|

વિશ્વ નારી દિવસ ૨૦૨૪ નિમિતે ~ ૨૧ કવયિત્રીઓ રચિત મુક્તક/ શેર

(નોંધ: બ્લોગ આયોજિત ગઝલશિબિરમાં ભાગ લેનાર કેટલીક કવયિત્રીઓના મુક્તક/ શેર. વધુ કેટલીક કૃતિઓ આગામી અઠવાડિયે મુકાશે. )

૧.
સૂર્યના પહેલા કિરણ જેવી ગણી છે,
ગેરસમજણ ક્યાં કદી ઝાઝી ટકી છે!
કેટલો વિશ્વાસ મહેનત પર હશે કે
ઝુંપડી ‘ઈશ્વરકૃપા’ નામે ચણી છે.
~ રક્ષા શાહ

૨.
રોટલીને ગોળ કરવાની મથામણ છે સખી,
નોકરીમાં હોડ કરવાની મથામણ છે સખી.
ત્રાજવાથી તોલશે લોકો,પછી સમજાશે કે,
જીંદગીભર જોડ કરવાની મથામણ છે સખી.
~ ડૉ. સેજલ ભાવેશ દેસાઈ

૩.
પ્રતીક્ષાના પડળ વચ્ચે સતત વલખે છે એકલતા,
ન દે કોઈ ટકોરા તો સ્વયં ખખડે છે એકલતા.
પીડા ને ખાલીપાના કૈંક રાતોના સમાગમ બાદ,
નિશાની કૂખથી બાળક બની જન્મે છે એકલતા.
~ દિક્ષિતા શાહ

૪.
હવા સંગે ન ફરકી તો, ધજાના વાંક શું ગણવા?
નજીવી વાતમાં આખી કથાના, વાંક શું ગણવા?
બળી ગઇ વાટ, ખૂટ્યું તેલ, ને છે કોડિયું કાણું,
બુઝાઈ જાય દીપક તો, હવાના વાંક શું ગણવા?
~ અલ્પા વસા ‘કાવ્યાલ્પ’

૫.
એમ શ્રદ્ધા ડગમગે તો જાણીએ,
કેન્દ્ર પૃથ્વીનું ખસે તો જાણીએ;
આયના જેવાં પરસ્પર આપણે,
ખ્યાલ એવો વિસ્તરે તો જાણીએ
~ સ્વાતિ રાજીવ શાહ

૬.
એ જાતને ઓગાળતા એહસાસની આ વાત છે,
ચૂલો ફૂંકી ઘરમાં થતા ઉજાસની આ વાત છે.
લીંપાય છે સંવેદનોની ઓકળી અંતરમને,
પાડે સમય જે જિંદગી પર, ચાસની આ વાત છે.
‌‌~ ભાર્ગવી પંડ્યા

૭.
જાત સાથે વાત જ્યારે થાય છે
ઘાવ ભીતરના ઘણા રુઝાય છે
અવઞણે દુનિયા ભલે તારા ગુણો
રોશની શું વાદળે ઢંકાય છે?
~ દિવ્યા વીધાણી

૮.
બધું ગમતું મળી રહે સુખ, એવું કિસ્મત નથી જો ને!
નવું શમણુંય જોવાની હવે હિંમત નથી જો ને!
હજીયે ત્યાં જ ખૂણો પાળતું મન એકલું બેઠું,
અમારા હાલથી સ્હેજેય એ અવગત નથી જો ને!
~ મેધાવિની રાવલ, સુરેન્દ્રનગર

૯.
નથી સાવ કોરા અમારા આ બરડા
બતાવી ના શકીએ, છે એવા ઉઝરડા
નિભાવી લીધા છે આ સગપણ અહીં લગ
થયા છે હવે ઘર ને હું, બે’ય ઘરડા
~ ભારતી ગડા, મુંબઈ

