“શમણાં ઊગે ને તોયે કાળાં ડિબાંગ..” ~ લલિત નિબંધ ~ ઉષા ઉપાધ્યાય
“શમણાં ઊગે ને તોયે કાળાં ડિબાંગ..” ~ લલિત નિબંધ ~ ઉષા ઉપાધ્યાય
દક્ષિણ ગુજરાતની અતિવૃષ્ટિનો અનુભવ છે, અષાઢની હેલીમાં ગિરનાર પર અનવરત વરસતા જલાભિષેકનો અનુભવ છે અને કરાલ જડબું ફાડીને ઊભેલા દુષ્કાળને પણ સોરઠની ધરતી પર બહુ નજીકથી જોયો છે. તો બિલિમોરા-ભરૂચ-નવસારીની જી.ઈ.બી. કોલોનીમાં ચોમાસાના દિવસોમાં ઘેઘુર પથરાયેલી લીલોતરી વચ્ચે પગ પાસેથી સરકી જતાં કાળોતરા મોતને અનેકવાર અનુભવ્યું છે. અરે, ઉવારસદના સદ્વિચાર પરિવારનાં કવાર્ટરમાં એક ઉનાળુ રાતે બારી પર નાંખેલા ખસના પડદાનો વીંટો વાળતાં બારીની ફ્રેમ પર ચીપકેલા સુંવાળા મોતનો ઠંડોગાર સ્પર્શ પણ અનુભવ્યો છે. વીજળીના નાના ઝટકા તો ઠીક પણ અનવધાનભરી કોઈ ક્ષણે ઇલેક્ટ્રિક રોડ મૂકેલા ગરમ પાણીના તપેલામાં ચાલુ સ્વિચે પાણી રેડવા જતાં ધણધણી ઊઠેલા, ઝટકાતા હાથમાંથી વાસણ ફેંકાઈ જતાં ઠણ્ણ્ણ્ કરતાં રણકી ઊઠેલા મોતનું અટ્ટહાસ્ય પણ સાંભળ્યું છે. કેટલીયે વખત આમ સાવ નજીકથી પસાર થઈ જતા મોતના અવગુંઠિત ચહેરાની આછી-ઘેરી ઝલક ચેતના પર ઝિલાતી રહી છે. ડર નથી લાગતો એનો, બલ્કે પ્રિયજનની જેમ જ તીવ્રતાથી ચાહ્યું છે એ મૃત્યુને. પણ જ્યારે જ્યારે એની સાથે મુખોમુખ થવાનું બન્યું છે ત્યારે વર્ષો પછી મળતા કોઈ મિત્રને ભેટતાં થાય એવી ચિરપરિચિતતાની અને આશ્વસ્તીની અનુભૂતિ થઈ છે. પરંતુ, આ વખતે મૃત્યુ છેક હાડકાં સુધી અડીને ગયું, સાવ નજીકથી ને તદ્દન અપરિચિત લિબાસમાં. એ આમ આવા લિબાસમાં ભેટી જશે એની તો મને સ્વપ્ને ય કલ્પના ન હતી.
