અન્ય સાહિત્ય | ગઝલ | શેર
“….ભેટવું….!” ~ થોડા શેર ~ ભાવિન ગોપાણી
હા આગ બુઝાશે પણ, પહેલાં હતું એ નહિ રહે,
ના ભેટશે કોઈ પણ, સળગીને ઠરો ત્યારે
***
***
તમારા ભેટવામાં છે, શું એ છે હૂંફ પોતીકી?
કે ભીતર બાળ વયનાં સૂર્યનો તડકો છુપાવ્યો છે?
***
***
આ મારી હયાતી તૂટી કેમ નહી?
તને બાથ ભરતા નથી આવડ્યું!
***
***
જાતને સોંપતાં વિચારે છે
એ હવે ભેટતાં વિચારે છે!
***
***
હું અગાસીમાં એકલો જ છું સાવ
ક્હો ઉદાસીને, ભેટવા આવે!
***
***
તમે જે શખ્સને ભેટી, ઘણાં રાજી થયા છો
એ શાહુકાર છે કે ચોર, તમને ક્યાં ખબર છે?
***
***
કદી દરિયાને ઈચ્છા થાય કે આગળ વધી ભેટી પડું
કિનારે લાંગરેલી નાવ જો દરિયા તરફ જોયા કરે!
***
***
વર્ષો પછી મળતાં જ એ ભેટી પડી જે રીતથી
લાગ્યું મને વર્ષો સુધી એ કોઈને ભેટી નથી!
***
***
મરજી મુજબનું ક્યાંય ના ભેટી શક્યા અમે
આભૂષણોનો ભાર હતો દરમિયાનમાં
***
***
થયું એવું કે ઈશ્વર ભેટવા આવ્યો હતો
અને હું હાથ મારા જોડવામાં રહી ગયો!
***
***
થઈ ગઈ ગાયબ સહજતા બેઉની
ભેટવા ભેગી કરી હિંમત હતી!
***
***
મિલાવું હાથ તો ભેટી પડે છે હસ્તરેખાઓ
પરંતુ હાથમાંનું છૂંદણું, સંકોચ રાખે છે
***
***
માત્ર ભેટ્યા હોત તો ના થાત બહુ ઊંડી અસર
આ ખભા પર રોઈને માયા લગાડી કોઈએ
***
***
ઘરમાં પ્રવેશતાં જ મહેકી ઊઠે છે શ્વાસ
ભેટીને મારું ફૂલ મને તેડવા કહે
***
***
મને રોજ મળવા અને ભેટી પડવા,
મેં જોયો છે નારાજગીનો ઉમળકો.
***
***
એ હદે તો જિંદગી ના આપ સન્નાટો મને
કોઈ આવી ભેટશે, એ ધારણા પણ ના રહે
***
***
એને ભેટી પડી ઉથલપાથલ
જે સમાધિને ખોઈ બ્હાર ગયો
***
***
એણે તો ખોલી બાંહ, હું ભેટ્યો નથી છતાં,
મનમાં થયું કે કોણ લે પીંજરનો આશરો
***
***
જે ભોગવે છે સતત ઓરડાની એકલતા
કદી એ ભીંતને વળગી જતાં હશે કે નહીં?
***
***
મરણને ભેટતા પહેલા આ કાળજી લઈએ
પછીના જન્મ વિશે સ્હેજ બાતમી લઈએ
~ ભાવિન ગોપાણી
વર્ષો પછી મળતાં જ એ ભેટી પડી જે રીતથી
લાગ્યું મને વર્ષો સુધી એ કોઈને ભેટી નથી!
saras.
એક અલગ જ અભિવ્યકિતથી પ્રત્યેક શેર નવું રૂપ ધારણ કરે છે.