કલકત્તા કવિ સંમેલન (એક યાદગાર અનુભવ) ~ અનિલ જોશી

એક સવારે સુરેશ દલાલનો ફોન આવ્યો: “અનિલ ,આપણે કલકતા જવાનું છે. તૈયારી રાખજે. વી.ટી. સ્ટેશનથી હાવડા મેલમાં જવાનું છે.”

મેં કલકત્તા જવાની તૈયારી કરી લીધી. નિયત તારીખે અને સમયે હું બેગ લઈને વી.ટી.સ્ટેશન પહોંચી ગયો. પ્લેટફોર્મ પર જોયું તો મારા આશ્ચર્ય વચ્ચે હરીન્દ્ર દવે, જગદીશ જોશી, વિપિન પરીખ અને સુરેશ દલાલ સામાન સાથે પ્લેટફોર્મ પર ઊભા હતા. થોડીવારે રમેશ જાની પણ આવી ગયા.

કલકત્તા હું પહેલીવાર જતો હતો એટલે એનો હરખ પણ હતો. અમારી કેર લેવા માટે અમર જરીવાલા હાજર હતા. ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી.

લાલ બાંડીયાવાળા મજૂરોએ અમારો સમાન ફર્સ્ટ કલાસ કમ્પાર્ટમેન્ટ મૂકી દીધો. સહુ પોતપોતાની સીટ ઉપર ગોઠવાઈ ગયા. ટ્રેન ઉપડી. એટલામાં આગળ જતા જગદીશ જોશીએ બેગમાંથી “શિવાસ રીગલ”ની બોટલ કાઢીને મને બતાવી.

શિવાસ રીગલ બહુ ઉચ્ચ કોટીનો શરાબ. આદિલ મન્સૂરીએ તો “શિવાસ રિગલ”નું નામ બદલીને “શિવવાસ” એટલે કે શિવનો જેમાં વાસ છે તે શિવાસ.

હાવડામેલ ફુલ સ્પીડમાં દોડી રહ્યો હતો. શરાબની આ બોટલ જોઈને મારે બત્રીસ કોઠે દીવા થઈ ગયા. એ દિવસોમાં હું નવોસવો હતો, એટલે ખૂબ શરાબ પીતો હતો .

એવામાં હરીન્દ્રને ના ગમ્યું, પણ હરીન્દ્રની વિશેષતા એ હતી કે પોતાનો અણગમો બોલીને ના બતાવે. પણ સુરેશે તરત મને અને જગદીશને કહી દીધું: “તમે બેય પાછળના કમાર્ટ્મેન્ટમાં જે પીવું હોય તે પીઓ. અહીં નહિ. પીવાનું પૂરૂ થાય એ પછી અહીં આવજો. ડિનર બાકી છે.”

જગદીશ અને હું, પાછળના કમ્પાર્ટમેન્ટ જઈને બોટલ ખોલીને ચિયર્સ કર્યું. ખૂબ પીધો. પછી હરીન્દ્ર આવીને કહે: “હવે ભૂખ લાગી છે ચાલો.”

સહુ ટિફિન લઈને આવ્યા હતા. હું તો સાવ એકલો હતો. મુંબઈમાં પેઇંગગેસ્ટ તરીકે રહેતો હતો. હરીન્દ્રએ ડબ્બામાંથી થેપલા કાઢ્યા, સુરેશનું ટિફિન જોરદાર હતું. વિપિન પરીખે લસણની ચટણી અને અથાણું કાઢ્યું.

સડસડાટ દોડતા હાવડા મેલમાં અમે અલકમલકની વાતો સાથે વાળું કર્યું. મોડી રાત થઈ ગઈ હતી. જગદીશ અને હું પાછલી બર્થમાં જઈને સૂઈ ગયા. ટ્રેન સડસડાટ દોડ્યે જતી હતી ક્યારે પડી સવાર મને કઈ ખબર નથી અમે ઘોટાઈ ગયા. એટલું સારું હતું કે અમારામાંથી કોઈના નસકોરા નહોતા બોલતા!

સવારે હરીન્દ્રએ નસ્કોરાની વ્યાખ્યા કરી કે નસકોરા એ શ્વાસનું સંગીત છે એનાથી સહુ વંચિત રહી ગયા. હવાની આવનજાવન પણ મ્યુઝિકલ હોય. સહુ હસી પડયા.

