મુંબઈ સાહિત્યોત્સવમાં શબ્દોનાં પંખીઓ અંધારામાં પણ ઊડતાં રહ્યાં ~ યોગેશ શાહ
અંધારાનો પણ એક નશો હોય છે. સામાન્ય રીતે અંધારું નકારાત્મકતા અને ડરનું પ્રતીક હોય છે. પણ ક્યારેક કોઈ કારણસર એ ગમે એવું પણ હોય છે ખાસ કરીને જ્યારે ઝાંખો-ઝાંખો પ્રકાશ હોય ત્યારે.
આપણે જેને ભડભાંખળું કે મોંસૂઝણું કહીએ છીએ એ વેળાનું અંધારું ગમે તેવું હોય છે. ધ્યાનમાં બેઠેલા યોગીના ચહેરા પરના તેજ જેવું, જે સ્પષ્ટ ચમકે નહીં પણ હાજરી વર્તાય એવું. બસ એકાદ બે પંખીઓ જ ઊડતાં દેખાય તેવું.
ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને કેઇએસ – ગુજરાતી ભાષાભવનના ઉપક્રમે આયોજિત “મુંબઈ સાહિત્યોત્સવ”માં ૧૪ ડિસેમ્બરે શનિવારે ચાલુ કાર્યક્રમે લાઈટ ગઈ.
… પણ શબ્દોના પંખીઓ ઝાંખાં અંધારા – અજવાળામાં પણ ઊડતાં રહ્યાં. એ.સી. હૉલમાં, ઊઘડતી સવાર જેવી ઠંડક હતી. માઈક વગરની નિરવ શાંતિનું વાતાવરણ મનને ગમે તેવું હતું. ઇલેક્ટ્રિસિટી રીઝયુમ થતાં વાર લાગે તો બીજી જગ્યાએ જવાના સૂચનને સૌએ નકારી કાઢ્યું. કારણ ભાષાના વાતાવરણનો એક નશો ચડી ચૂક્યો હતો.
ચારે દીવાલની ઉપરની તરફ ફરતી ગોઠવેલી એલ.ઈ.ડી. લાઇટનો સ્કોચ વ્હિસ્કી જેવો ઝાંખો પીળો પ્રકાશ ખરેખર માદક હતો. ડર હતો કે શબ્દોના આસવની અસર બીજે જઈએ અને ઊતરી જાય તો?
શબ્દો સાથેનો રોમૅન્સ દિલને બહેકાવી રહ્યો હતો. મોબાઈલની બૅટરીના પ્રકાશે રજૂ થતાં ‘પેપર્સ’ નવોઢાના મુખને અડધાપડધા ઢાંકતાં ઘૂંઘટ જેવા આકર્ષક લાગતાં હતાં.

ટૂંકમાં, એક માણવા જેવો માહોલ અનાયાસે ઊભો થઈ ગયો હતો. કાર્યક્રમ બાદ ઉપર આકાશમાં નજર કરી. રાતના સમયે ચંદ્રમાથી વધુ પ્રિય સાથી કોણ હોઈ શકે?
ખેમચંદ ‘પ્રકાશ’ના શબ્દોની સૂરાવલિ, સિતાર અને બંસરીની સંગાથે, જ્યારે લતા મંગેશકરના કોકિલકંઠે વહે ત્યારે “રાત કા સમા ઝૂમે ચંદ્રમા” જાણે સ્લો મોશનમાં નજર સમક્ષ નૃત્ય કરતો હોય એવો અહેસાસ થાય.
https://youtu.be/9a9vzTiuV2k?si=DVoid9xZpU2GXNNO&t=64
તો વળી રફી-આશાના સ્વરે “રાત કે હમસફર” સાંભળીએ ત્યારે આઈફિલ ટાવર નીચે “એન ઈવનિંગ ઈન પેરિસ”ની રોમાંચક સફર ઘેરબેઠાં જ થઈ જાય.
https://www.youtube.com/watch?v=3qWPATzUorI
“રાત” જેનામાં મુખડામાં હોય એવા બોલીવુડના ગીતોનું લિસ્ટ કરવા માટે રાતભર જાગશો તો પણ તે વર્થ છે. કારણ વિલિયમ વર્ડ્સવર્થ કહે છે: “જ્યારે રાત્રિની વૈભવી શાંતિ સમગ્ર જગતને પોતાની ઓઢણીમાં ઢાંકી દે છે ત્યારે સર્વત્ર સ્થિર શાંતિ પથરાઈ જાય છે”.
તો મિત્રો, વહેલી સવારે ઊડતા શબ્દોનાં પંખીથી શરૂ થયેલી નિ:શબ્દ રાત્રિ સુધીની આજની સફર કેવી આહલાદક રહી?


વાહ, સ-રસ આલેખન અને અવલોકન.