બે ગઝલ ~ પારૂલ ખખ્ખર

૧.   ઘર

લાગે ભલે અડીખમ, મારા વગરનું ઘર,
ઊભું છે મારી માફક, પાયા વગરનું ઘર.

પડઘાં શમી ગયાં ને, દીવા ઠરી ગયાં,
ને થઈ ગયું ઉઘાડું, ઝાંપા વગરનું ઘર.

લખતું નથી કવિતા, કહેતું નથી કશું,
નાંખે ફકત નિસાસા, ભાષા વગરનું ઘર.

ના દીકરીના થાપાં કે બાળનું ચિતર*,
કંગાળ છે ખરેખર, ડાઘા વગરનું ઘર.

મોભી હો ઝૂંપડીમાં, તો ઘર કહી શકો,
પણ મ્હેલ કહી શકાશે? રાજા વગરનું ઘર.

પાછા ઘરે જવાનું, કાં મન નથી થતું?
દોડે છે તમને ખાવા, ‘ટા-ટા’ વગરનું ઘર!

બાપાની સાથે સાથે, બચપણ ઊડી ગયું,
કળશી* કુટુંબ તો પણ, માણા* વગરનું ઘર.

*ચિતર = ચિત્ર
*કળશી=બહોળું
*માણા = માણસો

૨. પંખીને ઊડવું છે

કરવાને સ્હેજ ઝાંખી પંખીને ઊડવું છે,
લઈ જાત આખેઆખી પંખીને ઊડવું છે.

ડેરા-સરાઈ-તંબુ-માળા ને માળિયાના,
સજ્જડ કમાડ વાખી* પંખીને ઊડવું છે.

કંસાર ચાખી લીધો, સંસાર ચાખી લીધો,
ભિક્ષાની ટૂક ચાખી પંખીને ઊડવું છે.

ચણ, દાણ, ખાણ કાજે ઊડે સહુ અવિરત,
ઊડવાની નેમ રાખી પંખીને ઊડવું છે.

રેવાલ ચાલ જાશું, ખુદના સવાર થાશું,
ખભ્ભે પલાણ નાંખી પંખીને ઊડવું છે.

~ પારુલ ખખ્ખર

*વાખી = વાસી દીધી
*રેવાલઃ
અર્થ : ૧. ચારે પગની ચોગઠ પડતી જાય તેવી ઘોડા કે ઘોડીની ઝડપી સ્થિર ચાલ
અહીંયા રેવાલ એટલે કે ઝડપી જવું અને સ્થિરતાપૂર્વક જવું

આપનો પ્રતિભાવ આપો..

One Comment