“તરહી” નયનાંજલિ (ભાગ-૪: અંતિમ) ~ નયન દેસાઈની પંક્તિ આધારિત મુક્તક-ગઝલ ~ રચના: મિતુલ કોઠારી | અમિત ટેલર | પ્રેમલ શાહ | ડૉ. માર્ગી દોશી | મલ્લિકા મુખર્જી
(ભાગ-૪: અંતિમ)
નોંધ: અન્ડરલાઈન કરેલી પંક્તિ કવિ નયન દેસાઈની છે.17.1
*સહસ્ત્રાબ્ધિ વર્ષોથી ભાગી ગયો છું
નિરર્થક એ પ્રશ્નોથી ભાગી ગયો છું
સમસ્યાના કારણને બેઠો સમજવા
હું જીવનના અર્થોથી ભાગી ગયો છું
17.2
*હું નથી તો કેમ પડછાયો લઈ કેડે ફરે છે
ધીરે ધીરે જો અહમ ઝીણો હૃદયમાં પાંગરે છે
વાદળો વચ્ચે જલાવી આગ, હોમી દીધું સઘળું
જોઈને દુષ્કાળ દરિયા પાસે કેવો કરગરે છે
માન્યું કે શાશ્વત છે ઉરની લાગણીઓ, ભાવનાઓ
તો પછી મો’બત કરીને કેમ મો’બતમાં મરે છે
ખેલી લેવો ખેલ જ્યાં જ્યારે મળે એવો રમતમાં
દોડી દોડી થાક લાગે તો વિસામો આખરે છે
બીજું કોઈ ના મળે મારા હૃદયમાં એના જેવું
જોઇ અંદાજે બયાં એનાય ચાહક થરથરે છે
~ મિતુલ કોઠારી
18.
*હું જ મારું નામ-સરનામું નહીં આપી શકું,
વારસામાં ધ્વસ્ત રજવાડું નહીં આપી શકું.
મેં વચન આપ્યું પછી જ એ આપવા રાજી થયો,
ક્યાં મળે છે માર, ઠેકાણું નહીં આપી શકું.
તાપવું હો એટલું તાપી શકો ફૂંકી ફૂંકી,
દેવતા છું ઝાઝું અજવાળું નહીં આપી શકું.
સાધુને મન તુંબડું પણ રત્નથીયે કીંમતી,
મારું સ્વાભિમાન વેચાતું નહીં આપી શકું.
કોઈ જ ખોટું કામ કદી કર્યુ નથી મેં એટલે,
હું પતન માટે કોઈ બહાનું નહીં આપી શકું.
~ અમિત ટેલર
19.
*હું જ મારું નામ સરનામું નહીં આપી શકું,
કાયમી ના હોય જે મારું, નહીં આપી શકું,
આ જીવનની બસમાં બેસાડી તો દીધો છે મને,
પણ જો માંગ્યું તે જરા ભાડું, નહીં આપી શકું,
કર નજરના પ્રેમની આ કમનસીબી મંજુર,
ગાલથી દિલ સુધીનું જામું, નહીં આપી શકું,
નિયમો જુદાં છે રાખ્યાં મારા માટે તેમણે,
જો પછી એ માંગે સરવૈયું, નહીં આપી શકું,
તાજગી-નારાજગી છે બંને ચેપી શું કરું,
એકની સામે કંઈ બીજું, નહીં આપી શકું.
~ પ્રેમલ શાહ
20.
*એ મળ્યો તો એની આંખોની ઉદાસી જોઈ મેં,
કૈંક સ્વપ્નોની અહીં તાજી નનામી જોઈ મેં.
જ્યાં ન’તી સહેજે અપેક્ષા કંઈ જ મળવાની મને,
ખૂબ મોંઘા દામની ત્યાં માણસાઈ જોઈ મેં.
બાપની લારીને ધરતો’તો ખભો રસ્તા ઉપર,
બાળપણ પહેલા એ બાળકની જુવાની જોઈ મેં.
જિંદગી શું છે? સમજવા બહુ મથી ને ત્યાં પછી
ઘરમાં એક ફૂલો વિનાની ફૂલદાની જોઈ મેં.
એ દુઃખી ના થાય માટે રોક્યું રડવાનું સતત,
આંસુની અહીંયા ગજબની કાર્યવાહી જોઈ મે.
ફૂટપાથે બાળકોમાં મેં પ્રભુ શોધી લીધા,
મંદિરોમાં જ્યારથી જબ્બર ઘરાકી જોઈ મેં.
રાત, સન્નાટા , સૂના રસ્તા છતાંયે ડર નથી,
શહેરમાં જીવી રહેલી ખાનદાની જોઈ મેં.
આંખ મીંચાયાની પહેલા એ જમાવે મહેફિલો,
એની યાદો રોજ કરતી રાતપાળી, જોઈ મેં.
અંત લાવીને થવું છે મુક્ત આ સંબંધથી,
જ્યાં મહોબત નહિ પરંતુ મહેરબાની જોઈ મેં.
~ ડૉ. માર્ગી દોશી
21.1
*એક ચકલી ચાંચમાં આકાશ લઇ ઊડી ગઈ!
ઘાસ પરના ઓસનો ઉલ્લાસ લઇ ઊડી ગઈ!
વાત તારી આજ કહી દે જે છુપાવી ભીતરે,
જો પછી તું પીડ તારી હાશ લઇ ઊડી ગઈ!
સપ્તરંગી પત્ર મારો પ્રેમનો ન્યારો હતો,
એક આશા કાખમાં પત્રાંશ લઇ ઊડી ગઈ!
તું હતો ત્યાં આંગણે રહી એકધારી રોશની,
તું ગયો તો ચાંદની અજવાસ લઇ ઊડી ગઈ!
ધડકનો વાચાળ મારી કહી અચાનક “આવજો”,
શ્વાસ હેઠે મૂકતી ઉચ્છવાસ લઇ ઊડી ગઈ!
21.2
*ઘરની તમામ ભીંત પર વનવાસની કથા
બંદી બનેલ વૃદ્ધના નિશ્વાસની કથા!
સાથે રહ્યા છતાં ન મળ્યાં દિલ-દિમાગથી,
ઉંબર ભણે છે જો હવે કંકાસની કથા!
બારાખડી નવી ન હતી તોય માણસો,
શીખ્યા નહીં ધરમ અને વિશ્વાસની કથા!
કારણ વિના ગમી મને તારી દિવાનગી,
મોસમ હવે સુણાવશે ઉલ્લાસની કથા!
આંખો કરી શકી ન કબૂલાત પ્રેમની,
આંસુ બની વહાવતી ઇતિહાસની કથા!
~ મલ્લિકા મુખર્જી, અમદાવાદ
****