યા હતા.

આથમતા સૂર્યના તેજકિરણો આંખ પરના ગોગલ્સને પાર ન જઈ શકવાને કારણે દાઝમાં ને દાઝમાં એના બ્લ્યુ શર્ટની આરપાર ઉતરીને એના સમગ્ર અસ્તિત્વ ઉપર પથરાઈ રહ્યાં હતાં.

વિહંગે કંટાળીને એસીની ઠંડક અને સ્ટીરિયોનું વોલ્યુમ બન્ને વધારી દીધા. ઓફિસમાં આખા દિવસની મગજમારી પછી સાંજનો આ એક-સવા કલાક, એને થાકની પરાકાષ્ટાએ પહોંચાડી દેવા પૂરતો હતો પણ જાણીજોઈને સ્વીકારેલી એ ગોઠવણ સામે બળાપો કરવાનો કોઈ અર્થ નહોતો.

એની કાર ગાંધીનગરના રસ્તે વળી ત્યારે થોડી શાંતિ થઈ. સ્ટીરીયોનું વોલ્યુમ થોડું ઓછું કર્યું. રાહતના શ્વાસ સાથે એના હોઠમાંથી સરી આવતી વ્હીસલ, સ્ટીરિયોના ગીતમાં સૂર પૂરાવી રહી.

બંગલાના ઝાંપા બહાર એની કાર ઊભી રહી ત્યારે બહાર સૂરજ આથમી ચૂક્યો હતો અને ઘરની સામે, સેક્ટરના બગીચામાં નિરવ શાંતિ પથરાયેલી હતી. મોટા મોટા આસોપાલવની વચ્ચે ઊભેલું એનું ઘર શાંત હતું. આજુબાજુના ઘરોની બારીઓમાંથી રેલાતા  પ્રકાશમાં, એ બેઠા ઘાટનો અંધકારભર્યો બંગલો થોડો સોગિયો ભાસતો હતો.

એણે ઓટલા પર પહોંચતાં જ ડોરબેલ દબાવી ને બૂમ પાડી,”રી..મા..!”

અંદર સહેજ સંચાર થયો અને બારણું ખૂલતાં જ રીમા એને બાઝીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી, “વિહંગ, મારે અહીં નથી રહેવું. આપણે આ ઘર કાલે જ બદલી નાખીએ. મારાથી અહીં નહિ રહેવાય!”

એણે બેય હાથ રીમા ફરતે વીંટાળી દીધા અને એને અંદર લઈ જઈને બારણું બંધ કરી દીધું, “રીમા, પ્લીઝ શાંત થા. હજુ દસ દિવસ પહેલાં તો અહીં આવ્યાં છીએ, એટલું જલદી કેવી રીતે? બે વર્ષમાં આ આપણું ચોથું ઘર છે. આ ઘર તો તેં જાતે પસંદ કર્યું હતું; શાંત એરિયા, સામે બગીચો અને પાછું અમદાવાદ શહેરથી દૂર..! અત્યાર સુધી તો તું અહીં ખુશ હતી, આજે અચાનક શું થયું?”

“વિહંગ..! અત્યાર સુધી શાંતિ હતી. બગીચાના પંખીઓનો કલરવ અને રડ્યાંખડ્યાં વાહનોના હોર્ન સિવાય કોઈ અવાજ નહોતો પણ.. આજથી સમર વેકેશન પડ્યું અને સાંજે આ સામેના બગીચામાં..! ઓહ! એ અવાજો..! એ બૂમો..! એ ઘોંઘાટ..! મારાથી નહિ સહન થાય..! હું ગાંડી થઈ જઈશ! મને અહીંથી દૂર લઈ જા પ્લીઝ..!”

