|

ભાગ:૨ ~ સૃષ્ટિમાં શબ્દ તું, શબ્દમાં સૃષ્ટિ તું ~ અનુ. મૈત્રેયી યાજ્ઞિક ~ સૌજન્ય: પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (પારી – PARI)

ભાગ:૨ ~ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે પારીભાષાના ભારતીય ભાષાના સંપાદકો ભાષામાંથી વિસરાતા જતા શબ્દોની સૃષ્ટિ લઈને આવે છે, 14 જુદા-જુદા અવાજોમાં અને ભારતના વિવિધ પ્રદેશોમાંથી…

અનુવાદક: મૈત્રેયી યાજ્ઞિક
|| સૌજન્ય: પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (પારી – PARI) ||

સ્મિતા ઉમેરે છે, “અમારા પૂર્વજોએ ખાનાના શાણપણ પર વિશ્વાસ મૂક્યો હતો અને અમારા ઘરોમાં ઘુલઘુલી માટે જગ્યા બનાવી હતી. પરંતુ રાજ્યની સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત શરૂ કરાયેલી વિવિધ આવાસ યોજનાઓ હેઠળ આમજનતાને પૂરા પાડવામાં આવતા આધુનિક સમયના એકરૂપ રહેણાકોમાં પરંપરાગત શાણપણને કોઈ સ્થાન નથી.

દીવાલોમાં બેસાડેલી છાજલીઓ અને કુલુંગી તરીકે ઓળખાતી ઓરડામાં આરામ કરવાની ગોખલા જેવી જગ્યા, ચાતાલ તરીકે ઓળખાતી ખુલ્લી જગ્યાઓ હવે જૂનવાણી વિચારો ગણાય છે. જેમ ઘરમાંથી ઘુલઘુલી અદ્રશ્ય થઈ ગઈ તેમ બોલચાલની ભાષામાંથી એ શબ્દ પણ અદૃશ્ય થઈ ગયો.”

પરંતુ આજે જ્યારે ઘરો જ કબૂતરખાનામાં ફેરવાઈ ગયા છે ત્યારે સ્મિતા જે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે એ માત્ર એ શબ્દ અથવા ઘુલઘુલી અદ્રશ્ય થયાનું નથી.

એ દુઃખ છે એક સમયે બીજા જીવો સાથે, કુદરત સાથે, એ વેન્ટિલેટરમાં (જાળિયામાં) પોતાના નાનકડા માળા બાંધતી કંઈ કેટલીય ચકલીઓ સાથે આપણે જે રીતે સંકળાયેલા હતા એ નાજુક સંબંધ તૂટી ગયાનું.

*****

કમલજીત કહે છે, “મોબાઈલ ટાવરોએ નોતરેલો વિનાશ, બહારની દુનિયાથી વિખુટા પડી ગયેલા પાકાં ઘરો, અમારા બંધ રસોડા, અમારા ખેતરોમાં હર્બિસાઇડ્સ (નીંદણ દૂર કરવા માટે વપરાતા રસાયણો) અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ, એ બધુંય અમારા ઘરો, બગીચાઓ અને ગીતોમાંથી ઘટતી જતી ચકલીઓની હાજરી માટે જવાબદાર છે.”

બસ! તેમણે ભાષાકીય અને પર્યાવરણીય વિવિધતા વચ્ચેના મહત્વપૂર્ણ જોડાણને સમજાવી દીધું હતું. પંજાબી કવિ વારિશ શાહ ની થોડી પંક્તિઓ ટાંકીને તેઓ કહે છે,

“ચીડી ચૂકદી નાલ જા તુરે પાંધી,
પૈયાં દુધ દે વિચ્ચ માદાણિયાં ની.

ચકલીઓનો કલરવ શરુ થતાની સાથે જ મહિલા દૂધ વલોવીને માખણ કાઢે છે તેવી જ રીતે ચકલીઓનો કલરવ શરુ થતાની સાથે જ મુસાફરો પણ તેમની મુસાફરીએ નીકળી પડે છે.

એક સમય હતો જ્યારે ચકલીઓનો કલરવ શરુ થતાની સાથે ખેડૂતો તેમનો દિવસ શરૂ કરતા હતા અને મુસાફરો તેમની મુસાફરી શરૂ કરતા હતા. તે આપણી નાનીઅમથી કુદરતી એલાર્મ-સિસ્ટમ હતી.

આજકાલ હું મારા ફોન પર તેમના કલરવના રેકોર્ડ કરેલા અવાજથી જાગું છું. ખેડૂતો પક્ષીઓના વર્તનના આધારે મોસમની આગાહી કરતા, તેમના પાક-ચક્રનું આયોજન કરતા. તેમની પાંખોની અમુક હિલચાલ શુભ – કિસાની કા શુગુન – માનવામાં આવતી.

ચિડિયાં ખાંભ ખિલેરે,
વસ્સણ મીહ બહતેરે.

જ્યારે જ્યારે ચકલી તેની પાંખો ફેલાવે છે
ત્યારે ત્યારે સ્વર્ગમાંથી મૂશળધાર વરસાદ વરસે છે.”

એક સમય હતો જ્યારે આપણા ઘરો, ખેતરો અને બગીચાઓમાં ચકલીઓ નિયમિતરૂપે જોવા મળતી. તેમની પાંખોની હિલચાલને શુભ – કિસાની કા શુગુન – માનવામાં આવતી

આપણે આપણી જાતને ખૂબ મોટે પાયે થઈ રહેલા જૈવિક વિનાશની વચમાં ઊભેલી જોઈ રહ્યા છીએ એ કોઈ સંયોગ માત્ર નથી.

