નૂતન વર્ષાભિનંદન (ત્રણ કાવ્ય) ~ 1. ગાયત્રી ભટ્ટ 2. દિલીપ ધોળકિયા ‘શ્યામ’ 3. દીપક ત્રિવેદી

1.  તેજ ધરી લે તત્ક્ષણ

નૂતન વર્ષાભિનંદન
જાગે ઉરમાં સ્પંદન.

કણકણ રે કોકિલ થઈ બોલે,
વદે વેણ સુલક્ષણ.
જણજણ ઉજવે પ્રકાશપર્વ,
તેજ ધરી લે તત્ક્ષણ.
નવલરૂપ નિહાળી નમીએ,
કરીએ નિસર્ગનંદન.

જીવન ખળખળ વ્હેતું પળપળ,
ખળખળ વ્હેતાં રહીએ.
વિસ્મય પામી વસુધાના
આ ઝળહળ આંજી લઈએ.
શ્વાસ ભરીને નવા સવા શ્રી
જગને કરીએ વંદન

~ ગાયત્રી ભટ્ટ (ગોધરા)

2. આગળ જવું પડશે 

તમારે રોજની ફરિયાદથી, આગળ જવું પડશે.
ચવાયેલી બધીયે  વાતથી આગળ  જવું પડશે.

જીવનથી હોય શું મોટું, ભલા સંસારમાં બીજું?
હવે દંગા અને  ફિશાદથી  આગળ જવું પડશે.

સમય સાથે બદલતાં શીખવું પડશે હવે સૌએ,
કનડતી હોય એવી યાદથી આગળ જવું પડશે.

નવા દિવસો લઈ આવે નવું સાથે જગત એથી,
બધાં ભૂલી જૂના કંકાસથી આગળ જવું પડશે.

ધરમના માર્ગ  સઘળાં જાય છે  અંતે હરિ દ્વારે,
વિચારોનાં સકળ વિવાદથી આગળ જવું પડશે.

સમય આવ્યો નવા ઉજાશનો ધરતી પરે નવલો,
ભરેલાં  ભીતરી  અંધારથી આગળ  જવું પડશે.

દિવાળી ફાંટ  બાંધી લાવતી, પ્રકાશ એ જગમાં,
બધે વહેંચી અલગતાવાદથી આગળ જવું પડશે.

પ્રગટ કરજો  હૃદયમાં દીવડો  સમભાવનો મિત્રો,
મિટાવીને બધા  વિખવાદથી આગળ જવું પડશે.

મિલાવી હાથ સૌ સાથે હૃદયનાં ભાવથી મળજો,
ભભકતી વેરની હર આગથી આગળ જવું પડશે.

~દિલીપ ધોળકિયા ‘શ્યામ’, જૂનાગઢ

3. નૂતન વર્ષની દેવી

ભૂલભૂલમાં જે ભૂલ થઈ હો, કરજો એને માફ
પસ્તાવો છે પારસવરણો દિલ- ઝરૂખે રાખ

અભિનંદનની વર્ષા કરજો, કરજો અમૃત જેવી
સઘળું આપી ગુંજા ભરશે, નૂતન વર્ષની દેવી

ઢળે, ઢળે તો ઢળવા દેજો દુઃખનો ડુંગર બાપ !!
ભૂલભૂલમાં જે ભૂલ થઈ હો, કરજો એને માફ

સૌની સાથે હળીમળીને ગાઓ ગીત મધુરાં
નથી હાથમાં, નથી સાથમાં કરો આદર્યા પૂરાં

સહજ મળે તે સુંદર સોનું, માથાકૂટ સંતાપ
પસ્તાવો છે પારસવરણો દિલ- ઝરૂખે રાખ

~ દીપક ત્રિવેદી (રાજકોટ)

આપનો પ્રતિભાવ આપો..