પ્રકરણ:21 ~ આખરે મારકેટ છોડી ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી

એક દિવસ હું ટ્યુશન પતાવી જતો હતો ત્યાં શેઠે મને હાથના ઈશારે બોલાવ્યો અને બેસવા કહ્યું.  હું તો ગભરાયો, આ ટ્યુશન ગયું કે શું?

કોઈક કારણે તે દિવસે એમને બોલવાની ડોકટરે મના કરી હતી, તેથી એક કાગળ ઉપર લખ્યું, ગાંધી, તમે કોઈ વિશ્વાસપાત્ર માણસને ઓળખો છો? મારી ઑફિસમાં મારે મેનેજરની જરૂર છે. મેં હા પાડી.

મને હાથના ઈશારે પૂછે, કોણ? મેં કહ્યું, હું! વળી પાછું કાગળ ઉપર લખીને પૂછ્યું કે તમે અત્યારે જે નોકરી કરો છો તે શા માટે છોડો છો?

મેં કહ્યું કે હું અત્યારે મૂળજી જેઠા મારકેટમાં કામ કરું છું, નોકરી ઠીક છે, પણ સારી નોકરી બીજે ક્યાંય મળતી હોય તો હું બદલવા તૈયાર છું. મને લખીને જણાવ્યું કે આવતી કાલે ઑફિસે આવજો, આપણે જોબ ઓપનિંગની વાત કરીશું.

બીજે દિવસે હું તો એમની ઑફિસે પહોંચી ગયો. મેનેજરના જોબની ઓપનિંગ હતી.  ઓફિસમાં મેનેજરનો રોલ શું છે તે વિગતવાર સમજાવ્યો. બીજા થોડા માણસો હતા – ગુજરાતી સેલ્સમેન, સાઉથ ઇન્ડીઅન ટાઈપિસ્ટ, એક ક્લર્ક, બે ઘાટી, અને એક પાર્ટ ટાઈમ મહેતાજી.  મેનેજર તરીકે હું આ બધાનો ઉપરી થઈશ.

મને પૂછે, તમે આ કામ સંભાળી શકશો? જિંદગી આખી મેં કોઈને કોઈના હાથ નીચે નીચી મૂંડીએ કામ કર્યું હતું. આ પહેલી જ તક મળતી હતી કે જેમાં મારી નીચે લોકો કામ કરવાના હતા. હું આ તક જવા થોડો જવા દેવાનો હતો? વધુમાં ઑફિસ ફ્લોરા ફાઉન્ટન આગળ ફોર્ટ એરિયામાં. થયું કે કાલબાદેવીથી છૂટીશ. વધુમાં પગારમાં સો રૂપિયા વધારે! હું શા માટે ના પાડું?

મને પૂછે કે તમે ક્યારથી શરૂ કરશો? મેં કહ્યું કે આવતી કાલથી! મને કહે એમ ના ચાલે, જ્યાં છો ત્યાં તમારે ઓછામાં ઓછી એકાદ અઠવાડિયાની નોટિસ આપવી જોઈએ.

અમે નક્કી કર્યું કે મારે બીજે અઠવાડિયે શરૂ કરવું. જેવો હું જવાની રજા લેતો હતો ત્યાં મને કહે, ગાંધી, તમે અમારી ઑફિસના મેનેજર થવાના છો. હવે તમારાથી ટ્રેનમાં સેકન્ડ ક્લાસમાં ન અવાય જવાય! ફર્સ્ટ ક્લાસમાં જ આવવા જવાનું છે, ફર્સ્ટ ક્લાસનો પાસ કઢાવી લેજો, તે માટેના પૈસા ઓફિસમાંથી લઈ લેજો! ફર્સ્ટ ક્લાસમાં તમને ઊંચા ઑફિસરોની, ધંધાદારીઓની ઓળખાણ થાય, એ આપણને કામ લાગે!

(જો કે જે સેકન્ડ કલાસમાં હું આવતો જતો તે ખરેખર તો થર્ડ કલાસ જ હતો, પણ વેસ્ટર્ન રેલવેએ ચાલાકીથી એને સેકન્ડ કલાસ બનાવી દીધો અને થર્ડ કલાસને રદ કર્યો!)

