અપ્રતીમ અઝરબૈજાન…. સુંદર શહેર બાકુ (પ્રવાસવર્ણન) ~ સંધ્યા શાહ
કેસ્પિયન સમુદ્રના તીરે મનોરમ્ય કોકેસસ પર્વતમાળાથી ઘેરાયેલું, ધનધાન્ય ફળો, ફૂલો ને મનમોહક વનરાજીથી ભરેલું અઝરબૈજાન વસ્તીમાં નાનું પણ પ્રાકૃતિક સંપત્તિમાં વિરાટ છે.

અહીંની ખળખળ વહેતી નદીઓ ખેતરોને ફળદ્રુપ અને હરિયાળા બનાવે છે. નિસર્ગના અદ્દ્ભુત સૌંદર્યને નિહાળતા અવાક્ થઈ જવાય તેટલું અપ્રતીમ અઝરબૈજાન ગાઢ વનસ્પતિ, રંગીન ચમકતાં ફૂલો થકી મોટા રંગીન ગાલીચા જેવું લાગે છે.
પ્રાચીન સંસ્કૃતિ અને ઈતિહાસના સમન્વય સમું અઝરબૈજાન સદીઓ જૂના સ્મારકો, વિશાળ મંદિરો, અદ્દ્ભુત મસ્જિદો અને વિશ્વના ઈજનેરોએ બનાવેલી વિવિધ ઈમારતો થકી કોઈ પણ પ્રવાસીને મંત્રમુગ્ધ કરી દે તેવું છે.
અઝરબૈજાનનું વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક અને ઔદ્યોગિક કેંદ્ર અને રાજધાની તે બાકુ. સમુદ્રની સપાટીથી 28 મીટર નીચે આવેલું વિશ્વનું સહુથી મોટું શહેર તે બાકુ. એંજીનિયરિંગની ઉત્કૃષ્ટ કલાથી શોભતા જગતના સુંદર શહેરો માંહેના આ એક શહેરને જોવાની ભારે ઉત્કંઠા હતી.

મિત્રો સાથે આ પ્રવાસ નક્કી કર્યો. શારજાહ થઈને બાકુ પહોંચી ગયા. બાકુ આપણા ભારતીય સમય કરતા દોઢ કલાક પાછળ છે. વીસેક વર્ષની, શુદ્ધ હિન્દી બોલતી, એક સુંદર, વાંકડિયા વાળવાળી ગાઈડ એમેલિયા અમારા સ્વાગત માટે એરપોર્ટ પર જ હતી.
કોન્ટિનેટલ હોટલ પર પહોંચ્યા. અદ્યતન ઈમારતોથી શોભતા આ નવાનક્કોર શહેરમાં હવામાન એટલું સરસ હતું કે થાક ઉતરી ગયો. વાતાવરણમાં શીતળતા ને પ્રદુષણ શૂન્ય. સુવિધાજનક હોટલમાં ચોખ્ખાઈ ઊડીને આંખે વળગે તેવી હતી. ભોજન કરી, થોડો આરામ કરી શહેરમાં ફરવા નીકળી ગયા.
નાની કેબલકારમાં બેસીને હાઈલેન્ડ પાર્ક પહોંચ્યા. અહીં શહીદોની સ્મૃતિને સંચિત કરી છે. યુદ્ધમાં શહાદતને વરેલા સૈનિકોના ફોટાઓની નીચે તેમની સ્મૃતિમાં બાંધવામાં આવેલી મજાર – કબર પર લોકો લાંબી દાંડીવાળા ગુલાબના ફૂલો અર્પણ કરે છે.
પગથિયા ઉપર ચડતા ગયા તેમ તેમ બાકુની વૈભવી ઈમારતોમાં ઝળહળતી રોશની દેખાવા લાગી. ટોચ ઉપર પહોંચ્યા. અહીં અગ્નિ સતત પ્રજ્વલિત રહે છે. અગ્નિને અહીં સહુથી વધુ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે.
આટલી ઊંચાઇએથી બાકુ ખૂબ મનોહર દેખાય છે. દુબઈના બુર્જ ખલિફા જેવા ત્રણ ઊંચા, ગગનચુંબી,અગ્નિની જ્વાળા જેવા ટાવર પર સતત રંગ બદલતી રોશની દેખાય છે.