૧૦.
રંગનજરમાં આંજી આંખો કોરી લઈને ચાલીશું.
ખુશ્બૂ માટે ગુલાબ, હાથે દોરી લઈને ચાલીશું!
શમી ગયા છે ઘોંઘાટો ને સૂરજ ઢળતો સાથે છે
આતમની મસ્તી છે એની તૉરી લઈને ચાલીશું!
~ પૃથા મહેતા સોની

૧૧.
નારની સેજ સાથે ભળ્યા રંગ જો!
આંખના ભેજ સાથે ભળ્યા રંગ જો!
થઇ પ્રણયના બિછાને એ પૂર્ણ ને
પ્રેમના તેજ સાથે ભળ્યા રંગ જો!
~ જિગીષા દેસાઈ

૧૨.
ભીની માટીની છે સોડમ, તું ક્યાં છે?
આંખોમાં શબનમ છે જાનમ, તું ક્યાં છે?
ફરફરતાં ફોરાંની વચ્ચે ચમકે વીજ
આગ વચાળે વ્યાકુળ છે મન, તું ક્યાં છે?
~ ડૉ. ભૂમા વશી

૧૩.
થોડો છે ને લગાવ? તો આવું,
થાશે નહિ ને અભાવ? તો આવું.
ટેવ તો ખારાં પાણીની છે નહિ,
થોડો બદલે સ્વભાવ તો આવું.
~ ભારતી વોરા ‘સ્વરા’

૧૪.
નારી છે છોડ લજામણીનો,
કોણ આપે ચેક વધામણીનો.
શું ક્યારેય દૂર કરી શકશે,
એનો ઈલ્કાબ અભાગણીનો.
~ નિરાલી રશ્મિન શાહ “સ્વસા” (અમદાવાદ)

૧૫.
હાથમાં ડમરૂ અને છે ઝેર શંકરના ગળે,
કેટલા ભોળા બનીને ઝેર પીનારા મળે?
ઓમની આરાધનામાં જીવ જો ગુંથાય તો,
લાખ ચોર્યાસીમાં ફરતા જીવનું ચક્કર ટળે.
~ અંકિતા મારુ ‘જીનલ‘, મુંબઈ

૧૬.
ન તો નિજ ઓળખ, ન તો નિજ ચહેરો,
કદી લક્ષ્મીબાઈ, કદી જીજીબાઈ !
થઈ પાનબાઈ પરોવાને મોતી,
મા સીતા બની અગ્નિકુંડે સમાઈ !
~ નિશિ સિંહ, કેનેડા

૧૭.
આંગણે રમતી પરી આકાશ લઇ ઊડી ગઈ.
હીબકાં ભરતાં નગરવાસી કહે છૂટી ગઈ.
હાર મળતી ત્યાં સતત, હિમત હતી ખૂટી ગઈ.
દોષ કિસ્મતનો નહીં માનું કહીં ઊઠી ગઈ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

૧૮.
પ્રેમથી છોડી શકો સઘળી તમારી ધારણા
તેજ એના વિસ્તરે, ખોલી શકો જો બારણાં,
ને પછી અંધાર સઘળાં થાય દૂર એક પળ મહીં
લોક તો શું, આખ્ખેઆખી સૃષ્ટિ લે ઓવારણાં!
~ હિમાદ્રી આચાર્ય દવે

૧૯.
જીવનના રંગમંચે સખી બેમિસાલ છે
પાત્રો અસંખ્ય, તોય નિભાવે કમાલ છે.
~ તૃપ્તિ ભાટકર

૨૦.
પાનખર આવી ને જાણે પાંદડું ભેટ્યું ધરાને
લે,ઉદાસીને કરી અળગી પછી તો જિંદગીએ!
~ જિગીષા દેસાઈ

૨૧.
છે ઘણી તૂટી છતાં ઉભી કરી છે જાતને,
એમ સંભાળી અમે લીધી છે આખી વાતને.
~ મેઘા જોષી

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.