પંખી પાછાં વળ્યાં (વાર્તા) ~ નિધિ મહેતા, અમદાવાદ

રાતના લગભગ નવ થવા આવ્યા હતા. આરતી તેના પતિ હર્ષની રાહ જોઈ દરવાજે મીટ માંડીને બેઠી હતી. ફોન પણ ઘુમેડી ચૂકી હતી. પણ તે ફોન ઉપાડતો જ નહોતો. આરતી અકળાઈ ગઈ હતી. ઘરમાં આમતેમ આંટા મારતી હતી. આમ ઘરમાં એકલા એને ગોઠતું ન હતું.

લગ્નને પાંચ વર્ષ થયા હતા હજી પારણું બંધાયું નહોતું. નાનું બાળક હોય તો એની પાછળ પણ સમય સરકી જાય પણ આ તો સાવ એકલી કંટાળી હતી અને આ એકલતા એને ઉદાસીના ઊંડા સાગરમાં લઈ જતી હતી.

વિચારોનો ઝંઝાવાત તેના મન અને મગજને વલોવી રહ્યો હતો. કહેવાય છે ને કે માણસને સારા કરતાં નબળા વિચાર પહેલા આવે. એ મુજબ આરતી હર્ષના સારા પાસા વિસરી ગઈ અને તેના વિશે વહેમથી વિચારવા લાગી હતી. શંકા-કુશંકાઓ તેના પર ઘર કરવા લાગી હતી. તેનું મન હર્ષ વિશે અતરંગી કલ્પનાઓમાં ફરવા લાગ્યું. અને તે પાછલા ઘણા દિવસથી હર્ષના વર્તનમાં આવેલ પરિવર્તનની તપાસ કરવા ભૂતકાળમાં પ્રવેશી ગઈ.

લગ્નના દિવસથી છેક આજ સુધીની સફરમા એ લટાર મારવા ચાલી નીકળી. જેમાં જોતા તેણે ચકાસ્યું કે, લગભગ દસ દિવસથી જ હર્ષનું વર્તન બદલાયું છે. બાકી એ પહેલાં તો એ મારો કેડો મુકતો જ નહોતો. મારા એક અવાજે તો હાજર થઈ જાય. અને સાંજે 6 પછી તો એનો ફોન પણ બંધ. એનો બધો સમય મારા માટે. એટલો સ્નેહ વરસાવતો તો હવે આમ અચાનક શું થયું? મનોમંથન કરતી પોતે જાતે જ સવાલો કરીને જાતે જ પાછી એના જવાબો નક્કી કરે. ઊંડી વિમાસણમાં પડી જાય.

ઘડી બે ઘડી થાય કે હર્ષ મને ક્યાંક આ ખાલી પારણાની દોષી તો નહીં માનતો હોય ને? ના… ના પણ એ તો ખૂબ સમજદાર ને આધુનિક વિચારનો છે એ એવું માને જ નહીં એટલે આ વાત તો વિચારવી જ નકામી છે. તો પછી…?

એક શંકાને દૂર ઠેલે ત્યાં બીજો વહેમ કે વિચાર ઊભો થઈ જ ગયો હોય. ક્યાંક ઓફિસમાં મારાથી સારી કે સુંદર કોઈ છોકરી આવી હશે એના ચક્કરમાં તો નહીં પડ્યો હોય ને? પેલી લટકાળી લલના એક પાર્ટીમાં મળેલી. એણે તો મન નહિ મોહ્યું  હોય ને?

અરે ના….ના.. પણ એવું પણ ન હોઈ શકે. એને આ ઓફિસમાં આવ્યા તો વરસ થયું. ના એ પણ શક્ય તો નથી જ, બાકી હર્ષના તો મિત્રવર્તુળમાં જ મારાથી કેટલી સુંદર અપ્સરાઓ છે પણ એણે કદી મચક આપી નથી; એટલે એ તો બને જ નહી. હર્ષના હૈયે તો હું જ બિરાજું છું, ત્યાં તો મારું એકચક્રી શાસન છે, બાકી તો હર્ષ “નો એન્ટ્રી”નું પાટિયુ જ રાખે છે.

પણ તો…. પછી બીજું શું હશે? કેમ હર્ષ મને સમય નહીં આપતો હોય? ફરી વિચારોમાં ફરી અને તેને યાદ આવ્યું કે બેએક દિવસ પહેલા મોડું થયું ત્યારે બહુ ફોન કર્યા પછી અંતે ફોન ઉપાડીને “અહીં ઘરે આવ્યો છું” એમ કહી ફોન કટ કરેલો અને હવે તે… તેણે અનુમાન આદરી લીધું.. હા હવે સમજાયું.

આ રોજ ઓફિસથી છૂટી એના મા-બાપને મળવા જતો રહે છે અને ત્યાંથી જ કાન ભરાઈને આવે છે એટલે મારી સાથે આમ વર્તે છે. એ લોકો મારી ખુશી જોઈ જ નથી શકતાં. એ બધાં જ ચડામણી કરી મારા હર્ષને એનો કરી લેવા માગે છે. આમ રોજ ત્યાં જઈને આવે છે અને કંઈ પૂછો તો સીધો જવાબ પણ નથી આપતો.

પણ બસ હવે હદ થઈ ગઈ છે. આજે તો જવાબ લઈને જ રહીશ અને એને આપવો પણ પડશે.

આરતીએ તો હર્ષની આરતી ઉતારવાની પૂરેપૂરી તૈયારી કરી લીધેલી. જાણે નશો કરીને ધૂત થઈ હોય એવી લાલઘુમ આંખો થઈ હતી. ચહેરાની એક એક લકીરો પર પારાવાર પીડા, ક્રોધ ને આક્રોશ ઊભરાતો હતો.

હાથમાં ફોન લઈ તે વારંવાર હર્ષને ફોન લગાવતી હતી. પણ ‘નો રીપ્લાય’ તે કંટાળી. આવી માનસિક સ્થિતિ હોવાથી પિયર ગામમાં જ હોવા છતાં દસેક દિવસથી તો તેણે પોતાની મા સાથે પણ વાત નહોતી કરી. માવતરને ચિંતા ન થાય એ હેતુથી. અને માનો ફોન આવે તો પણ “પછી કરું છું” કહીને મૂકી દેતી.

તેને માનો ખોળો યાદ આવ્યો. માને ગળે વળગી ખૂબ રડી લેવાની ઈચ્છા થતી હતી. હર્ષની ફરિયાદો કરવાનું મન થતું હતું. આંખના ઉંબરે આંસુ અટકીને ઊભેલા હતા. સ્હેજ કોઈ દ્વાર ખોલે ને વરસી જવા.

ત્યાં જ ફોનની રીંગ વાગી તેને નંબર જોયા વગર હર્ષનો જ ફોન હશે એમ માની ફોન ઉઠાવી લીધો, અને ખૂબ ખીજાયેલ સ્વરે બોલી,” હા બોલ ક્યાં છે?”

સામે છેડેથી એની મા બોલી, “બેટા આરતી, કેમ આટલી ગુસ્સામાં છે? હર્ષકુમાર આવી ગયા?”

માનું આટલું પૂછતા જ આરતી ઊકળી ઊઠી. અને હિબકા ભરતા ગુસ્સામાં બોલી, “ના તમારા હર્ષકુમાર નથી પધાર્યા. એને ક્યાં સમય છે મારા માટે? બેઠા હશે એમના મા-બાપ પાસે. હમણાં રોજરોજ નવથી દસ વગાડે છે ઘરે આવતા. અને ખાઈ, પીને સૂઈ જાય. ન કોઈ વાત કે ન કોઈ જવાબ. એ બધાંએ મારા હર્ષનું મગજ ફેરવી દીધું છે, મમ્મી. સાવ માણસાઈ વગરનો છે તમારો જમાઈ.”

“બસ બેટા ચૂપ થઈ જા. તું શું બોલે છે એનું તને ભાન છે?”

મેં તો ફોન આ હર્ષકુમાર એનું લેપટોપ અહીં ભૂલી ગયા છે એમ કહેવા કર્યો… અને એ બાઈક ઉપર હશે એટલે થયું તને કહી દઉં. અને રહી વાત આ દસ દિવસથી હર્ષના ઘરે મોડા આવવાની. તો સાંભળ, હર્ષ જેવો જમાઈ તો નસીબદારને મળે નસીબદારને.

“એટલે.. મમ્મી ?”