આ રંગોની આભા અદ્દ્ભુત હતી. ફ્લેઇમ ટાવર્સ સમગ્ર વિશ્વમાં આકર્ષક ઈમારતો છે. અહીંથી બાકુ આઈ (Baku-eye)નું મોટું ચકડોળ પણ ઝળહળતું દેખાય છે. (London eye) જેટલું મોટું નહીં, પણ સમગ્ર બાકુને નજરમાં ભરી શકાય તેટલું ઊંચું આ ચકડોળ પ્રવાસીઓ માટે મજાનું સ્થળ છે.

નેશનલ એસેમ્બલીનું મકાન જોયું. આખા શહેરમાં કાયદો અને વ્યવસ્થા તુર્કી પોલીસોના હાથમાં છે. નાઈટ લાઈફ અને ક્લબો માટે અત્યંત મશહૂર આ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ શૂન્ય.
બીજે દિવસે ગબાલા અથવા Quabala જવાનું હતું. અઝરબૈજાનની ઉત્તરે આવેલું આ નાનું પણ ખુબસૂરત શહેર છે જેને અહીંનું સ્વિત્ઝ્રર્લેંડ માનવામાં આવે છે. ઉનાળા અને શિયાળામાં બરફની અનેકવિધ રમતો માટે વિશ્વભરના પ્રવાસીઓનું આ માનીતું સ્થળ છે.

સુરખીભરી સવારે અમારી યાત્રા શરૂ થઈ. રસ્તા પર દૂર સુદૂર સુધી પથરાયેલા ખેતરોઅને રસ્તાની સમાંતરે મધ્યમ કદના પાંખા પર્ણોવાળા વૃક્ષો હતાં. શરૂઆતમાં તો બાકુ તરફ આવતાં વાહનો જોવા મળ્યાં પણ આગળ જતાં તો આખું ય વિશ્વ અમારે માટે જ.
બદામી પહાડો, આછાં પીળાં પર્ણોવાળા વૃક્ષો, વચ્ચે વચ્ચે ચાર રસ્તાની મધ્યમાં ગોળાકાર પીળા ફૂલોની રંગોળી કરી હોય તેવાં ડિવાઈડર, લીલાં છાપરાંવાળાં છૂટાંછવાયાં નાનકડાં ઘર તો ક્યાંક યુરોપિયન બાંધણીવાળાં ઘર દેખાતાં હતાં. બધાં મોટાં મકાનો પર અઝેરી ભાષામાં નામ લખાયેલાં હતાં. આગળ જતાં ઊંચા ઢોળાવ પર કેસરી વૃક્ષશ્રીની આભા નયનરમ્ય લાગતી હતી.
પહાડો પર સરકતી બે કેબલકારમાં બેસીને ટફનડગ પહોંચ્યા. ટફનડગ તેના સહુથી લાંબા કેબલને કારણે, પ્રકૃતિના અપાર ઐશ્વર્યને કારણે અને સ્કીઈંગની રમતને કારણે અત્યંત પ્રસિદ્ધ છે. ભૂખરાં પહાડો પર ચાંદીની પરત લગાવી હોય એટલા રૂપેરી દેખાતા હતા.
![]()
ઝરમરતો વરસાદ બંધ થઈ ગયો હતો. હવામાં શીતળતા હતી. આગલી રાત્રે ને વહેલી સવારે આવેલા વરસાદની ભીનાશ વાતાવરણમાં હતી પણ આકાશ ખૂલી ગયું હતું. નિરભ્ર આકાશમાં ચોમેર ઊંચા બરફથી છવાયેલાં પહાડોની વચ્ચે અપૂર્વ શાંતિનો અનુભવ થતો હતો.
ઢોળાવ પરના કેસરી રંગમાં વૃક્ષો ને ખીણમાં ફેલાયેલી વનરાજી.. નિતાંત સુખની અનુભૂતિ હતી. પ્રકૃતિના આ અભિરામ સૌંદર્યની સન્મુખ સહુ ચૂપ થઈ ગયા.
બે કલાકનો સમય પસાર થઈ ગયો. ફરી કેબલ કારમાં ગોઠવાયા ત્યાં તો ધુમ્મસની શરૂઆત થઈ ગઈ. બધા વાદળાઓ જાણે ધરતી પર ઉતરી આવ્યા. નીચે પહોંચ્યા ત્યારે કશું જ દ્રશ્યમાન નહોતું થતું. ઠંડો પવન ફૂંકાતો હતો. ફોટા પાડવા માટે મોજા કાઢીએ તો આંગળીઓ ઠીંગરાઈ જતી હતી. જલદી જલદી વાહનોમાં ગોઠવાયા.
પ્રકૃતિની સંગે રહેવાની માનવીની અદમ્ય એષણા, તેને પૂર્ણપણે પામવાની, તેના અનવદ્ય રૂપને નિહાળવાની ઝંખના ટેકનોલોજીના આ અદ્દ્ભુત ચમત્કારથી શક્ય બની છે.
બરફ્થી છવાયેલા પહાડોની વચ્ચેથી પસાર થતી વેળાએ સ્વિત્ઝર્લેંડ યાદ આવતું હતું. Jungfrau જેટલી ઊંચાઈ નહોતી તો પણ.. ખરાં અર્થમાં લોકો તેને અઝરબૈજાનનું સ્વિત્ઝર્લેંડ કહે છે. 300 કિ.મી. જતા ને 300 કિ.મી. આવતા- 600 કિ.મી.ની આ યાત્રા અવિસ્મરણીય બની રહી.
ત્રીજા દિવસની ખુશનુમા સવારે ઓલ્ડ સિટી બાકુમાં ફરવા નીકળ્યાં. 5000 વર્ષનો ઈતિહાસ ધરાવતા મેઈડન ટાવર અને રાજા શિરવાન શાહનો મહેલ 12મી અને 15મી સદીના સ્મારકો છે. મેઈડન ટાવર અને આ મહેલ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામ્યાં છે. અઝરબૈજાનની આ વિશિષ્ટ ઓળખ છે.

