“ચાલો, જઈએ ઍન્ટાર્કટિકાની સફરે” ~ (૨) ~ અમારું સેલિબ્રિટી ક્રુઝ શિપ: ઈકલીપ્સ ૨ ~ ગીતા ભટ્ટ  

આજના ઝડપી યુગમાં પ્લેનમાં, બુલેટ ટ્રેનમાં વગેરેને કારણે લોકો કામ તો ઝડપથી પતવાં માંડ્યાં, એની સાથે સ્ટ્રેસ પણ ખૂબ ઝડપથી મનમાં ઘર કરી ગયો છે. આ સ્ટ્રેસ- તણાવમાંથી મુક્તિ મેળવવા નિરુદ્દેશે વેકેશન લેવાનો ટ્રેન્ડી -ચલણ પ્રચલિત થવા માંડ્યું છે. આધુનિક યુગમાં આ નિરુદ્દેશે ફરવાના શોખની વ્યાખ્યામાં, પહેલાના સમયની “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા” હવે બંધબેસતું નથી.  હવે તો સાત સમંદર પાર, એક ગામ જેટલી વસતીવાળા મસમોટા શિપમાં, દુનિયાભરનાં મનોરંજનના સાધનો અને ભાતભાતનાં અનેક દેશોના વ્યંજનોની સગવડ સાથે ખાણીપીણીની મોજ માણતાં માણતાં કરાતી ક્રુઝની સફરનો લહાવો લેવા લોકો ઉમટી રહ્યાં છે. ક્રુઝમાં ફરવું એ કદાચ અનુઆધુનિક યુગની ફેશન છે.

એરોપ્લેનની શોધ પણ જ્યારે થઈ નહોતી ત્યારે લોકો જરૂરિયાત માટે નાનાં વહાણોમાં મુસાફરી કરતાં. પછી એન્જિનથી ચાલતી મોટી સ્ટીમરો આવી. કાર અને રેલ્વેની શોધ થતાં ઘોડાગાડી કે બળદગાડી જેવા કાચાપાકા રસ્તા પર ચાલતાં વહાનો પણ “આઉટડેટેડ” થવા માંડ્યાં. મનુષ્યની ઝડપ કે ગતિ વધારવાની ભૂખ ક્યાં એમ જલદી સંતોષાવાની હતી? અને, આ જ સતત ગતિને ચરમ સીમા સુધી “એક્સપ્લોર” કરવાની લગની માનવજાતને પ્લેનની શોધ સુધી લઈ આવી. દેશ-વિદેશમાં વેકેશન અને વેપાર, નોકરી  લોકો પ્લેનમાં ફરવા લાગ્યાં. આ જ ગતિની ધૂન હવે માણસોને સ્પેસશટર સુધી લઈ આવી છે અને અવકાશમાં પણ માણસે પગલાં પાડી દીધાં છે.

ક્રુઝમાં જઈએ એટલે દરિયા પર મોજ માણવાનો જ મુખ્ય હેતુ હોય છે. હા, એ સાથે અવનવા પ્રદેશોમાં ફરવાનો, જોવા જાણવાનો આનંદ અનેરો હોય છે. હજારો માણસોની મુસાફરી આનંદદાયક રહે એ બાબતનું ક્રુઝમાં ખાસ ધ્યાન રખાય છે. હવે આ ક્રુઝ બિઝનેસમાં વૈવિધ્ય સાથે સ્પર્ધા પણ આવી ગઈ છે. દરેક ક્રુઝ લાઈન, મુસાફરોને અવનવા આકર્ષણો બતાવીને પોતાની ક્રુઝમાં મુસાફરી કરવા માટે લોભાવે છે.

લગભગ વીસ-બાવીસ વર્ષ પહેલા હું પહેલી વાર  સાત દિવસની લાંબી ક્રુઝમાં ગઈ  હતી, ત્યારે મારી બાએ મને  પૂછ્યું હતું ; “આ ક્રુઝ એટલે શું?” ત્યારે બાને, મેં અમારી અલાસ્કાની ક્રુઝના ફોટા બતાડ્યાં હતાં. એ ક્રુઝ પર તો અમે લગભગ ઉત્તર ધ્રુવના અક્ષાંશની સીમામાં ગયાં હતાં, એ મને હજી યાદ છે. ત્યારે ઉત્તર ધ્રુવના જૂન મહિનાના ભરઉનાળામાં ચોવીસ કલાકનો સૂર્ય છેક માથા પર જોવા મળ્યો હતો, જેનો રોમાંચ આજે પણ અકબંધ છે. આ વખતે ફેબ્રુઆરીમાં દક્ષિણ ધ્રુવ ગયાં, પણ ત્યારેય પૂરો ઉનાળો જ અનુભવ્યો એ રોમાંચ પણ કાયમ જ રહેશે.

આજે તો વિશ્વમાં ઘણી બધી ક્રુઝ કંપનીઓ છે, પણ એમાં પ્રતિષ્ઠિત અને પ્રથમ પંક્તિમાં પ્રિન્સેસ, ડિઝની, રોયલ કેરેબિયન, નોર્વેજીયન, મેડીટરેનીયન, જેવી અનેક ગ્લોબલ કંપનીઓનાં નામ ગણાવી શકાય.

અમારી  ઍન્ટાર્કટિકાની  સફરે લઇ જતી ક્રુઝ કંપનીનું નામ હતું સેલિબ્રિટી અને એ કંપનીના વહાણનું નામ હતું ઈકલીપ્સ. લગભગ એક હજાર ફૂટ કરતાંય લાબું અને  સવાસો ફૂટ પહોળું, સાડા સાતસો મિલિયન ડોલરમાં બનેલું આ વહાણ અનેક આધુનિક સુખ સગવડભર્યું હતું. એમાં સત્તર માળ હતા અને અમે  લગભગ અઢી હજાર પેસેન્જર  હતાં. આ વહાણમાં કામ કરતાં કર્મચારીઓની સંખ્યા દોઢેક હજાર જેટલી હતી.

                                             (હજાર માણસો બેસી શકે એવું શિપ પરનું થિયેટર)

આ બધાં મનોરંજન માટે એક સાથે  હજાર માણસ બેસીને શો જોઈ શકે એવું એક થિયેટર તો હતું પણ એ ઉપરાંત પાંચસાત નાનાં થિયેટરમાં પણ શો ચાલે. એ જ રીતે એક સાથે સાત સો માણસ જમી  શકે તેવું મુખ્ય રેસ્ટોરન્ટ હતું પણ એ સાથે બીજાં ચાર પાંચ નાનાં ઇટાલિયન, જાપાનીઝ, યુરોપિયન, ચાઈનીઝ વગેરે રેસ્ટોરન્ટસમાં પણ ખુલ્લાં હોય.

                                                   (ઑલિંપીક સાઈઝનો સ્વિમિંગ પુલ)

વળી પાછી શોપિંગ કરવાની તો હજાર ફૂટ લાંબી શેરી જ જોઈ લ્યો! એમાં આવેલી જુદીજુદી દુકાનોમાં બધાં જ બ્રાન્ડેડ કપડાં, કોસ્મેટિક્સ, પર્સથી માંડીને નાનીમોટી બધી વસ્તુઓ વેચાય…! અને બ્યુટી પાર્લર, મસાજ પાર્લર, એક્સરસાઇઝ રૂમ, અને બે મોટા સ્વિમીંગ પુલ અને બાળકો માટે અલાયદો પુલ, સાથે સ્પા, હોટટબ, યોગા -મેડિટેશન રૂમ  વગેરે, જે પણ વિચારી શકો એ બધી જ સગવડો આ શિપ પર હતી. દરરોજ જુદાજુદા સમયે મેક્સિકન ડાન્સ, સાલસા, આર્જન્ટિનાનો પ્રચલિત ટેન્ગો ડાન્સ, બેલે ડાન્સ વગેરે પણ શિપમાં  શીખવાડવામાં આવે. જુદીજુદી જાતના ગેઈમ શો, ટ્રીવીયા – કવીઝ, મ્યુઝિક કવીઝ ને કેરિઓકી વગેરે પણ ખરાં જ. ચોવીસે કલાક, મિની ગોલ્ફ અને બાસ્કેટ બોલ જેવી રમતો પણ આ શિપ પર હતી. કોઈને ચાલવું હોય તો એને માટે ટ્રેક પણ હતો. પંદર દિવસ સુધી અઢી હાજર લોકોને સતત જો આનંદ કરાવવો હોય તો જાતજાતની પ્રવૃત્તિઓ તો કરાવવી જ પડે ને ?

