પીળા આકાશની નીચે (વાર્તા) ~ માના વ્યાસ, મુંબઈ
(Note: Editor’s Choice)
સપ્ટેમ્બરનાં આખરના દિવસોની સલૂણી સંધ્યાએ, પીળા રંગની રંગોળીથી આકાશને ભરી દીધું હતું. જૂહૂ બીચના રાખોડી દરિયા પર સોનેરી ઢોળ ચડતો હતો. બે ચાર વાદળી આ દ્રશ્ય જોવા રોકાઈ ગઇ એમાં પીળા રંગની છોળમાં રંગાઈ ગઇ હતી.
બીચને અડીને આવેલા નાનાં ગાર્ડનને ખૂણે આવેલી બેંચ પર એક યુગલ બેઠું હતું. બેંચ પરથી સામે અફાટ સાગર ઘૂઘવતો દેખાતો હતો. હર થોડી મિનિટોમાં એક પ્લેન ગગનની વિશાળતામાં ખોવાઈ જતું હતું.
ઉતરતી યુવાની અને નજીક આવતાં વૃદ્ધત્વ વચ્ચે રહેલાં સમયને જીવી લેવાંની મથામણમાં એ યુગલ એક એક ક્ષણને માણતું બેઠું હતું.
‘તને આવું સપ્ટેમ્બર મહિનાનું પીળું આકાશ ખૂબ ગમતું ને? પુરુષ હળવેથી બોલ્યો.
‘ઘણીવાર તું જીદ કરીને કમાટીબાગ લઇ જતી ને ત્યાં ઘાસમાં સૂતાં સૂતાં પીળચટ્ટું આકાશ જોયા કરતી.’
‘કેમ તને એ જોવાનું નહોતું ગમતું?’ સ્ત્રીએ મોં પુરુષ તરફ ફેરવી લાડથી પૂછ્યું.
‘તને એ દ્રશ્ય જોતાં જોયા કરવી ગમતું. તને જે ગમતું એ બધું ગમતું.’ પુરુષની આંખમાં આસક્તિ ઉતરી આવી.
બંને ઘડીભર એકમેક તરફ જોતાં રહ્યાં પછી એક હળવો નિસાસો નાંખી ફરી દરિયા તરફ જોવાં લાગ્યાં.
‘ત્રીસ વર્ષ થઇ ગયાં. સમય જાણે જંગલી જાનવર પાછળ પડ્યું હોય એમ દોડતાં પસાર થઈ ગયો. વચ્ચે ક્યારેય પીળું આકાશ નહોતું જોયું? પુરુષે પૃચ્છા કરી.
‘જોતી હતી ને. દરેક સપ્ટેમ્બરમાં. પણ બારીમાંથી નજર કરું ત્યાં કોઈ વાર મહેમાન આવ્યાં હોય કે બાળક રડતું હોય અથવા સાસુ સસરામાંથી કોઈ બિમાર હોય. ઘણીવાર આકાશને જોવા કરતાં સમયસર કામ પરથી ઘરે પહોંચવાનું વધુ જરૂરી રહેતું હતું.’ સ્ત્રીનો અવાજ અત્યંત મધુર હતો પણ તેમાં થોડી નિરાશાની છાંટ હતી.
‘નીના, તારી તો સગાઈ પણ સપ્ટેમ્બરમાં થઈ હતી ને? મને એવું યાદ છે. મારી એન્જિનિયરીંગની ત્રીજા વર્ષની પરીક્ષા ચાલતી હતી. મારું વાંચવામાં ધ્યાન નહોતું, ત્યારે હું ત્રણ વિષયમાં ફેલ થઈ ગયેલો.’ પુરુષ હસવા ગયો પરંતુ અંતે મોં પર વિષાદની રેખા અંકાઇ ગઇ.
‘મોહક, આમ જુઓ તો મારી પણ પરીક્ષા જ હતી ને.. ગમતો વિષય છોડી દેવો પડ્યો અને ક્યારેય ન શીખેલા વિષયની પરીક્ષા આપવી પડી.’ સ્ત્રી જેનું નામ નીના હતું એ હળવો નિસાસો નાંખતાં બોલી.
બંને ક્યાંય સુધી કંઈ ન બોલ્યાં. જુહૂ બીચ પર ફરતાં, દોડતાં, પાળેલા શ્વાન સાથે રમતાં લોકોને જોતાં રહ્યાં. એમ લાગતું હતું કે એમનાં હાથમાંથી રેતી જેમ સરી ગયેલો સમય આજે દરિયાની ભરતી ભીંજવી જશે.
