અલવિદા અનિલ જોશી ~ અમે બરફનાં પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં ~ હિતેન આનંદપરા ~ સાભાર: ગુજરાતી મિડ-ડે


`મને ખબર નથી કે હું કેવી રીતે મૃત્યુ પામવાનો છું. એ સત્ય છે કે મનુષ્ય જન્મ લેતી વખતે માત્ર એક જ માર્ગથી સૃષ્ટિ પ્રવેશ કરે છે, પણ મૃત્યુના અનેક માર્ગ હોય છે. અમર થઇ જવાની ભ્રાંતિમાં હું જીવ્યો નથી. ક્ષણ જીવી રહ્યો છું.’
આવું કહેનાર અનિલ જોશીએ 26 ફેબ્રુઆરીએ આપણી વચ્ચેથી વિદાય લીધી.
બેએક અઠવાડિયા પહેલા એમને હૃદયરોગનો હળવો હુમલો આવ્યો હતો. એ પછી સર્જરી કરાવી, હૉસ્પિટલમાંથી રિકવર થઈ પાછા ગોરેગામના 45મા માળે આવેલા ઘરે આવ્યા.

પણ કદાચ આકાશ તેમને પોતાની પાસે બોલાવવા ઇચ્છતું હતું.

કવિ અનિલ જોશી ભરપૂર જીવ્યા. એક ફેસબુક પોસ્ટમાં એમણે લખ્યું હતું,

`મારી ઉંમર 85 થઇ છે છતાં મજબૂત છું એનું રહસ્ય ગાંધીજી પ્રેરિત બુનિયાદી નિશાળમાં હું ભણ્યો છું. ગાંધીજીએ પરિશ્રમને “શ્રમ યજ્ઞ’ કહીને બહુ ઊંચી સંકલ્પના આપી છે.’
ગોંડલમાં જન્મેલા આ સક્ષમ તળપદી કવિ અને બળુકા નિબંધકારે 1962-1969 દરમિયાન હિંમતનગર, અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી. 1971-76 સુધી તેઓ `કૉમર્સ’ સામયિકના તંત્રી રહ્યા. 1976-77માં વાડીલાલ ડગલીના પી.એ. તરીકે પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક તરીકે કામ કર્યું.

1977થી મુંબઈ મહાનગરપાલિકામાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રાજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર કામ કર્યું. એમની નિમણૂક વખતે ડિગ્રીની ટેકનિકલ સમસ્યા હતી ત્યારે બાળાસાહેબ ઠાકરેએ એમની કવિ તરીકેની પ્રતિભા અને ભૂમિકાને કારણે નોકરી અપાવી હતી.

નિવૃત્તિ પછી ભારતીય વિદ્યાભવન સાથે સંલગ્ન હતા.

અનિલ જોશીના કાવ્યસંગ્રહોમાં `કદાચ (1970), `બરફના પંખી (1981) અને ત્યાર બાદ આ બંને સંગ્રહનું પુનર્મુદ્રણ `ઓરાં આવો તો વાત કરીએ’ (2002) અને છેલ્લે સમગ્ર કવિતા `સાગમટે’નો સમાવેશ થાય છે.

નિબંધસગ્રહોમાં `રંગ સંગ કિરતાર, `પવનની વ્યાસપીઠે’, `જળની જન્મોતરી’, `સ્ટેચ્યૂ’, `બોલપેન’, `બારીને પડદાનું કફન’, `દિવસનું અંધારું છે’, `કાગડો ધોળા દિવસનું અંધારું છે’ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે કેટલીક ઉત્તમ વાર્તાઓ પણ લખી છે જે `અનિલ જોશીની કેટલીક વાર્તાઓ’ પુસ્તકમાં સંગ્રહિત થઈ છે.

ગયા વર્ષે એમની આત્મકથા `ગાંસડી ઉપાડી શેઠની’ પ્રકાશિત થઈ હતી.

યુવાવસ્થામાં મોરબી આર્ટ્સ કોલેજમાં હતા ત્યારે હિંદી નાટકમાં અભિનય કર્યો હતો.