અઝેરીની કરન્સી પર તથા સરકારી કાગળો પર તેની મુદ્રા જોવા મળે છે. સ્વતંત્ર અઝરબૈજાનની સંસ્કૃતિ તથા રાષ્ટ્રીય વારસાને તે પ્રતિબિંબિત કરે છે. જૂનું બાકુ ‘દિવાલોવાળા શહેર’ તરીકે પણ ઓળખાય છે.
આ વિભાગ ખૂબ રમણીય છે. અહીં કેરેવાનશરાઈ, હમામ, મસ્જિદ, મકબરા, કિલ્લા તથા દરવાજાની તસવીરો મુસ્લિમ શૈલીના સ્થાપત્યની યાદ અપાવે છે.

અહીં 12મી અને 14મી સદીના અનેક હમામ મળી આવે છે જે તેના સ્થાપત્યના સૌંદર્યને દર્શાવે છે. ગાલીચા બનાવવામાં નિષ્ણાત લોકો અહીં સોવિનિયર તરીકે નાનકડી કલાકૃતિઓ રસ્તાઓ પર વેચે છે.
જૂના બાકુથી ચાલતાં ચાલતાં જ નિઝામી સ્ટ્રીટ જવાનું હતું. રોમ કે પેરિસના રસ્તાઓ પર ફરતા હોય તેવું લાગતું હતું.

ચોરસ – ચોરસ પથ્થરોથી ચકમકતી ધરા પર એક બાજુ કિલ્લાની રાંગ દેખાય અને બીજી બાજુ ખુલ્લાં રેસ્ટોરન્ટ. રસ્તાઓ પર મહાન વ્યક્તિઓ અને કલાકારોના બાવલાં ને ભીંતો પર ચિત્રો દોરેલા હતા. રસ્તાઓ સાંકડા પણ વચ્ચેથી કાર પસાર થઈ જાય. ખુશહાલ પ્રવાસીઓથી આ રસ્તો ભર્યોભર્યો હતો.
નિઝામી સ્ટ્રીટમાં બધી જ બ્રાન્ડેડ વસ્તુઓના શો-રૂમ, કોફી અને જ્યૂસના સ્ટોલ્સ, જ્વેલરી અને ફેશનેબલ ડ્રેસીસની દુકાનો હતી. વચ્ચે-વચ્ચે બેસવા માટેની આરામદાયક વ્યવસ્થા પણ ખરી. વાતાવરણમાં નરી પ્રસન્નતા મળે.
કવિ અને શાયરોના પૂરા કદના પૂતળાંઓ એક સાથે એક ઈમારતમાં જોવા મળ્યાં. મને શેક્સપિયરનું નગર સ્ટ્રેટફોર્ડ-અપોન-એવોન યાદ આવી ગયું.


અઝરબૈજાનની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ ગોબુસ્તાન તો જોવું જ રહ્યું. બાકુથી 70 કિ. મી. દૂર આવેલું, અહીંની ઐતિહાસિક ઓળખ સમું ગોબુસ્તાન હજારો વર્ષ પહેલાંના આદિમાનવોના સંકેતો સાચવીને બેઠું છે.
પત્થરો જે રીતે એક્બીજા પર ગોઠવાયેલાં છે એ જોતા એવું લાગે કે ધરતીકંપને કારણે આ પત્થરો એક્મેક પર પડ્યા હશે. આદિમાનવ ત્યાં જ રહેતો હશે.

પત્થરો પર દોરાયેલી પશુપંખીઓની આકૃતિઓ, તથા એ લોકોના નૃત્યની ઝલક, પાણી માટે રણદ્વીપમાં કર્યા હોય તેવા વીરડા વિ. અતિ પ્રાચીનતાનો અહેસાસ કરાવે છે.

અહીંના મડવૉલ્કેનો ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલા છે. સમગ્ર વિશ્વના 800 જ્વાળામુખીમાંથી 300 તો અહીં જ વિસ્તરેલા છે. લગભગ દોઢ કલાકનું અંતર પાર કરવા માટે ખાસ ટેકસીઓમાં જવાનું હોય છે.
દુબઈના રેતીના રણમાં જે કુશળતાથી ડ્રાઈવર ગાડી ચલાવે છે તેવી જ રીતે આ ડ્રાઈવરો રાખોડી માટી પર કુશળતાથી લાંબું અંતર કાપીને પ્રવાસીઓને પહોંચાડે છે.
ગેસ અને તેલના કુદરતી સ્ત્રોત અહીં ધરબાયેલાં છે. આ સુષુપ્ત જ્વાળામુખીની રાખોડી માટીના પ્રવાહીમાં દીવાસળી પ્રગટાવો તો આગ ભભૂકે છે.
આ માટી ત્વચાના રોગમાં અક્સીર માનવામાં આવે છે. પ્રવાસીઓ ત્વચાના સૌંદર્ય અને સ્નિગ્ધતા વધારવા માટે બૉટલો ભરીને પોતાના દેશમાં લઈ જાય છે. અમે પણ લઈ આવ્યા!
Yanar Dag: સળગતા પહાડો. કુદરતી ગેસથી સતત પ્રજ્વલિત રહેતા પહાડો એટલે જ Yanar Dag.


પછીના દિવસે ‘આતિશગાહ’ પર્શિયન અને ભારતીય સંસ્કૃતિના સમન્વય સમું અગ્નિમંદિર જોયું. પ્રાચીનકાળમાં જ અગમ્ય કુદરતી કારણોસર અહીં સતત અગ્નિ બળતો જોઈને આ સ્થળ આસ્થાનું કેંદ્ર બન્યું હશે. ત્યાં નાની નાની ઓરડીઓમાં સંસ્કૃતિનો ઈતિહાસ જળવાયેલો છે.

રાજાની વસ્તુઓ- એમના વસ્ત્રો- જીવન શૈલી-પોતાની સુરક્ષા માટે પોતાના જ આવાસમાં ઘોડો ને ગધેડો રાખતા રાજા. (મને મુલ્લા નસરુદ્દીનની યાદ આવી ગઈ.)
રાજાનો એક જ સેવક રાજાની રસોઈ બનાવે. પોતાના પાપની સજા પોતે જ ભોગવતા પાપભીરુ લોકો, બીમાર લોકોને સાજા કરવા માટે ઑમનો મંત્ર બોલતો
હકીમ, દેવી-દેવતાના કંડારાયેલાં ચિત્રોમાં ગણેશ, શંકર ભગવાનની તાંડવ નૃત્ય કરતી મૂર્તિ, સરસ્વતી દેવી, દેવનાગરી લિપિમાં લખાયેલી સૂક્તિઓ સંસ્કૃતિના સમન્વયને દર્શાવતા હતા. અહીં જૂના પથ્થરોને સાચવવા માટે પણ ટફન ગ્લાસનું આવરણ રાખવામાં આવ્યું છે.
બાકુના સાંસ્કૃતિક, ઐતિહાસિક અને કલાત્મક વારસાને પ્રદર્શિત કરતા અનેક મ્યુઝિયમ છે. કાર્પેટ મ્યુઝિયમનો આકાર જ રોલ કરેલી કાર્પેટ જેવો છે.