વચ્ચે રસ્તામાં ટ્રેન અંતરિયાળ ઊભી રહે તો હરીન્દ્રનો ઘેઘૂર અવાજ સંભળાય: ટ્રેન કેમ અધવચ્ચે ઊભી રહી?” સહુ ચૂપ. કોઈ જવાબ ન મળે. કેટલાક સવાલો એવા હોય છે જે અનુત્તર રહેતા હોય છે.

મુસાફરીમાં હરીન્દ્રને એક ટેવ હતી કે કોઈ મોટા સ્ટેશને ઉતરે અને બુકસ્ટૉલ પર ખાંખાખોળા કરીને કોઈ નવું પુસ્તક લઇ આવે.અને સહુને બતાવીને કહે: “જુઓ, કૃષ્ણ વિષે રામમનોહર લોહિયાનું આ પુસ્તક છે. હું ક્યારનો શોધતો હતો તે મળી ગયું.”

કૃષ્ણનું નામ આવે એટલે સુરેશ દલાલ તરત એકસાઇટ થઇ જાય .મારી ચેતનામાં પણ કૈક સળવળાટ થવા લાગે. સુરેશ તરત કમેન્ટ કરે: ” કૃષ્ણ એ મારી સરરિયલ અનુભૂતિ છે.”

એ દિવસોમાં સિતાંશુ ઘણા સરરિયલ કાવ્યો લખતા હતા એટલે એના જુદાજુદા પ્રતિભાવો આવે તે સ્વાભાવિક છે.

એમાંય મારી આખી યુવાની ગોંડલમાં ભાઈ અને મકરંદ સાથે વીતી હતી, તેથી મારો મિજાજ પણ કૃષ્ણમય હતો. જગદીશ અને હરીન્દ્રનો મિજાજ રોમેન્ટિક એટલે એમની રીતે કૃષ્ણમય હતા.

સુરેશ ખૂબ વાંચે એટલે અનેક કવિતાઓની પંક્તિઓ સુરેશને કંઠસ્થ હોય. આખરે અમે જલસા કરતા કરતા કલકત્તા પહોંચ્યા. મારા માટે કલકતાની પહેલી મુસાફરી હતી એટલે વિસ્મય બહુ છલકાતું હતું.

સ્ટેશન ઉપર કનુભાઈ ભાલરિયા લેવા આવ્યા હતા. હાવડા બ્રિજ પર થઈને અમે સહુ કનુભાઈને ઘેર પહોંચ્યા, કનુભાઈનું ઘર એટલું વિશાળ હતું કે સહુ મોકળા થયા. વાતોના વડા ચાલ્યા. એવામાં શિવકુમાર જોશી પણ આવી પહોંચ્યા. એ પછી શિવકુમાર સાથે નક્કી કર્યું કે, “આવતી કાલે સવારે દક્ષિણેશ્વેર હું તમને બધાને લઇ જઈશ.” આટલું કહીને શિવકુમાર જતા રહ્યા

અહીં દ્રશ્ય બદલાય છે. બીજે દિવસે શિવકુમાર બગલાની પાંખ જેવું છુટ્ટી પાટલીનું ધોતિયું પહેરીને આવી ગયા છે. અમે બધા તૈયાર થઇ ગયા છીએ. સહુ નીચે ઊતરીએ છીએ. શિવકુમારની ગાડીમાં ગોઠવાઈ ગયા. ગાડી સ્ટાર્ટ થઇ. કલકત્તાના રસ્તા ઉપર આડાઅવળા વળાંકો લેતી સડસડાટ જઈ રહી છે.

અમે લગભગ બપોર પહેલા દક્ષિણેશ્વર પહોંચીએ છીએ. દક્ષિણેશ્વરમાં પ્રવેશ કરતા જ મારો જીવ ગભરાવા લાગ્યો. કોઈ અકળ અનુભૂતિએ મને ખેંચી લીધો. મારી આંખ બધે ફરતી રહી. એ પુકુર, એ વૃક્ષો, એ જમીન જોઈને મને થયું કે હું અહીં આવી ગયો છું. બધું જ મને પરિચિત કેમ લાગે છે?

અંદર જેમ જેમ આગળ વધતો ગયો તે એ અનુભૂતિ અતિ તીવ્ર બની ગઈ. હું મોટા અવાજે રડવા લાગ્યો. હરીન્દ્ર અને સુરેશ ગભરાઈ ગયા. હરીન્દ્ર કહે: “શું થયું? શું થયું?”

