દુ:ખોને ચપટીમાં ચોળી નાખનારી ‘જાસ્મીન’ ~ આશા વીરેન્દ્ર
“વાત છે લગભગ 98-99ની સાલની. ઑપરેશન પછી અપાયેલ સ્ટીરોઈડની મારાં તન-મન પર એટલી ગંભીર અસર થયેલી કે, એ દિવસોમાં હું મોટેભાગે બેહોશીમાં જ રહેતી. ક્યારેક થોડુંઘણું ભાન આવતું ત્યારે તો હું વધુ મૂંઝવણ અનુભવતી કેમકે, મને સમજાતું જ નહીં કે, હું ક્યાં છું અને શા માટે છું?
આવી જ અવસ્થામાં હું વળી પાછી તંદ્રામાં સરી પડતી. એક દિવસ મારા સર મારી ખબર જોવા આવ્યા હશે; એમણે મને હિંમત આપવા ઘણી વાતો કરી.
જો કે, મારે પલ્લે કશું ન પડ્યું, પણ બીજા દિવસની સવારે મારી આંખ ખુલી ત્યારે મને એમનું કહેલું એક વાક્ય અચાનક યાદ આવી ગયું – “Be happy and make others happy.” બસ, એ સિવાય કશું જ નહીં. એ કોણ બોલ્યું હતું, શા માટે બોલ્યું હતું એવું કશું અનુસંધાન ન હોવા છતાં ત્યારથી એ મારો જીવનમંત્ર બની રહ્યો.”
આ શબ્દો છે ડૉ. જાસ્મીન મહેતા, M.B.B.S., M.D. (Gold Medalist) ના. કચ્છનાં ભુજ શહેરના જાણીતા વિસ્તારમાં પૂજન હૉસ્પિટલ ધરાવતાં પતિ-પત્ની ડૉ. નેહલ વૈદ્ય કે જેઓ બાળરોગ અને નવજાત શિશુ નિષ્ણાત (Gold Medalist) છે અને એમની પત્ની જાસ્મીનને અનાયાસે મળવાનું બન્યું.

જાસ્મીનની વિપરિત સંજોગો સામે લડી લેવાની દૃઢતા, પ્રચંડ મનોબળ અને સંકલ્પશક્તિ વિશે જાણીને અચંબિત થઈ જવાયું તો નેહલનો પત્ની પ્રત્યેનો ઉદાત્ત પ્રેમ, એને માટેની કાળજી અને જે હાથ પક્ડ્યો એ કોઈપણ સંજોગોમાં સ્નેહથી, મજબૂતાઈથી પકડી રાખવાની ખેવનાએ સાચે જ મને મૌન કરી દીધી. આવાં વિરલ યુગલના સાયુજ્ય માટે કોઈ શબ્દો મારી વહારે ન આવ્યા.
ચાલો, શરૂઆતથી આ અનોખી પ્રેમકહાણી સાંભળીએ. વલ્લભવિદ્યાનગરમાં એંજિનિયર પિતા અને શિક્ષિકા માતાનાં ત્રણ સંતાનોમાં સૌથી મોટી જાસ્મીન અત્યંત મેધાવી, તીવ્ર સ્મરણશક્તિ ધરાવતી લાડકી દીકરી. શાળાકીય શિક્ષણથી માંડીને કરમસદની મેડિકલ કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો ત્યાં સુધીમાં કદી પણ બીજા ક્રમાંકનું મોઢું જોવાનો વારો નહીં આવેલો.
ભુજથી આવેલા નેહલ સાથે મેડિકલનાં બીજા વર્ષમાં કંઈક નોખા પ્રકારની લાગણી અનુભવી જે એકમેકને જીવનભર સાથ આપવાના કોલમાં પરિણમી, પણ ત્યારે જાસ્મીન હજી તો માંડ અઢાર વર્ષની અને નેહલ વીસનો.
હજી તો લાંબી મજલ કાપવાની બાકી હતી, પણ એટલું તો નક્કી થઈ જ ગયું કે, રહેવું છે તો એકમેકના જીવનસાથી બનીને. 1992માં આ નિર્ણય લેવાયા પછી બંનેની મુલાકાતો અને સાથે હરવા-ફરવાનું ભલે વધ્યું પણ અભ્યાસ પ્રત્યેની નિષ્ઠા કદીય જરા પણ ડગી નહીં.
