ત્રણ ગઝલ ~ સ્નેહલ જોશી ~ ગઝલસંગ્રહઃ વમળ વચ્ચે ~ પ્રથમ આવૃત્તિઃ ૨૦૨૩ 

1.

શ્વાસ સાથે સ્હેજ જ્યાં યારી કરી
ત્યાં જવા એણે ય તૈયારી કરી

પીંજરામાં બારણું પૂરતું ન’તું?
પંખીને ભરમાવવા બારી કરી!

ફૂલની ફરતે ફરો તો ઠીક છે
પણ સુગંધોને ય તે ક્યારી કરી?

આંખમાં દરિયો બતાવીને અહીં
આંસુએ જબરી અદાકારી કરી

જીવ સાથે ઝંખના આપી, પ્રભુ
તે ય પણ કેવી સમજદારી કરી

દર્દને એવી રીતે હળવાં કર્યા
ખૂબ ભાંગ્યાં ને પછી ભારી કરી

શબ્દ સાથે શ્વાસને જોડી દીધા
જિંદગીને એ હદે પ્યારી કરી

2.

પ્રેમપૂર્વક આપવું છે
ક્યાં કશુંયે લઈ જવું છે

દર્દ જૂનું છે અમારું
આપના માટે નવું છે

આ ભર્યું આકાશ છોડી
મન તમારું આંબવું છે

આંખમાં જઈ જોઈ જોયું
શ્વાસમાં જઈ ડૂબવું છે

પાંખ પર આકાશ ઓઢી
ચોતરફ બસ ઊડવું છે

આંખ ભીની કોઈ લૂછી?
એટલું બસ પૂછવું છે

સૂર્ય સામે જે બળે એ –
કોડિયાને પૂજવું છે

3.

ભીતર ભરેલું એકદમ જો બ્હાર થઈ શકે
તો આપણી વચ્ચે ઘણો વ્યવહાર થઈ શકે

થોડી ઉદાસી તું ય અપનાવી શકે તો લે
સંભવ છે એવી રીતથીયે પ્યાર થઈ શકે

સૌન્દર્ય એનું પામવા તરસ કર્યું અમે
જાણ્યું નહીં કે શબ્દથી શણગાર થઈ શકે

મારી હયાતી પ્રશ્ન બની ગઈ છે કોઈનો
માણસ ઘણીયે રીતે કરજદાર થઈ શકે

તું પણ રડી લે આંખથી મોતીઓ સારીને
એ અન્ય કોઈ આંખનો ઉપહાર થઈ શકે

ગઝલસંગ્રહઃ વમળ વચ્ચે
પ્રથમ આવૃત્તિઃ ૨૦૨૩
મૂલ્યઃ 200/-
પ્રકાશકઃ ડિવાઇન પબ્લિકેશન્સ
ફોનઃ +91 98250 57905

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.