નવી નોકરી ભલે આવતે અઠવાડિયે શરૂ થવાની હોય, મેં તો દોડીને ફર્સ્ટ ક્લાસનો પાસ હમણાં ને હમણાં જ કઢાવી લીધો! પેઢીમાં જઈને કહી દીધું કે મેં નવી નોકરી લીધી છે અને આવતે અઠવાડિયે હું એ શરૂ કરવાનો છું. મારકેટમાંથી છૂટવાની આવી તક હું થોડો જવા દેવાનો હતો?

ભલા મદ્રાસી શેઠે મને ઘણું કહ્યું કે ન જાવ, તમારો પગાર વધારીએ, પણ અમારી નોકરી ન છોડો. ગુજરાતી ભાગીદાર જેના હાથ નીચે મારે રોજબરોજ કામ કરવું પડતું તે તો મનમાં ને મનમાં રાજી થયો હશે કે હાશ, આ બલા છૂટી. વળી પાછું હિસાબકિતાબનું કામ એના હાથમાં આવી જશે. અને જે કાંઈ કરવું હશે તે કરી શકશે.

ભલે દૂરના પરામાં પણ ઓરડી મળી, સારું ટ્યુશન મળ્યું, નવી વધુ પગારની મેનેજર થવાની નોકરી અને હું ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસમાં ફરતો થઈ ગયો. થયું કે મારા નસીબનું પાંદડું ફરતું લાગે છે. જો કે મારા શંકાશીલ સ્વભાવને થયું કે એક પછી એક આ બધું સવળું પડે છે, તો કાંક તો અવળું પડશે જ! અને થયું પણ એવું જ!

શેઠના જે દીકરાને હું દરરોજ ભણાવતો હતો, તે ઑફિસમાં આવતો અને ત્યાં તો એ શેઠ થઈને બેસતો! ઓફિસની હાયરારકીમાં એ ઊંચો અને હું નીચો. વધુમાં ઑફિસમાં બીજા લોકોને ખબર પડે કે એ મારી આગળ ઈંગ્લીશના પાઠ ભણે છે એમાં એને નીચે જોવાપણું લાગતું હતું. એ કહે કે હું હવે ગાંધી પાસે ટ્યુશન નહીં લઉં!

આ ટ્યુશન બંધ થાય તો મારું આવી બને. મારી આવકમાં મોટું ગાબડું પડે. મેં મારી મૂંઝવણ શેઠને સમજાવી. એ ભલા માણસ કહે, ગાંધી તમારે હવે ટ્યુશન કરવાની જરૂર નથી, હું ટ્યુશન જેટલો તમારો પગાર વધારો કરી આપું છું.

આમ હજી નોકરી શરૂ કરું ત્યાં જ મારો પગારવધારો થયો અને સાથે સાથે ટ્યુશન કરવાની માથાકૂટ પણ મટી. સવારના પાંચ વાગે ઊઠીને છ વાગ્યાની ટ્રેન હવે પકડવાની જરૂર ન રહી. હવે મારી રૂટીન મુંબઈના નોકરિયાતો જેવી નોર્મલ થઇ ગઈ.

બધાની જેમ હું પણ દસેક વાગ્યાની ટ્રેન પકડી ચર્ચગેટ સ્ટેશને પહોંચું. ત્યાં ઊતરતા મને થાય કે હાશ, કાલબાદેવીની, મારકેટની દુનિયામાંથી, એ ગંદકી, એ દલાલો, એ ગુમાસ્તાઓ, મહેતાજીઓ, પાનની પિચકારી ઉડાડતા પાંચ ચોપડી ભણેલા શેઠિયાઓની જાળમાંથી હું છૂટ્યો.

ટ્રેનમાંથી ચર્ચગેટ ઊતરો અને સામે ઈરોસ થીએટર દેખાય. ત્યાં હોલીવૂડની જે કોઈ નવી મુવી આવી હોય તેનાં મોટાં પોસ્ટરો દેખાય.

સરિયામ મોટા રસ્તાઓ, ફૂટપાથ ઉપર ટાઈ લગાડીને ઝડપથી ઓફિસે જતા અને ફટફટ ઈંગ્લીશમાં વાત કરતા મુંબઈગરાઓ, ઊંચી એડીના બૂટ પ્હેરીને વેસ્ટર્ન લિબાસમાં આવતી-જતી પારસી કે ક્રિશ્ચિયન છોકરીઓ, મુંબઈ યુનિવર્સીટીનો રાજાબાઈ ટાવર, ફ્લોરા ફાઉન્ટન, એની બાજુમાં ફિરોજશાહ મહેતાનું ભવ્ય પૂતળું, અનેક રેસ્ટોરાં, કૉફી હાઉસો, જહાંગીર આર્ટ ગેલેરી, ડેવિડ સાસૂન લાયબ્રેરી… આ બધું જોતાં મને થયું કે હું જાણે સિવીલાઈજેશનમાં પાછો આવ્યો!

