વેલેન્ટાઈન ડે નિમિત્તે વિશેષ મહેફિલ ~ કુલ: ૧૪ કવિ ~ ૩ ગઝલ અને ૧૧ મુક્તક
૧. સ્વાતિ રાજીવ શાહ
સમજદારીને સળગાવી
તને મળશું હવે સાજન
દીપક શ્રદ્ધાના પ્રગટાવી
તને મળશું હવે સાજન
અમાસી રાત હો કે હો દિવસ
વાદળ છવાયેલો
અમારા શ્વાસ ચમકાવી
તને મળશું, હવે સાજન
કશું ભીતરથી દોરે છે,
પરંતુ એ જ રોકે છે
અહમને ખૂબ તડપાવી
તને મળશું હવે સાજન
જરૂરત ના પડે ફૂલો
કે અત્તરની કદીયે પણ
હયાતીને જ મહેકાવી
તને મળશું હવે સાજન
હશું કે ના હશું કોઈ
ફરક પડશે નહીં એથી
અમે શબ્દો રૂપે આવી
તને મળશું હવે સાજન
૨. હિમાદ્રી આચાર્ય દવે
લય છું હું તારી ગઝલનો, ગીતનો હું પ્રાસ છું,
ધોમધખતી તારી ભૂમિની અષાઢી આસ છું.
રુહમાં સાથે વસેલો ભીતરી સહવાસ છું!
કોણ કહે છે દૂર છું? તારા હૃદયની પાસ છું!
હું વિકસતી જાઉં છું, બસ તું વધે છે એટલે,
તારા બે છેડાની વચ્ચે વિસ્તરેલો વ્યાસ છું!
વાયરો જાણે કે અહીંથી વાત સઘળી લઈ ગયો,
ગામમાં ચર્ચાય છે કે હું જ તારી ખાસ છું.
પગથી તે માથા સુધી તું ઓળખી લેજે મને,
હું ફક્ત બસ તું જ છું, તારો જ બીજો શ્વાસ છું!
3. દીપક ઝાલા ‘અદ્વૈત’
ધીમે ધીમે અજાણી વ્યક્તિમાં આસક્તિ જાગે છે
ઉઘાડી આંખ લઈને રાત આખી વ્યક્તિ જાગે છે
કસોટી પાર ઉતરો પ્રેમની જ્યારે બધી રીતે
ભરોસો બંધ આંખે મૂકવાની શક્તિ જાગે છે
ઈબાદતમાં સદાયે નામ લેવાતું સનમનું બસ
જગત આખાય માટે કાયમી વિરક્તિ જાગે છે
પ્રથમ ભગવાન જેવું સ્થાન પામે છે નજરમાં, ને
પછી એના જ માટે તો હ્ર્દયમાં ભક્તિ જાગે છે.
દિવસને રાત ચહેરો એમનો જોવા તડપ ઊઠે
હ્રદયમાં જ્યારે જ્યારે પ્રેમની અભિવ્યક્તિ જાગે છે
ઉઠે છે એક હદ કરતા વધુ જ્યારે ઝનૂન દિલમાં
ખુદા સામે સનમના નામની પુનરુક્તિ જાગે છે
તમે ચાહો છતાંયે બહાર એમાંથી અવાશે નહિ
દીપક જન્મોજનમની કેદમાંથી મુક્તિ જાગે છે
૪. અલ્પા વસા ‘કાવ્યાલ્પ’
આમ તો રજકણ હતી,
અમથી પડી હું પ્રેમમાં
સૂર્યના અજવાસમાં,
ખુદને જડી હું પ્રેમમાં
હું નદી ને તું સમંદર,
દોડતી આવી મળી
ને પ્રણયમાં પૂર્ણતાની,
થૈ કડી હું પ્રેમમાં
૫. ભારતી વોરા ‘સ્વરા’
ટેવ તો ખારાં પાણીની છે નહિ
થોડો બદલે સ્વભાવ તો આવું
આપે નહીં તું ગુલાબ તો કંઈ નહિ
થોડો હોય પ્રેમભાવ તો આવું
૬. જીગ્નેશ ક્રિસ્ટી “સંગત”
બેઉ પક્ષે સાંભળી લો એમની વાતો પ્રથમ
એ પછી નક્કી કરો કે કોણ ફાવ્યું પ્રેમમાં
પૂછવું હો જે તમારે તે બધુંયે પૂછો પણ
એટલું ના પૂછશો કે શું બચાવ્યું પ્રેમમાં
૭. પૃથા મહેતા-સોની
અમાપ સાગર ઘુઘવતો પ્રેમે
સજલ નયન કંઈ બલા અલગ છે
ન પ્રેમ માનું હું આપ-લેને
હો પ્રેમમાં તો મજા અલગ છે
ન શર્ત કોઈ, ન પૂછવું કંઈ
સમર્પણોની કલા અલગ છે
વિવશ અને મૌન રહે છે કારણ
કે પ્રેમ છે – એ ખતા અલગ છે
૮. કોકિલા ગડા
એક નામ હોઠ પર રમે ને ત્યારે પ્રેમ છે
કોઈ એકધારું જો ગમે ને ત્યારે પ્રેમ છે
છે નિયમ કે ઝાડ તો ઉપર તરફ વધે સદા
ડાળ ડાળની ઉપર નમે ને ત્યારે પ્રેમ છે
૯. અંકિતા મારુ ‘જીનલ’
મળે ન મંજિલ પ્રણય સફરમાં
છતાં જવાની અલગ મજા છે
ખુદા થવાની, દુઆ થવાની
ફના થવાની અલગ મજા છે
નશો પ્રણયનો કદી ન ઉતરે
એ ચડતો જાયે છે ધીરેધીરે
નશામાં ખુદને ભુલાવી દઈને
બહેકવાની અલગ મજા છે
૧૦. કિરણ જોગીદાસ ‘રોશન’
તારાપણાંની ચાહે મારાપણું ગુમાવ્યું
કોને કહું પ્રણયમાં હોવાપણું ગુમાવ્યું
તે રોમરોમ મારું એવું કર્યું છે ઝબ્બે
ખુદમાં રહું છું હું એ કહેવાપણું ગુમાવ્યું
૧૧. મિતુલ કોઠારી
નદીને પાણીના ખ્વાબ આપું?
ગુલાબને શું ગુલાબ આપું!
સવાલના સૌ, ખબર છે જેને
ક્યા હોઠે એને જવાબ આપું?
૧૨. માધવી ભટ્ટ
સમીપે હાથ પકડીને મળી જે બેસવાની પળ
હવે સાતે જન્મ એમાં રહ્યાની વાત કરવી છે
મને સંતાડ દિલબર આ જગતથી રાખ તારામાં
બધાથી પર ફક્ત તારા થવાની વાત કરવી છે
૧૩. રશ્મિ અગ્નિહોત્રી
એકલું તો ના કદી સારસ હશે,
હોય જો, તો એ બહુ બેબસ હશે,
મૂક ચીરો તું ગમે તે ભાગમાં,
નામ તારું દોડતું નસનસ હશે.
૧૪. ગીતા પંડ્યા
એ પધારે આંગણે, ગુલતાન જેવું છે!
આવકારું પ્રેમથી, સન્માન જેવું છે!
કૃષ્ણ પણ રાધારમણથી ઓળખાયા છે!
પ્રેમમાં રાધા બનો, વરદાન જેવું છે!
(વધુ મુક્તકો ગુજરાતી મિડ-ડેની કટારમાં પ્રકાશિત થશે.)
વાહહ
heart shake mukatak at the time of valentine. thank you nice collection all writer,
ખુબ સુંદર રચનાઓ આપણું આંગણા મા પ્રકાશીત
થતી જોવા મળી લગભગ બધા રચનાકારો હૃદય ની
લાગણી ની અભિવ્યક્તિ અલગ-અલગ રીતે વ્યક્ત
કરેછે ખુબ અભિનંદન ઈશ્વર ને પ્રાર્થના આપનુ કાર્ય
નિર્વિઘ્ને સતત ચાલતું રહે
કે બી
ખૂબ સુંદર સંકલન
આભાર ભાઈ