રાજા હૈદર અલાવીની સિગ્નેચરના આકારનું કાર મ્યુઝિયમ વિન્ટેજ ગાડીઓના ચાહકોને પ્રસન્ન કરી દે તેવું છે. જગતની તમામ શાહી – ઉત્કૃષ્ટ, ચક્ચકતી ગાડીઓ અહીં ખૂબ જતનથી સાચવવામાં આવી છે.
બાકુની ઈમારતોની વિશેષતાઓને કારણે તેને પૂર્વનું પેરિસ ગણવામાં આવે છે. ખરેખર તો 2000ના દાયકાની શરૂઆતમાં આકર્ષક ઈમારતોનું કામ શરૂ થયું. આર્થિક વિકાસ થતો ગયો તેમ તેમ જૂની ઈમારતોને તોડીને નવી ઈમારતો બનવા લાગી.
આખા શહેરમાં વર્લ્ડ ક્લાસ એન્જિનિયરોએ કાચની પેનલોવાળા, અવનવા આકારના, અદ્દ્ભુત આર્કિટેક્ચરવાળાં મકાનો બાંધ્યા છે. અઝરબૈજાન ટાવર, હૈદરઅલિયેવ સાંસ્કૃતિક કેન્દ્ર, ફ્લેઈમ ટાવર્સ, બાકુ ક્રિસ્ટલ હૉલ, વગેરેને આને કારણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બાકુની નોંધ લેવાઈ. ડિસ્કવરી ચેનલે પણ બાકુના એક્સ્ટ્રીમ એન્જિનિયરિંગની નોંધ લીધી છે.

અહીંની ફળોની માર્કેટમાં જવાનું પણ આકર્ષણ હતું. સૂકા મેવા માટે આ વિસ્તાર પ્રખ્યાત છે. મોટા મોટા ફળો- ખાસ કરીને દાડમ, સફરજન, સંતરા, મોસંબી, કેળા, ઉત્તમ શાકભાજી, સૂકા મેવા,ચા, મધ, મરીમસાલાની દુકાનો અહીં જોવા મળી. ફળોની અને સૂકા મેવાની સજાવટ ધ્યાનાકર્ષક હતી.
આપણે ભારતીય લોકો વસ્તુ ખરીદવામાં ભાવતાલ કરીએ. કર્યા પછી ન પણ લઈએ ને ક્યારેક એકની સાથે ભાવતાલ કરીએ અને બીજા પાસેથી લઈએ પણ વેપારીઓના ચહેરા પ્રસન્ન- કોઈ નારાજગી નહીં, ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી ને સરસ હિંદી બોલતા આ વેપારીઓને પણ આપણી હિંદી ફિલ્મોના ગીતો અને શાહરૂખ ખાનનું વિશેષ આકર્ષણ.
એક્વાર અમે ક્રૂઝમાં સફર કરતાં હતા. થોડા ભારતીય લોકોની સાથે વિદેશી પ્રવાસીઓ પણ હતા.
એક દંપતિએ આવીને અમને પૂછયુ,’ તમે ભારતીય છો?’ અમે હા પાડી. તો કહે, એક વિનંતિ છે. મારી ચૌદ વર્ષની દીકરીનો જન્મદિવસ આવી રહ્યો છે, એને ભારત આવવાની ઝંખના છે – ખાસ શાહરૂખ ખાનને મળવા. અમે જાણતા નથી કે એ સ્વપ્ન અમે પૂર્ણ કરીશું કે નહીં પણ તમે – ભારતીય – જો એને જન્મદિવસનો સંદેશ આપશો તો એ ખુશ થઈ જશે.
મેં અંગ્રેજીમાં શુભેચ્છા આપી તો એમણે હિંદી ભાષાનો આગ્રહ રાખ્યો. અમે હિંદીમાં શુભેચ્છા આપી ને જન્મદિવસનું ગીત પણ ગાયું. ‘બાર બાર દિન યે આયે…’. પેલું દંપતિ ભાવવિભોર થઈ ગયું. વિડિયો રેકોર્ડ કર્યો. અમારી સાથે ફોટા પડાવ્યા. સરનામાની આપલે કરી. એમને ત્યાં લઈ જવાનો આગ્રહ પણ કર્યો. જો કે અમારે માટે તે શક્ય નહોતું.
સહુથી વધુ મજા તો બાકુના બુલેવાર્ડમાં ફરવાની આવી. કેસ્પિયન સમુદ્રની સમાંતરે મુંબઈના મરીન લાઈન્સ જેવો ખૂબસૂરત નઝારો.

