માત્ર ચાલવાથી કૈં પ્રવાસ ના બને ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
કશુંક બનવા માટે કશુંક કરવું પડે. ઉચ્ચ અભ્યાસ કરીને એન્જિનિયર, ડૉક્ટર કે મોટા અધિકારી બની શકાય. આવા ડિગ્રીધારકોને પણ જો ખેતી કરવી હોય તો નવું શીખવું પડે.
એક ક્ષેત્રની કાર્યપ્રણાલી અને અનુભવ બીજા ક્ષેત્રમાં કામ લાગે, પણ નવા ક્ષેત્રની તાલીમ આવશ્યક બને. અરે એક જ ક્ષેત્રમાં હોઇએ તોય એટલા બધા ફેરફાર થતા રહેતા હોય કે અપડેટ રહેવું પડે.
જો કે આવું નિવેદન કરતા પહેલા યોગ્યતાની એક શરત વંચિત કુકમાવાલા મૂકે છે…
જે બને, બનશે જ, બનવાકાળ છે
આપણાં ક્યાં હાથમાં ઘટમાળ છે?
ટોચ પર પહોંચી નિવેદન થઈ શકે
એ તરફ છે, આ તરફ પણ ઢાળ છે
ઘણા લોકો પાસેનું જોઈ શકે છે અને ઘણા લોકો દૂરનું પણ જોઈ શકે છે. તમે જે વિસ્તારમાં ત્રણ-ચાર દાયકાથી રહેતા હો એની ડ્રોન તસવીર જુઓ તો અચંબિત બની શકો છો.
વિસ્તાર ભલે એ જ હોય, એને જોવાનો દૃષ્ટિકોણ બદલાય છે. આપણા સંબંધોમાં પણ આવી મૂલવણી અવલોકનને ધારદાર બનાવી શકે. મુકુલ ચોક્સી તલસ્પર્શી નિવેદન પેશ કરે છે…
ને તારી દૂરતા ફરતે પછી જો દેરી બને
તો એ મિલનથી હજારો ગણી રૂપેરી બને
વેરાન ચર્ચોમાં જે રીતે પાદરીઓ વગર
ઈસુની હાજરી જ્યાદા પ્રબળ ને ઘેરી બને
વેરાન જગ્યાઓની શાંતિ ડર અને વિસ્મય મિશ્રિત હોય છે. અતીત મુલાકાતી તરફ એક અછડતી નજર નાખી પાછું પોઢી જાય.
ગઢની દીવાલો મુલાકાતીઓમાંથી એકાદ પર નજર ઠેરવી એના પૂર્વજન્મનો તાળો મેળવવાનો પ્રયાસ કરે. અફાટ રણમાં હવાનો પગરવ અવનવી ભાત ઊભી કરે.
રવીન્દ્ર પારેખ સંબંધમાં વ્યાપેલી રણની શુષ્કતા આલેખે છે…
તેં પગ ઉપાડી ખુદનું ગુમાવ્યું છે માન પણ
બાકી તો મારી એ હતી પાછા જવાની ક્ષણ
રેતીનો વાંક કાઢીને યે ઘર નહીં બને
રેતી હો એટલે જ કૈં બનતું બધે ન રણ
સાધન કે સામગ્રીનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો એ અગત્યનું છે. ચિત્રકાર માટે કાગળ, રંગ અને પીંછી પૂજાની સામગ્રી છે. અન્ય માટે એની કદાચ કીંમત ન હોય, પણ ચિત્રકાર માટે તો એ જીવવાનું આશ્વાસન હોય છે.
પેશનથી કરેલી કામગીરી ઘણી વાર લોકો સુધી પહોંચે નહીં ત્યારે કલાકાર કે સાચા ભાવકને અફસોસ થાય એ સ્વાભાવિક છે. મકરંદ દવે એને હકારાત્મક દૃષ્ટિએ નીરખે છે…
ધાર્ય઼ું થતું નથી તો ભલે, કાંઈ ગમ નથી
એની ખુશી ગણું છું, કમાણી એ કમ નથી
સોનાકણી બને છે કેમ ધૂળ વાટની?
એને ઈશારે જાઉં છું, બીજો ઇલમ નથી
એક વિરોધાભાસ સતત નજરમાં આવતો રહે છે. જેનામાં કોઈ સત્વ ન હોય એ માણસ જિંદગીમાં બહુ જ આગળ વધે જ્યારે ખરેખર કાબેલ માણસ ગુમનામીમાં સબડતો રહે.
કેટલીક વાર દૂધવાળા કે શાકવાળાની વાતો સાંભળીને થાય કે આ માણસ ખરેખર શિક્ષક હોવો જોઈતો હતો. આવા ઘણા ઉદાહરણ તમારી આસપાસ મળી આવશે. રશીદ મીર જે પ્રેમના સંદર્ભે લખે છે એ કદાચ સંજોગોના સંદર્ભે પણ જોઈ શકાય…
પળપળનો ઈંતેજાર છળે એવું પણ બને
જીવનની સાંજ આમ ઢળે એવું પણ બને
ફૂલોની ઠેસ કેટલી કોમળ અને છતાં
વર્ષો પછીયે કળ ના વળે એવું પણ બને
કેટલાક કિસ્સાની કળ આખી જિંદગી વળતી નથી. નાની ઉંમરે સંતાન ગુમાવનાર દંપતી માટે આયુષ્ય બોજનો અહેસાસ કરાવે છે.
ગમે એટલી હકારાત્મકતા રાખે છતાં વારતહેવારે અમાસ આવીને આશ્લેષમાં લઈ જ લે. વાતાવરણની જેમ જિંદગીમાં પણ ઋતુઓ આવનજાવન કરે છે. અમૃત ઘાયલ કહે છે…
અંદરનો રસ ઘૂંટાઈને ઘેરું દરદ બને
એવું બને તો શબ્દ `કવિની સનદ’ બને
તારાં તમામ રૂપ મને તો પસંદ છે
વર્ષા બને, વસંત બને કે શરદ બને
લાસ્ટ લાઈન
માત્ર ચાલવાથી કૈં પ્રવાસ ના બને
ઘાણીએ તો ઘૂમો કિન્તુ રાસ ના બને
માર્ગમાં મળે જે કોઈ ખાસ ના બને
શણ હંમેશ શણ રહે કપાસ ના બને
ઓતપ્રોત મનથી થાય તો થવાનું થાય
બેસે અડખે-પડખે બે, સમાસ ના બને
હર યુગે એ સ્વામી થઈ જનમશે, જીવશે
કોઈ સ્થાન, પદથી શબ્દ દાસ ના બને
એને ચપટી સુખ જેવું નામ દઈ શકો
મનપસંદ સાંપડયે વિલાસ ના બને
જ્ઞાન ને વિજ્ઞાનનાય હાથ ઊંચા ત્યાં
લાખ યત્ને અન્ન – માંસ – ઘાસ ના બને
કુદરતી ન હોય તોય એવું કૈંક તો છે
કવિતા પણ કરો હજાર યાસ, ના બને
~ સંજુ વાળા
~ કાવ્યસંગ્રહઃ કંઈક કશુંક અથવા તો
કર્મ