મ્યુનિક શહેરની જોવા જેવી જગાઓ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:39 ~ ઉત્કર્ષ મઝુમદાર

બીએમડબલ્યુ મ્યુઝિયમની મુલાકાત તો પંદર દિવસ પહેલા જ લઇ લીધી. આજે મ્યુનિકની બીજી જાણીતી જગાઓની લટાર મારવા નીકળીશું.

આજે ત્રીજા દિવસનો કાર્યક્રમ હતો મ્યુનિક દર્શનનો, અને એને માટે સર્વોત્તમ વસ્તુ એટલે હોપ ઓન હોપ ઑફ બસ. પશ્ચિમના દેશોમાં ત્યાનાં શહેરોને ટૂંકા સમયમાં જોઈ લેવા માટે આ ઉત્તમ સગવડ છે.

Panoramic Hop-On Hop-Off Tour of Munich by Double-Decker Bus

એકથી ત્રણ દિવસના પાસ મળે. એમાં તમે ગમે તેટલી વાર એ સમયમર્યાદાની વચ્ચે ચઢો ઉતરો ને ઘૂમો. થોડા થોડા સમયે બસો આવતી જ રહેતી હોય એટલે તમે જે સ્થળે ઉતરવા માગતા હો ત્યાં ઉતરી, આસપાસનું જોઈ, ફરી એ બસમાં બેસી જાવ, ને ત્રીજા સ્થળે ઉતરો અથવા બસમાં જ રહો.

આમ શહેરના જોવાલાયક સ્થળો જોવાઈ જાય ને પછી બીજા રાઉન્ડમાં જે જે સ્થળ વિસ્તારપૂર્વક જોવા હોય ત્યાં ઉતરી એ સ્થળ જોઈ ફરી પાછા બસમાં બેસી આગલા મુકામે જાવ.

ઉપરનો માળ છત વગરનો હોય એટલે ચોપાસ બધું જોઈ શકો. બસમાં હેડફોન્સ પણ ટીકીટના દરમાં સમાઈ ગયા હોય. એ પહેરી લો ને ભાષાનું ચયન કરી લો એટલે જયારે જોવાલાયક સ્થળ આવે, ત્યારે એની માહિતી ગાઈડ દ્વારા એમાં બોલાતી જાય. આમ એ સ્થળ વિષે તમને માહિતી પણ મળે.

ઉબર કરીને અમે મ્યુનિક રેલવે સ્ટેશન ગયાં. તેની સામે જ ઓફિસ આવેલી છે અને બસ પણ ત્યાંથી જ ઉપડે છે.

München Hauptbahnhof - Wikipedia

અમે બે દિવસનો પાસ લીધો. એમાં ત્રણ ટુરનો સમાવેશ થતો હતો. એક હતી જૂના શહેરની ટુર. બીજી હતી નીમફેનબર્ગ/ઓલમ્પિયા ટુર ને ત્રીજી હતી સ્વાબિંગ ટુર.

અમે પહેલા હોપ ઓન હોપ ઓફ બસમાં ત્રણે ટુર લઇ લીધી. એમાં ત્રણ કલાક ગયા. પછી પાછી પહેલી સિટી ટુર લેવાને બદલે સૌ પ્રથમ સ્થળે ચાલી ને ગયા જે બહુ નજીક હતું. ત્યાં એક રેસ્ટૉરન્ટ શોધીને બપોરનું ભોજન પતાવ્યું ને પછી જે સ્થળો જોવા હતા, ત્યાં મોટાભાગે એક એક કરીને ચાલીને જ ગયા કારણ બધાં બહુ નજીક હતાં.

કાર્લપ્લાંટઝ અને મેરી’સ પ્લાંટઝ વચ્ચેનો માત્ર રાહદારીઓ માટેનો માર્ગ, દુકાનો અને રેસ્ટોરન્ટ્સથી ભરપૂર છે. અહીં જૂનો ટાઉન હોલ આવેલો છે, જેને એક ટાવર છે અને ભોંયતળિયાનો ભાગ કાઢીને ત્યાંથી લોકોને આવવા જવાનો રસ્તો બનાવ્યો છે.

