મીરાં (એકોક્તિ) ~ સ્મિતા શુક્લ ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૧૧
હા, હું ‘મીરાં’. શ્રીકૃષ્ણની મીરાં, ગિરધર, મુરલીધર, દ્વારકાધીશની ‘મીરાં’, મારા શ્યામની ‘મીરાં’ મારા રોમેરોમ, શ્વાસોમાં શ્વસતા, મારે ભીતર-બહાર બસ કૃષ્ણ, કૃષ્ણ ને કૃષ્ણ.
માતા વિરકુંવર, હું બે વર્ષની હતીને ત્યારે જ અવસાન પામી, મારા દુદાજીએ મને ઉછેરી, ત્યારથી મારા દાદા ‘દુદાજી’નું મને વળગણ વધારે.
એક દિવસ વરઘોડો જતાં જોયો અને હું માને પૂછી બેઠી. મા મારા પતિ કોણ હશે? તેઓ કેવા હશે? માએ મજાકમાં કહ્યું: આ કૃષ્ણ જ તારાં પતિ, બસ ત્યારથી હું શ્રીકૃષ્ણને વરી ચૂકી, દાદા સાથે રાત-દિવસ સેવા-પૂજા ને અર્ચનામાં રહેતી. આમ ધીરે ધીરે હું વધુ ને વધુ ભક્તિ તરફ વળતી ગઈ. કૃષ્ણમય થઈ ગઈ.
દાદાજીની ઇચ્છાને ન અવગણતાં ચિતોડના રાજા સંગ્રામસિંહના પુત્ર કુમાર ભોજ સાથે મારા વિવાહ થઈ ગયા. કુમાર ભોજને મેં કેટલું સમજાવ્યા કે હું લાડઘેલી, ભાવઘેલી, ભક્તિઘેલી છું. હું નાચી ઊઠું, ગાઈ ઊઠું, લવી ઊઠું ને ભાને ભૂલી જાઉં છું. કુમાર, મારો દેહ મારા ગિરધરને અર્પણ થઈ ચૂક્યો છે. મન વગરની, દેહ વગરની આ મીરાંને લઈને તમે શું કરશો. આ હવાની પૂતળીને પરણીને શું કરશો? કુમાર આપનું પૌરુષ ઉપવાસી રહેશે તો?
કુમાર ભોજ ન માન્યા. તો તમે નહીં જ માનો એમ જ ને, તો મારી એક શરત છે મને પરણશો તોય આ દેહ તમને નહીં મળે. તેમણે શરત સ્વીકારી ને મારાં લગ્ન રાજા ભોજ સાથે થઈ ગયા.
દિવસો વીતતા જાય છે હું વધુ ને વધુ પ્રભુ તરફ ઢળતી જાઉં છું. રાજા ભોજ રણસંગ્રામે ગયા. ઘાયલ થયા. બીમાર પડ્યા. મેં તનમનથી સેવા કરી ને એક દિવસ ભોજે મારી પાસે વચન માગ્યું; “પ્રભુ સ્પર્શે નહીં ત્યાં સુધી દેહને સાચવી રાખવો.”
મેં વચન આપ્યું. રાજા ભોજે પતિત્વના હક જતા કર્યા. મારા માટે આધ્યાત્મિક માર્ગ મોકળો કરી આપ્યો. મારા હૃદયને સાચી રીતે જો કોઈ ઓળખી અને સમજી શક્યું હોય તો માત્ર રાજા ભોજ, તેમણે શરીર વિખેરી નાખ્યું. મૃત્યુ પામ્યા.
હું વિધવા બની. મેં સંસાર ત્યાગ્યો. મને ગિરધરની ઘેલછા વધતી ગઈ. હું મીરાં હતી, ઝેર પચાવી જાણનારી મીરાં, અસંખ્ય ઘા સહેનારી, દુઃખો, અનેક પડકારોનો સામનો કરનારી મીરાં, મારા વાલાની પ્રેમકટારી જો મને વાગી હતી. હું કરગરવા લાગી. ‘હે, મારા નાથ! ઘણું થયું હવે આ આંખોને તારાં રૂપથી ભરીને દે, આ હૈયું ખાલી લાગે છે.’
મારા અને કાન્હા વચ્ચેનો આ સંવાદ રાણાજીએ સાંભળ્યો ને મને ચિતોડ છોડવાનો હુકમ આપ્યો. એ જ ક્ષણે મેં ચિતોડ અને મેવાડ છોડ્યાં. ભાઈ જયમલે રોકવાની ઘણી કોશિશ કરી. મારે તો મારી ભૂખ મિટાવવી હતી. યમુનાનાં નીરથી તૃષ્ણા છિપાવવી હતી. મેં વૃંદાવન તરફ પ્રયાણ કર્યું.
વૃંદાવનમાં પગ મૂક્યો કે મને મારા કાન્હાનો નૂતન સ્પર્શ થતો લાગ્યો. એની સાથે સંવાદ સાધવા લાગી. ‘હે નાથ! તમારા પ્રત્યક્ષ સ્પર્શ માટે, દર્શન માટે, તમારી વ્રજભૂમિ પર આવી છું. બંસીનાદ સમીરમાંથી આવી રહ્યો છે. બંસીધર! ક્યારે ત્રિભંગ મૂર્તિનાં દર્શન થશે.’