“આજથી દસ દિવસ પહેલા તારા પપ્પાને પડી જવાથી મેજર ઈજા થઈ અને અમારે એકમાત્ર સંતાન તું. એટલે તારા પપ્પાએ તારા લગ્નજીવનમાં ખલેલ ન પહોંચે માટે તને કહેવાની ના પાડી. તું ચિંતા ન કરે એટલે. મારાથી ન રહેવાયું તે મેં ફોન કર્યો પણ એ સમયે તારો ફોન હર્ષકુમારે ઉપાડ્યો અને એની સાથે બધી વાત થઈ.

તને ચિંતા ન થાય એટલે એણે તારાથી આ વાત છુપાવી તે તરત જ ઘરે આવ્યા. તારા પપ્પાને દવાખાને લઈ ગયા. તેમને હાલચાલની મનાઈ હતી આખો દિવસ હોસ્પિટલમાં રાખ્યા પછી રજા આપી. અને દસ દિવસનો બેડ રેસ્ટ લેવા કહ્યું.

એટલે હર્ષ રોજ સવારે ઓફિસ જતી વખતે દૂધ, શાકભાજી ને જરૂરિયાતનો સામાન ઘરે આપી જાય. અને સાંજે વહેલા ઓફિસથી આવી તારા પપ્પા સાથે બેસી વાતો કરે. તેમનું ધ્યાન રાખે. જેથી હું થોડીવાર છૂટી થઈ શકું. અને રાતના એક વોર્ડબોયને પણ ડ્યુટી પર રાખી દીધેલો અને દસ દિવસમાં તો તારા પપ્પાને એકદમ ફિટ કરી દીધા હર્ષકુમારની સેવાએ.

અને તને ખબર છે મેં એમને કીધું કે, “હર્ષકુમાર તમે કેટલું કરશો ? ત્યારે એને શું જવાબ આપેલો? “

“શું મમ્મી?”

“મમ્મી મને તમારો જમાઈ નહિ દીકરો માનો અને હકથી ને હિંમતથી હુકમ કરો. હું કોઈ ઉપકાર નથી કરતો આ મારી ફરજ છે.”

આરતી ફોન પર જ ધૃસકે ધૃસકે રડી પડી. તેને પોતે હર્ષ અને હર્ષના પરિવાર માટે કરેલા દરેક વિચારનો પસ્તાવો થયો.

“મમ્મી હું ફોન મુકું છું. મારે હવે જલ્દી મારી ભૂલ સુધારવી છે.”

ઘરની બેલ વાગી દરવાજો ખોલ્યો સામે હર્ષ હતો. તે હર્ષને વળગીને રડી પડી. “સોરી, સોરી” કહેવા લાગી. બીજે દિવસે હર્ષ ઊઠ્યો ત્યારે સવારે સોફા પર તેના માતા-પિતા ચા-નાસ્તો કરતાં હતાં અને આરતી ખૂબ આનંદથી તેમની સાથે વાતો કરતી હતી.

તેણે કહ્યું, “હર્ષ, હું મમ્મી પપ્પાને અહીં આપણી સાથે રહેવા લઈ આવી છું. હવે તે અહીં જ રહેશે.”

“અરે આરતી કેમ? આમ અચાનક આ નિર્ણય?”

“કેમ? તું તો દીકરો બની ગયો મારા માવતરનો. હવે મને આ માવતરની દીકરી નહીં બનવા દે. હવે આજ મારા માવતર ને હું એની લાડકી દીકરી. સમજ્યો..? તું જા તારે સાસરે લાડકો દીકરો થવા..”

બધાં ખડખડાટ હસવા લાગ્યાં અને વીંખાયેલો માળો ફરી સમેટાઇ ગયો. માળો મૂકીને ઊડેલા પંખી પાછા માળામાં આવી ગયા. ઘરમાં માવતરના આવવાથી આરતીની એકલતા ઓસરી ગઈ. વાતાવરણનો વાયરો પલટાયો. વ્હાલ ને વાત્સલ્યના વાદળ બંધાયા અને તે આરતી પર હેતની હેલી થઈ વરસ્યા.

થોડા સમયમાં ડોક્ટરોની દવા, માવતરની કાળજી અને આ ખુશખુશાલ વાતાવરણથી આખરે ઘણાં સમયથી આરતીને જેની રાહ હતી તે સારા સમાચાર મળ્યાં. હર્ષ અને આરતીનાં માળામાં એક નવા પંખીનાં આગમનના. માવતરે દીકરીની આરતી ઉતારી ઓવારણાં લીધા.અધૂરો માળો પૂર્ણ થયો.

~ નિધિ મહેતા, અમદાવાદ
 njmehta1010nvaj@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment