પ્રકરણ: ૧૦ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી
શારદાની વીતક કથા સાંભળીને લાવણ્યનો આશાવાદ ડગી ગયો હતો. શુભમાં શ્રદ્ધા રાખીને શીદ જિવાય? શું સ્થળકાળ આટલા બધા પ્રબળ હોય છે?
એ કંઈ એની પોતાની લડાઈ નહોતી પણ હાર પોતાની લાગતી હતી. મા-બાપની જેમ, બહેન-બનેવીની જેમ લાવણ્યે પણ કશુંક રચનાત્મક કામ કરવું હતું. એ માટે જરૂર પડે ત્યાં અગવડ વેઠવાની પૂરતી તૈયારી હતી, તેથી તો બી. એ. બી.એડ્. બંનેમાં પ્રથમ વર્ગ અને એમ. એ.માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે ઉચ્ચતર બીજો વર્ગ મેળવ્યા પછી શહેરની કૉલેજમાં વ્યાખ્યાતા થઈને આધુનિક યુવતીની છટાથી જીવવાનું પસંદ કરવાને બદલે પ્રાથમિક કેળવણીમાં પ્રાણસંચાર કરવાની ભાવનાથી શિક્ષણનિરીક્ષકની નોકરી મેળવી.
શરૂ શરૂમાં બધી શાળાઓ એને ઉત્સાહથી આવકારતી હતી અને સૂચનો બદલ આભાર માનતી હતી, પણ એણે અમલનો આગ્રહ રાખવા માંડ્યો. અને માફ ન કરી શકાય એવી ખામીઓ નોંધવા માંડી.
એની સાથે આચાર્યો અને શિક્ષકો એને ઔપચારિક માન આપી કાયદાની છટકબારીઓ પર અવલંબન રાખતા થઈ ગયા. એક મોંઘેરા મહેમાન તરીકે શાળાની શોભામાં અભિવૃદ્ધિ કરીને વિદાય થવા સિવાય એનાથી કશું થઈ શકતું નથી. આ નિષ્ફળતાથી એ ટેવાતી જતી હતી. પણ શારદા સાથે જે કંઈ બન્યું છે એથી એ વ્યગ્ર બની ગઈ છે.
વનલતાના પત્રનો જવાબ લખવાનો હતો. પણ પહેલાં એણે દીદીને પોતાની વ્યથા અને વિમાસણ લખી જણાવી. પીએચ.ડી. કરવા માટે શિષ્યવૃત્તિ મળે તો આ નિરીક્ષકની નોકરી છોડી દઉં? જો કશું રચનાત્મક થઈ શકતું ન હોય તો અઘટિતના સાક્ષી બની રહેવાનું? જો કોઈ મોટો ઉદ્દેશ સિદ્ધ થતો ન લાગે તો એકલતા દોહ્યલી ન બને?
શારદા રહી રહીને યાદ આવી જાય છે. કેવી ઉત્સાહી શિક્ષિકા છે! પણ એની કદર થવાને બદલે એની યોગ્યતાનાં કવચ-કુંડળ કોતરાઈ ગયાં. એ અધિકારીને કે સરપંચને છછૂંદર જ કહેવા પડે. ફૂંકી ફૂંકીને છેતરવાની કળાના કારીગર.
શિક્ષણખાતાના અમલદારે શારદા સાથે જેવું વર્તન કર્યું એથી પણ બદતર વર્તન કર્યું પ્રજાના પ્રતિનિધિએ – સરપંચ ખેમરાજે! પોતે ખેમરાજને એક આશાસ્પદ કાર્યકર તરીકે ઓળખવા લાગી હતી. શારદાને એનો જુદો જ પરિચય થયો! સહન કરવાની વેદના ઉપરાંત ઉમદા ધારેલા માણસોની હીણપત જીરવવી અઘરી પડે છે.