‘નીના તારા પપ્પા હજી એવા જ હઠાગ્રહી અને કડક છે?’
‘ના રે.. એક તો પારકિન્સસના કારણે ઢીલા થઈ ગયા છે, ને દીકરાની વહુ એટલે કે મારી ભાભીએ એમનો અહંકાર ચૂરચૂર કરી દીધો છે. મમ્મી તો વહેલી જતી રહેલી.બાકી કૉલેજનાં પ્રિન્સીપાલ પી.ડી. આચાર્યના મોં પર પૂછયા વગર સ્મિત પણ ફરકી શકતું નહીં, એ હવે હંમેશા કોઈ મળવા આવે એની રાહ જોયા કરતા હોય છે.’ નીના વ્યંગમાં હસી.
‘હવે આવું મળવા?’ મોહકે હસવાની કોશિશ કરી.
‘હંહં.. Too late. આખી જુવાની જતી રહી. એક સાવ અજાણ્યા માણસ સાથે અને એનાં પરિવાર સાથે… મમ્મી સમજાવતી રહેતી, “પરણી જા.. પ્રેમ તો થયા કરશે. આખો દિવસ લવ યુ લવ યુ કહી પેટ નહીં ભરાય. ગાડી, બંગલા પણ જોઇએ. ત્યારે પપ્પા સખત બીઝી રહેતા એટલે પપ્પાની સતત ગેરહાજરી એ ગાડી અને મહિલા મંડળથી પૂરી કરતી.’ નીનાના અવાજમાં કંપ ઉઠી આવ્યો.
‘આજે હું બાયોલોજીની હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ છું અને મારી પોતાની ગાડી ખરીદી શકી છું.’
‘ત્યારે મારી પાસે કંઈ નહોતું નીના, એન્જિનિયરિંગની ડીગ્રી પણ નહોતી અને તારા પપ્પાએ મને કોલેજમાંથી રસ્ટીકેટ કરવાની ધમકી આપેલી. હું ડરી ગયેલો. આજે હું મોટી ફેક્ટરીમાં પાર્ટનર છું.’
મોહક હજી વધુ ઉદાસ થતા બોલ્યો,’ જ્યારે મારા પપ્પાને રસ્ટીકેટ થવાની ખબર પડી હતી ત્યારે એ રડી પડેલા અને બે દિવસ જમ્યા નહોતા. અશક્તિથી પડી ગયા પછી મારે કરગરીને જમાડવા પડેલા. કહેતાં, ”બસ ફક્ત ભણવામાં ધ્યાન આપ. તારી બે નાની બહેનોની જવાબદારી તારા પર છે.” મારી મમ્મી મારી સાથે બે-ત્રણ દિવસ બોલી નહોતી.’
‘આજે મારી બંને બહેનો ડૉકટર થઈ છે. આખી હોસ્પિટલની જવાબદારી ઉપાડી શકે છે.’
નીનાએ એક ઊંડો શ્વાસ ફેફસામાં ભર્યો અને પછી હળવેકથી છોડ્યો. નીનાએ મોહકના ખભે માથું મૂકી દીધું. મોહકે હાથ નીનાની આંગળીઓમાં પરોવી દીધો.
મોહકને લાગ્યું કે નીનાની હથેળી સુકાઇ ગઇ છે. નીનાને લાગ્યું મોહકનો ખભો વધુ સુદ્રઢ થયો છે પણ સુગંધ બદલાઈ ચૂકી છે.
જે મોહકનો કુમાશભર્યો ચહેરો એનાં સ્મરણમાં હતો એને બદલે જિંદગીના આટાપાટામાંથી પસાર થઈ ચૂકેલો, થોડો રુક્ષ અને અનુભવી વ્યક્તિનો ચહેરો હોય એમ લાગ્યું.’
બંને મનમાં વિચારી રહ્યાં હતાં કે એ વખતે માબાપની વાત ન માની હોત તો..
‘અરે, સામેથી માગું આવ્યું છે, એકદમ જાણીતો પરિવાર છે અને છોકરો વેલ સેટલ્ડ છે પછી શું જોઈએ? મોહક હજી ત્રીજા વર્ષમાં છે. હજી ભણશે, પછી નોકરી કરશે, ઘરનો ભાર ઉપાડશે એમાં તારે પણ જોતરાવું પડશે સમજી? જિંદગી વીતી જાય છે પૈસો ભેગો કરવામાં. મોહકનું સાવ જૂની પોળમાં નાનું ઘર છે. પાણી પણ નીચે ભરવા જવું પડે છે.’