તે દિવસે ધ્વજવંદનમાંથી ઘરે આવી જરા આમ-તેમ કામ કરી મારાં રાઇટીંગ ટેબલ પાસે આવીને ઊભેલી. રજાનો દિવસ એટલે સમયનો વૈભવ હતો. હાથમાં કાગળ-કલમ લેવા મન ઉત્સુક હતું. લખવા બેસતાં પહેલાં મારા સુઘડતાના આગ્રહી સ્વભાવે મને રોકી ને રાઇટિંગ ટેબલ વ્યવસ્થિત કરવા ઊભી રાખી દીધી. આડાઅવળાં પડેલાં બે-ચાર પુસ્તકો સરખાં ગોઠવ્યાં. પછી એક ફોટોફ્રેમ લૂછવા હાથમાં લીધી. ઇટાલીમાં રહેતા કવિ-ચિત્રકાર મિત્ર પ્રદ્યુમ્ન તન્ના તથા જયંતભાઈ મેઘાણી અને યજ્ઞેશ દવે મારે ત્યાં ત્રણેક દિવસ રહેલા. એ સમયે જયંતભાઈએ ઉમળકાથી પ્રકૃતિદૃશ્યને ઝીલતી એક સુંદર ફોટોફ્રેમની ભેટ આપી હતી. એ લૂછીને હું ટેબલ પર મૂકવા જતી હતી ત્યાં અચાનક પગ નીચેથી જાણે દરિયિાનું મોજું પસાર થયું હોય એવું લાગ્યું. આછાં મોજાં જેવી તરલ લહેર આ સિરામિક-જડી ફર્શમાં ક્યાંથી ! એવું વિસ્મય મનમાં જાગ્યું ન જાગ્યું ત્યાં બુદ્ધિએ અણિયાળો પ્રશ્ન ઉપસાવ્યો-ફર્શની નક્કરતાને બદલે તરલતાનો અનુભવ કેમ થયો ? તત્ક્ષણ કશુંક અજુગતું હોવાનો ખ્યાલ આવ્યો. ઝબકારાની જેમ મનમાં આવા વિચારો આવ્યા, ન આવ્યા ત્યાં તો ઝટકાનો અનુભવ થયો – એક, પછી બીજો, પછી ત્રીજો. તરત સમજાયું, આ તો ધરતીકંપ ! હું ટેબલ પાસેથી પાછી ફરી મારા રૂમના બારણાં તરફ પગ માંડું છું ત્યાં બીજા રૂમમાંથી મારા દીકરા કૌશલની બૂમ આવી- ‘મમ્મી, ધરતીકંપ !’ એ ઉતાવળે પગલે બેડરૂમની બહાર આવ્યો. સ્ટડીરૂમમાંથી જિગીષા અને ઘનશ્યામ પણ બહાર ડ્રોઇંગરૂમમાં આવી ગયા, ક્ષણનાયે ક્ષણાર્ધમાં ચેતનાની કઈ સરકીટ ચાર્જ થઈ મને ખબર નથી – પળનાયે વિલંબ સિવાય અને ગભરાટ વિના ડાઇનીંગ સ્પેસના ખૂણાના પિલર તરફ આંગળી ચીંધતા મારાથી બોલી જવાયું – ‘પિલર પાસે આવી જાવ.’ અમે ચારેય હજુ તો ડ્રોઇંગરૂમ અને ડાઇનિંગ સ્પેસના ખૂણા સુધી પહોંચી ઊભાં ન ઊભાં ત્યાં તો આંચકાઓની તીવ્રતા વધવા લાગી. જાણે ઊં…ડે પેટાળમાં બોમ્બ ફૂટતા ન હોય એવા ઝટકા ને ધક્કાથી અમારો દસ માળનો ટાવર આંચકા ખાતો હતો. દસ માળની ઊંચાઈ અને લગભગ બસો ફૂટની પહોળાઈ ધરાવતું અમારા ટાવરનું તોતિંગ માળખું છાકટા થયેલા પાડાની ઢીંકથી ઝાડ થરથરી ઊઠે એમ થથરતું, ધ્રૂજતું હતું. ધરતીકંપ અને વળી અમદાવાદમાં ! એવાં આશ્ચર્યની આછીપાતળની લકીર મનમાં અંકાઈ ન અંકાઈ ત્યાં તો આ શું ? ઝટકાઓની સાથે જ હવે ફલેટ હાલી રહ્યો હતો, ડોલી રહ્યો હતો. પવનમાં ઝૂલતી ડાળીની જેમ જરા ઉગમણે નમી ફરી પાછો આથમણે નમતો હતો. મેં એક હાથે બારીનો સળિયો પકડી