કૃષ્ણ સિવાય બીજા કોઈને મળવાની ઉતાવળ ન હતી. વ્રજની ધૂણી ઊઠતી ને મને ધૂણી-ધૂસર કાનાનું મુખ સાંભરતું. હું નાચતી, ગાતી, પદો રચતી. મારે તો પાંચ હજાર વર્ષનો નવયૌવનભર્યો સનાતન પ્રેમી મુરલીધર શોધવો હતો. એ મને મળતો, ને ઘડીક વારમાં અદૃશ્ય થઈ જતો. હું વેણુ ગાતી. ગિરિરાજની તપતી કરાડોમાં ટેલ પાડતી. ભરબપોરે ભટકતી. કનૈયાની રાહમાં યમુનાતીરે કાં બંસીવટ પર બેસી રહેતી.
હું ગોરી હતી. મને સહુ ગૌર કહેતાં, પણ આ કાળા કામણગારા કાનજીના સ્પર્શે મને કાળી બનાવી દીધી હતી. બધે અંધકાર છવાયો હતો. મેં હાથ લંબાવ્યો.
મારા હાથમાં પુષ્પ આવ્યું. ધવલના બદલે એ પણ શ્યામ લાગ્યું. તારાની ચમકમાં શ્યામતા દેખાતી. મને વીંટી વળેલી રાત્રી કાળાશ કૃષ્ણનું સર્વાંગી આલિંગન ઉપજાવતું. જાણે કૃષ્ણ સાથે અંગ મળી ગયું. ભળી ગયું. ગીત રેલાઈ ગયું.
“તુજ સંગ શું અંગ ભળ્યું હો કનાઈ!
ગોરી હું બની કાળી!
તુજ મન કાળું વળી તન કાળું,
તુજ કુટિલ નજર પણ કાળી!
શ્યામલ નયને નયન મિલાવી,
બની ગઈ હું મતવાલી…!
ગોરી હું બની ગઈ કાળી !
ગીત પૂરું થતાં જ સામે સૌંદર્યથી શોભતી યુવતી નિહાળી. શ્યામ સૌંદર્ય જાણે શ્યામ જ જોઈ લો. એ તો મારા વાલાનાં રાધાજી હતાં.
“પ્રણામ રાધાજી, મારા શામળિયાનાં અર્ધાંગ મને કૃષ્ણદર્શન કરાવો. તમારા હૈયામાં રાખ્યા છે એને બહાર લાવો ને મને સોંપી દો!!”
ના ના, મીરાં મેં નહીં, અહીં તો ગોપીજને હૈયામાં જડી દીધા છે. વ્રજમાં તો એ ગોપીઓના છે. તારે એમને મળવું જ હોય તો દ્વારિકા જવું પડશે. એ ત્યાં બેઠા છે. તારી રાહ જોઈ રહ્યા છે. ઝટ જાવ કોઈ ભાવિ ગોપી ત્યાં જઈ પહોંચે એ પહેલાં તમે પહોંચી જાવ.
મારે તો સ્વદેહે એમનામાં ભળી જવું હતું. પ્રત્યક્ષ સ્પર્શ જોઈતો હતો. સર્વાંગી મિલન જોઈતું હતું ને મેં વ્રજભૂમિ છોડી દ્વારિકાની વાટ પકડી. દ્વારિકામાં પ્રવેશતાં જ પાર્થિવ તંતુ તૂટી ગયો. હે નાથ! હે ગિરધર! હે શ્યામ હવે ક્યારે સર્વાંગી મિલન આપશો?
ઉતાવળી ઉતાવળી ચાલી. જાણે હું દોડતી જ હતી. મંદિરમાં પ્રવેશ કર્યો. મારા દ્વારકાધીશની મૂર્તિ સ્મિત કરી મને આવકારતી હોય એવી દેખાઈ. આમ ને આમ વર્ષ વીતી ગયું. જીવ ગૂંગળાઈ જવા લાગ્યો. દેહ સુકાવા લાગ્યો અને છેલ્લી વાર ગાઈ લેવાં, નાચી ઊઠવા મન અધીરું બન્યું. ગીતની ગુંજ સાથે પગ પણ નાચી ઊઠ્યા.
ગીત નૃત્ય પૂરું થયું. મેં પોકાર કર્યો. હે પ્રભુ! મારાં કૃષ્ણ! ગિરધર ક્યાં સુધી મીરાંને દૂર રાખવી છે. હવે એક ક્ષણ નહીં રહેવાય. મેં ગોપીઘેલી મોજ અનુભવી. મૂર્તિ જીવંત બની. જાણે મને બાથમાં સમાવવા હાથ લંબાવતી બોલતી લાગી. જાણે કહેતી હોય; મેં તને ક્યારેય અલગ રાખી નથી મીરાં, તું અને હું એક જ છીએ. ચાલી આવ મીરાં, ચાલી આવ! ચાલી આવ!
હા, નાથ! શ્યામ! હું આવું છું. હા, હા માધવ, હું આવું છું. અંતે મને સ્વરૂપમાં ભેળવી ખરી! આહ! ને હું દોડીને મૂર્તિને ભેટી પડી ને હું બાલજોગણ, બાલ વિજોગણ પ્રભુમય બની ગઈ.
smitashukal13@gmail.com