ફોર્ટ એરિયામાં દરરોજ સાંજે કંઈ ને કંઈ પબ્લિક મિટિંગ હોય જ. ઑફિસેથી નીકળીને ત્યાં હું આંટો મારું. અને પછી ત્યાં જે કોઈ મિત્ર મળ્યું હોય તેની સાથે કૉફી પીને ઘરે જવાની ટ્રેન પકડું.

ઓરડી અને નોકરી મળ્યા પછી મને એમ થવા માંડ્યું કે હવે હું મુંબઈમાં સ્થિર થતો જાઉં છું. ઓરડી લીધાની જેવી કાકાને ખબર પડી કે તરત જ નાની બહેનને મુંબઈ મોકલવા કહ્યું. એમનો વિચાર તો બીજા બે ભાઈઓને પણ મોકલવાનો હતો.

મેં ઘસીને ના પાડી. કહ્યું કે મુંબઈ આવે એ પહેલાં એમનું ભણવાનું પૂરું થવું જોઈએ.  વધુમાં એક ભાઈ તો આવીને માથે પડ્યો જ હતો. જો કે બહેન તો આવી જ.

પ્રશ્ન એ થયો કે એને ક્યાં સૂવરાવવી? ભાઈ તો ચાલીમાં સૂતો, પણ બહેનને ચાલીમાં થોડી સૂવડાવાય? નલિનીએ એનો પણ ઉપાય ગોત્યો. આવી નાની ઓરડી હતી છતાં વચમાં લાકડાનું પાર્ટીશન નખાવી એના બે ભાગ કર્યા. એક ઓરડીની અમે બે ઓરડી કરી!  રાત પડે એટલે પાર્ટીશનની એક બાજુ અમે બે અને બીજી બાજુ બહેન, ભાઈ ચાલીમાં, આમ અમારું ગાડું ચાલ્યું!

નોકરીમાં ઠરીઠામ થતો જતો હતો પણ મહત્ત્વાકાંક્ષાનો કીડો વળી પાછો મનમાં ખદબદ કર્યા કરતો હતો. હા, મેનેજરની નોકરી હતી, પણ આખરે એમાં મળી મળીને મને કેટલો પગાર મળશે? એમાંથી ફ્લેટ થોડો લેવાય? આ એક નાની ઓરડીમાં હું ક્યાં સુધી રહીશ?

દેશમાંથી મુંબઈ આવવા બે ભાઈઓ થનગની રહ્યા હતા. મને ખાતરી હતી કે વહેલા મોડા કાકા એમને મુંબઈ મોકલશે જ. વધુમાં એમના કાગળોમાં એ એમ પણ લખતા હતા કે દેશના ધંધા પડી ભાંગ્યા હોવાથી એ પોતે પણ મુંબઈ આવવાનો વિચાર કરતા હતા. ધારો કે દેશમાંથી આખુંય કુટુંબ મુંબઈ આવ્યું તો હું એ બધાંને ક્યાં રાખીશ. વધુમાં અમારે ત્યાં પ્રથમ સંતાનનો જન્મ થવાનો હતો.

આ બધો વિચાર કરતાં એમ થયું કે મારે મારી આવક વધારવી જ જોઈએ, પણ કેવી રીતે? ખરેખર જ જો પૈસા બનાવવા હોય તો કશોક ધંધો કરવો જોઈએ, ધંધામાં જ પૈસા છે, નોકરીમાં નહીં. પણ ધંધો કરવો કેમ? એને માટે મૂડી જોઈએ તે ક્યાંથી કાઢવી? અને શેનો ધંધો કરવો? ધંધાની કોઈ લાઈન શીખ્યો નથી.

