દશા એવી હવે પામ્યોઃ કશું ત્યાગી નથી શકતો ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
કેટલીક એવી ઘટનાઓ બને જે જોઈને આપણે વિચલિત થઈ જઈએ પણ કશું કરી ન શકીએ. આવું તો ભારતમાં થાય જ એવી માનસિકતા આપણે સ્વીકારી લીધી છે. જો કે સુપ્રીમ કોર્ટે કોલકાતા રેપ-મર્ડરના જઘન્ય કિસ્સામાં સામે ચાલીને કેસ હાથમાં લીધો અને મમતા સરકાર તથા કોલકતા પોલીસને આડે હાથે લઈ લીધી.
![]()
ન્યાયતંત્ર પર વિશ્વાસ ટકી રહે એવું આ પગલું છે. કોઈ આવે અને અરજી કરે એની રાહ જોવાની બદલે સુપ્રીમ કોર્ટે તરત જ કાર્યવાહી શરૂ કરી દીધી. પીડિતા તો પારાવાર વેદના પછી મૃત્યુને શરણ થઈ પણ તેના માબાપની પીડા કલ્પી પણ ન શકાય.

ગની દહીંવાલા આવી પીડાને વાચા આપે છે…
સભામાં ભગ્ન હૈયે રંગ
રેલાવી નથી શકતો
તૂટેલા સાજ પર સંગીત
સંભળાવી નથી શકતો
ધરીને હાથ હૈયા પર
તમન્ના દિલથી કાઢું છું
એ જ્યાં જન્મી છે એને ત્યાં જ
દફનાવી નથી શકતો
વાત દફનની આવે તો કાશ્મીરની એક હકીકત પર ધ્યાન દોરાય છે. પહેલા આતંકવાદીની દફનવિધિમાં હજારો લોકો જોડાઈને શક્તિ પ્રદર્શન કરતાં. જનાજામાંથી જ નવા યુવકોને આતંકી પ્રવૃત્તિઓમાં જોડવાની શરૂઆત થઈ જતી.

સરકારે આ આખી પ્રવૃત્તિ જ બંધબારણે કરી નાખી જેનો મોટા ફાયદો કાશ્મીરને થયો છે. આતંકી પ્રવૃત્તિ હવે કાશ્મીરથી જમ્મુ તરફ ફેરવાઈ છે.

ખાવાના સાંસા હોવા છતાં પડોશી દેશ આપણને ફૂંકી મારવાના ફાંકામાં ફસાયેલો છે. આપણા દુશ્મન દેશની ફિતરત જુદી છે. મરીઝ આપણને તાર્કિક કારણ તરફ લઈ જાય છે…
કરી શકતો નથી હું મારા મિત્રોની કદરદાની
ફક્ત એક કારણે, કે દુશ્મનો સાચા નથી મળતા
મરીઝ અલ્લાહના એકત્વમાં શંકા પડે ક્યાંથી
જગતમાં જ્યારે બે ઇન્સાન પણ સરખા નથી મળતા
ટ્વિન્સ સિવાય ભાગ્યે જ બે માણસો સરખા જોવા મળે. એટલું જ નહીં એક જ માણસના વિચારોમાં પણ સમયાનુસર પલટો આવતો હોય છે. આજે જે સાચું લાગતું હોય તે આવતા અઠવાડિયે બાલીશ લાગે.

ઘટના, સંબંધોનો ઉતારચડાવ, સ્વભાવ વગેરે અનેક પરિબળો આપણી વિચારશક્તિ અને નિર્ણશક્તિ પર અસર પાડે. લવ સિંહા સ્વભાવની સંવેદનશીલ બાજુને રજૂ કરે છે…
મારો સ્વભાવ છે,
ના પાડી નથી હું શકતો
આવી, તો મેં ઉછેરી
બે-ચારની ઉદાસી
આવીને એણે પહેલા
કરવું પડે છે સાબિત
ઈશ્વર ઘણી બધી છે
અવતારની ઉદાસી
કામ ફાવે એવું ન હોય તોય ઘણીવાર આંખની શરમે આપણે ના પાડી શકતા નથી. આ કારણે પછી ઉચાટ રહ્યા કરે અને કામમાં બરકત ન આવે. ગમતું કામ કરવા મળે તો એને ઈશ્વરની પરમ કૃપા સમજવી.

