હિંચકો-હિંડોળો (લલિત નિબંધ) ~ ડૉ. નિરંજના જોશી
હિંચકો – હિંડોળો
લીંપેલ, ગૂંપેલ આંગણામાં પગલીનો પાડનાર, પાલવનો ઝાલનાર, ચાનકીનો માગનાર, માખણનો ચોરનાર રન્નાદે પાસે માગીને મેળવ્યા પછી માતૃત્વનો અનેરો આનંદ માણતી જનેતા, પછી તે જશોદા હોય, જીજાબાઇ હોય કે જિગીષા – નવજાત શિશુને નવડાવી, ધોવડાવી, ભાલે કાજળની ટીલડી કરી પારણિયે પોઢાડી સૂર અને સ્પર્શની અનુભૂતિ કરાવે છે.
ભર નીંદરમાં મરક મરક કરતા શિશુને અનિમેષ નયને નિહાળતી મા હથેળીની થાપથી સુરક્ષાનું કવચ ઓઢાડે છે અને હાલરડું ગાઈ સંગીતની સરગમ સુણાવે છે. ત્યારે ખોયામાં સૂતેલું નવજાત શિશુ માના ગર્ભ જેવી જ અનુભૂતિ કરે છે. મા સાંઈ મકરંદ પ્રતિ કૃતજ્ઞ થઇ ગાય છેઃ
“પ્રભુએ બંધાવ્યું મારૂં પારણું રે લોલ,
પારણિયે ઝૂલે ઝીણી જ્યોત રે,
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ…!”
ખેતરમાં કામ કરતી શ્રમજીવી પીઠ પર કપડાંનાં ખોયામાં બાળકને સૂવાડી હાથમાં દાતરડું લઈ નીંદામણ કરતી જાય, કે પછી માથે તગારામાં ઈંટો ભરી ભરીને કડિયા સુધી પહોંચાડતી શ્રમિકા બાળકને ક્યારેક પીઠ થકી હૂંફ આપી પોરસાય તો ક્યારેક ધોળા ધાવણ કેરી ધારાએ પેટ ભરાવી કાંકરીના ઢગલાને કિનારે મસોતા જેવા સાડલાને રજાઇ ગણી પોઢાડે; ત્યારે તે બંને માને પણ બાળુડાની આંખમાં અદકાં અજવાળાં જ દેખાય. માતૃત્વ તો બધે જ સરખું!
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પણ લાકડાનાં પાંગરાં સાથે રાખવાનું ન ભૂલનારી મા પોતાના જાયાની ઊંઘને આંચ ન આવવા દે.
કિશોરાવસ્થાને ઊંબરે પહોંચતું સંતાન વડની વડવાઈને પકડીને પણ ઝૂલવાનો આનંદ લૂંટી લે, કારણ ઝૂલવાનો અને તેનો નાળસંબંધ છે. તેથી જ તો ગાઈ ઊઠેઃ
“કોણ હલાવે લીમડી ને
કોણ ઝૂલાવે પીપળી,
ભાઈની બેની લાડલી–”
વય વધતાં ડોલાયમાન થવાની આદત થોડી બદલાય? જરા મોટી થાય એટલે હિંડોળાખાટે ઝૂલતી થાય.
પિયરમાં આખો દિવસ ઝૂલ્યા કરતી કન્યા સાસરિયે વિદાય થવાનો પ્રસંગ આવે ત્યારે માતા-પિતા કરિયાવરમાં હિંડોળો આપવાનું પણ વિચારે; પણ શહેરમાં સ્થાયી થનાર દીકરીનું ઘર કુટુંબીજનોનો સમાવેશ માંડમાંડ કરતું હોય, ત્યાં હિંડોળાની જગ્યા ક્યાં? તેથી જ તો સાસરેથી પિયરે આંટો મારવા આવેલી દીકરીને સૉનૅટના સ્વરૂપના સ્થાપક ઊર્મિરસિત કવિ બળવંતરાય ઠાકોર રચિત પેલી પંક્તિઓ યાદ આવે.
“બેઠી ખાટે ફરી વળી બધે મેડીઓ ઓરડામાં
-બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી.
ત્યારે જાણી અનહદ ગતિ, નાથ મ્હારા ત્હમારી.”