                                                                         (મિની ગોલ્ફકોર્સ)

સત્તર માળનું આ તોતિંગ વહાણ-સ્ટીમર, એમાં  ઉપર નીચે જવા માટે આઠેક એલિવેટર્સ અને ત્યાં કામ કરતાં કર્મચારીઓ માટે અલગ એલીવેટર હતાં. જો કે મારું પ્રિય સ્થળ તો હતું એનું ખાણીપીણીનું સેન્ટર. ૧૪મા માળે આવેલા આ ઓસન વ્યુ કાફેમાં લગભગ દિવસના વીસ કલાક ખાવાનું પીવાનું મળે. દરેક ક્રુઝમાં સાંજનું જમવાનું – ડિનર ટાઈમ મહત્વનો હોય. ત્યારે સૌ “ફોર્મલી” તૈયાર થઈને જમવા જાય. આપણે ગમે ત્યારે ત્યાં જઈ શકીએ નહીં. આગળથી નક્કી કર્યા મુજબ સાતસો –  આઠસો માણસોએ સાંજે ૬ વાગે જમવા જવાનું , ને બીજાં ૭૦૦ લોકોએ સાંજે આઠ વાગે જમવા જવાનું. દરરોજ રાતે અનેક પ્રોગ્રમો પણ સુનિશ્વિત હોય; એક ગ્રુપ સાંજે છ વાગ્યાનો શો જોવા જાય, તો બીજું ગ્રુપ રાતે આઠ વાગે.

આ શિપમાં ડેક આઠ પર પુસ્તકાલય અને સાતમે માળે એક્ટિવિટી રૂમ હતો. એટલું જ નહીં, પૃથ્વીની ભૂગોળનું જ્ઞાન આપતો પૃથ્વીનો એક વિશાળ ગ્લોબ હતો. આમ આ બધાં સ્થળો અમારા માટે, મનોરંજન, જ્ઞાન અને વિસ્મયની જાદુઈ ખાણ હતાં. આ ખાણમાં રહેલો મુસાફરીના આનંદનો અપાર ખજાનો ખૂટે એમ નહોતો.

આનંદ-મજા માટેની મુસાફરી હોય અને કસીનો ના હોય તેવું તો બને જ નહિ ને? સાથે નિવૃત્ત લોકોને તથા બાળકોને રસ પડે એવી પ્રવૃત્તિના કલા-કારીગરીનાં ક્લાસીસ પણ ચાલતા હતા, જેમ કે, પેઇન્ટિંગ, ડ્રોઈંગ, બિંગો, કાર્ડ્સ, ચેસ, અને બીજું તો ઘણું બધું જાણવા શીખવા માટે વહાણ પર હતું. કદાચ હજીયે કંઈક હશે જેનાથી કદાચ અમે જ અજાણ રહ્યાં હોઈએ. બસ, આ બધું માણતાં, આનંદ કરતાં અમે છેક સાઉથ પોલને થપ્પો કરવા નીકળી પડ્યાં હતાં.

જો કે, અહીં હવે અમારી વાતમાં અણધાર્યો વળાંક આવી ગયો હતો, જેની વાત તો આ સેલિબ્રિટી ક્રુઝ શિપની વાતો કરવામાં રહી જ ગઈ! એવું કહેવાય છે કે,

“માનવ કહે કે હું કરું, પણ કરી રહ્યું છે કોઈ
પાસા ફેંકી રમતો હું રમાડનારો હરજી હોય”

મિત્રો, ક્રુઝમાં જવાને થોડા જ દિવસ બાકી હતા ને એક અકસ્માત  થઇ ગયો! ક્રુઝ કેન્સલ કરવું પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ. આગળ કહ્યું એમ, સેલિબ્રિટી ઈકલિપ્સની આ વર્ષની આ છેલ્લી ક્રુઝમાં જવાની તૈયારીઓ અમે આનંદ અને ઉત્સાહ સાથે કરવા માંડી હતી પણ અમને ક્યાં ખબર હતી કે આગળ અમારા માટે કેટલી મોટી ચેલેન્જ આવવાની છે..!

તો એની વાત હવે પછી .. આવતા અંકે!

(ક્રમશઃ)

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment