ભીંત ખાલીપાની બહુ લીસી હતી ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
ભીંત ઘરના બાહુ છે. બે ભીંત વચ્ચેનો અવકાશ આપણા માટે બાહુપાશ છે. બે ફ્લૅટ વચ્ચેની ભીંત પ્રાઇવસી સાચવે છે. ભીંત પર ટીંગાડેલી તસવીર એને જીવંતતા બક્ષે છે.
ભીંતમાં ચોડેલા કૅબિનેટમાં મૂકેલાં પુસ્તકો ભીંતને સાક્ષર બનાવે છે. ભીંતના ટેકે બેસીને કોઈ રસપ્રદ વાર્તા વાંચવાનો રોમાંચ અનેરો હોય છે.
અમૃત ઘાયલ કોને ભીંત ગણે છે એ વાંચીને તમે તાજ્જુબ ન થાઓ તો બે હજારની થપ્પીવાળા કરોડ રૂપિયા હારી જવા…
એવુંય ખેલખેલમાં ખેલી જવાય છે
હોતી નથી હવા અને ફેલી જવાય છે
લાગે છે થાક એવો કે ક્યારેક વાટમાં
સમજી હવાને ભીંત અઢેલી જવાય છે
દરેક જણને કોઈક ટેકો જોઈએ. ઘર માટે ભીંત ટેકો છે. માણસો માટે સંબંધ ટેકો છે. સંબંધ માટે પ્રેમ ટેકો છે. પ્રેમ માટે પાત્ર ટેકો છે. પાત્ર ન હોય તો કોઈ પૅશનનો ટેકો જરૂરી બને. નહીંતર જીવન દિશાહીન અને ખાલી-ખાલી લાગે. યોગેશ પંડ્યા કહે છે એવો ટેકો મેળવવા માટે પહેલાં સંબંધ અર્જિત કરવો પડે…
ભીંતને પણ ન્હોર વાગ્યા ઉમ્રના
પોપડા કેવા ખરે છે આજકાલ
શક્ય હો તો સાચવી લે કોઈ સ્મરણ
કોણ સહારા વિણ તરે છે આજકાલ?
સહાય કે સહકાર વિના કંઈ કરવું હોય તો કરી શકાય, પણ એમાં વર્ષો વેડફાઈ જાય. સલાહરૂપે કોઈનો અનુભવ મળતો હોય તો એમાં સાંભળવામાં ખોટું નથી. એ સલાહમાં નિસબત હોય તો જરૂર સાંભળવી પણ જોઈએ અને વિચાર પણ કરવો જોઈએ.
આપણે સર્વગુણસંપન્ન છીએ એવો ફાંકો રાખવાની કોઈ જરૂર નથી. શીખવા મળે તો બે વર્ષના બાળક પાસેથી પણ શીખવું જોઈએ. સુનીલ શાહની વાતથી ખોટું લાગે તો આગોતરી ક્ષમાયાચના…
અન્યની શી રીતે કરશે માપણી
કૈં અલગ ઊંચાઈ પર ખુદને ગણી?
સ્નેહની કૂંપળ વિશે સમજે શું એ?
જેણે જીવનભર નવી ભીંતો ચણી
સલામતી માટે ભીંત ચણાઈ છે કે ભાગ પાડવા માટે ચણાઈ છે એ જાણવું જરૂરી છે. ભીંત તો એની એ જ રહે, ભાવ બદલાઈ જાય. ઊખડેલા રંગો સાથેની ભીંત જોવી કોઈને ન ગમે. એમાં હતાશા વર્તાયા કરે. આ સંદર્ભે રઈશ મનીઆર સમસ્યા અને સમાધાન બંને આપે છે…
ભિન્ન ભાષા, ને અલગ લિપિ મળી
પણ યુગેયુગ એ જ ગમગીની મળી
ભીંત ખાલીપાની બહુ લીસી હતી
શબ્દની, સારું થયું, ખીંટી મળી
શબ્દનો સથવારો બહુ મોટી ચીજ છે. પુસ્તકમાં છપાયેલા શબ્દો આપણી અંદર ઊતરીને આપણને સમૃદ્ધ કરે છે. ધ્વનિના માધ્યમથી ફેલાતા શબ્દો કાનમાં ઊતરી પોતાનો સૂર પુરાવે છે. ભીંત ઉપર પણ સરસ મેસેજ ધરાવતું કોઈ ચિત્ર હોય તો આપણી લાગણીનું ઝીણું-ઝીણું જતન કર્યા કરે. ભાવેશ ભટ્ટ આપણી જવાબદારી વધારે છે…
એ રીતે કોઈ ભીંત શણગારો
કે બીજી ભીંત નાસીપાસ ન થાય
રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં
એમ ઇચ્છું કે એ નપાસ ન થાય
પરીક્ષા લેવાનો એકાધિકાર ઈશ્વરે પોતાની પાસે રાખ્યો છે. આપણે મહામુશ્કેલીએ પેપર કાઢીએ તોય જવાબ એ આપવા બંધાયેલો નથી. જવાબ આપવા તો શું પરીક્ષા આપવા પણ બંધાયેલો નથી. આપણી ફરિયાદો સામે ઈશ્વરની પોતાની પણ ફરિયાદો હોઈ શકે. મૂર્તિમાં બાંધી દેવાયેલી હયાતીથી કદાચ એને ગૂંગળમાણ પણ થતી હોય. ભરત વિંઝુડાની જેમ કદાચ આવી કામના પણ એ કરતો હશે…
લાગણીઓનું પ્રગટવું આપો
માત્ર દિલનું જ ધડકવું આપો
ભીંત માફક જે ઊભા છે એને
દ્વારની જેમ ઊઘડવું આપો
ઊઘડવાનું ભીંતની તાસીર નથી. એની તાસીર છે સ્થિર રહેવું. જો ભીંત ચાલવા માંડે તો ભલભલાં મકાનો જમીનદોસ્ત થઈ જાય. ભીંતને ક્યાંય ભાગવું નથી. હા, સુખની કામના એ કરતી રહે છે અને એનો હક પણ છે. કૈલાસ પંડિતની વાતમાં થોડો વિષાદ વર્તાશે…
મહેફિલની ત્યારે સાચી
શરૂઆત થઈ હશે
મારા ગયા પછી જ
મારી વાત થઈ હશે
લોકો કહે છે ભીંત છે,
બસ ભીંત છે ફક્ત
કૈલાસ મારા ઘર વિષેની
વાત થઈ હશે
લાસ્ટ લાઈન
આખરી કમાઈ
મધરાત પૂરી થતાં
શહેરમાંનાં પાંચ પૂતળાં
એક ચોતરા પર બેઠાં
અને આંસુ સારવા લાગ્યાં.
જ્યોતિબા બોલ્યા
છેવટે હું થયો
ફક્ત માળીઓનો.
શિવાજીરાજા બોલ્યા
હું ફક્ત મરાઠાઓનો.
આંબેડકર બોલ્યા
હું ફ્કત બૌદ્ધોનો.
ટિળક બોલ્યા
હું તો ફ્કત
ચિત્પાવન બ્રાહ્મણોનો.
ગાંધીએ ગળામાંનું ડૂસકું રોક્યું
અને બોલ્યા
તોય તમે ભાગ્યવાન
એકેક જાતજમાત તો
તમારી સાથે છે
મારી સાથે તો માત્ર
ફક્ત સરકારી કચેરીઓની ભીંતો.
~ કુસુમાગ્રજ (મરાઠી)
~ અનુઃ માધુરી દેશપાંડે
~ સંગ્રહઃ સહ્યાદ્રિને ભૂલીશ નહીં