1995માં બંને ગોલ્ડમેડલ મેળવીને ઉત્તીર્ણ થયાં ત્યારે જાસ્મીને એકાદ-બે વિષયો બાદ કરતાં બધા વિષયોમાં સૌથી વધુ ગુણાંક મેળવવા બદલ સુવર્ણ ચંદ્રકો પ્રાપ્ત કર્યા. અત્યાર સુધી ચાલતી વિઘ્નદોડનો એક મહત્વનો પડાવ M.B.B.S. ની પરીક્ષા ઝળહળતી સફળતા મેળવીને પસાર કર્યા પછી એ જ વર્ષે બેઉ પક્ષના વડીલોની સંમતિ અને રાજીપાથી બંને પ્રેમી પંખીડાં લગ્નગ્રંથિથી જોડાયાં.

એવું લાગતું હતું કે, જેને આંબવું છે એ આકાશ તો હવે જાણે હાથવેંતમાં જ છે! પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોઠો ભેદાય એટલે M.D. ની ડિગ્રી મેળવીને કારકિર્દીની શરૂઆત થઈ જશે.
97ની સાલમાં બેઉ ઓલ ઈંડિયા મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટમાં પણ ઉત્તીર્ણ થયાં. હજી એ સફળતાનો હરખ અનુભવે એ પહેલાં ખળખળ વહેતાં ઝરણાં જેવી શાંત જિંદગીમાં જે મસમોટું સુનામી ધસી આવ્યું એણે આ અરમાનભર્યાં હૈયાંઓને નંદવી નાખ્યાં. એમનાં અરમાનોને છિન્નભિન્ન કરી નાખ્યાં.
અચાનક નિદાન થયું કે, જાસ્મીનના બેઉ કાનની નસ પર ગાંઠ છે. એને કારણે ધીમે ધીમે એ શ્રવણશક્તિ ગુમાવતી જશે. ઑપરેશનની સફળતાની કોઈ ખાતરી નહીં, વળી મગજમાં જતી કેટલીય નાની નાની નસો બાજુમાંથી પસાર થતી હોય એને નુકસાન થવાની સંભાવના પણ પૂરેપૂરી.
જેનું નામ જ જાસ્મીન અને જે ચમેલીની માફક સુગંધ પ્રસરાવતી રહેતી એ કળી અકાળે મુરઝાવા લાગી. ઑપરેશન કરાવ્યા વિના તો ચાલે એમ જ નહોતું પણ ઑપરેશન પછીની રેડિયો થેરપી જેવી સારવારે અને સ્ટીરોઈડે એનાં શરીર અને મન પર ભયંકર આડાઅસરો બતાવવા માંડી.
યમના પંજામાંથી સત્યવાનને છોડાવનાર સાવિત્રીની કથા તો આપણે બહુ સાંભળી છે, પણ અહીં તો સત્યવાને આકરું તપ કરીને જીવસટોસટની આકરી તાવણીમાંથી સાવિત્રીને ઉગારી.
એક તબક્કે તો જાસ્મીન પાગલપણાની હદ સુધી પહોંચી ગયેલી. કોઈને ઓળખી ન શકે, પોતાનાં અસ્તિત્વ વિશે એનાં મનમાં હજારો સવાલો ઊઠે એવા સમયે નેહલે અપાર ધીરજ અને અખૂટ મમતાથી એને સંભાળી, સાચવી અને એનામાં આત્મવિશ્વાસનો સંચાર કરાવ્યો.
આજે એ બિહામણા દિવસો યાદ કરતાં જાસ્મીન કહે છે કે, ત્યારે હું માત્ર બે જ વ્યક્તિઓને ઓળખી શકતી હતી-એક નેહલને અને બીજાં મારાં મમ્મીને. એ સિવાય મારી સાંભરણમાં એક જ નામ હતું- મારી પ્રિય સખી બેજીનું.
બેજી જેસન જે મારી ખ્રિસ્તી સહેલી હતી, અને ગમે તે સંજોગોમાં મારી પડખે ઊભી રહેતી હતી. એ પછીની ન્યુમોનિયા, ફેફસાનું ઈંફેક્શન, ફેસિયલ પાલ્સી જેવી બીમારીઓ તો હજી નેપથ્યમાં મોઢું ફાડીને ઊભી હતી. આ બધી તકલીફોને કારણે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતાં કરતાં એણે એક પછી એક ત્રણ બ્રેક લેવા પડેલા. મનોબળ વેરવિખેર થતું જતું હતું.
