ચાર ગઝલ ~ 1. દર્શક આચાર્ય 2. ભરત વિંઝુડા 3. તુરાબ `હમદમ’ 4. અર્જુન દવે ~ સાભારઃ તમન્ના સામયિક વિશેષાંક ફેબ્રુઆરી 2024
1. દર્શક આચાર્ય
દર્પણ ઉપરની ધૂળને ખંખેરવી હતી
જૂની સફરની ધૂળને ખંખેરવી હતી
મારા સ્મરણના ગામમાં પહોંચી ગયા પછી
તારા નગરની ધૂળને ખંખેરવી હતી
તારા પ્રભાવમાંથી જરા નીકળી જવા
તારી નજરની ધૂળને ખંખેરવી હતી
સૂરજ સમા સ્મરણથી ફરી ઘર સજાવવા
બારી ઉપરની ધૂળને ખંખેરવી હતી
ચીલો બધાથી સાવ અલગ ચાતરી જવા
તારી અસરની ધૂળને ખંખેરવી હતી
2. ભરત વિંઝુડા
શું કરો બંધ દ્વાર ખખડાવો
ને ખૂલે નહિ તો કેમ ખોલાવો
બોલતા હોય એને અટકાવો
મૌન હો એને કેમ બોલાવો?
જેમ અથડાઈ જાય બે વાહન
આ નજર એ રીતે ન અથડાવો
એ શરમમાં જ કંઈ કહી દેશે
એટલે કે ન એને શરમાવો
શૂન્યની છે ખબર અભણને પણ
એકડે એકથી જ સમજાવો
3.તુરાબ `હમદમ’
ફૂલની આશે કળીથી દૂર રહ્યો
એની ખુશી માટે ખુશીથી દૂર રહ્યો
કોઈ બદનામી તને સ્પર્શે નહિ
એટલે તારી ગલીથી દૂર રહ્યો
દિદાર પણ ના થઈ શકે જો દૂરથી
એમ લાગે બંદગીથી દૂર રહ્યો
પ્રીત મારી પાંગરી વરસો પછી
એ જ કારણ દિલ્લગીથી દૂર રહ્યો
યાદ ના આવે કવિતા જે ઘડી
એમ લાગે જિંદગીથી દૂર રહ્યો
એ મને સમજી નથી શક્યા કદાચ
એટલે હું દોસ્તીથી દૂર રહ્યો
હું નહિ ભૂલી શકું હમદમ છતાં
કેમ એની લાગણીથી દૂર રહ્યો
4.અર્જુન દવે
સંત સાથે સ્થિર થઈ ગયો
એક પાડો પીર થઈ ગયો
આચમન લીધું હિરણનું
એક જણ ત્યાં ગીર થઈ ગયો
કેટલું હસ્યો હશે ઈ?
જે અચાનક ધીર થઈ ગયો
માછ લાવ્યો ખારવો જો
ખારવણની ખીર થઈ ગયો
અંધારામાં ચશ્મા હતા બા
લે લૈ આવ્યો, વીર થઈ ગયો
સાભારઃ “તમન્ના” સામયિક (1952થી ચાલતું માસિક)
વિશેષાંક – ફેબ્રુઆરી 2024


“તમન્ના” સામયિક (બગસરા): 72 વર્ષથી ચાલતું સામયિક, જેમાં ચૂંટેલા ગદ્ય-પદ્યનું પ્રકાશન થાય છે.
વાર્ષિક લવાજમ: 400/-
લવાજમ ભરવા સંપર્ક કરો:
M) 9426933438 / 93746 65852
સારા સંકલનમાંથી, ઊત્તમ ચયન. આભાર.