કુંવારી કન્યા જેને પોતાની સૌથી મોટી મૂડી માને છે એ લૂંટાઈ જાય ત્યારે પહેલી લાગણી તો આપઘાતની જાગે. શારદાએ જીવવાનું બહાનું શોધવા માટે જે કંઈ બન્યું એમાં પોતાનો વાંક જોવાનું શરૂ કર્યું છે. કામકાજમાં કશી કસર આવવા દીધી નથી.
શારદાની શાળા લાવણ્યના વિસ્તારમાં આવતી નથી, તેથી એ પેલા અમલદાર સામે કશી લખાપટ્ટી કરી શકે એમ નથી. નહીં તોય શું કરી શકત? શારદાને વશમાં કરવાની ચાલબાજી જાણનાર મને પણ સાણસામાં લેવા પ્રયત્ન ન કરત? અને એમ થયું હોત તો પોતે શું કરત? આપઘાત?
જૂના જમાનામાં બળાત્કારનો સામનો કરવામાં છેવટે જીવ આપીને પણ સ્ત્રીઓ કુલશીલની મર્યાદાનું રક્ષણ કરતી. પણ આ સદીના એક અસ્તિત્વવાદીએ કહ્યું કે બળાત્કારનો ભોગ બનીને પણ મરવું નહીં, જીરવી લેવું, જીવી લેવું.
માત્ર જીવી લેવું? પોતાને એવો કશો ઉત્સાહ કેમ આવતો નથી?
શારદા પણ ઉત્સાહ ગુમાવી ચૂકી છે. એ બુદ્ધિશાળી છે પણ એને સમજાવી શકાઈ નહીં. દીદી, શું ભાવનાશાળી બની રહીને સદા બીજાંની દયા પર જીવવાનું?
એ કહેતી હતી: મને છેતરવામાં આવી ન હોત તો બળાત્કારનો સામનો કરવામાં હું જરૂર સફળ થઈ હોત. પણ એવી પરિસ્થિતિ ઊભી થઈ કે પોતે જાણે એમાં સ્વેચ્છાએ જોતરાઈ. હવે જાત સામે તિરસ્કાર જાગ્યો છે. આપણા સમાજમાં તો શિક્ષિકા કરતાં બજારે બેસનારને વધુ માન મળે છે. એક કૉલગર્લ થનાર છોકરી વિશે એણે વાંચ્યું હતું….
લાવણ્યનો શારદા સાથેનો પરિચય ટૂંકી મુદતનો હોવા છતાં આત્મીય કહી શકાય એવો છે. એના મૂળમાં લલિતા છે-રમકડાંવાળા લલ્લુભાઈની દીકરી લલિતા.
શારદા અને લલિતાએ માધ્યમિક શિક્ષણ સાથે લીધેલું. લલ્લુભાઈ લલિતા માટે ખર્ચ કરવા તૈયાર હતા, જ્યારે શારદા એક વિધવાની દીકરી હતી. ભણી શકે એવો નાનો ભાઈ હતો. એણે પી. ટી. સી. કરીને છેક ગામડા ગામમાં નોકરી મળી તો એય લઈ લીધી. પછી તો એ પણ નોકરી કરતાં કરતાં પરીક્ષાઓ આપીને બી. એ. થઈ છે. લલિતા બી. એ. થયા પછી શિક્ષિકા થઈ છે, એક ખાનગી શાળામાં. સગાઈ થાય ત્યાં સુધી નોકરી કરશે.
શારદાનાં ભાવિ જીવનનાં સ્વપ્ન રગદોળાઈ ગયાં છે. નોકરી કર્યા વિના છૂટકો નથી. અત્યારે એ કેવી અગવડો વચ્ચે કામ કરી રહી છે? એની શાળામાં ચાર ધોરણના વિદ્યાર્થીઓ વચ્ચે એણે એકલીએ જ કામ કરવાનું? શિક્ષકની એક જગા તો વર્ષોથી ખાલી હતી. ત્યાં મુખ્ય શિક્ષકની બદલી થઈ. હજી એમની જગાએ કોઈ મુકાયું નથી.
ત્રીજા શિક્ષક કરતાં શારદા એક અઠવાડિયું સીનિયર હતી. એને ચાર્જ મળ્યો. પણ પેલો ત્રીજો શિક્ષક સ્થાનિક હોવાથી અને એણે વતનમાં નોકરી મેળવવા બાર હજારની લાંચ આપી હોવાથી એ સીનિયોરિટીનો દાવો કરે છે.
એ માટે ખાતા સાથે પત્રવ્યવહાર કરવાને બદલે એણે શારદા સામે સીધો ‘સત્યાગ્રહ’ શરૂ કર્યો છે. અનુકૂળતાએ નિશાળે આવી, સહી કરવાની ફરજ બજાવીને તુરત ઘેર કે ખેતર ચાલ્યો જાય છે. માત્ર સીનિયોરિટી મેળવવા એ આમ કરતો હશે?
શારદાનું અનુમાન છે કે એના અસહકારનું કારણ કદાચ બીજું જ છે. એક વાર ગમ્મત કરવાની રીતે એણે કહેલું: કોઈ દિવસ ચાપાણી માટે પણ આમંત્રણ આપો છો? હું તમારે ત્યાં આવું એથી વગોવણી થશે તો પણ મારી થશે, તમારી નહીં. અને બપોરના સમયે અહીં ગામમાં હોય છે કોણ? આપણને ચાપાણી કરતાં વાર કેટલી? રીસેસ પણ મોટી પડે…
બીજી વાર વિદ્યાર્થીઓની હાજરીમાં કહેલું: સાંભળ્યું છે કે સરપંચની વહુ મેડી ખાલી કરાવવાનું કહે છે? ગભરાશો નહીં, ગામમાં મેડીવાળાં મકાનોની ખોટ નથી…
પહેલાં એ આવો ખંધો નહોતો લાગતો.
તો સરપંચ ખેમરાજ પણ પહેલાં તો સગા ભાઈનો અભિનય કરતા હતા. મેડી ભાડે આપતી વખતે કારણ પણ એવું જ આપેલું: આપણે ત્યાં શારદાબેનને પિયર જેવી સલામતી… સહકાર પણ કેટલો બધો!
કોઈ પણ રાષ્ટ્રીય પર્વ ઊજવવા માટે કે ગામલોકોને રસ પડે એવો જાહેર કાર્યક્રમ યોજવા માટે પંચાયતનો સાથ મળી રહેતો. ગામની શેરીમાં ખુલ્લા માથે જતીઆવતી શારદાની આમન્યા જળવાતી. પંચાયતના બીજા સભ્યોને તુંકારાથી બોલાવનાર સરપંચ સામા મળે એની સાથે બેઉ હાથ જોડીને પ્રણામ કરતા. સાથે ચાલનારાઓને રીતભાત શીખવતા: નવી પેઢીના આગેવાનોએ સરસ્વતીના પૂજારી થવું પડશે.
છેક એ સાંજ સુધી તો બધું સરખું ચાલ્યું. નિષ્ઠાથી કામ કર્યાના સંતોષ સાથે ઊંઘતી શારદા ભાવિ જીવનનાં સ્વપ્ન જોતી રહી, પણ અધિકારી સાહેબ બસ ચૂકી ગયા અને રાતવાસો રોકાયા, એની કુંડળીના સાતમા સ્થાનમાં પાછલે પગે રાહુએ પ્રવેશ કર્યો.
અધિકારીની ઉંમર પંચાવનથી ઓછી નહીં જ હોય. કપાળ જોતાં એ બાપ જેવા લાગે. વાત કરે નર્યા વાત્સલ્યથી. એમના ઈરાદા વિશે છેલ્લી ઘડી સુધી શારદાને વહેમ નહોતી આવ્યો. સરકારી નોકરીમાં ઉપરી અધિકારી આવી આત્મીયતા દાખવે ખરા?