Best Munich Old Town Hall (Altes Rathaus) Tours & Tickets - Book Now

નવો ટાઉન હૉલ પણ અહીંયા જ બન્યો છે. સિટી કાઉન્સિલ અને મેયરની ઓફિસ અહીં આવેલી છે. મકાનનાં બાહરી હિસ્સામાં પહેલે માળે, બાવરીયાના શાસકોના પૂતળા મુકાયા છે. એક મોટો ટાવર આ ટાઉન હોલના ભાગરૂપ જ છે.

New Town Hall Tours - Book Now | Expedia
New Town Hall

અહીંનું મોટું આકર્ષણ છે 43 બેલ અને બત્રીસ આદમકદના પૂતળા ધરાવતું ગ્લોકેનસ્પિયેલ ઘડિયાળ જે સવારે અગિયાર વાગે, બપોરે બાર વાગે અને સાંજે પાંચ વાગે સુમધુર સંગીત રેલાવે છે. એટલું જ નહિ સોળમી સદીની બે કથાઓનું યાંત્રિક બાવલા દ્વારા નિરૂપણ પણ કરે છે.

ઉપરના હિસ્સામાં પહેલી કથામાં સ્થાનિક ડયુકના લગ્નની વાત છે. બીજી કથામાં નીચલા ભાગમાં પ્લેગની સામે જુસ્સો ટકાવવા ‘કૂપર્સ ડાન્સ’ (લાકડાની વસ્તુઓ બનાવનાર કારીગરોનું નૃત્ય) થાય છે.

Munich's Dance of the Coopers

પરંપરા પ્રમાણે દર સાત વર્ષે આ નૃત્ય મ્યુનિકમાં લાઈવ રજુ થાય છે. આ આખો કાર્યક્રમ 12થી 15 મિનિટનો છે. સમયનો આધાર એ દિવસે કઈ ધૂન વાગે છે એના ઉપર હોય છે.

કાર્યક્રમના અંતે ટાવરની ઉપર રહેલો એક નાનકડો સોનેરી કૂકડો ત્રણ વાર કૂકડે કૂક કરે છે જેનો મતલબ છે કાર્યક્રમ પૂરો થયો. સદ્નસીબે અમે આ જોઈ શક્યા. જોવાની મઝા પડી ગઈ.

અહીં 17મી સદીનું રોમન કેથલિક ચર્ચ એના ઘેરા પીળા રંગના સ્થાપત્યને લીધે ઈટાલીના ચર્ચની યાદ અપાવે છે. અંદર શ્વેત રંગનો ઉપયોગ કર્યો છે. પથ્થરમાં કંડારાયેલા શિલ્પો અને કોતરણી જોવાલાયક છે. અહી અંદર દાખલ થવાની કોઈ પ્રવેશ ફી નથી.

Roman Catholic Archdiocese of Munich and Freising - Wikipedia

ફિલ્ડમાર્શલ હૉલ તરફ જો તમારી પીઠ હોય તો તમને જમણી બાજુ એક ભવ્ય મકાન દેખાશે. એ છે રેસિડેન્ટઝ તરીકે ઓળખાતું જાજરમાન સંકુલ. એ મકાનથી થોડા આગળ જાવ કે આવી છે લાંબી દીવાલ ને એની મધ્યમાં છે સૌંદર્ય પ્રવેશદ્વાર. એમાં તમે દાખલ થાવ એટલે જમણી બાજુએ મકાન આવશે, જેમાંથી તમે રેસિડેન્ટઝમાં દાખલ થઇ શકો.

Munich Residenz, Königsbau (2014)

બાવરિયાના વિહટલબાખ કુળના રાજાઓનો મહેલ, આખા જર્મનીમાં આવેલા શહેરી રાજમહેલોમાં મોટામાં મોટો છે. એ મુલાકાતીઓ માટે ખુલ્લો છે. જોકે એને માટે ટિકિટ લેવી જરૂરી છે.

એકસોને ત્રીસ ઓરડા ધરાવતા આ સંકુલના કુલ્લે ત્રણ વિભાગ છે. 1-રાજાનું મકાન 2 -જૂનું રેસિડેન્ટઝ અને  3-બેંક્વેટ હોલ. અહીં નાટક માટે ક્યુવીલ્લે અને કોન્સર્ટ માટે હરકયુલીસ હોલ આવેલા છે.