“એને ઘોંઘાટ નહિ, બાળકોનો કલબલાટ કહેવાય. પણ એની વે, તને નહિ સહન થાય તો આપણે ચોક્કસ આ ઘર બદલી નાખીશું, બસ? હવે ખુશ? તું એક કપ મસ્ત ચા પીવડાવી દે, હું કપડાં ચેન્જ કરીને આવું. મારે તને એક ખુશખબર આપવાના છે.”

રીમાના કાનમાં ભરાવેલું કોટન કાઢી, નાના બાળકને ફોસલાવતો હોય એમ એના ગાલે ટપલી મારીને એ કપડાં બદલવા જતો રહ્યો. રીમા કહ્યાગરા બાળકની જેમ આંસુ લૂછતી રસોડા તરફ ચાલી.

એ કપડાં બદલીને ટીવી સામે ગોઠવાયો અને રીમા ચાનો કપ લઈને આવી, “લે, હવે બોલ, શું વાત હતી?”

“અરે હા! આજે મુંબઈથી દીદીનો ફોન હતો, શલાકાના લગ્ન લીધાં છે. વીસમી મેના દિવસે લગ્ન છે પણ આગળનાં ફંક્શન સોળમીથી ચાલુ થશે. આપણને તો બારમીએ જ પહોંચી જવાનું કહ્યું છે. એમણે તને ફોન કરેલો પણ તારો નો રીપ્લાય આવતો હતો, વળી મારે ઓફિસમાં રજાઓ માટે પણ કહેવું પડે ને, એટલે પછી મને કર્યો.”

રીમાના ચહેરા પરના સ્થિર ભાવમાં કોઈ ફેરફાર ના જોયો એટલે બોલ્યો, “કેમ? એકનાં એક ભાણીબેન પરણે છે એ સમાચારથી તું ખુશ ના થઈ?”

“હું ખુશ ના થઉં એવું બને! આમ પણ શલાકા મને ખૂબ વહાલી છે, એનાં લગ્નનો આનંદ તો હોય જ ને! પણ.. તું, મમ્મીજી, પપ્પાજી, નિસર્ગભાઈ બધાં જજો. હું નહિ આવું.”

“અરે! તું એની એકની એક મામી છે, તું ના આવે એ તો ચાલે જ કેવી રીતે?”

“વિહંગ પ્લીઝ.. મને.. નહિ સહન થાય! લોકો મારું મોઢું જોતાંની સાથે મારી દયા ખાવાનું ચાલુ કરી દેશે. મંજુકાકી જેવાં તો આંખમાં સાવ ખોટાં પલપલિયાં લાવીને મને બાઝીને રડશે! ના, હવે મારાથી એ બધું સહન નહિ થાય. શલાકા અને દીદીને હું સમજાવી દઈશ. દીદી તો મને દુ:ખ થાય એવું કશું જ નહિ થવા દે. એ મને સમજી શકશે.”

“કમ ઓન રીમા! હવે તો બે વર્ષ થઈ ગયાં. આપણે એ જૂનું ઘર, એ પાડોશ બધું બદલી નાંખ્યું. એ પછી પણ ત્રણ ઘર બદલ્યાં. અરે! છેવટે ગામ બદલી નાખ્યું! બે વર્ષથી આપણે લગભગ સોશિયલી કટ ઑફ જેવાં જ જીવીએ છીએ. હવે તો એમાંથી બહાર નીકળ! પ્લી..ઝ! ઈશ્વરની કૃપા થશે તો આપણું ઘર જલદી પાછું કિલકારીઓથી ગાજતું થઈ જશે!”

રીમાનો ચહેરો લાલ થઈ ગયો, હાથની મૂઠીઓ વળી ગઈ, શરીર ટટ્ટાર થઈ ગયું અને એના ગળામાંથી ચિત્કાર ફૂટ્યો, “નો.. નો..! મને ઠાલી આશા નહિ બંધાવ! જે શક્ય નથી એવાં સપનાં ના બતાડીશ! લગ્નના બાર વર્ષ પછી, કેટકેટલા ડોક્ટર્સના ધક્કા ખાધા પછી, કેટલી બધી ટ્રીટમેન્ટ કર્યા પછી મારો ગુડ્ડુ આવ્યો હતો! ઈશ્વરને આપણી ઈર્ષા આવી અને બે દિવસના તાવમાં મારું સર્વસ્વ લૂંટી લીધું..!”