એ અરસામાં એમની પહેલી કવિતા `કુમાર’ સામયિકમાં પ્રસિદ્ધ થઇ હતી. આ કવિતાને કારણે તેમને અમદાવાદની એચ. કે. કોલેજમાં પ્રવેશ મળેલો. અનિલ જોશીની લેખન અને સાહિત્યિક કારકિર્દીનું ઘડતર મુંબઈમાં વિશેષ થયું.
તેઓ કારકિર્દી સંદર્ભે નોંધે છેઃ
`મુંબઈ આવ્યો ત્યારે બહુ કડકીના દિવસો હતા. બેરોજગાર હતો. એ દિવસોમાં હરીન્દ્ર દવે એ મને જન્મભૂમિમાં પત્રકાર તરીકે નોકરીની ઓફર કરી હતી પણ મારો નાનો પરિવાર હતો. ના જોડાયો. કવિ સિતાંશુએ તો મારા માટે એમ.એ.નું ફોર્મ મુંબઈ યુનિવર્સિટીમાંથી લાવીને મને આપતા કહ્યું; `એમ.એ. થઇ જા એટલે અધ્યાપકની સલામત નોકરી મળી જશે.’ પણ યુનિવર્સિટીમાં મારો જ કાવ્યસંગ્રહ “બરફના પંખી’ મારે ભણવાનો હતો એટલે મેં ફોર્મ ના ભર્યું. છેવટે હરીન્દ્ર દવેએ મારી પાસે કોલમો લખાવી.
હસમુખ ગાંધીએ તો સમકાલીનમાં ત્રણ ત્રણ કોલમો લખાવી. એ પછી પિન્કી દલાલે સતત છ વર્ષ સુધી મારી પાસે ડેઇલી કોલમ “કોફી હાઉસ’ લખાવી. અને છેલ્લે છેલ્લે તો દિવ્ય ભાસ્કરમાં કૃષ્ણકાંત ઉનડકટે લાંબા સમય સુધી મારી પાસે કોલમ લખાવી. મને હવે લેખો લખવાની આદત પડી ગઈ છે. કવિતા ઓછી લખાય છે પણ કોલમની આદતથી મારું વાચન સતત વળી ગયું છે.’

કવિ માટે વાચન એક પ્રકારનું ભોજન હતું. એમને મળીએ એટલે વિશ્વ સાહિત્યની વાત કરે. કયું સારું પુસ્તક આવ્યું છે કે શું વાંચવા જેવું છે એની વાત વિસ્તારથી કરે.

થોડા વર્ષો માટે તેમને લંડન રહેવાનું થયું હતું. એ સમયગાળાના વાચન-સર્જન વિશેની વાત કરતાં તેઓ લખે છેઃ
`જૂન-જુલાઈના દિવસોમાં અમારું બીજું હોમટાઉન રોચેસ્ટર કેન્ટ મારા લોહીમાં ભળી ગયું છે. ચાર્લ્સ ડિકન્સનું ગામ છે. મારું વાચન મુંબઈની આપાધાપીમાં બહુ ઓછું હતું, પણ રોચેસ્ટરમાં દીકરાએ ઘર લીધું ત્યારે વર્ષે છ મહિના મારે રોચેસ્ટર રહેવાનો યોગ માએ સર્જ્યો હતો.

રોચેસ્ટરના કાફેમાં બેસીને જ મેં વિશ્વના સમર્થ કવિઓને વાંચ્યા છે. મારા જન્મદિવસ પણ ત્યાં જ ઉજવ્યા છે. ઘણી બધી કવિતાઓ મેં કાફેમાં બેસીને જ લખી છે, અનુવાદો પણ ખૂબ કર્યા છે. સાચું કહું તો આ રોચેસ્ટરમાં જ મારો પુનર્જન્મ થયો છે. મેડવે નદી અમારા ઘરની શાખપાડોશી હતી એટલે મેડવેના નીર હજી મારી આંખોમાં છે.’
ચાસણીમાં રસગુલ્લું તરબતર હોય એમ કવિતાથી તરબતર લેખો અને નિબંધોના આ લલિત સર્જક ક્યારેક અલલિત કહી શકાય એવા વાદ-વિવાદમાં પણ સંકળાયા હતા.
સમકાલીનમાં તેમની કૉલમ ચાલતી ત્યારે એક ધાર્મિક સંદર્ભે તેમણે લખેલા લેખને કારણે હોબાળો મચી ગયો હતો. એમાં તેમણે સાધુ માટે સાધુડો શબ્દ વાપર્યો હતો. આ કારણે જાનની ધમકી મળી હતી. વર્ષ 2015માં રેશનાલિસ્ટ એમ. એ, કાલબુર્ગી, ગોવિંદ પાનસરે અને નરેન્દ્ર દાભોલકરની હત્યાના વિરોધમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એવૉર્ડ તેમણે પાછો આપ્યો હતો.
યુવાનીમાં ભગવાન-બગવાનમાં ન માનનારા આ કવિ પાછલી અવસ્થામાં મા જગદંબાનો મહિમા કરતા હતા. શ્રાદ્ધ નિમિત્તે તેમના લખાણમાં એમની વિદ્વતા અને આસ્થા બંને પ્રગટ થાય છેઃ

