હસતા રહો, હસાવતા રહો (હાસ્યલેખો) ~ સુષમા શેઠ ~ પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ

 ‘તકલીફોનો કોઈ અંત નથી અને તેનો ઈલાજ હાસ્ય જ છે. હસ્યા વગરનો દિવસ બેકાર છે.’ – ચાર્લી ચૅપ્લિન

જીવનમાં ડગલે ને પગલે તકલીફો તો આવવાની જ છે. તેનો સહજ સ્વીકાર કરવો જ રહ્યો પરંતુ આ બધી તકલીફોને સહન કરવાની શક્તિ ક્યાંથી લાવવી? જીવનમાં હળવાશ કેવી રીતે લાવવી? તેવો પ્રશ્ન થાય ત્યારે આપણને કોઈ હસાવી શકે તેવાં વ્યક્તિ કે વિડિયો કે પુસ્તકની જરૂર પડે છે.

સતત તણાવપૂર્ણ રહેતી આપણી જિંદગીને થોડું હાસ્યનું ટૉનિક આપીશું તો તે આવનારી બધી જ તકલીફોનો મક્કમતાથી સામનો કરી શકશે.

હસતા રહેવાની આદત આપણે ગંભીરતાપૂર્વક કેળવવી પડશે. ‘હસતા રહો, હસાવતા રહો’ આવું જ એક આપણને હળવાશનો અનુભવ કરાવી જતું હળવું અને હાસ્યસભર પુસ્તક છે. જેમાં લેખિકા સુષમા શેઠની કલમે આપણને હળવાશનું ભાથું બાંધી આપ્યું છે.

મૂર્ધન્ય હાસ્યલેખક રતિલાલ બોરીસાગર હાસ્યલેખિકાની કલમને બિરદાવતાં લખે છે, ‘સુષમાબહેનમાં હાસ્યરસની અસલ સૂઝ છે. તેઓ આ સૂઝનો સફળ વિનિયોગ આ સંગ્રહની કથાઓમાં કરી શક્યાં છે. કથાવસ્તુને બહેલાવીને કહેવાની ક્ષમતા સુષમાબહેનમાં છે. આમાં એમને સંવાદની ઘણી મદદ મળી છે.

આ સંવાદોની ખૂબી એ છે કે સંવાદો દ્વારા પાત્રોની રેખાઓ ઊઘડતી આવે છે. કૃતિ પૂરી થયા પછી કૃતિનાં પાત્રો પૂરેપૂરાં ઊઘડી આવે છે. આ હાસ્યકથાઓનો સંગ્રહ લઈને સુષમાબહેન હાસ્યદરબારમાં અધિકારપૂર્વક પ્રવેશી રહ્યાં છે. સુષમાબહેનનાં પ્રવેશોત્સવને આપણે ઉમળકાભેર વધાવીએ.’

આપણને સૌને હસાવવાનો નિર્ધાર કરનાર, ગુજરાતી હાસ્યક્ષેત્રે  સશક્ત કલમથી પ્રવેશ કરનાર,  ‘હસગુલ્લા તરબતર’ નામની ચિત્રલેખામાં લોકપ્રિય કોલમ ચલાવીને આપણને હસવાનો ધર્મ શીખવનાર, લોકપ્રિય અને પુરસ્કાર વિજેતા વાર્તાકાર સુષમા શેઠ, પોતાની કેફિયત રજૂ કરતાં લખે છે,

‘આ હાસ્યકથાઓ આલેખવા પાછળ મારો ઉદ્દેશ માત્ર ને માત્ર મારા પ્રિય વાચકોના ચહેરા પર ઝગમગ હાસ્ય આણવાનો છે. કહ્યું છે ને, લાફ્ટર ઈઝ ધ બેસ્ટ મેડિસિન. હું તો એ સજ્જડપણે માનું છું અને મારા વાચકોને મનાવવા નીકળી પડી છું.

આ તાણભર્યા યુગમાં બે ઘડી મોકળા મને હસી લો, તમને હળવાશના સમ.  હાઈ બી.પી., પ્રેશર, ટેન્શન,  ડિપ્રેશન દૂમ દબાવીને ભાગી જશે, મને ખાતરી છે. તમે પણ આ કથાઓ પેટ પકડીને મોજથી માણજો. વાંચજો, વંચાવજો. વધાવજો. હસતાં રહો, હસાવતાં રહો.

મારું માનવું છે કે The time to be happy is now and the place to be happy is here. આ હાસ્યકથાસંગ્રહ તમામ ખુશ રહેવા માંગતા લોકોને સોંપું છું.’

વીસ હાસ્યકથાઓનાં આ દરબારમાં લેખિકાએ રોજિંદા જીવનમાં જોવા મળતી ઘટનાઓને હાસ્યનું સ્વરૂપ આપ્યું છે. કથાનાં પાત્રોનાં હાસ્યસભર સંવાદો કથાને માણવા  યોગ્ય  બનાવે છે. આપણને હસાવવાનું અઘરું કામ કરનાર આ હાસ્યલેખિકાની કલમને વધાવવી જ રહી. જો તમે હસવા અને હસાવવા માટે તૈયાર હો, જો તમે ખુશ રહેવા માગતા હો તો  આ પુસ્તક તમારી રાહ જોઈ રહ્યું છે.

પુસ્તક પ્રકાશક: આર. આર. શેઠ ઍન્ડ કંપની, અમદાવાદ – મુંબઈ.
મોબાઈલ: 99099 44410
કિંમત: ₹ ૧૯૯/-
પુસ્તક સમીક્ષા માટે સંપર્ક: 96016 59655

***

આપનો પ્રતિભાવ આપો..