‘વૃક્ષોત્સવ’ ~ ચૂંટેલા શેર, વૃક્ષોને નામ ~ ભાવિન ગોપાણી

વૃક્ષોત્સવ માત્ર વિશ્વ પર્યાવરણ દિને જ નહીં, પણ રોજે જ ઉજવવાનો દિવસ છે. કારણ, વૃક્ષ છે તો પર્યાવરણ છે.
અને પર્યાવરણ જેટલું શુદ્ધ રહેશે, એટલા જ હ્રદયના ધબકારા પણ સ્વસ્થ રહેશે.
?  ?
પંખીની આવજાવ નથી, શું કરી શકું?
હું વૃક્ષ કે તળાવ નથી, શું કરી શકું?
?
હજી ભેટી રહ્યા છે સામસામે વૃક્ષ બે,
આ રસ્તો કેમ વચ્ચેથી ગયો કોને ખબર?
?
સાવ સુક્કા વૃક્ષને જીવી જવાનું મન થયું
બાળકે આવીને થડ પર પાંદડું દોર્યું હતું
?
બાંધીને હીંચકો બધે ઝૂલી શકો નહી
શાખા વગરનાં ઝાડને જોયાં નથી તમે
?
ફકત આ જ કારણ સલામત રહ્યું વૃક્ષ,
હું તૂટી ગયો, પાંદડું તોડવામાં.
?
છે શક્યતા કે ફરીથી એ વૃક્ષ લીલું થાય
એ વૃક્ષ નીચે ઊભા રહી રડી ગયું છે કોઈ
?
આંગણાનું એક અંતિમ ઝાડવું છે, જોઈ લો
ક્યાં સુધી ને કેટલું ખંખેરવું છે, જોઈ લો
?
ઝાડનાં ખોળામાં બેસી છાંયડા
સાંભળે સૂરજ વિષેની વારતા
?
પર્ણો નથી ને ઝાડ પર માળો નથી,
ક્યાં માનવીનો કાંકરીચાળો નથી ?
?
ગમે, જો બાલ્કનીમાંથી બગીચો દૂરનો દેખાય,
પરંતુ આંગણાના વૃક્ષની ડાળી કપાવીને? ?
બે આંગણાં વચ્ચેનું અંતર આખરે ઓછું થયું,
દીવાલને તોડી ગયું છે ઝાડનું ઊગી જવું.?
પડ્યો જ્યાં વ્હેમ કે પડશે તિરાડો  મૂળ જો વધશે,
તરત દીવાલ પરથી વૃક્ષના ચિત્રો હટાવ્યા છે?
?
વ્હેતી હવાને આજ જે ઠેબે ચઢાવે છે
બીજા જનમમાં વૃક્ષનું એ પાન થાય તો
?
વૃક્ષ ઊગી પણ શકે અંધારનું
છાંયડાને દાટવો સારો નહી
?
તરસથી મરણ વૃક્ષનું જ્યાં થયુ’તું
નગરપાલિકા ત્યાં બગીચો કરે છે.
?
માણસોએ વૃક્ષની હત્યા કરી છે
એટલે તો વાદળે વાંધો ઉઠાવ્યો.
?
~ ભાવિન ગોપાણી

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. વૃક્ષ વિશે આટલા ભાવપૂર્ણ અને કાવ્યતત્વથી સમૃદ્ધ શેર પહેલી વાર વાંચવા મળે છે. કવિને અભિનંદન અને સ્નેહપૂર્ણ શુભેચ્છાઓ.