| | |

કવિશ્રી મનોજ ખંડેરિયા અને એમની ગઝલ ~ શ્રી ચિનુ મોદી


ગઝલમાં કુમાશ લાવવી, એ તોપના નાળચામાં ફૂલ ઉગાડવા જેવી વાત છે. પણ એ દુષ્કર કાર્ય કવિશ્રી મનોજ ખંડેરિયા એમના વ્યક્તિત્વમાં પડેલી ઋજુતાને કારણે ખૂબ જ સહજ રીતે કરી શકે છે. મનોજની આ દેણગીએ ગુજરાતી ગઝલને કાયમની ૠણી બનાવી છે.

મનોજે જ્યારે ગઝલ લખવાનો પ્રારંભ કર્યો ત્યારે આધુનિકતા અને ગઝલની વચ્ચે સેતુ બંધાવાની શરૂઆત થઈ હતી. ખૂબ જ ગમતા પરંપરાના ગઝલકારો વિશે પુનઃ તપાસની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો હતો. સુરેશ જોશી અને રે મઠના કવિઓ દ્વારા, કવિતા માત્રનું કાઠું બદલાવું શરૂ થયું હતું. એ ક્ષણે કોઈ પણ ગઝલ લખવાનો પ્રારંભ કરનાર કાં ચુસ્ત પરંપરાવાદી બની રહે અથવા ચુસ્ત આધુનિકવાદી બની જાય એવો તબક્કો હતો. મનોજે ગઝલની પરંપરા કેવળ સ્વરૂપ સંદર્ભે જાળવી, પરંતુ એનો ભાવ તથા ભાષાપ્રદેશ નીજી રાખ્યો.

ઉર્દૂ આમેય લશ્કરની ભાષા છે. એ ભાષાથી મહદ અંશે ભારતમાં અને ગુજરાતમાં ગઝલ આવી, આપણા પ્રારંભિક ગઝલકારોએ કેવળ સ્વરૂપ જ નહીં, ઉર્દૂ પાસેથી “સેટ ફ્રેઈઝીઝ” પણ ઉછીનાં લીધાં. શયદા ગઝલને ગુજરાતી બનાવવ મથ્યા, પણ શૂન્ય, મરીઝ અને બેફામને કારણે એમનો યત્ન અનુકરણીય ન બન્યો. ગની, ઘાયલ અને પછીના ૬૦ પછીના ગાળાના ગઝલકારોએ ગઝલને અસ્સલ ગુજરાતી વાઘા પહેરાવ્યા. મનોજનો આ કાર્યમાં સર્જનાત્મક હિસ્સો રહેલો છે.

એમાં બે શેર જોઈએઃ

કોઈ સમયના વચગાળામાં
શબ્દો જન્મ્યા પરવાળામાં
અંતે સોનલ સપનાં ટહુક્યાં
ફૂલો    બેઠાં   ગરમાળામાં
“પરવાળા” અને “ગરમાળા” જેવા શુદ્ધ ગુજરાતી શબ્દ પહેલીવાર ગઝલમાં કાવ્ય થઈને પ્રવેશ્યા. એની કુમાશ ગઝલના મિજાજને ખંડિત કર્યા વિના સિદ્ધ થાય છે. ઋજુતા-એની ગઝલમાં ખોટા લલિત લટકા વગર પ્રવેશે છેઃ

“કોઈ  મોરપીંછાને  મૂંગું  કરી  દો
હવે મુજથી એકે ન સચવાય ટહુકો”
મોરપીંછાને મૂંગું કરવું પડે, એ પરિસ્થિતિમાં કુમાશ નથી, અહીં ભાષામાં કુમાશ છે. ભાષા અને ભાવ બેઉમાં કુમાશ હોય અને છતાં શેરિયત સચવાય એવી બે પંક્તિ જોઈએઃ

“હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે.
કદી  આંખમાં  જો  તરી જાય પીંછુ.”

અહીં ભાવમાં છે એવી જ કુમાશ ભાષામાં અનુભવી શકાય છે. મનોજની ગઝલની ત્રીજી ખાસિયત એની બહેર વિશેની પ્રયોગશીલતામાં છે. એ એક જ માપના છંદોવિધાનમાં રાચતો નથી, એ સાવ ટૂંકી બહેરની રચના કરે છેઃ

“હું વસું વનરાઈમાં
પર્ણની તન્હાઈમાં
હું સમયની ફૂંક છું
શબ્દની શરણાઈમાં“

એ ખૂબ જ લાંબી બહેરમાં પણ ગઝલ “સસ્ટેઈન” કરી શકે છે.

“આંગણું ગબડ્યું, ડેલી બોલી પડી, ભીંત મૂંગી રહી
ઘર વિશે અવનવી વાત સૌએ કરી, ભીંત મૂંગી રહી”

આ કવિ પરંપરાને ઓળંગી છંદ પ્રયોગ પણ કરે છે.