`આજે સર્વપિતૃ શ્રાદ્ધ છે. એટલે બધા જ પિતૃઓનું શ્રાદ્ધ અમે કરીશું, જેમાં શેક્સપિયર, ગાંધીજી, ચાર્લી ચેપ્લિન, આલ્બર્ટ કામૂ, ઉમાશંકર, સુરેશ જોશી, સાર્ત્ર, રિલ્કે, પ્રેમાનંદ, નહેરુ, લિંકન, ભગિની નિવેદિતા, તેમ જ અસંખ્ય પિતૃઓને અમારા શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરીએ છીએ. અમારા કુળના પિતૃઓએ અમને બાયોલોજીકલ જન્મ આપ્યો છે પણ આ બધા પિતૃઓએ પણ મને નવો જન્મ આપ્યો છે. સહુ મહાન પિતૃઓ મા જગદંબાના સંતાન છે એને કેમ ભૂલાય?’
અનિલ જોશીના ગીતોએ ગુજરાત સાહિત્યને રળિયાત કર્યું છે. મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, કેમ સખી ચીંધવો પવનને રે, સમી સાંજનો ઢોલ ઢબૂકતો સાંજ ઊઘલતી મ્હાલે, નેજવાને પાંદડે પોઢયા માધવ તમે એટલે હું પાન નહીં તોડું, સુકી જુદાઈના ડાળ તણાં ફૂલ, કીડીએ ખોંખારો ખાધો, પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો, મેં તો તુલસીનું પાંદડું બિયરમાં નાખીને પીધું, ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા, મારી પથ્થરની કાયામાં વેલીના પાંદડા ફરકે, કાળો વર્સાદ મારા દેશમાં નથી કે નથી પીળો વર્સાદ તારા દેશમાં, સૈ મેં તો પાણીમાં ગાંઠ પડી જોઈ, કે પાદરમાં ઝરમર વેરાય તને મળવું દે તાલ્લી… વગેરે ગીતો હંમેશાં યાદ રહેશે.
એમનું લલિત ગદ્ય તો ક્યારેય નહીં ભૂલાય. એક લેખમાં તેઓ લખે છેઃ

`રસોડું મને સર્જકતાનું કેન્દ્રબિંદુ લાગ્યું. ઘઉંનો લોટ બાંધું ત્યારે ઘઉંના ખેતરો દેખાય. પાણી જોઉં ત્યારે મને વહેતા ઝરણા અને નદીઓ દેખાય. ચોખા પલાળું ત્યારે ડાંગર-કમોદના ખેતરો ગળે વળગે. નમકની શીશીમાં આખો દરિયો ભર્યો હોય એવું લાગે અને પાટલો-વેલણ જોઉં ત્યારે મારી બા યાદ આવી જાય.’
હજી થોડા અરસા પહેલા જ પુરુષોત્તમ ઉપાધ્યાય ગયા અને હવે અનિલ જોશી. ચાહકો માટે આવા મોટા આઘાત જીરવવા બહુ અઘરા હોય છે. છતાં એક આશા રાખીએ કે આ બંને જણ `પાનખરની બીક’ રાખ્યા વગર અખિલાઈને અનિલાઈથી સજાવશે.
સરસ રીતે અંજલિલેખ લખાયો, ગીતો મુકાયા… ધન્યવાદ….