નાયિકા (એકોક્તિ) ~ પૃથા મહેતા–સોની ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૨૪

ભાવનાત્મક ચાપ: પાત્ર જીવનના વિવિધ પડાવો દરમ્યાન વિવિધ નાયિકાઓ સાથે અત્યંત નિકટતા અને એકાત્મતા અનુભવે છે અને એમાંથી પ્રેરણા અને આદર્શ મેળવતાં મેળવતાં અંતે નાયિકાની વિભાવના બાબતે નિર્ભ્રાંત થાય છે!

કલાકાર સૂચન: સ્ત્રી (૫૦થી વધુ ઉંમર)

(જુદા જુદા અનેક રંગવાળી લહેરિયા સાડી પહેરેલ સ્ત્રીપાત્ર મંચ ઉપર હોય અને પડદો ખૂલે/લાઈટ ચાલુ થાય)

(હાથમાં સ્માર્ટ ફોન લઈને, ફોન સાથે હળવાશથી વાત કરતાં) હેય સીલી, …..તું જો કહેવાય છે ને, એવી ઇન્ટેલિજન્ટ હોય તો મને કહે, કે નાયિકા-હીરોઇન એટલે શું?

(ફોનના જવાબ સામે આશ્ચર્યથી જોઈને ચાળા પાડતાં)

ઓ હો હો બોલ્યાં: નાયિકાનો એક અર્થ છે પત્ની, બીજો અર્થ છે દાસી અને ત્રીજો અર્થ છે સ્વામિની! આ સિવાય પણ અનેક અર્થ મળશે…!

એ સીલી, આ જ કારણથી, મેં તારું નામ સીલી રાખ્યું છે, સમજી તું?

આ એ.આઈ. એટલે બનાવટી અથવા નકલી ઇન્ટેલિજન્સ…

(કપાળ કૂટીને) કપાળની ઇન્ટેલિજન્ટ? આવા ને આવા ચેટબોટ અને આવા ને આવા ડબ્બા જે પાછા કહેવાય સ્માર્ટ ફોન…હટ!

હવે સાંભળ, હીરોઇન  એટલે… (આનંદ અને વિસ્મય સાથે) આપણે સૌ નાનાં હોઈએ ત્યારે કેવાં વાર્તાની દુનિયામાં જીવતાં હોઈએ છીએ? વાર્તાની નાયિકા… ખાસ કરીને રાજકુંવરી હોય… અને નહીં તો રૂપા…ળી પરી હોય.. અને જે વાર્તામાં હોય, એને આ દુનિયામાં બાળક તરીકે શોધતાં શોધતાં આપણે મોટાં થઈએ… પણ ન તો ક્યાંય પરી દેખાય અને મેં રાજકુમારીને જોઈ તો ખરી, પણ એ કંઈ વાર્તાની રાજકુંવરી જેવી રૂપ રૂપનો અંબાર તો કંઈ લાગી નહીં…

જરા મોટી થઈ પછી જોઈ, નાયિકાઓ…હીરોઇન !

તને નવાં નામ તો ખબર છે પણ જૂની હિન્દી ફિલ્મની મીના કુમારી ખબર છે?

(જવાબ સાંભળીને) ના…એમ નહીં આમ…

(નૃત્ય અને અભિનય કરતાં કરતાં)

જો કહી ગયી ન મુજસે, વો જમાના કેહ રહા હૈ
કિ ફસાના બન ગયી હૈ, કિ ફસાના બન ગયી હૈ
મેરી બાત ટલતે ટલતે…

(‘બાત’ શબ્દ આવે ત્યારે બે હાથ દુઆમાં ઉઠાવે, એવી રીતે ઉઠાવીને નૃત્ય કરતાં) પછી મધુબાલા?