“ટપકે નેવાં
આજે તો અવકાશે
છલકે નેવાં
રાત પડે ને સામે ઘેર જવાને
સરકે નેવાં”

આ કવિએ પ્રારંભમાં એક શબ્દની રદીફ રાખીને “પીંછું” જેવી ઉત્તમ મુસલસલ ગઝલ આપેલી. એ જ કવિ “વરસોના વરસ લાગે” જેવી લાંબી રદીફ લઈ, એ જ કક્ષાની ઉત્તમ ગઝલ આપી શકે છે. મનોજની ગઝલોમાં ગુપ્તગંગા જેમ વહેલા પ્રયોગોની લેવાવી જોઈએ એવી નોંધ હજી લેવાઈ નથી.

મનોજનું ભાવવિશ્વ બહુવિધ છે. એની રચનાઓમાં પ્રારંભથી જ સપાટી પરના છીછરા સંવેદનો આવ્યાં જ નથી. એ પ્રેમની મહામુખરિત સંવેદનાને મૃદુતાથી રચીને, કોમળતાથી ટાંકીને પ્રસ્તુત કરી શકે છે.

“રક્ત  રોકીને   તને   મારગ  દઉં
આવ તો વહેવા બધી રગરગ દઉં.
આ સતત લખવાનો આશય એ જ કે
સ્વપ્નની જેવું જ કંઈ લગભગ દઉં.”

થોડાંક છેલ્લા વરસોમાં મનોજની ગઝલે નવો વળાંક લીધો. એની સાક્ષી પંચતત્વોની એની ગઝલશ્રેણી આપી શકશે. મનોજ કશા પણ આડંબર વગર, ઠાઠ કે ઠઠારા વગર સાતત્ય ભોગવતી અને એથી સતત કરૂણા પ્રસવ્યા કરતી સમસ્યાઓ સન્મુખ છે. મેટા ફિઝિક્સના છોગા વગર લખાયેલો આ મત્લા જુઓઃ
“કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ

અને આ ગઝલનો છેલ્લો શૅર છેઃ
“ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ન પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ.”

મનોજની દિશા ગઝલને પરિચિત છે પણ એ દિશામાં સાવ હળવાશથી જવાય એની જાણ ગુજરાતી ગઝલોને મનોજે કરાવી છે.

(ગુજરાતી ગઝલ શતાબ્દી વર્ષ; ૧૯૯૨, “સુખનવર” શ્રેણીના સૌજન્યથી)

કવિ મનોજ ખંડેરિયાનો જીવનકાળઃ

મનોજ વ્રજલાલ ખંડેરિયા (જુલાઇ ૬, ૧૯૪૩ – ઓક્ટોબર ૨૭, ૨૦૦૩) ગુજરાતી સાહિત્યના જાણીતાં ગઝલકાર અને કવિ હતા. તેઓ ગુજરાતી પ્રયોગશીલ કવિતાના એક અગ્રણી સર્જક હતા. ગુજરાતી કવિતા ક્ષેત્રે સાતમા દાયકામાં સક્રિય થયેલા. ગુજરાતી ગઝલની તાસીર બદલવામાં અને ગઝલને એક સ્વાયત્ત કાવ્યસ્વરૂપ તરીકે પ્રતિષ્ઠા અપાવવામાં પ્રયોગશીલ ગઝલકારોમાં મનોજ ખંડેરિયાનું સ્થાન પ્રથમ પંક્તિમાં છે અને રહેશે.

(મનોજ ખંડેરિયા, ખલીલ ધંતેજવી સાથે)

એમનો જન્મ જૂનાગઢમાં થયો હતો. પિતાજી મહેસૂલી અધિકારી હોવાને કારણે વારંવાર બદલીઓ થતી રહેતી. તેઓએ ૧૯૬૫માં બી.એસ.સી.ની પદવી મેળવી. ૧૯૬૭મા એલ.એલ.બી. થયા અને ૧૯૬૮થી જૂનાગઢમાં જ વકીલાતનો આરંભ કર્યો. સાથોસાથ કેટલોક સમય વાણિજ્ય કાયદાના વિષયનું અધ્યાપનકાર્ય પણ એમણે કર્યું. ૧૯૮૪થી તેઓ પથ્થરની ખાણના ઉદ્યોગક્ષેત્રે પણ સંકળાયા. તેમણે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના સ્થાપક-પ્રમુખપદની જવાબદારી બજાવેલી.

