આસ્વાદ શ્રેણી: સાત સમંદર પાર ~ ભાગ: ૨ ~ મૌન ડૂસકું : ઇમ્તિયાઝ ધારકર ~ અનુવાદ-આસ્વાદ: ઉદયન ઠક્કર

ટ્રેનનું પહેલવહેલું દેખાવું

કોઈ બીજો હોત તો મિનિટો ગણત,
નિસાસા નાખત,
ઊંચોનીચો થાત.

તું તો ઊભો છે નિશ્ચલ, શબવત્, ફારોહ જેવો દેખાતો,
થીજેલો જાણે, દરિયાકાંઠાના અભાગિયા ગામમાં.

સી-ગલ તારે માથે ચકરાઈ રહ્યાં છે.
તારી આંખો તેમને જોવા ફરતી નથી, સ્થિર છે.

તારી કાયા પ્રતીક્ષા કરે છે
એ ક્ષણની, જ્યારે ટ્રેન આવતી દેખાશે
પેલા વળાંક પરથી.

તું વાપરતો નથી આડંબરયુક્ત ભાષા યુદ્ધની,
તને ગમતું નથી એમ કહેવું કે તું લડી રહ્યો છે

મહારોગ સામે. તું વાપરે છે
ભાષા મિકેનિકની, ઠોકવું, ઠીકઠાક કરવું

સમારીને દોડતું રાખવું. ‘હું ચાલ્યો,’
તું કહે છે, ‘મારું સર્વિસિંગ કરાવવા.’

તું કશાયથી આંખો ફેરવી નહિ લે.
આ કંઈ રમત નથી.

તને આ ફાવે છે.
પાટા પર આવતું દેખાય, સુખ

તેને ઓળખીને તું કહેવાનો,
બુલંદ સ્વરે, ‘એ આવ્યું!’

~ ઇમ્તિયાઝ ધારકર
~ અંગ્રેજીમાંથી અનુ. ઉદયન ઠક્કર

ઇમ્તિયાઝ ધારકર પાકિસ્તાનમાં જન્મ્યાં, દીર્ઘકાળ સુધી ભારતમાં રહ્યાં, અત્યારે બ્રિટનમાં વસે છે.

Poem Analysis: 'This Room' by Imtiaz Dharker - Owlcation
ઇમ્તિયાઝ ધારકર

કોઈ રોગને લીધે અકાળે મૃત્યુ પામેલા તેમના પતિ વિશેનું આ કાવ્ય છે. પતિનું નામ આપ્યું નથી, તે પતિ હતા એમ પણ કહ્યું નથી, રોગ પ્રત્યે સંકેત માત્ર કર્યો છે, કારણ કે આ અંગત ડાયરી નથી, કાવ્ય છે.

કાવ્યનાયક દરિયાકાંઠાના કોઈ સ્ટેશને ટ્રેનની રાહ જોતો ઊભો છે.અન્ય મુસાફરો વ્યગ્ર છે- ક્યારે આવશે ટ્રેન! પરંતુ કાવ્યનાયકને કોઈ અકળામણ નથી.

કવયિત્રીએ શબ્દપસંદગી એવી કરી છે કે મૃત્યુની છાયા છવાતી લાગે છે: મિનિટો ગણવી, નિસાસા નાખવા, નિશ્ચલ અને શબવત્ ઊભા રહેવું, (મમીમાં પુરાયેલા) ફારોહ જેવા દેખાવું, ‘અભાગિયા’ ગામમાં ‘થીજેલા’ હોવું.

નાયક શેની પ્રતીક્ષા કરતો હશે? ટ્રેનની કે મૃત્યુની? લાંબી સફરે ઊપડવા માટે પ્લેટફોર્મ પર ઊભેલા પ્રવાસીનું ચિત્ર આપણી આંખો સામે આવે છે.

દરિયાકાંઠો પાસે હોવાથી સી-ગલ સેલ્લારા લે છે.વાચકને મૃત્યુની રાહ જોઈ ચકરાવા લેતાં ગીધ પંખીનું સ્મરણ થાય. નાયક આ પંખીઓની નિર્ભયતાથી ઉપેક્ષા કરે છે.

નાયકની ‘કાયા’ ટ્રેનની પ્રતીક્ષા કરે છે, કારણ કે રોગ માનસિક નહિ પણ શારીરિક છે. ટ્રેન મૃત્યુનું પ્રતીક છે. પાટા સળંગ,સીધા હોય તો ટ્રેન દૂરથી નજરે ચડે, પણ આ તો વળાંકેથી એકાએક આવવાની છે.

અખબારી અહેવાલોમાં લખાતું હોય છે, ‘અમુક મહાશય તમુક રોગને લડત આપીને આખરે અવસાન પામ્યા.’ કાવ્યનાયક પોતાને યોદ્ધો ગણતો નથી. બીમાર પડવું તો શરીરધર્મ છે. ગાડીને ગરાજમાં લઈ જવી પડે તેમ શરીરને હોસ્પિટલમાં લઈ જવું પડે.

વળાંક પરથી ટ્રેન આવતી દેખાય છે, તે સાથે કાવ્યમાં પણ વળાંક આવે છે. કાવ્યનાયક નાસીપાસ થતો નથી. બુલંદ સ્વરે પોકારે છે, ‘એ આવ્યું.. સુખ!’

મૃત્યુ મંગલસૂચક છે. નાયક ટ્રેનની રાહ જોતાં ડર્યો નથી, તો તેમાં પ્રવેશતાં શાનો ડરે?

કવયિત્રીએ આખું કાવ્ય નાયકને સંબોધીને લખ્યું હોવાથી તેમાં આત્મીયતા વરતાય છે. કરુણ પરિસ્થિતિનું કાવ્ય કેમ રચાય, એનું આ ઉત્તમ ઉદાહરણ છે.
***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. કાવ્ય પ્રતીકોનું સુંદર અર્થઘટન