જો એ આમ કરે…

મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે (મધુબાલાની જેમ નૃત્ય કરતાં)

(જરા થોભી જાય છે)

તું ભલે ના સમજે, પણ મને જલદી ખ્યાલ આવી ગયો કે… રૂપેરી પડદે દેખાય છે, ટીવીના પરદે દેખાય છે એ બધી અભિનેત્રીઓ છે… જે નાયિકા હોવાનો અભિનય કરે છે… એટલે, પછી એ રૂપેરી પડદાની નાયિકાઓ પર એક પડદો પડી ગયો… મારા મનમાં…

(ઝડપથી ગોળ ફરીને)

અને વળી જોઈ રંગમંચની નાયિકા… હું તો પોતે જ સંતુ થઈ ગઈ’તી! તું તો નહીં ઓળખતી હોય…

(સરિતા જોશી જેવો અભિનય કરતાં)

શંતુ રંગીલી- શ નહીં સ- સ ! સંતુ રંગીલી…

ઓહો શું વાત છે !

તું તો શોધી લાવી …..કહે છેઃ

સંતુ રંગીલી, છેલ છબીલી,લચકી-મચકી ચાલ!

(હાથ લંબાવીને…) એ… વેવલી થા મા, ગાલાવેલી!

હા, એ ગાલાવેલી એટલે જ સીલી ! હોં, કે !

(ફરી ભૂતકાળ યાદ કરતાં)

જરા મોટી થઈ, પછી મને જે સુંદર શણગાર કરેલી સ્ત્રીઓ હોય, એ નાયિકા લાગવા માંડી’તી…હું એને જોયા જ કરતી… એના શણગાર એનાં ઘરેણાં… મને લાગતું કે જેનાં લગ્ન થાય, જેણે શણગાર સજ્યાં હોય, એ નાયિકા…!

(ફોનમાંથી આવેલ અવાજ સાંભળીને જરા વાંકું હસતાં) મૅગેઝિનોમાં, છાપાંમાં, જાહેર ખબરોમાં, ફિલ્મના પોસ્ટરમાં ફોટા દેખાય એટલી જ નાયિકાઓ વિશે ખબર હોય તને તો…

(ઝડપથી ગોળ ફરીને) ત્યાર પછી ગુજરાતી સાહિત્ય વાંચતાં થયાં…

(ફોનની વાત સાંભળી મોં બગાડતાં…) લો બોલ્યાં!… કનૈયાલાલ મુનશીની ઉમા અને કુમુદસુંદરી!!! બેન મારી, તું તારા ડેટા ચેક કર… બહુ લોચા મારે છે તું… નથી કુમુદસુંદરી કનૈયાલાલ મુનશીની… મારી મા… એ ગોવર્ધનરામ ત્રિપાઠીની છે!

(સીલીના ચાળા પાડતાં) સૉરી! હું કોઈની મમ્મી બનવા માટે પ્રોગ્રામ નથી થઈ.. મારું સૂચન છે… તમે ડી.એન.એ. ફિંગર પ્રિન્ટિંગની મદદ લઈ શકો…

(કંટાળીને હાથ જોડે છે) કેવા દિવસો વીતી જતાં એ પાત્રના વિચારોમાં! પણ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પૂતળીને કોણ સમજાવે, કે આ બધી પણ કરામત ઉમદા સર્જકોની કલમની હોય છે…

(પાત્ર એક ચક્કર ફરી જાય છે જેમ ધરતી પોતાની ધરી પર ફરે એમ…)

ભણવા લાગ્યાં તો શીખવવામાં આવ્યું કે ઇતિહાસની રાણીઓ, વીરાંગના સ્ત્રીઓ, સ્વાતંત્રસેનાનીઓ… એ બધી ખરી નાયિકાઓ હતી…

(ફોનમાંથી આવતા અવાજના જવાબમાં) હવે પટ પટ નામ બોલશે… જાણીતાં નામ હોય એટલે માંડે બોલવા… પોપટ છે નરી!

(ઊંડા વિચારમાં સરી જતાં.) જેનું ક્યાંક નામ છપાયેલુ હોય, પુસ્તકોમાં હોય, માત્ર એટલી જ નાયિકાઓ ન હોય એ સમજાતાં મને બહુ વાર લાગી… તો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચેટબોટ પાસે શું આશા….

(ઝડપથી ગોળ ફરીને આનંદથી અને ઝડપથી બોલતાં)

પછી નૃત્ય શીખતાં થયાં અને નાટ્યશાસ્ત્રનો નાયિકાભેદ… જયદેવનાં ગીત ગોવિંદમાં… એક જ રાધા અષ્ટનાયિકાના જુદા જુદા સ્વરૂપે વર્ણવાયેલી… વાહ…આહા… કેવી અવર્ણનીય આનંદની એ દુનિયા… એ તમામ નાયિકાઓની અનુભૂતિઓ… સંવેદનાઓ…

(જાણે સ્વપ્ન જોતી હોય એ રીતે…)

અને હું એ જોતી થઈ ગઈ કે ન કેવળ રાધા પણ દરેક સ્ત્રી, અષ્ટનાયિકાઓમાંનાં મોટા ભાગના પ્રકારો પોતાની જિંદગીમાં જીવતી હોય છે… હું પણ… એ બધાં જ રંગ પહેરીને ઊભી છું…

(થોડી ક્ષણો માટે થંભી જાય છે)

વાસકસજ્જા: સુંદર શણગાર સજીને પ્રિય પાત્રને રીઝવવા માટે ઉત્સુક સ્ત્રી, ક્યારેક ને ક્યારેક દરેક સ્ત્રીમાં વાસકસજ્જા જીવી હોય છે…

વિરહમાં ઉત્કંઠા કોણે નથી અનુભવી? કઈ સ્ત્રી એવી છે જેણે પ્રિય પાત્રની રાહ નથી જોઈ? પણ તું શું જાણે? પ્રતીક્ષા, વિરહ…

એ સીલી, કેટલીક સ્ત્રીઓ સ્વાધિનભર્તૃકા પણ હોય છે – જેનો પતિ એને વશ હોય! ઇતિહાસમાં પણ છે – કૈકેયી! સ્વાધિનભર્તૃકા… પણ એય કાંઈ એમનેમ ન થવાય આંગળી કચરાઈ ગઈ હોય કોઈ રથના પૈંડામાં…

આને પાછો ગૂંચવાડો થયો… કહે છે કે વ્હીલ પ્લેટ હોવી જોઈએ…. હવે રથમાં ક્યાં વ્હીલ પ્લેટો શોધે છે?

કલહાંતરિતા એટલે ક્લેશને કારણે દૂર થઈ ગયેલી સ્ત્રી… પણ યાર સીલી, સીતાએ તો પોતે કલહ પણ ના કર્યો અને તોય એને રાજા રામે છોડી દીધી… (નિઃશ્વાસ નાખે છે) રામ તારી માયા! સીતાને તો કલહાંતરિતા કહીશું કે ખંડિતા?

પછી પ્રોષિતભર્તૃકા: જેને મૂકીને નાયક ક્યાંક જતો રહ્યો છે ઊર્મિલા… લક્ષ્મણની પત્ની… ખબર છે તને? (માર્મિક સ્મિત કરતાં)

વળી વિપ્રલબ્ધા… એવી સ્ત્રી જેને નાયકે છેતરી હોય… હા… સાચું કહ્યું તેં એમની સંખ્યા સહુથી મોટી હશે આ જગતમાં… (કટાક્ષથી સ્મિત કરતાં દર્શકગણ સામે જુએ છે)

અને અભિસારિકા… અષ્ટનાયિકામાં મને સૌથી પ્રિય…

(આનંદ અને ઝડપથી) સુંદર શણગાર સજીને અગાઉથી નક્કી કરેલા સ્થળે પોતાના પ્રિયને મળવા જતી સ્ત્રી…

એક નાર સજ કે સિંગાર,
ચલી ઉસ પાર,
જહાં થે ઉસકે કિસન મુરાર!

છમક છુમ છુમ, છમક છુમ છુમ, છમક છુમ છુમ!

આહા…!

પણ …ત્યાં…બધે જ નાયક મુખ્ય છે અને એની સાથેના સંબંધને આધારે સ્ત્રીઓ વર્ગીકરણ પામે છે…

પણ હવે લાગે છે કે નાયકની સાપેક્ષમાં ન જોઈએ તોપણ નાયિકા તો નાયિકા જ હોય છે.