છોડ, પ્રાણીઓ અને પક્ષીઓની અદ્રશ્ય થતી પ્રજાતિઓની સાથે-સાથે આપણે આપણી ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતામાં નોંધપાત્ર ઘટાડાનો સામનો કરી રહ્યા છીએ.

ડો. ગણેશ દેવી 2010માં પીપલ્સ લિન્ગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયામાં ભારતમાં ચિંતાજનક દરે ભાષાઓ મરતી હોવાનું નોંધે છે, છેલ્લા 60 વર્ષોમાં ભારતમાં લગભગ 250….

પંજાબમાં ચકલીઓની ઘટતી સંખ્યા વિશે પક્ષીવિદો અવાજ ઉઠાવતા રહ્યા છે, ત્યારે કમલજીતને લગ્ન સમયે ગવાતું એક જૂનું લોકગીત યાદ આવે છે.

સાદા ચિડિયાં દા ચંબા વે,
બાબુલ અસા ઉડ્ડ જાણા.

અમે તે, હાં અમે તે ઉડણ ચરકલડી રે
ઊડી જાશું પરદેશ રે વા’લા.

તેઓ કહે છે, “અમારા લોકગીતોમાં અવારનવાર ચકલીઓ જોવા મળતી હતી. પરંતુ અફસોસ, હવે એવું રહ્યું નથી.”

*****

પંકજ નોંધે છે કે જે રીતે આબોહવા સંકટ અને સ્થળાંતર એકબીજા સાથે સંકળાયેલા છે એ જ રીતે  અદૃશ્ય થઈ રહેલી આજીવિકા અને ભાષા પણ એકમેક સાથે સંકળાયેલા છે. તેઓ કહે છે,

“આજકાલ રંગિયા, ગોરેશ્વર અને આસામમાં બીજી બધે જ બજારો મશીનથી બનાવેલા સસ્તા ગામોછા [ગમછા – પરંપરાગત રીતે ટુવાલ, સ્કાર્ફ અથવા પાઘડી તરીકે વપરાતું પાતળું, બરછટ સુતરાઉ કાપડ] અને બીજા રાજ્યોમાંથી પૂરા પાડવામાં આવતા ચાદોર-મેખલા [મહિલાઓ માટેનું છાતી અને પીઠની ચારે તરફ લપેટવાનું અને કમરથી નીચેની તરફ વીંટવાનું પરંપરાગત કાપડ] થી ઊભરાય છે.

આસામનો પરંપરાગત હેન્ડલૂમ ઉદ્યોગ મરી રહ્યો છે અને તેની સાથે-સાથે અમારા સ્થાનિક ઉત્પાદનો અને વણાટ સાથે સંબંધિત શબ્દો પણ મરી રહ્યા છે.”

“અક્ષય દાસ 72 વર્ષના છે અને તેમનો પરિવાર આજે પણ આસામના ભેહબારી ગામમાં હાથશાળ પર વણાટ કરે છે. તેમણે કહ્યું કે આ કળા હવે લુપ્ત થઈ ગઈ છે. ‘યુવાનો કામ માટે આ ગામથી લગભગ 60 કિલોમીટર દૂર ગુવાહાટીમાં સ્થળાંતર કરે છે. વણાટની પરંપરાથી દૂર થઈ ગયેલા એ યુવાનો સેરેકી જેવા શબ્દો જાણતા પણ નથી.’”

અક્ષય જોતોર તરીકે ઓળખાતા સ્પિનિંગ વ્હીલની મદદથી મુહુરા (એક રીલ)ની આસપાસ નાના લૂપ્સમાં દોરાને વીંટવા માટે વપરાતા વાંસના પટાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

રંપરાગત વણાટની કળાથી દૂર થઈ ગયેલ આસામની યુવા પેઢી સેરેકી જેવા શબ્દો જાણતી નથી અથવા જ્યારે અમે બિહુ ગીત ગાઈએ ત્યારે ‘સેરેકીની જેમ નૃત્ય ‘ કરવાનો અર્થ શું થાય છે તે પણ જાણતી નથી

પંકજ કહે છે, “મને એક બિહુ ગીત યાદ છે, સેરેકી ઘુરાદી નાસ [ઝડપભેર ગોળ ગોળ ઘૂમતી સેરેકીની જેમ નૃત્ય]. કોઈ યુવાન જેને સેરેકી શું એ ખબર નથી, જેની પાસે આ આખો સંદર્ભ જ નથી તે આમાં શું સમજે? અક્ષયના 67 વર્ષના ભાભી, બિલાતી દાસ, [તેમના મોટા ભાઈ સ્વ.નારાયણ દાસના પત્ની] બીજું ગીત ગાઈ રહ્યા હતા,

ટેટેલિર તોલોટે, કપુર બોય અસીલો, સોરાયે સિગીલે હુટા.

હું આમલીના ઝાડ નીચે બેસીને વણતી હતી, પક્ષીઓએ દોરા તોડી નાખ્યા છે.

તેમણે મને તાણાના વણાટની પ્રક્રિયા સમજાવી અને કહ્યું કે નવા સાધનો અને મશીનોથી બજાર ઊભરાતા ઘણા સ્થાનિક સાધનો અને તકનીકો લુપ્ત થઈ રહ્યા છે.

(ક્રમશ:) 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.