અચાનક એનું ખેંચાયેલું શરીર ઢગલો થઈને સોફામાં કોકડું વળી ગયું અને ફરી ડૂસકે ચઢી, “હવે તો મને બેતાલીસ થયાં, હવે ફરીથી..? હવે કેવી રીતે..!” અને પછી અચાનક,”નહિ..! નહિ..!” ની ચીસો પાડતી વિહંગને વળગી પડી.

વિહંગ ઝડપથી બાજુની ટિપોય પર પડેલી મેડિસિનની સ્ટ્રીપ અને પાણી લઈ આવ્યો અને રીમાનું મોં ખોલીને એક ગોળી એમાં મૂકી દીધી,”ઓકે, ઓકે! રિલેક્સ. તું ડિસ્ટર્બ થાય એવી કોઈ ચર્ચા હવે આપણે નહિ કરીએ. ડૉ. દેસાઈએ કહ્યું છે ને.. મગજ શાંત રાખવાનું..! તું કહીશ એમ જ કરીશું, બસ! હવે ચૂપ થઈ જા.”

રીમાનાં હીબકાં સહેજ ઓછાં થયાં એટલે બોલ્યો, “તું એ તો કહે, કોઈ કામવાળાં બેન મળ્યાં કે નહિ?”

“અહીંથી પસાર થતી કેટલીયે બેનોને પકડીને એમની સાથે વાત કરી. બધાનો એક જ જવાબ ‘મને ટાઈમ નથી’ જાણે કે એકલા આપણે જ નવરા છીએ! માંડ માંડ એક બેન તૈયાર થઈ છે.. સંગીતા નામ છે, પણ.. એને રાખવી કે નહિ એ સમજાતું નથી!”

“કેમ? તારા સ્ટાન્ડર્ડ પ્રમાણે ચોખ્ખી નહોતી? કે પછી એનો ટાઈમ સેટ ના થયો?”

“એવું તો નહિ, એકદમ ચોખ્ખી હતી.. પણ એ.. રોજ એના ચાર વર્ષના દીકરા ભોલુને સાથે લઈને આવે. ઘરમાં એને રાખનાર કોઈ નથી..!”

“એમાં શું વાંધો? આવશે તો બેસશે એક બાજુ પર. એવડું નાનું છોકરું આપણને ક્યાં નડવાનું?”

“તું સમજતો કેમ નથી? એ અવાજો, એ તોફાન, એ હાજરી જ મારાથી નહિ સહન થાય! મને બીક લાગે છે, હું ક્યાંક ફરીથી વાયોલન્ટ થઈ જઉં તો?”

“મેડમ..! એ ટાઈમ તો ગયો. હવે તો મારી રીમા એકદમ સ્વસ્થ છે. ડૉ. દેસાઈએ શું કહ્યું હતું, યાદ નથી? ‘મિસિસ શાહ, નાઉ યુ આર કમ્પલીટલી નોર્મલ. હરો, ફરો, લોકોમાં ભળો અને મજા કરો.’ બોલ, કહ્યું હતું કે નહિ? એમણે બધી દવાઓ બંધ કરીને આ એક જ ગોળી, તે પણ જરૂર પડે ત્યારે લેવાની કહી છે, પછી શું ચિંતા?”

“હા.. પણ..! એને રાખવી હોય તો.. મારે એને કડક વૉર્નિંગ આપી દેવી પડશે કે તારા બાળકને ઓટલા પર ચૂપચાપ બેસી રહેવાનું કહેજે, તારી પાછળ એ મારા ઘરમાં દોડાદોડ કરે કે અવાજો કરે તે નહિ ચલાવી લઉં!”

