માઘી ગણેશોત્સવ અને વસંતઋતુ : કેવો સુભગ સમન્વય ~ યોગેશ શાહ

વસંત ઋતુનું આગમન થઈ ચૂક્યું છે. લગ્નગાળો પણ પૂર’બહાર’માં છે. ગરમાળાના ફૂલ પણ થોડા વખતમાં ખીલી ઊઠશે. અને નવવધૂના સોનેરી શૃંગાર સમા એના ગૂચ્છાભેર પીળા ફૂલોથી વૃક્ષો છલકાઈ ઊઠશે. સરસ્વતીવંદના કરી “વિદ્યારંભે કરિષ્યામિ”ની આપણી મૂળ પરંપરા છે.

આ ઋતુમાં પ્રયાગના ત્રિવેણી સંગમસ્થળે જયાં સરસ્વતી નદીરૂપે ગંગા અને યમુનાને મળે છે તેના સ્નાનનું મહત્ત્વ છે. મહારાષ્ટ્રમાં આ ઋતુમાં જ “માઘી ગણેશોત્સવ”નું ઘણું મહત્વ છે.

Maghi Ganpati 2024: All You Need To Celebrate This Auspicious Day

વિદ્યાની દેવી સરસ્વતી અને મહાભારતના લહિયા ગણેશજી, બંનેના પૂજનનો કેવો સુભગ સમન્વય! કેવા કેવા સુંદર સંકેતો આપણી સંસ્કૃતિએ આપ્યાં છે!

વીણાવાદિની જ્ઞાન સાથેસાથે કળાની પણ દેવી છે. જ્ઞાન શુષ્ક ન હોવું જોઈએ. કેવી ઉદાત્ત કલ્પના! સૂરજના સોનેરી કિરણોમાં સરસવના પાકના પીળા ફૂલો ખેતરને ઢાંકી રહ્યાં છે. કલ્પનાની પાંખે આંખોના કેમેરામાં, પીળી બિછાતના આ દ્રશ્યને કેદ કરી લો, મન બાગબાગ થઈ જશે.

Mustard set to be India's first GM food, gets regulator nod

કોઈપણ ઘરાનાનાં ગાયક હોય, હિન્દુ હોય કે મુસ્લિમ, એમનાં ગીત-સંગીતની દેવી તો સરસ્વતી જ! પં. ભીમસેન જોશી જયારે “રંગ સુગંધ અબીર ચડાવત”ના આલાપ છેડે કે કિશોરી આમોનકર “પિયા મોરી માન રે માન રે બિનતી”ના આલાપ છેડે ત્યારે રોમેરોમ કેસૂડો ખીલી ઉઠે.

વસંત રાગ પર આધારિત લતા-રફીનું ગીત “મન કી બીન મતવારી બાજે” (ફિલ્મ: શબાબ) અને મન્ના ડેનું “કેતકી ગુલાબ જૂહી ચંપક બન ફૂલે” ફક્ત સાંભળવા જેવા જ નહીં, જોવા જેવા પણ ગીત છે.

હૈયામાં કોયલ ગૂંજી ઊઠી હોય તો ગુજરાતી સુગમ સંગીતની કોકીલાને પણ યાદ કરી લઈએ. કેસૂડાનાં વૃક્ષો જાણે કેસરિયાળો સાફો પહેરીને ઊભેલા વરરાજા જેવા લાગે ત્યારે પ્રીતઘેલી નાયિકાને સખી કહે છે “અલી! તારું હૈયું કેસૂડાનું ફૂલ”. ક્ષેમુ દિવેટિયાના સ્વરાંકનમાં હંસા દવેના મખમલી અવાજમાં આ ગીત સાંભળી રોમેન્ટિક ન થાવ તો જ નવાઈ.

ઉમાશંકર જોશીનું પેલું અતિપ્રખ્યાત ગીત “કોકિલ પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંતની” ને અજીત-નિરૂપમા શેઠે અમર કરી દીધું છે.

અંબોડે લગાવીને કે સુગંધી ફૂલોની માળા પહેરીને કે કલાઈએ બાંધીને કે જેકેટના બટનમાં લગાવી પ્રફુલ્લિત રહેવાની પ્રથા પરથી જ તો ઍરોમા થેરપી નહીં આવી હોય?!

ફૂલો અને સંગીત અને સખ્યના ત્રિવેણી સંગમસ્નાન માટે તો એમ જ કહેવાય “માહીં પડ્યા તે મહાસુખ માણે”. વસંત તમને સંત નહીં જ થવા દે.

~ યોગેશ શાહ, મુંબઈ 
~ (મિડ ડે: તા: ૦૫/૦૨/૨૦૨૫)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.