પાકા વિશાળ માર્ગ પર વૃક્ષોની હારમાળા, વચમાં વચમાં જ્યૂસ ને આઈસક્રીમ વેચતી નાની નાની હાટડીઓ અને ખુલ્લાં રેસ્ટોરાં તો ખરાં જ. ચાલવાના શોખીન લોકોનું આ માનીતું સ્થળ છે. પદયાત્રીઓની આ મજાની સહેલ અમે પણ માણી.
સ્કાયસ્ક્રેપરથી મંડિત આ શહેરમાં મેટ્રો ટ્રેનમાં પણ પ્રવાસ કર્યો. દસ માળ જેટલું નીચે એસ્કેલેટરથી જવાનું પણ રોમાંચક હતું.

અહીં એક એક્થી ચડિયાતા વિશાળ વૈભવી મૉલ પ્રવાસીઓને આકર્ષે છે જ્યાં દુનિયાભરની શ્રેષ્ઠ વસ્તુઓ ઉપલબ્ધ છે.
અહીંનું ચલણ ‘મનાત’ કહેવાય છે.આપણા 40 રૂપિયા બરાબર 1 મનાત. ગરીબીનું તો આ દેશમાં નામનિશાન જોવા ન મળે.
એક વખતનો ખેતીપ્રધાન દેશ આજે અગ્રણી ઉદ્યોગપ્રધાન દેશ બની રહ્યો છે. પ્રાચીન કાળમાં બુરખામાં રહેતી ને લગભગ નિરક્ષર એવી સ્ત્રીઓ આજે વિશ્વમાં સર્વાધિક સાક્ષરતા દર ધરાવે છે. અહીંની યુનિવર્સિટીઓમાં જગતભરના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.
અઝરબૈજાનના તેલ નિષ્ણાતો સમગ્ર વિશ્વમાં પંકાય છે. ટેકનોલોજીના અદ્દ્ભુત આવિષ્કાર સમું બાકુ અનેક આંતરરાષ્ટ્રીય આયોજનોમાં યજમાન બન્યું છે. ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પોરોવ, ઇલહામ અલિયેવ, લેવ લેન્ડાઉ, મીમી આઈકોન જેવી મહાન હસ્તીઓ માટે બાકુ ગૌરવ અનુભવે છે.
ઐશ્વર્યના ધામ સમું આ શહેર મને મુગ્ધ કરી ગયું.
~ સંધ્યા શાહ (મુંબઈ)
sandhyashah25@gmail.com
હું અને સ્મિતા last month
અઝરબઈજન ગયા હતા ખુબ જ મજા આવી હતી .
તમારો લેખ વાંચી ને બીજી વાર મજા આવી . ફરીથી અને વધારે સારી રીતે ફરયા ,એવું લાગ્યું કે આ રીતે તો જોયુજ નોતું
તમારી પ્રકૃતિ ને જોવાની વર્ણન કરવાની , એનું આલેખન કરવાની, રીત અનન્ય છે ભાષા પર નું પ્રભુત્વ ખરેખર super છે .
Really enjoyed visiting Azarbaijan again
Love the article 😍😍😍
ખૂબ સરસ પ્રવાસ દર્શન. અમારે જોવાનું બાકી છે.
સરસ પ્રવાસ વર્ણન