થયું કે ચાલો, ચાર્ટર્ડ એકાઉન્ટિંગનું ભણું, એ પ્રેક્ટીસમાં બહુ સારા પૈસા બને છે. પણ એ ભણવા માટે કોઈ ફર્મમાં જોડાવું જોઈએ અને ત્યાં એપ્રેન્ટિસના નહિવત પગારે ચાર વરસ કામ કરવાનું, આર્ટીકલ ભરવાના, અને સાથે સાથે એની બહુ અઘરી પરીક્ષાઓ પાસ કરવાની.

પરીક્ષાઓની વાત તો પછી, પણ એપ્રેન્ટિસના નહિવત પગારે ચાર વરસ ઘર કેમ ચલાવવું? વધુમાં હું તો પરણીને બેઠો હતો અને ઘરે હવે બાળક આવવાનું હતું, દેશમાંથી ભાઈબહેનો આવવાના હતા, આ બધી જવાબદારી રોજબરોજની વ્યવસ્થિત આવક વગર કેમ અદા કરવી?

આમ ચાર્ટર્ડ એકાઉન્ટિંગનો વિચાર નેવે મુક્યો અને લૉયર થવાનો વિચાર કર્યો.  લૉ કોલેજમાં પાર્ટ ટાઈમ જવાનું જે શરૂ કર્યું હતું, તે વચમાં બંધ કર્યું હતું તે મેં વળી પાછું શરૂ કર્યું.

મુંબઈના મોટા વકીલો ધામધૂમ કમાય છે, એ હું જોતો. એમાંય જો ઇન્કમટેક્સની પ્રેક્ટીસ કરીએ તો તરી જઈએ. વધુમાં કનૈયાલાલ મુનશીનો દાખલો તો હાજરાહજૂર હતો. પોતે મોટા લૉયર, પણ સાથે સાથે મોટા લેખક, નવલકથાકાર. એમની નવલકથાઓ, આત્મકથાઓ વાંચીને તો હું મોટો થયો.

લૉયર થવાનું ભણવા માટે લૉ કોલેજમાં બે વરસ જવાનું અને પછી બાર એક્ઝામમાં પાસ થાવ અને જો સારી લૉ ફર્મમાં જોડાઈ શકો તો પછી તમે ન્યાલ થઈ જાવ.

લૉ કૉલેજની એક મોટી સગવડ એ હતી કે ત્યાં તમે સવાર કે સાંજના ક્લાસ ભરી શકો.  સાથે સાથે નોકરી કામધંધો પણ ચાલુ રાખી શકો. આ વ્યવસ્થા મને ગમી. ચર્ચગેટ ઉપર આવેલ ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં વળી પાછા ક્લાસ ભરવાના શરૂ કર્યા. સવારના ઘરેથી વહેલા નીકળવાની વાત મારે માટે કોઈ નવાઈની નહોતી. ટ્યુશન કરવામાં માટે સવારના જતો તે હવે લૉ કૉલેજમાં જઈશ.

આમ વળી પાછી મારું નવું રૂટીન શરૂ થયું. સવારના વહેલા નીકળી પહેલા લૉ કૉલેજમાં જાઉં  અને પછી અગિયારેક વાગે ઑફિસે જાઉં. સદ્ભાગ્યે ચર્ચગેટ સ્ટેશન, લૉ કૉલેજ, ઑફિસ વગેરે બધું પાસે એટલે કોલેજમાં જવાની બહુ અગવડ નહીં પડી.

મેં જોયું તો લૉ કૉલેજમાં મારા જેવા આશાઆકાંક્ષા ભર્યા, પણ નાણાંકીય સગવડ વગરના કંઈક જુવાનિયાઓ લૉ ડિગ્રી લઈ પોતાની કેરિયર આગળ વધારવા મથતા હતાં.

બે વરસ લૉનું ભણ્યો, ગાઈડો વાંચીને પરીક્ષા આપી, પાસ થયો, એલ.એલ.બી.ની ડીગ્રી મળી, પણ એનો અર્થ એ થોડો હતો કે મને વકીલાત કરતા આવડશે કે કોર્ટમાં કેસ લડતા આવડશે? અરે, લૉ કૉલેજનાં એ બે વરસમાં કોઈ લૉ ઑફિસમાં પગ પણ મુક્યો ન હતો, કે કોર્ટમાં કોઈ કેસ લડાતો જોયો ન હતો.

જેવું ભણતર બી.કોમ.નું એવું જ એલ.એલ.બી.નું, પોથીમાંના રીંગણા જેવું. તમારા નામ પાછળ એક પૂંછડુ વધે, અને એક વધુ લટકણું રેજ્યુમેમાં લગાડો એટલું જ, બાકી એનો કોઈ પ્રેક્ટિકલ ઉપયોગ નહીં.  હીરો ઘોઘે જઈ પાછો આવ્યો એમ લૉ કોલેજમાં ગયા પછી પણ આપણ રામ તો હતા તેવા ને તેવા જ, ધોયેલા મૂળા જેવા! હવે શું કરવું?

આ દરમિયાન અમારે ઘેર પુત્રજન્મ થયો. પણ એ જન્મતાં જ હજી નલિની એને લઈને ઘરે આવે એ પહેલાં પ્રસૂતિગૃહમાં જ ગુજરી ગયો. નલિની ભારેપગી હતી ત્યારે જે પ્રકારની ખાવાપીવાની માવજત લેવી પડે તે અમે ન લઈ શક્યા, એટલે બાળક જન્મ્યું ત્યારે ખૂબ જ નબળું હતું અને જન્મતાં જ એનું મૃત્યુ થયું.

અમે હોસ્પિટલમાંથી ખાલી હાથે ઘરે આવ્યા. આ અમારા બહુ ખરાબ દિવસો હતા. મને થયું કે આ શું? સંતાનપ્રાપ્તિનું સુખ જે રાજા રંક કે ગરીબ તવંગર બધાને મળે તેમાંથી પણ અમે બાકાત? અને બીજા સંતાનની પણ આવી દશા નહીં થાય એની ખાતરી શી? થયું કે વિધાતા મારી પાછળ આદુ ખાઈને પડ્યો છે. હું વળી પાછો ભગવાનને ગાળ આપતો થઈ ગયો.

પ્રથમ પુત્ર જન્મતા જ ગુમાવ્યો એનો શોક અમને, ખાસ કરીને નલિનીને ઘેરી વળ્યો. એનો સ્વભાવ એકદમ ચીડિયો થઈ ગયો.

નવપરિણીત હૂતો હુતી તરીકે એકલા રહીને અમારે જે મજા કરવી હતી તે અમે ક્યારેય નથી કરી. લગ્ન પછી તરત જ નલિનીને દેશમાં એક વરસ રહેવું પડ્યું. પછી એ જયારે મુંબઈ આવી ત્યારે પહેલા ભાઈ અને પછી બહેન અમારી સાથે રહેવા આવ્યા એટલે એ મજાને બદલે કચકચ શરૂ થઈ. હું સાંજે ઘરે આવું ત્યારે રોજની ભાઈબહેનની કંઈ ને કંઈ કચકચ હોય જ.

ભાઈ એનો પરચો દેખાડતો હતો. વહેલો-મોડો આવે, આવીને ગરમગરમ રસોઈ માગે, એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી રસોડું બંધ ન થાય અને અમારું સૂવાનું પણ મોડું થાય.

એની ડિમાન્ડ વધતી જતી હતી. કાકા એનાથી કેમ કંટાળી ગયા હશે તે હું હવે સમજી શકતો હતો. ઉપરથી એ નોકરી છોડવાની વાત કરતો હતો. કહે, મારે આવી વગર પગારની ઘાટીના જેવી નોકરી નથી કરવી. એને તો જલદી જલદી શેઠ થઈને ગલ્લે બેસવું હતું!

એક બાજુ મને નલિનીની સહનશક્તિ માટે માન થતું હતું. એવી કેટલી સ્ત્રીઓ છે કે જે લગ્ન કરીને તરત પતિથી વિખૂટી પડી દૂર દેશમાં અને તે પણ મુંબઈ છોડીને અજાણ્યા નાના ગામે રહેવા જાય અને ત્યાં એક વરસ કાઢે? કોણ આવી રીતે દર ત્રણ મહિને લબાચા ઉપાડી સેનિટોરિયમમાં રખડે? કોણ આવી રીતે નાની ઓરડીમાં ઘર માંડે? અને મારા ઓછા પગારમાં ઘર ચલાવે? કોણ એની જેમ ઘર માંડતા જ દિયર, નણંદને સાથે રાખે?

નલિનીના આ બધા ગુણો જોઈ મને થતું હતું કે મારા જેવી આર્થિક અને કૌટુંબિક પરિસ્થિતિવાળા માણસ માટે એ જ યોગ્ય જીવનસંગિની હતી.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..