લીધો. બીજે હાથે જિગીષાને પકડી રાખી. કૌશલ બીમાર હતો, ટાઇફોઇડ થયો હતો એને. એનાથી ઊભાં રહેવાતું ન હતું. કૌશલને નીચે બેસાડી ઘનશ્યામ એની પાસે ઊભા. દરમિયાનમાં ડાળીની જેમ જરાક ઝૂલેલો ફલેટ હવે લોલકની આંદોલિત ગતિમાં મૂકાવા લાગ્યો હતો. એનું કેન્દ્રબિંદુ હતું – ધરતીના પેટાળમાં પણ ખુલ્લાં આકાશમાં લોલકની જેમ ટાવર ધીમી પણ ચોક્કસ ગતિએ હાલી રહ્યો હતો આમથી તેમ… દર વખતે ફ્લેટ આગલી વખત કરતાં વધારે ખૂણો કાપીને નમતો હતો. ડ્રોઇંગરૂમની છત પર લટકતો પંખો થોડી પળો પહેલાં હળવા ધક્કાથી સહેજ ઝૂલ્યો હતો, પરંતુ ટાવરની લોલકગતિ વધવાની સાથે પંખો હવે આમથી તેમ ફંગોળાઈ રહ્યો હતો. મેં જિગીષા સામે જોયું. મારી ફૂલ જેવી દીકરી, મારો ગુલાબનો ગોટો, મારા જીવનનું નૂર-એની વિસ્ફારિત આંખોમાં ભયનો ઓથાર ધસી આવ્યો હતો. ચહેરો ફિક્કો પડી ગયો હતો. મેં એનો હાથ વધુ જોરથી દાબ્યો. હું, એની મા, એની બાજુમાં જ છું, એની સાથે જ છું, ને એ થડકી જવી ન જોઈએ – આવી કોઈ તીવ્રતમ લાગણી સાથે ઝૂલતા ફ્લેટના ખૂણામાં ઊભાં ઊભાં મનોમન જાણે કોઈ સંકલ્પ થયો અને મેં નરવા, રણકતા અવાજે ‘ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય,નું રટણ શરૂ કર્યું. મનમાં લેશ પણ ડર ન હતો. મારા પગ પાસે મારો બીમાર દીકરો બેઠો હતો. મારા હાથમાં મારી દીકરીનો હાથ હતો અને હું ? – હું મારાં નાનીમા અને મમ્મીએ સીંચેલા સંસ્કારોના બળે ને મારી આસ્થાના જોરે પરમ તત્ત્વ પ્રત્યેના વિશ્વાસને ખોળે હતી.
આવા વિશ્વાસનું પણ એક કારણ હતું. એક વખત ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત કરનાર ધ્રુવ ભટ્ટની નવલકથા ‘તત્ત્વમસિ’ વિશે વ્યાખ્યાન આપવા માટે કોને નિમંત્રણ આપવું એની વિચારણા થતી હતી. ત્યારે શ્રી રઘુવીર ચૌધરીએ કહેલું – ‘ઉષાબહેનને અધ્યાત્મનો છોછ નથી, એમને સોંપો.” હું કંઈ મોટી સાધક નથી; પરંતુ પરિમિતમાં અપરિમિતને ઝીલતી કેટલીક ક્ષણો મને મળી છે. ચેતોવિસ્તારની અનુભૂતિ કરાવતી સ્થળ-કાળની ચેતના મારામાં ઝિલાઈ છે. નારગોલના એક સુંદર ઉદ્યાનમાં માતાજીની સમાધિ સુધી લઈ જતી પુષ્પાચ્છાદિત વર્તુળાકાર કેડી પર ચડતાં કે તીથલમાં છબિકળાના કસબી-કલાકાર અને સાધક શ્રી અશ્વિન મહેતા તથા તરુલતાબહેનના બગીચામાં કદંબવૃક્ષ નીચે ઊભાં રહી પુષ્પિત લાલ ચંપાને જોતાં આવી અનુભૂતિ થઈ છે. એવી જ નિઃસીમના પારાવારમાં ઓગળવાની, એકરૂપ થવાની અદ્ભુત અનુભૂતિ થઈ છે સુરતના વાર્તા-સત્રમાંથી પાછા ફરતાં રાજપીપળાના