|

આસ્વાદ શ્રેણી: સાત સમંદર પાર ~ ભાગ: ૫ ~ “ગુણાંક..!” ~ લિન્ડા પાસ્ટન ~ અનુવાદ-આસ્વાદ: ઉદયન ઠક્કર

કવિ પરિચયઃ લિન્ડા પાસ્ટન (મે ૨૭, ૧૯૩૨ – જાન્યુઆરી ૩૦, ૨૦૨૩) પ્રખ્યાત અમેરિકન કવયિત્રી છે.

એમનો જન્મ ન્યુ યોર્કના બ્રોન્ક્સ નામના પરામાં થયો હતો. એમના પિતા ઈસ્ટર્ન યુરોપથી આવેલા એક જ્યુઈશ ઈમિગ્રન્ટ હતા. અહીં અમેરિકા આવીને તેઓ સર્જન બન્યા.

એમની માતા એક ગૃહિણી હતી. લિન્ડા એમનું એક માત્ર સંતાન હતી. લિન્ડાએ એમની પહેલી કવિતા બાર વરસની ઉંમરે લખી હતી જે “ન્યુ યોર્કર” નામના મેગેઝીનમાં છપાઈ હતી.

એમણે લાઈબ્રેરી સાયન્સમાં, અને અમેરિકન લિટરેચર તથા ઈંગ્લીશમાં, એમ બે માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી.

૧૯૯૧થી ૧૯૯૫ સુધી તેઓ “Poet Laureate of Maryland*” રહ્યાં હતાં. એમણે ૧૫ કવિતાના સંગ્રહો અને કેટલાંક નિબંધોના પુસ્તકો લખ્યાં છે. એમાંના ખાસ કાવ્યસંગ્રહો -“આસ્પેટસ ઓફ ઈવ”, “ધ ફાઈવ સ્ટેજીસ ઓફ ગ્રીફ”, “વેઈટિંગ ફોર માય લાઈફ”, “ક્વીન ઓફ રેઈની કન્ટ્રી”, “ઈન્સોમિઆ” અને “ઓલમોસ્ટ એન એલિજી – ન્યુ એન્ડ લેટર સિલેક્ટેડ પોએમ્સ” છે.

જાન્યુઆરી ૩૦, ૨૦૨૩માં “શેવી ચેસ, મેરિલેન્ડ”ના એમના ઘરમાં તેઓ ૯૦ વર્ષની ઉંમરે અવસાન પામ્યાં હતાં.)

ડ્રોપ આઉટ

“મારા પતિ ગઈ કાલના ભોજન માટે
મને ‘એ’ આપે છે,
ઈસ્ત્રીકામ માટે ‘અધૂરું’
અને શૈય્યાસુખ માટે ‘બી પ્લસ.’

મારો દીકરો કહે છે કે હું ‘સાધારણ સારી’ છું,
‘સાધારણ સારી’ માતા,
પણ મહેનત કરું તો સુધરી શકું.

મારી દીકરી ‘પાસ/ફેલ’માં માને છે.
મને કહે છે- ‘પાસ.’
એ લોકોને હજી ખબર પડી નથી
કે હું ‘ડ્રોપ આઉટ’ થવાની છું.”

~ લિન્ડા પાસ્ટન
(અંગ્રેજીમાંથી અનુ. ઉદયન ઠક્કર)

ગૃહિણીની કામગીરી બાબત નુકતેચીની કરવાનો અધિકાર જાણે કુટુંબના દરેક સભ્ય પાસે હોય છે. ‘પંખા પર મહિનાની ધૂળ ચડી ગઈ છે’ ‘છાપું ક્યાં મૂક્યું છે?’ ‘પાછા વટાણા?’ ‘કેબલમાં સ્ટાર સ્પોર્ટ નખાવવાનું તને કેટલી વાર કહ્યું?’ ગૃહિણી જાણે વિદ્યાર્થિની અને બાકી બધાં પરીક્ષકો. પરીક્ષા પાછી રોજેરોજ લેવાય. કોઈ ‘એ,બી, સી’ પ્રમાણે ચકાસે, કોઈ ‘નબળું, સાધારણ સારું, ઉત્તમ’ પ્રમાણે, તો કોઈ ‘પાસ-નપાસ’ કરે.

પરિવારના બીજા સભ્યોને પણ પડકારોનો સામનો કરવો પડે છે, પણ પરીક્ષકો ઘરની બહારના હોય છે- ઓફિસ કે કારખાનાના માલિક, શાળા કે કોલેજના શિક્ષક. ગૃહિણીના પરીક્ષકો ઘરની અંદરના હોવાથી પરિવારમાં તાણ ઊભી થાય. ક્યારેક લાગે કે ગૃહિણીનું સ્વમાન સચવાતું નથી.

શાળા કે કોલેજ છોડી દેનાર વિદ્યાર્થીને ‘ડ્રોપ આઉટ’ કહેવાય. અંતિમ પંક્તિમાં ગૃહિણી રહસ્યસ્ફોટ કરે છે કે તે ડ્રોપ આઉટ થવાની છે. શું તે ઇબ્સનના નાટક ‘અ ડોલ્સ હાઉસ’ની નાયિકા નોરાની જેમ ઘર ત્યાગવાની હશે? કે પછી ‘હોમ મેકર’ની ભૂમિકા નકારીને કેરિયર-વુમન બનવાની હશે? કે પછી કુટુંબની વ્યક્તિઓના નકારાત્મક માપદંડ અવગણવાની હશે? ટૂંકા કાવ્યમાં કવયિત્રી બંધનમાંથી મુક્તિ તરફ ગતિ કરે છે. તેમનો સ્વર મક્કમ હોવા છતાં કટુ નથી.

અમેરિકામાં રહેતા લિન્ડા પાસ્ટને (જન્મ ૧૯૩૨) ૧૫ કાવ્યસંગ્રહો આપ્યા છે. ટૂંકા કાવ્યોમાં પારિવારિક સંબંધો, માતૃત્વ, વધતી ઉંમર ઇત્યાદિની વાત કરવી તેમને વિશેષ ફાવે છે.

ગુણાંકની ભાષામાં માતા અને બાળકનો કિસ્સો કહેતી કાર્લ સેન્ડબર્ગની પંક્તિ યાદ આવે છેઃ

“જો તમે માતા પાસે નાસ્તા માટે એક ઇંડું માગો, અને તે બે આપે, અને તમે બન્ને ખાઈ જાઓ, તો અંકગણિતમાં પાવરધું કોણ, તમે કે તમારી માતા?”

-ઉદયન ઠક્કર

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.