Picture: Hercules Hall

આ સંકુલ, વહીવટી તંત્ર અને બાવરીયાના ડ્યૂક્સ, ઈલેક્ટોરસ અને રાજાઓના રહેઠાણ તરીકે 1508થી 1918 ઉપયોગમાં લેવાયું. કેસલ તરીકે 1385માં આકાર પામેલા આ સ્થળમાં  જુદા જુદા રાજાઓએ અહીં ઉત્તમ ભવનોનું નિર્માણ કર્યું.

અહીં  મોટા ચોગાન અને બગીચાઓનું નિર્માણ પણ થયું, જે ખરેખર જોવાલાયક છે, માણવાલાયક છે. સદ્નસીબે અહીં અંદર તમે ફોટોગ્રાફી અને વિડિયોડયોગ્રાફી  કરી  શકો.  શરત એટલી જ કે એનો જાહેરમાં વ્યવસાયિક ઉપયોગ નહિ કરવાનો અને ફ્લેશ અને ટ્રાઇપોડ નહિ વાપરવાનાં. દર વર્ષે આની મુલાકાતે ત્રણ લાખથી વધુ લોકો આવે છે.

રેસિડેન્ઝ સંકુલની અંદર સામેની તરફ આવેલું છે ‘હોફગાર્ટન’ ઉર્ફે કોર્ટ ગાર્ડન. ઇટાલિયન રેનેસાંસ શૈલીમાં બનેલો આ બગીચો ઈલેક્ટોર ઓફ બાવેરિયા મેક્સમિલિઅન પ્રથમે 1613 ને 1617માં બનાવડાવ્યો. આઠ પગથીઓ, બગીચાની મધ્યમાં આવીને મળે છે. જ્યોં ડાયેના તરીકે ઓળખાતો એક મંડપ આવેલો છે. તેની ટોચ પર બાવરીઆના શિલ્પની પ્રતિકૃતિ આવેલી છે. મૂળ શિલ્પ રેસિડેન્ઝના કૈસરસાલમાં આવેલું છે.

Diana Temple

વીસમી સદીના મહાન અંગ્રેજી કવિ, નોબેલ પારિતોષિક વિજેતા ટી. એસ. એલિયટના પ્રખ્યાત કાવ્ય ‘ધ વેસ્ટલેન્ડ’માં, મૃત:પાય અવસ્થાએ પહોંચી ગયેલા જૂના રાજદરબાર અને જૂના યુરોપના આભિજાત્ય વર્ગની ખોખલી થઈ ગયેલી મોહિનીના પ્રતીક તરીકે આનો ઉલ્લેખ થયો છે.

હાલમાં આ બગીચો સ્થાનિકો અને બહારના મુલાકાતીઓ, બંનેમાં લોકપ્રિય છે. નસીબ સારું હોય તો સંગીતકારોના વૃંદનો લાઈવ સંગીત સાંભળવાનો અવસર પણ પ્રાપ્ત થાય છે.

આની સામે ઓડીઅનપ્લાત્ઝ માર્ગ પર  આવેલું છે, અશ્વારૂઢ રાજા લુડવીંગ પ્રથમનું, રાજવી પોષાકમાં શોભતું શિલ્પ. એની બંને બાજુએ આવેલાં છે એના બે નાના અનુચરોના શિલ્પો. સ્મારકો જોવાના રસિયાઓને આ નિહાળવું ચોક્કસ ગમશે.

What King Ludwig I. of Bavaria did for Munich - The Munich Times

ઑડિઓનપ્લાત્ઝથી આગળ ચાલો એટલે આવે મેરીનપ્લાત્ઝ ને એનાથી થોડેક આગળ એક નાનકડા ટેકરા પર આવે મ્યુનિકનું જૂનામાં જૂનું રોમન કેથલિક ચર્ચ, ‘સેન્ટ પીટર્સ ચર્ચ’.

અહીં જ અંદર આવેલો છે ઓલ્ડ પેટ નામે ઓળખાતો ટાવર. તમારે અહીંથી આલ્પ્સના દર્શન કરવા હોય તો કરી શકો છો.

St. Peter's Church (Peterskirche)

તમે પૂછશો કેવી રીતે? તો પેલા ટાવરના ત્રણસોએક પગથિયાં ચઢો ને દિવસ જો વાદળ રહિત અને સાફ હોય તો એકસો કિલોમીટર દૂર આવેલા આલ્પ્સને તમે જોઈ શકો. અલબત્ત એને માટે તમારે ટિકિટ લેવી પડે. મફતમાં કઈ ન મળે.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.