‘હું તારો પિતા છું, મારે તો તપાસ કરાવવી જ પડે. તારા સારા ભવિષ્ય માટે અમે ચિંતા ન કરીએ તો કોણ કરશે?’ પપ્પાએ વાસ્તવિકતાને વધુ ડરામણી કરતા કહેલું.
એ પછી નીના મોહકને છેલ્લીવાર મળવા ગઇ હતી.
‘મોહક.. શું કરીએ?’
મોહક સાવ બદલાયેલો અને ગભરાયેલો લાગતો હતો. વારંવાર આજુબાજુ જોતો રહેતો હતો.
‘નીના, સોરી યાર, હું હમણાં તો લગ્ન માટે વિચારી જ નથી શકતો. એન્જિનિયરિંગની ડીગ્રી મારે માટે ખૂબ જ જરૂરી છે. તુ રાહ જોઇ શકતી હોય તો, બાકી.. ઓલ ધ બેસ્ટ.’
બંને આમ જ કમાટીબાગને ખૂણે આવેલી બેંચ પર બેસી રહેલાં. સજ્જડ ભીડેલી હથેળીઓ સાંજ ઉતરતા હળવેથી ખૂલતી ગઇ અને રાતનું અંધારું ઉતરતા અલગ થઈ ગઈ.
‘તે રાહ કેમ ન જોઇ?’ અચાનક મોહકથી બોલાઇ ગયું. એના શ્વાસમાં ખભે માથું મૂકેલી નીનાના હજી સુંવાળા રહેલા વાળમાંથી આવતી ખુશ્બુ ભળતી જતી હતી.
‘આપણે બંને એકવીસ વર્ષનાં હતાં. એટલી મેચ્યોરીટી અને હિંમત ક્યાં હતાં? આપણું આખું આખું જનરેશન જ એવું હતું.’
‘પણ મેં મારી દીકરીને કહી રાખ્યું છે જે ગમે એની સાથે જ પરણજે.’ નીનાનાં સ્વરમાં આર્દ્રતા ઉતરી આવી.
‘તારે દીકરી છે? શું નામ છે?’
‘મોહા. 26 વર્ષની છે.’
‘What? Wow.’ મોહક લગભગ ઉછળી પડ્યો. મોહા.. કેટલું સુંદર નામ!
‘અને તારે?’ નીનાએ પૂછ્યું
‘એક દીકરો છે. નિનાદ. ઓગણીસ વર્ષનો છે. હું એને ઘણીવાર નીના કહી બોલાવું છું. મોહકે નીનાની હથેળી દાબી સીધું આંખોમાં જોતા કહ્યું.
બંને ખડખડાટ હસી પડ્યાં અને હસતાં હસતાં બંનેની આંખો તરલ થઇ ગઇ. બંને ફરી મૌન થઈ ગયાં. બંનેએ એકબીજાને પોતાના અસ્તિત્વમાં જીવંત રાખ્યાં હતાં.
સામે સમુદ્ર અવિરત ઉછળતો હતો. આ સાંજ પછી પણ પાછી રાત ઊતરી આવશે. ફરી સંસાર ચાલ્યા કરશે.
મોહક અને નીના જ્યારે છુટા પડ્યાં હતાં પછી છેક ગયા વર્ષે વડોદરામાં યુનિવર્સિટી રીયુનિયન અને પોતપોતાના ક્ષેત્રોમાં યોગદાન બદલ આપવામાં આવતાં એવોર્ડ સમારંભમાં મળી ગયાં હતાં. સ્ટેજ પર પહેલા નીનાની સિધ્ધિઓ બદલ એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે મોહક આશ્ચર્યચકિત થઈ ગયેલો.
‘નીના નીના.. એ સ્ટેજના પગથિયાં પાસે ઊભો રહી ગયેલો. ધડકતા હૃદયે એણે પગથિયાં ઉતરતી નીનાને કહ્યું, ‘હાય. અભિનંદન. હું મોહક.’
તરુણમાંથી સીધા વાળમાં હલકી સફેદીવાળા મોહકને નીના એકદમ ઓળખી શકી નહોતી. એમણે હાથ મિલાવ્યા અને.. ત્યારે જ નક્કી કરેલું કે હવે મુંબઈમાં મળશું .