મનોજ ખંડેરિયાએ કાવ્યસર્જનનની શરૂઆત ૧૯૫૬-૧૯૬૦થી કરી હતી, પરંતુ પૂરતા અભ્યાસ અને સાધના વિના કવિતાના પ્રકાશન અંગે બિલકુલ ઉતાવળ ન કરવાની પરમાર સાહેબની – ગુરુજીની સ્પષ્ટ સલાહ અને શિખામણ હતી એટલે આદિલ મન્સૂરી, મણિલાલ દેસાઈ વગેરે મિત્રોના આગ્રહને કારણે છેક ડિસેમ્બર, ૧૯૬૫ માં બે ગઝલ ‘કુમાર’ માટે મોકલી. એમાંથી ‘દિવાલો’ શીર્ષકની રચના ફેબ્રુઆરી ૧૯૬૬ ના ‘કુમાર’ માં પ્રકાશન પામી. ચારેક દાયકાના સાતત્યપૂર્ણ કાવ્યસર્જનના સુફળરુપે મનોજભાઈ પાસેથી ‘અચાનક’ (૧૯૭૦) અને ‘અટકળ’ (૧૯૭૯) કાવ્યસંગ્રહો; અંજની કાવ્યોનો સંગ્રહ ‘અંજની’ (૧૯૯૧) તેમજ કેવળ ગઝલસંગ્રહ ‘હસ્તપ્રત (૧૯૯૧) સાંપડે છે. ‘કોઈ કહેતું નથી’ (૧૯૯૪) નામે એમની ગઝલોનું સંપાદન પણ થયું છે, કવિની તમામ પ્રકારની રચનાઓમાંથી સવાસો કાવ્યો ‘એમ પણ બને’ (૨૦૦૪) શીર્ષકથી સંપાદિત થયા છે. ‘ક્યાંય પણ ગયો નથી’ કવિનો છેલ્લો ગઝલસંગ્રહ છે.
ચંદ્રાકાંત ટોપીવાળા કહે છે એમ; ““નાજુક અભિવ્યક્તિ અને પ્રયોગમુખર બન્યા વગર સંવેદનશીલ રીતે ઊભા થતા ભાષાકર્મથી એમની ગઝલોનો વિશેષ કમાલ છે.”

તેમના ‘અચાનક’, ‘અટકળ’ અને ‘અંજની’ સંગ્રહો અનુક્રમે ગુજરાત રાજ્ય સરકાર, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે; તો ‘હસ્તપ્રત’ને અકાદમી અને પરિષદ બંનેના પારિતોષિકો મળ્યા છે. ૧૯૯૯માં આઈ.એન.ટી. (મુંબઈ) દ્વારા કલાપી એવૉર્ડ અર્પણ કરીને, કવિની સર્જકપ્રતિભાનું યથોચિત અભિવાદન થયેલું. એવૉર્ડની પૂરેપૂરી રકમ એમણે આઈ.એન.ટી.ને પરત કરી અને એમાંથી વર્ષ દરમ્યાન પ્રગટ થયેલા ઉત્તમ ગઝલસંગ્રહને ‘બાલાશંકર કંથારિયા પારિતોષિક’ આપવાનું સૂચન કર્યુ. કવિની હયાતીમાં જ જાહેર થયેલો ૨૦૦૨ના વર્ષનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક પણ એમના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો.

મનોજ ખંડેરિયાની જાણીતી બેત્રરણ ચનાઓ ફરી વાગોળીએઃ

૧.       “એમ પણ બને….!”

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પ્હોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં-
મન પ્હોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા?
એક પગ બીજા પગને છળે એમ પણ બને?

જે શોધવામાં જીંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોલિયો; હું ગઝલનો દીવો કરું,
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને
  ~ મનોજ ખંડેરિયા

૨.      “કોઈ કહેતું નથી…..!”

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક
ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પૂછું છું બારને – બારીને – ભીંતને –
લાલ નળિયાં – છજાં – ને વળી ગોખને
રાત દિ’ ટોડલે બેસીને ગ્હેકતો
મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી,
જરઝવેરાત સહુ એમનું એમ છે !
તે છતાં લાગતું સઘળું લૂટી અને
ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

સાવ સૂની બપોરે ઘડી આવીને
એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી
આંખમાં આંસુ આંજી અચાનક
શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કેટલાં વર્ષોથી સાવ કેરાં પડ્યાં
ઘરનાં નેવાં ચૂવાનુંય ભૂલી ગયાં
ટપકતો ખાલીપો પૂછતો : મેઘ
ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

જિંદગીના રૂપાળા ચહેરા ઉપર઼
ઉઝરડા ઉઝરડા સેંકડો ઉઝરડા
કોણ છાના પગે આવી મારી ગયો
ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પાછલી રાતની ખટઘડીએ હજી
એ તળેટી ને એ દામોદર કૂંડ પણ-
ઝૂલણા છંદમાં નિત પલળતો
પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.
  ~ મનોજ ખંડેરિયા

૩.      “……માણસ….!”

ઈજાગ્રસ્ત – સણકા – સબાકાનો માણસ
તૂટી જાય સીવેલ ટાંકાનો માણસ

ઉખેળો તો કાયમ ઉખેળાયો કરતો,
ન પૂરો થતો કેમે’ તાકાનો માણસ

ગમે તે તરફથી અડો તો ચીરાશો,
બનાવ્યો છે બેધારા ચાકાનો માણસ

ફરે આંખમાં તો ખબર પણ પડે ના,
નજાકતનો; સુરમા – સલાકાનો માણસ

અમારી જ અંદર જવા યત્ન કરતાં –
સતત અમને રોકે છે નાકાનો માણસ

શિરાએ શિરામાં સુરંગો પડી છે,
ગમે ત્યારે ફૂટશે ભડાકાનો માણસ

નગર આખું થઈ જાય ગમગીન – મૂંગું –
– થતો ચૂપ જ્યારે તડાકાનો માણસ
  ~ મનોજ ખંડેરિયા

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.