જંગલમાં. એ દિવસોમાં ભરૂચ પાસે નર્મદાના પુલનું સમારકામ ચાલતું હતું. તેથી મુંબઈ તરફથી આવતાં વાહનોના પ્રવાહને રાજપીપળાનાં જંગલમાંથી પસાર થતાં રસ્તા પર વાળવામાં આવ્યો હતો. સાંજ ઢળ્યે સુરતથી નીકળેલી અમારી બસ મોડી રાતે એ સાંકડા રસ્તા ઉપર સર્પગતિએ સરકતી રહી અને છેવટે અટકી ગયેલા વાહનોના કાફલા વચ્ચે અટવાઈને ઊભી રહી ગઈ હતી. સવાર પહેલાં આગળ વધી શકાય એવાં કોઈ ચિહ્નો ન હતાં. એકાએક થયેલા આ ગતિરોધથી મને અકળામણ નહોતી થતી. રાજપીપળાના જંગલમાં અને તેય શુકલપક્ષની મધરાતે ! આવી તક ક્યારે મળવાની હતી ! આવું વિચારતી હું બસમાંથી બહાર આવી, રસ્તાની ધારે જરા સાફ જગ્યા શોધીને બેઠી. ક્ષિતિજ તરફ જોયું તો બરાબર મારી સામે જ મધ્યાકાશ તરફ ગતિ કરતો ધવલોજ્જવલ ચંદ્ર પ્રકાશી રહ્યો હતો. ચંદ્રબિંબને સ્પર્શીને વહેતી શીતળ હવા, નિઃસ્તબ્ધ નીરવ વાતાવરણ, આંખોના કેનવાસ પર ઝિલાતું દૂર ઊભેલાં નકશીદાર પર્ણોવાળા તાડનું છાયાચિત્ર અને પવનની એકાદ હળવી લહેરખી આવતાં જ એનાં વિશાળ પર્ણોમાંથી વહી આવતું પખવાજ જેવા નકોર મર્મરધ્વનિનું સંગીત સાંભળતાં જ આક્ષિતિજ વિસ્તરતી ચેતનાનો પ્રસન્નકર પરિસ્પંદ ઝિલાયો હતો મારી ચેતનામાં. અનુભૂતિની આવી ક્ષણો મારી અધ્યાત્મ-શ્રદ્ધાનો પાયો છે. કદાચ મારાં લેખનનો પણ…
૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ની એ સવારે ચેતો વિસ્તારની આવી ક્ષણોની જમા મૂડી જ મને લઈ ગઈ નામસ્મરણના સેતુથી કેન્દ્રસ્થ ચિત્તવૃત્તિ સુધી. જાણે શેષનાગે પડખું બદલ્યું હોય એમ પૃથ્વીનું પેટાળ ફાડીને પ્રગટેલી ધ્રૂજારીથી અમારો હાઈરાઇઝ ફલેટ ઝાડની ડાળીની જેમ નમનીય બનીને ઝૂલી રહ્યો હતો. અલબત્ત, આ નમનીયતા સહેજે રમણીય ન હતી. ફ્લેટના એક ખૂણામાં એક હાથે બારીનો સળિયો અને બીજા હાથે દીકરી જિગીષાને પકડીને ઊભેલી હું… મારી સમસ્ત ચેતનાથી ‘ઓમ નમઃ શિવાય’નો જાપ કરી રહી હતી. થોડી જ પળો પછી જિગીષાનો સ્વર પણ એમાં ભળ્યો. એ સાંભળીને મને ‘હાશ’ થઈ. નાજુક ક્ષણ સચવાઈ ગઈ હતી. હવે એ હબકી નહીં જાય. ક્ષણ પછી ક્ષણ વીતતી ગઈ. અમે નામસ્મરણ કરતાં ગયાં, પણ ફલેટ તો હજી ઝૂલે છે. આછી ધણધણાટી સતત અનુભવાય છે. સમય લંબાતો ગયો, ધ્રૂજારી સાથે ફ્લેટનું ઝૂલવાનું વધતું ગયું, નામસ્મરણ કરતો અમારો સ્વર પણ ઊંચે જતો ગયો… અજબ હતો એ અનુભવ. ક્યારેય નહોતો થયો કેન્દ્રસ્થ ચિત્તવૃત્તિ અને નિર્ભયતાનો આવો ચરમ અનુભવ. આજે લાગે છે કદાચ એ જીદ પણ હોય, પરિસ્થિતિ સામે પરાસ્ત ન થવાની.
પરંતુ એ દિવસે આવું કશું સમજાયું ન હતું. સમજાઈ હતી માત્ર ક્ષણોની લંબાઈ. આટલો લાંબો સમય ! ક્યાં સુધી ચાલશે આ આંચકા ને આ હિલ્લોળા ? લંબાતો સમય મને ચલિત ધ્યાન કરી દેશે કે શું ? મેં બારી બહાર નજર કરી પણ સામેની દીવાલ પર અથડાઈને એ પાછી ફરી. ઓરડામાં નજર કરી તો ફ્લેટના ડાબા-જમણે ઝૂકવાની સાથે પંખો જોરજોરથી આમથી તેમ ફંગોળાતો હતો. પ્રવેશદ્વાર પર એક ખીંટીએ લટકાવેલી ત્રાંબાની મૂર્તિના ગણેશ પણ વિ-ચલિત થઈ અર્ધવર્તુળાકારે ઝૂલી રહ્યા હતા. હું એ જોતી હતી ત્યાં જ ફ્લેટ ઉગમણી બાજુએ એવો નમ્યો કે પ્રવેશદ્વારની બારસાખ તરડાઈ ને દીવાલમાં વીજળીના લિસોટા જેવી તિરાડ પડી ગઈ. પછીના દરેક આંચકામાં શરણાગતિ સ્વીકારીને હથિયારો ફેંકી રહેલાં યોદ્ધાની જેમ ઓરડાના પ્લાસ્ટરે પડવાનું શરૂ કર્યું. બારસાખના ખૂણામાંથી પ્લાસ્ટરનું એક ગાબડું ખર્યું. પછી ફંગોળાતા પંખાના ઉપરના હોલમાંથી પણ કાંકરીઓ ખરવા લાગી… આથમણે નમીને ફ્લેટ ફરી ઉગમણે ઝૂક્યો, આગલી વખત કરતાં પણ ધરતી તરફ વધારે નમ્યો. આ વખતનું નમવાનું એટલું વધારે હતું કે મનમાં થયું, કદાચ હવે ટાવર આ ઝીંક નહીં ઝીલી શકે. આવા તોતિંગ માંચડાને હલાવતો, મરડતો ભૂકંપ નાનો કે સામાન્ય નથી. ગમે તે ક્ષણે તૂટી પડશે, ધરાશાયી થઈ જશે આ ફ્લેટ. આવો વિચાર ઝબક્યો ન ઝબક્યો ત્યાં એક સાથે બે સંવેદન જાગ્યાં. એક તો તીવ્ર જિજીવિષાનું. કલ્પનાએ ધસી પડેલી ઇમારતના પીલર પાસે ખાંગા થઈ ગયેલા સ્લેબ નીચે સાંકડાં પોલાણમાં દબાયેલા પણ જીવતા પરિવારને કલ્પ્યો. જિજીવિષાની આ પ્રતીતિ સાથે……. એક બીજી તીવ્ર અને શાતાદાયી પ્રતીતિ પણ થઈ. આ ક્ષણે, જો આ જીવનની અંતિમ ક્ષણ હોય તો અમે ચારેય સાથે હતા… હોઠ ફફડતા રહ્યા, આંખની કોરે સહેજ ભીનાશ ઊતરી આવી…
એકાએક અનુભવ્યું, ધક્કા ને ઝટકા બંધ થયા હતા. ધરતીકંપ અટક્યો હતો; પરંતુ ટાવરનું નિઃશબ્દ ઝૂલવાનું તો હજુય ચાલુ હતું. ધીમે ધીમે ઝૂલવાનું ઘટતું ગયું. ફંગોળાતો પંખો સ્થિર થતો ગયો. દોલાયમાન ગણેશ સ્થગિત થતા ગયા; અને બારીના સળિયા ઉપરથી મારી પકડ હળવી થઈ. બંદરના બારા પર નાંગરી રહેલી, ડોલતી નાવમાંથી કાંઠાની નક્કર જમીન પર પગ મૂકતાં જે સ્થિરતાનો અહેસાસ થાય એવી સુસ્થિર નક્કર ક્ષણની ભૂમિ પર અમે પગ મૂક્યો. સૌએ હા…શનો ઊંડો શ્વાસ લીધો કે નહીં તે અત્યારે યાદ નથી પણ આ લાંબી ઝૂલામણીમાં… મન સુન્ન થઈ ગયું હતું.