હું જોરથી બરાડો પાડીને હરીન્દ્રને કહું છું: ” હરીન્દ્ર , મને કૃષ્ણનો ટેલિફોન નંબર આપો. જલ્દી આપો. હું અહીં આવી ગયો છુંં, અહીં હું રહ્યો છું.”

મારી આવી લવારી સાંભળીને હરીન્દ્ર મારી વાંહે હાથ ફેરવતા આશ્વાસન આપે છે: ” જરૂર તને હું કૃષ્ણનો ટેલિફોન નંબર આપીશ.”

હું થોડોક સ્વસ્થ થયો. રામકૃષ્ણના ઓરડામાં ગયા કે તરત મેં એવી શાંતિનો અનુભવ કર્યો, જેનું વર્ણન શબ્દોની તાકાત નથી કે કરી શકે.

મને લાગ્યું કે આ ધરતી મને ખેંચી રહી છે. આખું દક્ષિણેશ્વર ફર્યા પછી ઘેર પાછા જવા માટે પાર્ક કરેલી ગાડીમાં બેઠા અને બહાર નીકળ્યા કે તરત એ અનૂભૂતિ ચાલી ગઈ. હું નોર્મલ થઇ ગયો.

સુરેશ, શિવકુમાર, જગદીશ બધા પૂછવા લાગ્યા: “દક્ષિણેશ્વરમાં તને શું થઈ ગયું હતું?” હું ચૂપ રહ્યો. બસ એ દિવસથી હરીન્દ્ર જીવ્યા ત્યાં સુધી જન્માષ્ટમીના દિવસે હરીન્દ્રનો ફોન અચૂક આવે: “અનિલ, કૃષ્ણનો ટેલિફોન તને મળ્યો? મને હજી નથી મળ્યો. “હું જવાબ આપું: “હું ક્યારનો ફોન લગાડું છું, પણ સતત એન્ગેજ આવે છે.”

મારી આ અનૂભૂતિ મેં મકરંદને કહી હતી તો મકરંદે ગંભીર થઈને કોઈ જુદા લોકમાં ખોવાઈ ગયા હોય એમ કહ્યું: “એટલે તો હું ક્યારેય કલકત્તા જતો નથી. નિમંત્રણ આવે તો વિનયપૂર્વક ‘ના’ પાડી દઉં છું.”

ભાઈ (નાથાભાઈ જોશી) પણ કલકત્તા ક્યારેય ગયા નથી. ભાઈને પૂછ્યું તો કઈ બોલ્યા નહિ. ફક્ત એટલું જ કહ્યું; ‘કોઈવાર પૂર્વજન્મની સ્મૃતિની થોડીક ક્ષણો પૂરતી ઝલક દેખાઈને અલોપ થઇ જતી હોય છે, ઇન્ફિનિટી “

હું સમજી ગયો. એ પછી તો હરીન્દ્ર અને સુરેશ દલાલ વારંવાર ગોંડલ ભાઈ પાસે જવા લાગ્યા એ જાણીતી વાત છે. ભાઈએ આ બધી વાતો લખવાની મનાઈ કરી હતી એટલે હું ભાઈના જીવતેજીવ લખી શક્યો નહોતો તે આજે લખી રહ્યો છું.

મને હજી કૃષ્ણનો ટેલિફોન નંબર મળ્યો નથી. મારી ટેલિફોન ડાયરીમાં “K” નું પાનું હજી ખાલી છે.

ફરી પાછો હું કલકત્તાની રિયાલિટીમાં આવી ગયો. એ દિવસે યોગીનીબહેનને ઘેર હરીન્દ્ર, સુરેશ સાથે કવિતા પાઠ માટે જવાનું હતું. અમે ગયા. કવિતા પાઠ પછી જબ્બરજ્સ્ત લંચ રાખ્યું હતું. હું ને જગદીશ નશામાં હતા. સુરેશે કવિતાની ડાયરી લઈ લીધી, કવિતાઓ વાંચવાની હતી. હું બિલકુલ ટ્રાન્સમાં હતો. સ્મૃતિ-વિસ્મૃતિની આ ભૂલભૂલામણી અને સંતાકૂકડીનો ખેલ હું જોયા કરું છું.

~ અનિલ જોશી 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment