ત્રણ ગઝલ ~ દીપાલી લીમકર ‘દીપ’ (વડોદરા-અબુધાબી) ~ ગઝલસંગ્રહઃ દીપ તારી યાદનો

1. છે હજી

સાવ ખુલ્લાં બધાં બારણાં છે હજી
આજ એ આવશે, ધારણા છે હજી

સાથ સુંદર ક્ષણો, જે વિતાવી હતી
ચિત્તમાં એ જ સંભારણાં છે હજી

ડાળથી હો વિખૂટાં ભલે એ થયાં
પ્રીતનાં ફૂલ સોહામણાં છે હજી

‘કેમ ના આવકારી મને એમણે?’
ખ્યાલમાં એ જ વિચારણા છે હજી

જિંદગી જીવતાં ‘દીપ’ લાગે કદી
પ્રીત નામે આ પ્રતારણા છે હજી

2. મોકલી છે

પ્રણયની નિશાની તને મોકલી છે
હૃદયની કહાની તને મોકલી છે

વિતાવેલ સાથે સુગંધી ક્ષણોની
એ યાદો પુરાની તને મોકલી છે

ગુલાબી કલમથી લખી’તી કદી, એ
ગઝલ એક નાની તને મોકલી છે

ઈબાદત ખુદાની કરું છું હંમેશાં
અસર એ દુઆની તને મોકલી છે

ચમન તારું મહેકે સદા દીપ માટે
નવી રાતરાણી તને મોકલી છે

3. હે પ્રભુ

લળીલળીને લાગીએ તને જ પાય, હે પ્રભુ
વિકલ્પ અન્ય તો નથી જ એ સિવાય, હે પ્રભુ!

નિખાર એટલે નમનમાં આવતો હજી નથી
તને સ્મરું ને આંખડી ન ભીની થાય, હે પ્રભુ!

બધું જ હેમખેમ છે, છતાં અજંપ જીવને
પ્રસન્નતાનો એકમાત્ર તું ઉપાય, હે પ્રભુ

અસંખ્ય કામનાથી હું મને છે છેતર્યા કરું
તને જ જ્ઞાત; શું અપાય, ના અપાય, હે પ્રભુ!

ઉકેલવા સમર્થ છે તું છેકછાક પત્રની
પછી વધારે શું તને લખી શકાય, હે પ્રભુ!

~ દીપાલી લીમકર ‘દીપ’ (વડોદરા-અબુધાબી)
~ ગઝલસંગ્રહઃ દીપ તારી યાદનો

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.