કેટલાય લોકોની નજર જાણે કહેતી હતી, `હવે તું કંઈ નહીં કરી શકે. બસ, બહુ થયું, હવે છોડી દે ભણવાનું.’ આટલા બધા નનૈયા વચ્ચે જાસ્મીનનાં દિલમાં આશાનો દીપક ટમટમતો રહ્યો બે વ્યક્તિઓને કારણે-એક એનો ભાઈ અમિત અને બીજો એનો સ્નેહાળ સાથી નેહલ. જાસ્મીનને પોતાની જાતમાં હતો એના કરતાં વધુ ભરોસો આ બંનેને એનામાં હતો કે, ગમે તે હિસાબે એ M.D. કરશે જ.
ફરીથી ડગી ગયેલા આત્મવિશ્વાસને સમેટવો, પોતાની જાતને સાબદી કરવી અને નિરાશ કરી દેતી નજરોનો સામનો કરવો એ બધું હંફાવી દે એવું હતું. ગમે તેટલી નિપુણ હોવા છતાં હવે કોઈ એની શક્તિઓમાં, એની આવડતમાં ભરોસો મૂકે એવું નહોતું.
2000નો એ ગાળો જાસ્મીનના મનોબળને ભાંગીને ભૂક્કો કરી નાખે એવો હતો. મસમોટા પડકારો સામે અડીખમ ઊભાં રહેવાનું અને ધીરજ રાખીને પોતાની જાતને પૂરવાર કરી બતાવવાનું અશક્ય કામ એણે શક્ય કરી બતાવ્યું.
જ્યારે પહેલી જ વખત ઑપરેશન કરવાની તક મળી ત્યારે એણે રેકોર્ડ બ્રેક સમયમાં ગર્ભાશય કાઢવાનું ઑપરેશન કરીને હેડ મેડમની તો ખરી જ પણ સાથોસાથ સૌ સહાધ્યાયીઓની પણ વાહવાહી મેળવી. એક વખત સફળ શરૂઆત થયા પછી એણે કદી પાછું વાળીને જોયું નથી.
અનેક તકલીફોનો સામનો કરીને આજે તો એણે ભુજ જેવા શહેરમાં નામના મેળવી છે. દર્દીઓને આ ખુશમિજાજ ડૉક્ટર પર પૂરો વિશ્વાસ છે.

કાને બિલકુલ ન સંભળાતું હોવા છતાં પોતાના સહાયકોની મદદથી એ દર્દીઓની સમસ્યા બરાબર સમજી લે છે અને દિવસમાં ત્રણથી ચાર મુશ્કેલ ઑપરેશનો પણ કરે છે. કદાચ એનો જુસ્સો જોઈને ઉપરવાળાએ પણ એને તથાસ્તુ કહ્યું હશે એટલે આજે દીકરો શાશ્વત પણ મેડિકલમાં ભણી રહ્યો છે.
દિલ ખુશ કરી દે એવું નમણું સ્મિત કરતી જાસ્મીનને જોઈને ખાતરી થાય કે પેલો ‘be happy and make others happy’ વાળો મંત્ર એણે પોતાને હૈયે કોતરી રાખ્યો છે. એની સ્તબ્ધ કરી દે એવી જીવન કહાણી સાંભળીને મને આ પંક્તિઓ યાદ આવી-
“અમે દુ:ખને તો ક્યારે ગાંઠેલ છે રે,
એને ચપટીમાં ચોળી નાખેલ છે રે,
અરે એ તો મગતરાંની જાત..”
પહાડ જેવડાં દુ:ખોને મગતરું સમજી, ફૂંક મારીને ઉડાડી મૂકનાર જાસ્મીનની હવે વધુ કસોટી ન થાય અને આ ચમેલી પોતાનો પમરાટ પ્રસરાવતી જ રહે એવી પ્રાર્થના આપોઆપ મનમાંથી ઊઠે છે.

~ આશા વીરેન્દ્ર
avs_50@yahoo.com
Real inspirational story
You have done your job in a very positive way
“It always seems impossible until it’s done.” — Nelson Mandela
વાહ… ખૂબ સરસ પ્રેરણાત્મક વાત… વંદન ડૉ સાહેબની શક્તિને 🙏🙏🙏
ખૂબ સરસ અને પ્રેરણાદાયી. ડો.જાસ્મિન અને તેમના સૌ કુટુંબીઓને સલામ…
આવી ઉમદા વાત અહીં રજૂ કરી મારી જેમ અનેક વાચકો સુધી પહોંચાડવા માટે આશાબેન અને આપણુ આંગણુ ને અભિનંદન…આભાર
અરે વાહ! અત્યંત પ્રેરક….thanks for sharing..