ભૂતકાળની સ્મૃતિ એમ કંઈ વીસરાય? જે હિંડોળાખાટ પર સખી સાથે ગીતડાં ગાયાં હોય, કિલ્લોલ કર્યો હોય, તેને જ પરીક્ષા વખતે વાચનનો સાક્ષી બનાવ્યો હોય, ઊંઘ આવે ત્યારે બાજુમાં પડેલા તકિયા પર જ લંબાવી દીધું હોય, એ જ હીંચકો આજે માતાપિતાને દીકરીની ઘોડિયાથી હિંડોળા સુધીની સફરનો વિસ્તાર યાદ કરી તેની ગેરહાજરીથી એકલતાનો અનુભવ કરાવે.
ગુજરાતી નાગરજનો તો વળી જમ્યા બાદ હિંડોળા પર ઝૂલતાં લીલીછમ નાગરવેલનાં સ્વચ્છ મલમલનાં કપડાંમાં વીંટાળેલ પાન સાથે, કચ્છની મોર-પોપટની મીનાકામવાળી ઘૂઘરિયાળી સૂડીથી શેકેલી સોપારી ઝીણી કાતરી, ગુલાબી ચૂનો, કાથો, મનગમતો મુખવાસ, ચણોઠીનાં પાન, ઠંડક માટે અજમેટનાં ફૂલ અંદર સજાવી મોઢામાં મૂકી તેનો રસ ગળેથી ઊતાર્યા કરે.
પાન પૂરૂં થાય ત્યાં સુધી પગની ઠેસ વાગતી જાય ને મુખથી ચર્વણક્રિયા ચાલતી રહે. એવું કહેવાય છે કે નાગરના ઘરે હિંચકો ન હોય એ સંભવિત જ નથી.
સામાન્ય રીતે હિંડોળો એ માત્ર સુશોભિત રાચરચીલું જ નથી રહ્યું. થાક ઊતારવાનું, મન પ્રસન્ન રાખવાના માધ્યમનું, વયસ્ક વ્યક્તિ પોતાના પૌત્ર-પૌત્રી, દોહિત્ર-દોહિત્રીને બાજુમાં બેસાડી ઝુલાવે અને વાર્તા કહે કે ગીતો ગાય, શ્લોકો બોલે એ એમ સંસ્કારપ્રદાનનું નિમિત્ત પણ સિદ્ધ થાય છે.
સિનેક્ષેત્ર પણ ઝૂલાને પડદા પર લાવવાનું ચૂક્યો નથી. શૈશવનાં સંસ્મરણો, નાયક- નાયિકાના પરસ્પર મિલન, વિરહની ઘડીજાણે હીંચકાની ઉપર નીચે થતી ગતિમાં વ્યક્ત થતી જોવા મળે છે.
વૈષ્ણવ સંપ્રદાય તો આષાઢવદ બીજથી ઠાકોરજીના પ્રાકટ્યોત્સવ મનાવે છે, બાલમુકુંદ બાલ્યાવસ્થામાં પારણામાં ઝૂલ્યા, ત્યારે તે ભાવિકો તેને માટેના વિશેષ પલનાનાં પદો કીર્તન રૂપે ગાય છે.
“પલના ગઢિકૈ ભ્યાઉ બઢૈયા।
અગરચંદન કૌ ગઢૌ પાલના, ઝૂલે કૃષ્ણ કનૈયા
મોતિયનકૌ હૈ બન્યૌ પાલનૌ સુદર રતન જડૈયા,
સૂરદાસ પ્રભુ પલના ઝૂલૈ ,જસુમતિ લેતિ બલૈયા।।“
શ્રાવણ માસના ઝરમર વરસાદમાં હિંડોળાખાટે ઝૂલતા શ્યામની સંગે ઝૂલવા તત્પર ભાવિકો ગાઈ ઊઠે –
“ઝૂલત ગોકુલચંદ હિંડોરે,
ઝુલવત સબ વ્રજનારી।
સંગ સોભિત વૃષભાન નંદિની,
પહરે કસુંભિ સારી।
પચરંગી ડોરી ગુહી લીની, ડાંડી સરસ સઁવારી ।
આસકરણ પ્રભુ મોહન ઝુલત ગિરિ ગોવર્ધનધારી।2।
ઝુલત ગોકુલચંદ હિંડોરે।“
આમ ભક્તિભાવમાં પણ હિંડોળાનો સમાવેશ થાય, ચિત્રપટમાં પણ દેખાય અને સંસારમાં તો તે જીવનનું એક અવિભાજ્ય અંગ જ બની જાય.
