“સ્ત્રી, લગ્ન, ભૂંસાવું, ઘૂંટાવું….” ~ (લેખ) ~ અનિલ ચાવડા
નામ ભૂંસીને ફરીથી ઘૂંટવાનું છે,
અન્યના થઈ જઈને પોતાના થવાનું છે.
સ્વપ્ન સોનેરી હૃદયમાં રોપવાનું છે,
ને પછી ત્યાં વૃક્ષ થઈને ઊગવાનું છે.
ચંદ્રકાન્ત બક્ષીએ કહેલું લગ્ન એ એક શબ્દ નથી પણ આખું વાક્ય છે. લગ્ન પછી એક વ્યક્તિત્વ આખું નથી રહેતું એ અડધુંં બીજા સાથે વહેંચાઈ જાય છે. આપણે ત્યાં અર્ધનારેશ્વરની કલ્પના પણ છે.
સ્ત્રી પિતાના ઘર તરફથી મળેલા લાડ, પ્રેમ, જીદ, પરંપરા કે સંસ્કાર પર ઢાંકપિછોડો ન થઈ જાય તેની કાળજી રાખીને એક નવા ઘરમાં પોતાની જિંદગી શરૂ કરે છે. ત્યારે તે પોતાની પાછળ પિતાની અટક અને પોતાની સ્વતંત્ર ઓળખ પણ મૂકતી આવે છે. હવે તે કોકની પત્ની તરીકે ઓળખાય છે.
ઐશ્વર્યા રાય બચ્ચન કે કરીના કપૂર ખાન જેવા અમુક અપવાદને બાદ કરતાં મોટા ભાગની સ્ત્રીઓ પિતા તરફથી મળેલી અટક ભૂંસીને પતિની અટક તરત અપનાવી લે છે. પોતે પોતાને ભૂંસીને ફરીથી ઘૂંટે છે. એ વખતે સ્ત્રી માત્ર નવી અટક સાથે નથી જોડાતી, પણ બીજા પરિવારની પરંપરા, વિચાર, વાણી, વર્તન, સ્વભાવ, પહેરવેશ, ખાણીપીણી, આદતો, પંસદગી અને નાપસંદગી સાથે પણ જોડાય છે.
પોતાના જૂના ઘરની નીતિરીતિને ભૂંસ્યા વિના નાવીન્ય અપનાવવાનું ઘણું કપરું હોય છે. “અમારે ત્યાં આમ ના થાય, અમારે તો એવું ના હોય, પેલું તો આમ જ થાય. એમ તો કદી થતું હશે? એમ તો ના જ થાય. આવું કરાય, તેવું ના કરાય..” જેવી નાની નાની અનેક ટેવોને તળિયેથી લઈને ટોચ સુધી જોવી જાણવી પડતી હોય છે.
જૂના ઘરની પોતાની તમામ આદતો અભરાઈએ ચડાવીને નવી આદતો અપનાવવી પડે છે. ઊંઘવા, જાગવા, બેસવા ઊઠવાથી લઈને ખાવાપીવા સુધીની આદતોને મને કમને સ્વીકારવી પડે છે. જોકે સામેનો પરિવાર સરળ હોય તો એકમેકને સમજવામાં કે અપનાવવામાં વાંધો નથી આવતો. આદત ઊંચાઈ પર લઈ જાય અને સાવ સાતમા પાતાળે પણ પહોંચાડી દે છે.
જેમ્સ ક્લિયરનું એક સુંદર પુસ્તક છે. “એટોમિક હેબિટ.” તેમાં નાની નાની આદતો માણસના જીવનમાં કેટલું મોટું પરિવર્તન લાવે છે, તે વાત તેમણે ખૂબ સારી રીતે સમજાવી છે.
ધારો કે તમે એક વિમાનમાં બેઠા છો. આ વિમાન લોસ એન્જેલસથી ન્યૂયોર્ક જઈ રહ્યું છે. ઉડાન દરમિયાન પાયલોટ વિમાનની દિશાને માત્ર 3.5 ડિગ્રી બદલી નાખે છે.
આ ફેરફેર એટલો નાનો છે કે પ્લેનમાં બેસેલા મુસાફરને તો તેનો ખ્યાલ પણ નથી આવતો. પણ આ નાનકડા ફેરફારનું પરિણામ એટલું મોટું આવશે કે પ્લેન ન્યૂયોર્ક પહોંચવાને બદલે વોશિંગ્ટન પહોંચી જશે.
નાની નાની આદતોની આ જ મોટી શક્તિ છે. પરિવારમાં અપનાવવી પડતી નાની નાની આદતો જીવનમાં પણ એટલા જ મોટા ફેરફાર આણે છે.
નવું શરૂ થયેલું લગ્નજીવન અને તેની સાથે જોડાયેલી આદતો, પરંપરાઓ, દૈનિક ક્રિયાઓ આવનારા વર્ષોની બાંધણી કરે છે. વર્તમાનમાં થઈ રહેલી નાની નાની ચણભણ ભવિષ્યમાં વિકરાળ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરે છે. એ જ રીતે નાની નાની વસ્તુમાં વ્યક્ત થયેલો પ્રેમ આગળ જતા અતૂટ વિશ્વાસ અને પરમ શ્રદ્ધાનું રૂપ ધારણ કરે છે.
નવા સમાજ, સંસ્કાર, સંસ્કૃતિ અને આદતો દ્વારા સ્ત્રી પોતાને નવસર્જિત કરે છે. લગ્ન ખરી રીતે તો ભૂંસાઈને ઘૂંટવાની પ્રક્રિયા છે. બીજાના થવાનું છે, પણ પોતાના મટી નથી જવાનું.
આજીવન આંખમાં સેવેલું એક સપનું વાવવાનું છે – ઉછેરવાનું છે. હકીકતમાં તો પોતે એક જગ્યાએ ઊગી છે, ત્યાંથી મૂળ સહિત ઊખડીને બીજા આંગણામાં રોપાવાનું છે.
એ વખતે પોતે જ્યાંથી ઊખડી ત્યાં અભાવનો મોટો ખાડો ન પડી જાય અને જ્યાં રોપાવાની છે, ત્યાં પોતે રોપાઈને વધારે જગ્યા રોકીને અગવડ ઊભી ન કરી દે તે પણ ધ્યાન રાખવાનું હોય છે.
સ્ત્રીની આ ઉખડવાની અને ફરી રોપાવાની પ્રક્રિયા બહુ મોટા મનોમંથન સર્જતી હોય છે. આ ઉખડવું અને ઘૂંટાવું, આ ભૂંસાવું અને ઘૂંટાવું બધી પ્રક્રિયા તે જે પરિવારમાં જાય છે, તેમની સમજણ પર પણ એટલી જ નિર્ભર હોય છે. તેમાં તો પરસ્પર પામ્યા તો મહાસુખ પામ્યા જેવું છે.
~ અનિલ ચાવડા