“પણ ને બણ કશું નહિ, તું એ બેનને રાખી જ લે. ઘરમાં કોઈ આવશે તો તને કંપની રહેશે. એ નાનકડો જીવ શું કરવાનો? મને ખાત્રી છે, એ તને બિલકુલ પજવશે નહિ!”

બીજા દિવસથી સંગીતા આવી ગઈ. એના દીકરાને લઈને જ આવી, સાથે એનો પ્લાસ્ટિકનો નાસ્તાનો ડબ્બો અને પાણીની બોટલ પણ. રીમાની કડક ચેતવણીના જવાબમાં એ એટલું જ બોલી, “બેન, મારો ભોલુ બહુ ડાહ્યો છે, તમને સહેજે હેરાન નહિ કરે! ઓટલા પર બેસી રહેશે અને અવાજ તો જરાય નહિ કરે!”

ભોલુને ઓટલા પર બેસાડીને સંગીતા ઘરમાં આવી. રીમા બેડરૂમમાં જતી રહી. બે કલાકમાં તો વાસણ, કપડાં, કચરા-પોતાં, બધું કામ સફાચટ અને પાછું ખૂબ ચોખ્ખું. શું એની સ્ફૂર્તિ અને ચીવટ!  રીમા ખુશ થઈ ગઈ.

એક બાજુ સારી કામવાળી બેન મળી એનો આનંદ હતો પણ સાથે સતત ટેન્શન પણ હતું, ’હમણાં એ અંદર દોડ્યો આવશે? બૂમો પાડશે? કંઈ નહિ તો કંટાળીને ભેંકડો તો ચોક્કસ તાણશે.’ પણ એવું કંઈ બન્યું નહિ અને એ લોકો ગયાં.

બીજા દિવસે એ લોકો આવ્યાં એટલે રીમા કાનમાં રૂના પૂમડાં ભરાવીને મેગેઝિન વાંચતી ડ્રોઈંગરૂમમાં જ બેસી રહી. એનું બેચેન મન અને સરવા કાન, નાનોસરખો અવાજ પકડવા મથતા રહ્યા. અડધો-પોણો કલાક થયો કોઈ હિલચાલ ન થઈ એટલે રહેવાયું નહિ, બારીના કાચની આરપાર એક અછડતી નજર નાખી તો ભોલુ એના ડબામાંથી મમરા ખાતો ખાતો, સામે બગીચામાં રમતાં બાળકોને તાકી રહ્યો હતો.

’ઓહ! બાળકોની રમતમાં રસ પડ્યો છે એટલે ચૂપ છે! સામે જ સેક્ટરનો બગીચો છે એ સારું છે. જોઉં છું આમ કેટલી વાર બેસી રહે છે!’

રીમાને આગલા દિવસે પજવતો, બગીચામાં રમતાં બાળકોનો કલબલાટ, આજે ભોલુના ટેન્શનમાં જાણે ઝાંખો થઈ ગયો. રીમાના કાન સુધી પહોંચતા બગીચાના એ અવાજો એના મગજના દ્વાર આગળ અટકી જતા હતા. બધું ધ્યાન ઓટલા પરથી આવનારો નાનકડો રવ પકડવા સતર્ક હતું, ‘હમણાં “મમ્મી..” કરીને બૂમ પાડશે, હમણાં રડશે..!’ ઉચાટમાં ને ઉચાટમાં બે કલાક પસાર થઈ ગયા.

સંગીતા, ”બેન, જઉં છું” કહેતી ભોલુની આંગળી પકડી ચાલતી થઈ. રીમાને હા..શ થઈ, ’આજનું કામ તો પત્યું! કાલની વાત કાલે!’