એ સીલી, તને પણ એટલી તો ખબર હશે જ ને કે સાહિત્ય અને કલાનું સર્જન કરનાર નાયિકાઓ પણ છે..? મીરાંબાઈ, ગંગાસતી, તોરલ, અમૃતા પ્રીતમ, અમ્રિતા શેરગિલ… આ બધી એ નાયિકાઓ છે જેમણે પોતાની વૈચારિક ક્રાંતિને કલામાં વ્યક્ત કરી છે..

પણ શું જે જાણીતી નથી, જેને ખ્યાતિ નથી મળી એ કાંઈ નાયિકા નથી?

તને તો નાયિકાઓ ફક્ત એ જ મળશે જે મીડિયાએ દેખાડી હશે જાહેર થઈ હશે, પ્રસિદ્ધ થઈ હશે… ઈસરોની વૈજ્ઞાનિક, આર્મી અને પોલીસમાં જોડાયેલી, ઑલિમ્પિક રમતી, અવકાશમાં જતી, ભાષણો કે રાજ કરતી સ્ત્રીઓ…

પણ જિંદગીને જેમ જેમ નજીકથી જોઈ, મને નાયિકાઓ જિંદગીમાં મારી સાવ આસપાસ, અડીને મળી!

ભારતીય સ્ત્રીઓ મહાન છે… (જરા અચકાઈને) ચલને… મોટા ભાગની ભારતીય સ્ત્રીઓ મહાન છે! કારણ કે એમને જ્યારે જે ફરજ નિભાવવાની આવે છે ત્યારે પૂર્ણ સમર્પણથી એ નિભાવવાની કોશિશ કરતી હોય છે… જેના વિશે અખબાર અને મીડિયાને ખબર પણ નથી અને એ કારણથી તનેય ખબર નથી છતાં, મારે મન એ બધી હીરોઇન  છે – નાયિકાઓ છે. મારી આસપાસ મારાં ફોઈ-મામી અને એવી કેટલીય સ્ત્રીઓનાં જીવન જોયાં છે જે નાયિકા કહેવાને લાયક હોય.

(સીલીની નકલ કરતાં)  આઈ નો ફોઈ… ફાધરની સિસ્ટર. મામી ના બોલાય મમ્મી બોલાય… તું તો ચૂપ રહે હવે. તને નહીં સમજાય ભારતીય પરિવાર…

એક વાત કરું. જો તને અને તારી આ નકલી સમજણમાં… હા એ જ – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઊતરે તો…

મારી પાછળના મકાનમાં રહેતાં પાડોશી મીનાબેન. ગામડે પતિ સાથે બહુ ફાવે નહીં… તો દીકરાને ભણાવવા માટે ભાડે ઘર રાખીને અહીં વિદ્યાનગરમાં એકલાં રહે અને દીકરાનું ધ્યાન રાખે. એ મીનાબેન… પછી સાંભળ્યું કે એમને કમળો થયો – હૉસ્પિટલમાં હતાં. આશરે પિસ્તાળીસ વર્ષની ઉંમર હશે એમની… પછી એમાંથી કમળી થઈ ગઈ. હૉસ્પિટલમાં જ હતાં અને ખબર આવી કે મીનાબેન પ્રભુને પ્યારાં થઈ ગયાં. મારાથી પણ નાનાં હતાં… બહુ જીવ બળ્યો… દીકરાનું શું થશે એવો વિચાર આવ્યો… ત્યાં એન્ટ્રી થઈ હીરોઇનની – જેની મારે વાત કરવી છે.

તમે જુઓ તો શરીર સૌષ્ઠવને નામે એકવડિયા બાંધાનું શરીર, લગભગ બધા જ ધોળા થઈ ગયેલા અને એક નાની પાતળી ચોટલીમાં બાંધેલા વાળ, એકાદ પડી ગયેલો અને બાકીનાં વાંકાચૂકાં દાંત, કરચલીવાળાં ચહેરો, ગળું અને હાથ… એમની ઉંમર લગભગ સિત્તેર-બોત્તેર વર્ષ હશે… અને એ છે મારી હીરોઇન.

ખબર છે, કેમ? મને એનાં રૂપ-રંગ અને એમની પહેરેલી સાવ સામાન્ય સાડીનો રંગ સુદ્ધાં દેખાયાં જ નહીં. જ્યારથી મેં જાણ્યું કે ગુજરી ગયેલાં મીનાબેનની એ મા છે. પોતાની વહાલસોયી દીકરી ગુજરી ગઈ પછી એ જ ઘરમાં આવીને વિધવા માએ રહેવા માંડ્યું. ઘર સંભાળી લીધું. દીકરીના દીકરાને જ નહીં અરે એના કૂતરાને પણ સંભાળી લીધો.

જેવી રીતે મીનાબેન કૂતરાને નવડાવતાં, ખવડાવતાં એનો ઝાડો-પેશાબ સાફ કરતાં એવી રીતે એ બોત્તેર વર્ષની માએ બધું જ કરવા માંડેલું… દીકરીની જેમ સવાર સવારમાં કપડાં ધોઈને સૂકવી દીધેલાં જોયાં છે મેં… એમની દીકરીએ ત્રણ કૂંડાંમાં છોડ ઉછેરેલા – માએ છ કૂંડાંની લાઈન કરી દીધી! એમની સ્થિરતા જોઈને હું હચમચી ગયેલી… અને મેં એમને રડતાં પણ નથી જોયાં. ખાસ ઉદાસ પણ નથી જોયાં. સ્વીકારી લીધું જે બન્યું જિંદગીમાં… અને એ દિવસથી મારા દિલમાં એ હીરોઇન તરીકે સ્થાપિત થઈ ગયાં.

રોજ સવારે હું એમને જોઉં છું અને કેટલીયે વાર તો મેં ફોનમાં એમના ફોટા પાડ્યા છે… ખબર છે શું કરતાં? એમની દીકરીના ગુજરી ગયાના ત્રીજા દિવસે એ માને મેં એના આંગણામાં તુલસીને પાણી પાઈ, મની પ્લાન્ટની વેલને બાંધીને આધાર આપીને ઉપર ચડાવતાં અને રોજની જેમ સૂર્યને અર્ઘ્ય આપતાં જોયાં અને મારી નાયિકાની શોધ પૂરી થઈ!

સંજોગો સામે – સંજોગોના જવાબમાં જે ઊર્જા અભિવ્યક્ત થાય છે કદાચ એ જ છે વ્યક્તિ!… અસ્તિત્વની અભિવ્યક્તિ – કોઈ પરમ તત્ત્વની અભિવ્યક્તિ!

(પ્રેક્ષકો તરફ)

આ સીલી ચેટબોટ તો શું સમજે? પણ તમે જોશો… આ હોલમાં તમારી આસપાસ પણ બેઠી છે – આવી જ કોઈ વ્યક્તિ… કોઈ નાયિકા!

લેખિકા: પૃથા મહેતા–સોની

pruthasonio9@gmail.com

 

Leave a Reply to Rashmi AgnihotriCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

25 Comments

  1. વખાણ; લખાણ ના કરવા કે લખવા વાળા પાત્ર ના એ મોટી મુંજવણ… Micribiology હોય કે blog ઝીંણવટ ને જોવાની, સમજવાની અને શબ્દો માં ઉતારવાની કળા તો કુટી કુટી ને ભરી છે આપ માં….
    એક જ ટૂંકી ને ટચ વાત માં સતયુગ થી માંડી ને કલયુગ ની સ્ત્રી અને પછી એ જ શ્વાસે A. I. ને પણ વર્ણવવાની તાકાત છે આપ ની કલમ માં…એ પણ એવી શૈલી માં કે વાત કોઈ ની નથી પણ વાત દરેક સ્ત્રી ની છે.. Everyone can relate…
    એમ કહેવું ખોટું નહિ હોય કે લાગણીઓ નો દરિયો જેનું મન જ નહિ, મગજ પણ હોય એની જ કલમ આટલી સુંદર અને ઊંડી વાત લખી શકે..આ blog ને વાંચ્યો તો એવું લાગ્યું કે રંગમંચ સામે બેસી ને live play જોયો હોય……અદ્ભૂત …Prutha Mehta ji ખુબ ખુબ આભાર આ ઉમદા લેખન ની ભેટ અમારા જેવા સાહિત્ય પ્રેમી લોકો ને આપવા માટે…

      1. વાહ, નવા પ્રયોગ માટે અંતરથી અભિનંદન, પ્રિય પૃથા.વિષય ની technicality થી શરૂ કરેલી રચના… એટલે કે વાચિકમ્ અને આહાર્યનો દેવપ્રયાગ તો તેં ખડો કરી દીધો, ક્યારેક આંગિકમ્ વડે રચાતા ત્રિવેણી સંગમથી વારાણસી દ્રશ્યમાન થાય એની રાહ જોઈશ.
        સીરી અને સીલી માં અક્ષરભેદ ક્યાંક રમૂજ પેદા કરે છે, જેને કારણે આ ક્લિષ્ટ વિષયની નીરસતા ને ચતુરાઈપૂર્વક ટાળી શકાઈ છે. સ્ત્રી હોવા વિશેનું તારું સભાનપણું અને તેની વ્યથા તેમજ ગરિમા બંનેનું આલેખન અવારનવાર તારી રચનાઓમાં જોયું,વાંચ્યું અને અનુભવ્યું છે. ભરતનાટ્યમ પ્રત્યેના તારા લગાવને લીધે નાયિકા આમેય તારો પ્રિય વિષય. નાયિકાની વિવિધ વિભાવનાઓ અનુભવનાં ગળણાં માંથી પસાર થઈ અંતે એક સીધી, સાદી, સરળ સ્ત્રી પર આવી અટકે છે. જીવન ની આ સત્યતા બહુ મીઠડી અને હ્રદયંગમ લાગી. ખરે જ જીવન નું સત્ય જટિલતા નહીં સરળતામાં છે. જે પણ વિષયને તું સ્પર્શે તેના પ્રત્યેનું તારું તરબોળ થવું એ જ તારી લાક્ષણિકતા. અનંત સપ્રેમ અભિનંદન.

        1. ખૂબ આભાર, સંતોષ અને રાજીપો બખૂબી વંચાયા અને સમજાયાનો!

  2. દરેક સ્ત્રી જીવના અલગ અલગ પડાવમાં અલગ અલગ પાત્ર બખુબી ભજવી જાણે છે . તેં આ એકોક્તિ માં સ્ત્રી ના જુદા જુદા રંગને બહુ સરસ રીતે આલેખ્યા છે. અંતરથી અભિનંદન સખી…

    1. મોના, તું એ વાર્તામાં કહે છે-હું એકોક્તિમાં…! ખૂબ આભાર સખી!

  3. અભિનય કરવા પ્રેરિત કરે તેવી એકોકિત માટે આપને અભિનંદન
    ……કનુ પટેલ

    1. કનુ પટેલ…આભાર. મૂળે તો મંચ-મિત્ર ખરાને!

  4. વાહ પ્રુથાબહેન..!! સાહિત્ય ક્ષેત્રમાં પણ વિજ્ઞાન ક્ષેત્ર જેટલુંજ ચોટદાર પ્રદાન..
    આપને અભિનંદન અને શુભકામનાઓ..!!

    1. આનંદભાઈ! આપણા માઈક્રોબાયોલોજી સિવાયના વિષયોમાં પણ સર લઈને પ્રોત્સાહન આપો છો… ધન્યવાદ! ખૂબ આભાર.

      1. અમે આનંંદ અને ઞૌરવની લાઞણી અનુભવીએ છીએ.

    2. અકલ્પનીય! ખૂબ પ્રેરણાદાયક છે. એક માઇક્રોબાયોલોજી પ્રોફેસર તરીકે, આવા આકર્ષક નાટકની રચના ખરેખર પ્રભાવશાળી છે. ✨️💐

  5. નાયિકાના અલગ અલગ પ્રકારને સરસ રીતે આજની ભાષામાં વણી લીધા છે. લેખિકા આ વિષયના જાણકાર છે એ ફલિત થાય છે.

    1. આપ સ્વયં નાયિકાભેદ પર ખૂબ ઊંડાણપૂર્વક doctoral study કરી રહ્યાં છો… આપના આ શબ્દો મૂલ્યવાન છે. ખૂબ આભાર મિતાબેન.

  6. વાહ, વાહ ને વાહ….👌👌 ગજ્જબ…. અદ્ભુત 👌👌 ખૂબ સુંદર અભિવ્યક્તિ 💐