શારદાને પોતાની યોગ્યતા અને ભાગ્ય માટે અભિમાન થયું હતું. આવું પ્રોત્સાહન મળતું હોય તો બેવડા કામનોય થાક લાગે નહીં. રસોઈમાં પણ મદદ કરવા માગતા હતા. પુસ્તકો આપેલાં એ જોતા રહ્યા. ઉમંગથી જમ્યા. જમીને થોડુંક ફરી આવ્યા. એમની સૂચના મુજબ ખેમરાજની ખડકીમાં ખાટલો ઢાળી આપ્યો હતો. પરવારીને થોડુંક વાંચ્યું ત્યાં આંખો ઘેરાઈ હતી.
દરરોજ રાતે મેડીના દાદરનાં કમાડ આડાં કરતી, ધીમે રહીને સ્ટોપર વાખતી. પણ એ રાતે એમ કરવા જતાં સંકોચ થયો હતો. વડીલને એમ તો નહીં થાય ને કે હું એમના પર વહેમાઉં છું?
એમનો વિચાર કરવાને બદલે અગાઉની ટેવ પ્રમાણે સાવધ રહી હોત તો અધિકારી સાહેબ માટે અનુકૂળતા ઊભી ન થઈ જાત. ઢળતી રાતે ઠંડી લાગતાં એ જાગી ગયા હશે. ઓઢવાનું તો મૂકેલું જ હતું પણ દાદરનું બારણું ખુલ્લું જોઈને માથું દુખવાના બહાને એ મેડી પર આવી પહોંચ્યા. પોતે ડરી ન જાય એની કાળજી લઈને જ એમણે સંબોધી હતી.
ગોળી જેવું તો કશું હતું નહીં. બામની શીશી શોધતી હતી ત્યારે એ પલંગ પર બેસી ગયા હતા. એમની વૃત્તિ વિશે સહેજ પણ શંકા કર્યા વિના બામ ઘસી આપ્યો હતો. જે ક્ષણે શારદાએ એમનાથી ખસી જવાનું હતું એ જ ક્ષણે એ એમના ખોળામાં ખેંચાઈને એમના કાબૂમાંથી છટકી ન શકે એવી શારીરિક-માનસિક પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી.
અધિકારી સાહેબ એકાકી યુવતીની મજબૂરીનો લાભ લેવાની કળાના નિષ્ણાત હતા. શારદાની હથેલીઓનો મૂક વિરોધ ટક્યો નહીં. અને એ મનની વિરુદ્ધ શરીર થકી વશ થઈ.
એ રાતે ખેમરાજ સરપંચ એમની ખડકીમાં નહોતા છતાં કોણ જાણે કેવી રીતે એ જે કંઈ બન્યું હતું એ અંગે ચોક્કસ અનુમાન કરી શક્યા હતા.
પહેલાં ખરાખરી કરવા માટે એમણે એકાંત શોધ્યું હતું, પછી શારદાને આંતરવા માટે. શારદા લોકલાજના ભયે એમને વશ થઈ. પછી જાતને છેતરવા માંડી. ત્રણેક માસમાં તો એનામાં થયેલા શારીરિક ફેરફારો અંગે પણ ગુસપુસ શરૂ થઈ. એ સગર્ભા થઈ હતી.
ખેમરાજે જવાબદારી સ્વીકારવાને બદલે મેડી ખાલી કરાવવાની ધમકી આપી. એની અસર થયેલી જોઈને સમયની ગણતરી કરીને જણાવ્યું: ‘પડાવી દે, ને ખર્ચ વસૂલ કર એ ઘરડા ખૂંસટ પાસેથી. સુવ્વરે મનેય બેશરમ કરી દીધો. એ સાલો તારો સાહેબ અહીં મૂવો ન હોત તો હું આમ આડી લાઈને ચઢ્યો ન હોત. પહેલાં ગામમાં ને આખા મુલકમાં મારી કેવી સારી છાપ હતી! આ બીજી ચૂંટણી આવે છે એ પહેલાં તારી અહીંથી બદલી નહીં થઈ જાય તો હું હારવાનો એ નક્કી.