ત્રીજા દિવસે.. ચોથા દિવસે.. આ જ પ્રમાણે રૂટીન ચાલતું રહ્યું; સંગીતા આવે, ભોલુને નાસ્તો આપી ઓટલા પર બેસાડે અને કામ પતાવી ને ચાલતી થાય. ભોલુ એકદમ ચૂપચાપ ઓટલા પર બેસી રહે, નાસ્તો કરતો, ટગરટગર સામે રમતાં બાળકોને તાકી રહે. ક્યારેક એના હોઠ પર નાનકડું મરકલડું આવીને સરકી જાય ને પાછો શાંતરસ છવાઈ જાય.

રીમાને પણ હવે બારીમાંથી એને તાક્યા કરવાની આદત પડી ગઈ. ક્યારેક ભોલુની નજર એના પર પડે તો એક મીઠડું સ્મિત આપીને પાછો નજર વાળી લે.

પાંચમા દિવસે સંગીતા આવી અને ભોલુને ઓટલે બેસાડીને અંદર આવતાં પહેલાં બારણું બંધ કરવા ગઈ કે રીમા બોલી, ”સંગીતા, બારણું ખુલ્લું જ રાખ. તારો દીકરો ડાહ્યો છે!”

સંગીતાને વાસણ વધારે હતાં એટલે થોડી વધારે વાર લાગી. રીમાએ કલાક પછી આદતવશ બારીમાંથી બહાર જોયું તો ભોલુ ઓટલા પર બેઠેલો ના દેખાયો.

‘અરે! આ છોકરો ક્યાં ગયો?’ વિચારતી બહાર આવી તો ઝાંપો ખુલ્લો હતો અને ભોલુ સામે બગીચા તરફ ચાલતો જતો દેખાયો. એને સખત ચિંતા થઈ. એ કંઈ પણ વિચાર્યા વગર ઝડપથી પગથિયાં ઉતરીને એની પાછળ ચાલી. સાવ એની નજીક પહોંચીને એણે બૂમ પાડી, ”ભોલુ.. એ ભોલુ.., ઊભો રહે. એમ ન જવાય. મમ્મી બોલાવે.. સાંભળ..!”

ભોલુ તો રમવાની લહાયમાં આજુબાજુ જોયા વગર ચાલતો હતો. બગીચો નજીક આવ્યો એટલે એ એકદમ દોડવા માંડ્યો. પાછળ રીમાને પણ દોડવું પડ્યું. અચાનક રસ્તાના વળાંક પરથી એક ટીનએજર છોકરી ફડફડાટ સ્કુટર લઈને આવતી દેખાઈ.

આંખો પર ગોગલ્સ અને કાનમાં હેડફોન, છેક નજીક આવી ત્યારે એને આ બેય દેખાયા. એણે જોરથી બ્રેક મારી પણ ત્યાં સુધી રીમાએ ઝાપટ મારીને ભોલુને ઊંચકી લીધો અને બાજુમાં ખસી ગઈ. છોકરી ધડામ કરતી પડી પણ ભોલુ બચી ગયો. રીમાના ડોળા સામું જોવાનું ટાળતી એ નીચી નજરે સ્કુટર પકડીને ચાલવા લાગી.

અવાજ સાંભળીને ફાળભરી સંગીતા બહાર દોડી આવી. ત્યારે રીમા ડઘાઈ ગયેલા ભોલુને ખખડાવતી હતી, ”ભોલુ, આવી રીતે દોડી જવાય? કેટલી બૂમો પાડી! સાંભળતો કેમ નહોતો?”

એને તેડી લેતાં સંગીતા બોલી, ”બેન, એને ક્યાંથી સંભળાય? મારો ભોલુ તો જનમથી બહેરો-મૂંગો છે. સાંભળી નથી શકતો એટલે જ બોલી પણ નથી શકતો!”

રીમાના શરીર અને મન બેયને લકવો મારી ગયો. ઘરના ઓટલા સુધી પહોંચતાં એની હણાઈ ગયેલી વાચા માંડ પાછી આવી, “પણ.. એની કંઈ ટ્રીટમેન્ટ તો હશે ને? એ કેમ કરાવતાં નથી? ડોક્ટરને બતાવ્યું?”