‘તારા પતિ.. કેવાં છે ? આઇ મીન સ્વભાવ વગેરે..અરે ફોટો તો બતાવ?’ મોહકે સહજ ભાવે કહ્યું.
‘નીનાએ મોબાઈલ કાઢ્યો અને પતિ જીગર અને પુત્રી મોહાનો ફોટો બતાવ્યો.’ સારાં છે. હું બધી રીતે અનુકૂળ થતી ગઈ એટલે વાંધો ન આવ્યો. મેં ફક્ત આગળ ભણવા માટે અને પછી નોકરી કરવાની ઇચ્છા બતાવેલી જે એમણે પૂરી કરેલી.’
‘તારી પત્ની? સુંદર છે?‘ નીના ઉત્સુકતાથી પૂછી બેઠી.
મોહકે આઇફોનમાં પત્ની અમિતા અને પુત્ર નિનાદનો ફોટો બતાવ્યો.
‘અમિતા અમારી જ્ઞાતિની જ છે. એમ.બી.એ પછી મને સારી નોકરી મળી હતી. પછી મમ્મીએ જે પહેલી છોકરી બતાવી એની સાથે લગ્ન કરી લીધા. ઘર અને વ્યવહાર ચલાવવામાં કુશળ છે. મેં એની પાસે એથી વધુ અપેક્ષા નથી રાખી.‘
બંને એકબીજાને માથું ટેકવી ક્ષિતિજમાં જોતાં બેસી રહ્યાં.
એક પ્રકારની વજનદાર લાચારીની ભીંસ છાતી પર બંને જણ અનુભવી રહ્યાં. કોઇ નાના બાળકને ભાવતું આઇસ્ક્રીમ હાથમાંથી છીનવી ગળચટ્ટી લોલીપોપ હાથમાં પકડાવી દે અને હતપ્રભ શું બાળક લોલીપોપ ચાટવા માંડે એવી લાગણીનો અનુભવ જાણે થઈ ગયો.
પીળું આકાશ હવે સૂરજના ડૂબવા સાથે રંગ સમેટવા માંડ્યું હતું. હવે રાત જ આવશે એની ખાતરી થવા માંડી અને રાતને આવતા રોકી નહીં જ શકાય.
આખરે નીના કંઈ નિર્ણય પર આવી હોય એમ સીધી બેસી ગઇ અને ફરીને મોહકની સન્મુખ થઈ ગઈ. મોહકની ભરાવદાર મજબૂત હથેળીમાં પોતાના હાથ મુકી દેતા બોલી,
‘મોહક, તકદીરે આપણને ભેગાં નથી થવા દીધાં. ખેર, કોઈ દૈવી યોજના કામ કરી ગઈ હશે. જો આપણે હજુ એક થવું હોય તો થઇ તો શકીએ, દુનિયાથી, પરિવાર અને સમાજથી લડી ઝઘડીને. પણ આપણાં જૂનાં સંબંધો અને સ્મરણો ક્યારેય પીછો નહીં છોડે. આપણાં ઘરનાં હિંચકા પર ઝુલતાં આપણે આપણાં પરિવારને જ યાદ કરતાં રહેશું. ત્રીસ વર્ષનાં સંભારણા અને ઘટનાઓનું પોટલું છોડી બેસી જશું. પછી વળીને પાછાં આવવાનું મુશ્કેલ બની જશે.‘
‘તારી વાત સાચી છે નીના. બે મિનિટ હું તારી સાથે કાયમ રહેવાનાં સ્વપ્નો જોવા માંડેલો પણ એ હકીકત બને તો કંઈ કેટલાં મન દુભાય એ પણ સમજાઈ ગયું. પણ આપણે વરસમાં એક વાર તો મળશું જ. બોલ મળશે ને નીના?‘
‘હા.. મોહક તકદીર પાસે એટલો સમય છીનવીને લઇ આવીશ. સાવ ઘરડાં થઈએ ત્યાં સુધી. જે ડાળી પર છીએ ત્યાં પર્ણોની જેમ પીળા પડતાં જશું પણ..‘
હરેક સપ્ટેમ્બરમાં પીળા આકાશ નીચે મળીશું.
~ માના વ્યાસ, મુંબઈ
mana.vyas64@gmail.com
Mona v nice story Congretulation
સુંદર વાર્તા 👍👌
Lovely, that’s it.