શારદાને જેટલી બીક પેટ દેખાવાની હતી એથીય વધુ બીક હતી ગર્ભપાતની પ્રક્રિયામાંથી પસાર થવાની. જો એ અણઘડ રીતે થાય તો ગર્ભાશયને નુકસાન થવાની કે રક્તસ્ત્રાવ થવાની ભીતિ હતી. પણ એ સિવાય અહીં ગામડા ગામમાં રહેવું કેવી રીતે? સરપંચને સાથે આવવા કહ્યું તો ફરી એક વાર લાજ લઈને એણે બીજા ગામની વાટ પકડી.
એકલ પંડે ખાનગી દવાખાનામાં જવું પડ્યું. ત્રણ મહિનાના પગાર જેટલું ખર્ચ આવ્યું. મોં પર ફિક્કાશ આવી ગઈ. માંદગીના સમાચાર જાણી, રજા મૂકી લલિતા એની પાસે પહોંચી ગઈ. લાવણ્ય એને મળી ત્યારે પણ શારદા પૂરેપૂરી સ્વસ્થ થઈ શકી નહોતી.
વચ્ચે વચ્ચે એ રડી પડતી હતી અને પોતાનો વાંક કાઢી જાતને તિરસ્કારતી હતી. આ નોકરી મળી એ પહેલાં એક બીજવર સાથે એનું ગોઠવાય એમ હતું પણ પોતે આદર્શોની ઘેલછામાં ને કંઈક અંશે રૂપના અભિમાનમાં ના પાડી બેઠી હતી. બીજવર પરણી મહાસુખ પામે – એ તો કોણ જાણે પણ આ બબ્બે જણના હાથે તો ચૂંથાવું પડ્યું ન હોત.
હમણાંથી વળી એવી બીક લાગે છે કે માસિકસ્ત્રાવ વખતે પોતે માંદી પડી જશે ને પથારીમાંથી ઊઠશે જ નહીં. કોઈકે કહ્યું છે કે પુરુષ કરતાં સ્ત્રી વધુ કામુક હોય છે. એ સાચું હોય તોપણ પુરુષને આ પીડા અને લાચારી તો વેઠવી પડતી નથી જ.
‘દીદી, હું યોગ્ય ક્ષણે આપઘાત કરી શકી નથી, મૃત્યુ મને માફ નહીં કરે, દેહ છોડતાં મને તકલીફ પડશે, કોણ જાણે કેવા રોગના ભોગ બનવાનું હજી બાકી હશે —’
‘તું નિષ્ઠાથી કામ કરવા લાગ, આ બધું ભુલાઈ જશે.’
‘કામ તો કરું જ છું, ઘાણીના બળદની જેમ, ટેવ પડી છે ને! પણ એકલી પડું છું એની સાથે ભીતિ જાગે છે —’
‘હમણાં તો લલિતા તારી સાથે છે ને!’
‘ભીતિની દવા પ્રીતિ!’ કહેતાં લલિતાએ શારદાને બાથમાં લીધી. એ ચેષ્ટા લાવણ્યને ગમી નહીં. માણસ દુ:ખની ગર્તામાંથી, પતનની ખાઈમાંથી કેવી રીતે બહાર આવે છે એનો ખ્યાલ આપતાં બે દષ્ટાંત આપીને એની બદલી કરાવી આપવા વચન આપ્યું.
શારદાને આશ્વાસન આપીને લાવણ્ય ઈડર આવવા નીકળી ત્યારે ખુશનુમા વાતાવરણમાં એ મોળી-તૂરી મનોદશા અનુભવી રહી હતી. દર્પણમાં મોં જોવાનું મન થયું. પર્સમાં પાલવના આભલા જેવડું નાનકડું દર્પણ છે ખરું. પણ બસમાં એણે કદી દર્પણમાં મોં જોયું નથી. આજે એ રહી ન શકી. જોયું તો શારદાના મોં પરની ફિક્કાશ એને વળગી હતી, ગામડાની સ્ત્રીઓને ભૂત વળગે છે તેમ…
(ક્રમશ:)