“હા, ડોક્ટરે એવું કહ્યું કે એના કાનનું ઓપરેશન કરવું પડશે તો ભોલુ સાંભળી શકશે પણ.. પચાસ હજાર જેવો ખર્ચો થશે! અમે બે માણસ કામ કરીએ ત્યારે રોજના રોટલા ભેગા માંડ થઈએ છીએ એમાં પચાસ હજાર ક્યાંથી કાઢીએ? બેન, મારો ભોલુ બહુ ડાહ્યો અને હોંશિયાર છે, સાજો હોત તો એને ખૂબ ભણાવત પણ.. જેવી ભગવાનની મરજી! ગરીબનું નસીબ પણ ગરીબ જ હોય! એય અમારી જેમ મજૂરી કરી ખાશે!”

રીમાની સાંજ માંડ માંડ પડી. વિહંગ આવીને ફ્રેશ થઈને બેઠો અને એણે આખો ઘટનાક્રમ કહ્યો. વિહંગ, “ઓહ!”  “અરે રે!” “બિચારો છોકરો!” કહેતો ધ્યાનથી એને સાંભળી રહ્યો.

“વિહંગ, મને એમ થાય છે કે આપણે ભોલુના ઓપરેશનના પચાસ હજાર સંગીતાને આપીએ તો? એક બાળકનું જીવન સુધરી જાય!”

વિહંગ થોડી વાર વિચારમાં પડ્યો પછી રીમાનો હાથ પકડી આછા સ્મિત સાથે બોલ્યો, “અં.. આપી તો શકીએ પણ તું બરાબર વિચારી લે. એ સાંભળતો અને બોલતો થશે પછી આમ ચૂપચાપ બેસી નહિ રહે. એ તો બાળક છે, એ ધમાલ કરશે, બૂમો પાડશે. પછી તારાથી એ ઘોંઘાટ સહન નહિ થાય તો?”

રીમા, “વિહંગ.., એને ઘોંઘાટ ના કહેવાય. એને તો બાળકનો કલબલાટ કહેવાય!” બેયના ચહેરા મલકી ઉઠ્યા!

~ નિમિષા મજમુદાર, મહેસાણા
nimishamajmundar@gmail.com+91 9898322931

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

7 Comments

  1. ખૂબ સરસ વાર્તા છે. માનસ પરિવર્તન પાછળની ઘટનાઓનું નિરૂપણ કુશળતાથી થયું છે. કથાપ્રવાહ સરળ. સ્વા.ભાવિક ગતિને કારણે કોઇ જ કૃત્રિમતા રહેતી નથી. લેખિકાને ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહપૂર્ણ શુભેચ્છાઓ.

  2. દરેક સ્ત્રીમાં અંતે તો એક ‘મા’, માતૃસ્વરૂપ તો રહેલું જ હોય છે. મનને સ્પર્શી જાય એટલી સરસ વાર્તા.

  3. ખૂબ જ સરસ રીતે સ્ત્રી નાં મન ની વાત ને અભિવ્યક્ત કરી.
    વિષય અને રજૂઆત સુંદર.

  4. ખૂબ સરસ વાર્તા. સ્ત્રીની વ્યથા મનોવૈજ્ઞાનિક રીતે વણી છે. એ બાળકનું દુઃખ જોઈ કુમાશ પકડી લે છે એ સરસ રીતે ગોઠવાયું છે. અભિનંદન નિમિષાબેન! 💐

  5. વ6.. એકદમ મસ્ત વાર્તા….. ખરેખર બે ઝાકળનાં બુંદ ખંખેરી વાર્તા પુરી કરી… મજા આવી એકદમ સાચી લાગતી હકિકત.. વાર્તા સ્વરૂપે સામે આવી એવું લાગ્યું.. બહેન… સરસ.