પળ-બેપળ પછી મુખ્ય રસ્તા પર ખૂલતી બારી પાસે જઈને નીચે જોયું તો સહુ ઘરની બહાર દોડી આવ્યાં હતાં. ફળિયાઓ અને રસ્તા માણસોથી ઊભરાઈ રહ્યાં હતાં. જરા દૂર નજર કરી તો ઉત્તરે ક્ષિતિજ તરફથી ધૂળના ગોટા ઊંચે ચડી રહ્યા હતા. કશું સમજાયું નહીં ત્યારે. થયું, આટલો પવન પણ ફૂંકાયો હશે ? ત્યારે શી ખબર કે જે સમયે ઝૂલતા મિનારાની જેમ ડોલતો ટાવર અને ઝુલાવી રહ્યો હતો એ સમયે ઉત્તરે આવેલો અમારા ટાવર જેવો જ દસ માળનો માનસી ટાવર ધરતીને આવેલું લખલખું જીરવી શક્યો ન હતો. દસ મજલાનો એ આલિશાન ટાવર હિમાલયના હિમમાં ઢળી પડેલા ગલિતપાદ પાંડવોની જેમ ધરાશાયી થઈ ગયો હતો. અમારાથી અડધા જ કિલોમિટરના અંતરે ઉગમણી બાજુ આવેલો શિખર ટાવર પણ ગંજીપાના મહેલની જેમ ફસડાઈ પડ્યો હતો. સો જ સેકંડમાં તો શુંનું શું બની ગયું હતું. બપોર પછી મળનારા આ સમાચારથી અજાણ છતાં કશુંક અમંગળ બની ગયાના એંધાણે ઉદાસ હું બારીએથી પાછી ફરી સ્ટડીરૂમમાં દીકરી પાસે આવું છું. શું થશે ?
શું કરવું ? એની અવઢવમાં ખિન્ન મને કબાટ ખોલું છું ત્યાં છત પર લટકતા પંખાને ફરી દોલાયમાન થતો જોયો. હળવો ધક્કો લાગ્યો હોય એમ એ સહેજ ઝૂલવા લાગ્યો હતો. ઓહ ! ફરી ધરતીકંપ !? અમે સૌ દોડીને પાછાં એ જ ખૂણા પાસે આવીને ઊભાં રહી ગયાં. જોયું તો ડ્રોઇંગરૂમનો પંખો પણ આછું ઝૂલતો હતો. હમણાં ફરીથી ધક્કા ને ઝટકાનું વીફરેલું ટોળું પણ આવી પહોંચશે એવી દહેશત નીચે અમે સ્તબ્ધ ઊભાં હતાં. પણ પંખાનું ઝૂલવું ધીરે ધીરે અટકી ગયું. એક હળવો આંચકો આવીને પસાર થઈ ગયો હતો. આ બીજા આંચકાએ અવઢવ દૂર કરી દીધી. નક્કી કરી લીધું, હવે અહીં નથી રહેવું, ભાઈને ત્યાં ટેનામેન્ટમાં જતાં રહીશું. હું સાથે લઈ જવાની બે-ચાર જરૂરી વસ્તુઓ સમેટતી હતી ત્યાં બારણું ખખડ્યું : વોચમેન મેહુલ અમને બોલાવવા આવ્યો હતો. કહે ‘બિલ્ડિંગનાં બધાં લોકો નીચે આવી ગયાં છે. તમે હજુ કેમ નથી ઊતર્યાં ?’ લિફટ તો ક્યારની બંધ થઈ ગઈ હતી ને આ છોકરો દસ માળનાં પગથિયા ચડી અમારી ચિંતા કરતો છેક ઉપર આવ્યો હતો ! અમે ઘર બંધ કર્યું ત્યાં સુધી એ ઊભો રહ્યો ને દાદરામાં પણ સાથે ને સાથે રહ્યો. આ માત્ર અઢાર વીસ વરસના એ છોકરાની કર્તવ્યનિષ્ઠા ન હતી, એનાથી વિશેષ એવી એ માનવતાની ભાવના હતી, જે જીવનીયે પરવા કર્યાં વિના એને મુસીબતમાં સપડાયેલાની મદદે દોડી જવા પ્રેરતી હતી. ઘરને તાળું મારીને નિરાશ્રિતપણાની ઊની આંચ અનુભવતી પગથિયાં ઊતરી રહેલી હું માનવ્યની આ શીળી છાયા ઝીલતી પરિવાર સાથે નીચે ઊતરી ત્યારે મને ક્યાં ખબર હતી કે કેટલાંય લોકોને તાળું મારવાનો પણ સમય નથી મળ્યો, કેટલાંય લોકોને બારણે તાળું મારવા જેવું કશુંય બચ્યું નથી તો કેટલાંક લોકોના જીવનને જ તાળું લાગી ગયું છે…