ઝડપથી પૈસા કમાવાની દોડમાં સુખિયા જીવને દુખિયો બનાવતા લોકો અચકાતા નથી. સંપત્તિ અર્જીત કરવાની દોડમાં સ્વાસ્થ્યની દરકાર લેવાતી નથી. ડૉક્ટર્સ બૂમો પાડીને જેની ના કહે છે એ બધું જ ખાવાપીવાની આપણને મજા આવે છે.

કિરણસિંહ ચૌહાણ સોંસરવો સવાલ પૂછે છે…
ભરી શકતો નથી ડગલું ય
જે પોતાની મરજીથી
એ પર્વતને તણખલું રોજ
ઉશ્કેરે તરણ માટે
સતત દોડીને તૂટી જાય,
હાંફી જાય… અંતે શું?
બધાં જીવે છે આખી જિંદગી
જાણે મરણ માટે
જિંદગી શેના માટે જીવીએ છીએ એ જ ઘણી વાર યક્ષપ્રશ્ન થઈ જાય છે. સંસાર, સંપત્તિ, સિદ્ધિની પ્રાથમિકતામાં સંવાદ, સંતુષ્ટિ અને સાદગી કોરાણે મૂકાઈ જાય છે. ઘણું બધું પ્રાપ્ત થયા પછી પણ એકલતા મહેસૂસ થયા કરે.
જે તુમાખીથી આપણે જગતને જવાબ આપતા હતા એ તુમાખીથી જાત સાથે વાત થઈ શકતી નથી. સુધીર પટેલ આ વિમાસણને નિરૂપે છે…
જ્યારે જઈ શકતો નથી
હું ક્યાંય રાવ લઈ
રજુ થાઉં છું હું કાફિયામાં
એ તનાવ લઈ!
ચાલી રહ્યું છે યુદ્ધ તુમુલ
જાત સંગ ને-
અખબાર આવે એ વગરના
સૌ બનાવ લઈ!
લાસ્ટ લાઈન
છું એવી જાગૃતિમાં કે
વધુ જાગી નથી શકતો
અતળ છું એટલે તળને
કદી તાગી નથી શકતો
નિરંતર સ્થિર છું જાણે
ગતિના શ્રેષ્ઠતમ રૂપે
ક્ષણોની જેમ હું વ્યાકુળ
બની ભાગી નથી શકતો
ન તો હું વજ્ર કે વાજિંત્ર છું
કોઈના ય હાથોનું
હું એકે રીતથી આ વિશ્વમાં
વાગી નથી શકતો
દીધો સન્યસ્તને આશ્રય
ગૃહસ્થોની ગુહા મધ્યે
ઘણું યે કલ્પવૃક્ષો કરગરે,
માગી નથી શકતો
છું એકાકીઃ બહુલતાને
સમેટી સાવ એકોહમ્
કશું ગુણી નથી શકતો,
કશું ભાગી નથી શકતો
ન સેવ્યા આગ્રહો,
ના કૈં ગ્રહ્યું-ગ્રાહ્યું કદી અહીંયાં
દશા એવી હવે પામ્યોઃ
કશું ત્યાગી નથી શકતો
નથી જાચક નથી દાતા,
નથી લેણું નથી દેણું
છતાં હોવાનું મ્હેણું
હું અહીં ભાંગી નથી શકતો
કવિનો શબ્દ તો ઉભયાન્વે છે
વ્રણ અને ઔષધ
હું એને માત્ર જામગરી ગણી
દાગી નથી શકતો
~ હરીશ મીનાશ્રુ
~ કાવ્યસંગ્રહઃ બોલે બાવન બ્હાર બટેર
વાહ.. ખૂબ સરસ 👌
Very nice concept
Essay of life by
Hitenbhai will get
100% marks please 🙏
With prem n 🕉 Vineshchandra chhotai 🕉