સંસ્કૃત ભાષાના સાહિત્યકારો તો નવરસને કલમસ્થ કરવામાં નિપુણ! તેથી જ તેને માટે દોલા, દોલી, પ્રેંખા, પ્રેંખોલનં, હિંદોલઃ, કાચં, શિક્ચં, દોલનં, પ્રેખણં – વગેરે પર્યાયવાચી નામો છે. તો અર્થસભર ક્રિયાપદો પણ છે. આંદોલયતિ, પ્રેંખોલયતિ, પ્રેંખત્, દોલાયતિ, શિક્ચિત।
રઘુવંશમાં કવિકુલગુરુ કસાલિદાસે હિંડોળાને શૃંગારરસનું માધ્યમ બનાવ્યું છે.
“અનુભવન્નવદોલમૃતૂત્સવં પટુરપિ પ્રિયકણ્ઠજિઘૃક્ષયા।
અનયદાસનરજ્જુપરિગ્રહે ભુજલતાં જલતામબલાજનઃ।।-“
અર્થાત્, – વસંતોત્સવ દરમ્યાન જે રમણીઓ ઝૂલા પર સાવધ થઈને ઝૂલી રહી હતી. તેઓ પણ હાથથી પકડેલી દોરી(સાંકળ) એ હેતુથી છોડી દેતી હતી કે હાથ છૂટવાથી તેમનો પ્રિયતમ તેમને ઝીલી જ લેશે. અને એ બહાને તે તેમના ગળે વીંટળાઈ વળશે.
અન્ય સ્થળે કામી રાજા અગ્નિવર્ણના વર્ણનમાં રાજાને કામી સિદ્ધ્ કરવા હિંડોળાને શૃંગારરસનું માધ્યમ બનાવ્યો છે…
“તાઃ સ્વમઙકમધિરોપ્ય દોલયા પ્રેઙ્ખયન્ પરિજનાપવિત્ર્યાધ ।
મુક્તરજ્જુ નિવિડં ભયચ્છલાત્કણ્ઠબન્ધનમવાપ બાહુભિઃ।।“
અર્થાત્, – એક વાર રમણીને ગોદમાં બેસાડીને તે રાજા ઝૂલા પર ઝૂલી રહ્યો હતો. નોકરો તેને હિંચોળતા હતા. અચાનક રાજાએ ઝૂલાને એવો ઝટકો આપ્યો કે એ રમણીએ ભયના માર્યા રસ્સી છોડી દીધી અને રાજાના ગળામાં બાહુ ફેલાવી તેમને વળગી પડી.
જીવનના દરેક સ્તરે, દરેક પ્રકારે, સહચર રહેનાર હિંડોળો જીવનને પણ કંઇક શીખવી જાય છે. ઉપર નીચે જનાર હિંડોળાના આંદોલનનો આનંદ માણનાર જાણે છે કે ભાગ્યચક્ર પણ ઉપર નીચે જઇ શકે છે.
જીવનમાં સંતુલન અનિવાર્ય છે. કોને પકડવું ને કોને જતું કરવું? મનુષ્ય એટલે જ કહેવાય જે મનની દોરીથી પરસ્પર સંબંધ નિર્માણ કરે. શ્રેય કે પ્રેય વચ્ચે દ્વિધા જન્મે ત્યારે સંતુલન જાળવવાનું હિંડોળો શીખવી જાય છે. તે જેમ आंदोलयति- ઉપર નીચે ગતિમાન હોવાથી આંદોલન ઉત્પન્ન કરે છે; પણ પગની ઠેસ સ્થિર કરવાથી આંદોલનો ઓગળી જાય છે; તેમ મનની અવઢવનાં આંદોલનોનું શમન કરવા સ્થિરતા જરૂરી છે.
ઝૂલા દ્વારા જિંદગીને આપેલું ક્રીડાંગણનું નામ સાર્થક થાય છે. ઝૂલો ઉપર જાય ત્યારે પેટમાં ધ્રાસ્કો પડે છે. કારણ આપણે પરીઘ પર હોઈ, કેન્દ્રથી દૂર હોઈએ છીએ. તેવી જ રીતે લક્ષ્યથી દૂર જતાં દુઃખી થવાની શક્યતા વધી જાય. કદાચ, આવો આપણો બધાનો સ્વાનુભવ પણ છે. ખરૂંને?
ડૉ. નિરંજના જોશી (મુંબઈ)
૯૮૨૦૩ ૬૭૬૪૫.
ભાવ અને ક્રિયાના સાયુજ્યના પ્રતીક જેવા હીંચકા વિશે સ-રસ નિબંધ.
બહુ જ સરસ , ઉત્કૃષ્ટ લેખ, હિંડોળા વિષે નો વિસ્તૃત લેખ,પારણાથી હિંડોળા સુધી ની યાત્રા સુખદ રોમાંચક