અગ્નિપરીક્ષા ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:1 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા

અગ્નિપરીક્ષા – ભાગ:1

હંસા ટ્રેનમાંથી મુંબઈના રેલવે-સ્ટેશને પગ મૂકતાં જ ગભરાઈ ગઈ.

આ મુંબઈનું સ્ટેશન!

આમ તો ફિલ્મોમાં કે ટી.વી. સિરીયલ્સમાં જોયેલાં સ્ટેશન કરતાં જુદું નહોતું પણ અત્યારે અહીં હોવું, હૈયા દળતી ગિરદી, એની આસપાસ સામાનની જેમ ખડકાતા અવાજોથી ઘેરાઈ જવું એક જુદો જ અનુભવ હતો. નવીન સમજતો હતો કે જેણે આજુબાજુનાં નાનાં ગામ સિવાય કંઈ જોયું ન હોય તેને માટે મુંબઈનું પ્રથમ દર્શન ચકિત અને ભયભીત કરે એવું જ હોય.

એણે કુલીને બોલાવ્યો અને હંસાનો હાથ પકડ્યો. એ હડદોલાતી, સંકોચાતી બહાર આવી. નવીને સામાન ટૅક્સીમાં મુકાવ્યો ત્યારેય હંસાએ નવીનનો હાથ સજ્જડ પકડી રાખ્યો હતો. નવીને હાથ છોડાવતાં કુલીને પૈસા આપ્યા.

`હંસા, તને કોણ ખાઈ જવાનું છે? હું છું ને!’

એણે ડોકું હલાવ્યું અને ટૅક્સીમાં બેઠી. ટૅક્સી પાર્કિંગપ્લોટમાંથી નીકળી, ઊભરાતી ગિરદીમાં, મોટો રસ્તો છોડી, નાની એકમેકમાં ગૂંથાતી વળ ખાતી ગલીઓમાં થઈ દોડતી રહી. હંસા વિસ્ફારિત આંખે આ અજાયબ નગરીને જોતી રહી. આકાશને આંબતી ઇમારતો, જાતભાતની દુકાનો. ઝાકઝમાળ મોલ, રેસ્ટોરન્ટ્સ ફૂટપાથ પરની ઝૂંપડપટ્ટીમાં પાણીની ગંદી નીક અને કચરાના ઢગલા…

સાચે જ અજાયબ નગરી હતી અને અહીં એના પતિનું હા હવે એનું પણ ઘર હતું. એણે વહાલથી પતિ સામે જોયું. એણે સવળે હાથે જ ગોરમા પૂજ્યા હતા. તે કેસરિયો વર મળ્યો હતો. શહેરનો છાક ચડ્યો હોય એમ ચોતરફ જોતી રહી. એ એનું ઘર રૂડુંરૂપાળું સજાવશે. ઘરમાં બે છડેછડાં. સાસુ, નાનો દેર ગામમાં. એ મુંબઈમાં ગોઠવાઈ જશે પછી સાસુને બોલાવશે, સાચવશે. બાપુ તો એનું ઘર જોઈ ઘેલા થઈ જશે. એમનું તો પહેલેથી જ સપનું, મારી દીકરી હંસા તો મુંબઈમાં જ મહાલશે.

એણે મનોમન વંદના કરી, હે માતાજી! તારી કૃપા અપાર છે.

ટૅક્સી ઊભી રહી, એક આંચકાથી એ વર્તમાનમાં ફંગોળાઈ ગઈ. નવીને સામાન ઉતાર્યો. ટૅક્સી ચાલી ગઈ. હાથમાંની થેલી બે હાથે કસીને પકડી એ ઊભી રહી ગઈ. અરે! આ એનું ઘર હતું!

મોટા કમ્પાઉન્ડની વચ્ચે વર્ષોના સમયનો માર ખમી ખાધેલો જર્જરિત પાંચ માળનું મકાન. મોટું કમ્પાઉન્ડ ભરચક હતું. એનો એક દરવાજો તૂટી ગયો હતો અને બીજો જિજીવિષાથી લટકી રહ્યો, એની પર અર્ધા ઉઘાડા છોકરાંઓ ચડ-ઉતર કરી રહ્યાં હતાં. ઝાંખું બૉર્ડ એક ખીલીએ વાંકું લટકતું હતું, કસ્તુરબાનગર. નીચે હારબંધ દુકાનો, ઘણો સામાન તો ચાલીમાં બહાર જ. એક તરફ પાણીની નીક રેલાઈને વાસ મારતી હતી.

અહીં રહેવાનું હતું! આવા મકાનમાં!

ક્યાંય નજર ઠરે એવું દેખાતું ન હતું. એના પતિનું તો સરસ ઘર હતું તો પછી આ!

`આ મકાનને માળો કહેવાય.’

નવીને બૅગ ઊંચકી, ચાલવા માંડ્યું.

`માળો?’

`જી, હંસાદેવી માળો. વૃક્ષોમાં પક્ષીઓ બાંધે એવો માળો. પણ એકલવાયો નહીં. તું જુએ છેને! દરેક માળ પર છે હારબંધ ઓરડીઓ. તારે તો રોજ તરણેતરનો મેળો.’

એના પગ સજ્જડ થઈ ગયા.

આ તરણેતરનો મેળો! કેવી ગિરદી, ગંધ, ખખડધજ મકાન…

`કેમ ઊભી રહી ગઈ? થાકી ગઈ? બહુ ચડવાનું નથી, બીજે માળ જવાનું છે. બિટ્ટુ.. અરે બિટ્ટુડા! ક્યાં મરી ગયો?’

એક યુવાન દોડતો આવ્યો.

`આવતો જા તો ભાઈ. આ તો મારા ભાભી! હાથમાં બૅગ છે એટલે પગે લાગ્યો સમજી લેજો ભાભી.’

લાંબી ડાંફો ભરતો એ આગળ થયો. હંસાને સૂગ ચડી, મેલખાયું ગંજી, કાબરચીતરા રંગનું ઘસાયેલું હાફ પૅન્ટ. ઉઘાડા ધૂળિયા પગ. ઉડઝૂડિયા વાળનો જથ્થો.

હંસા ચૂપચાપ પતિ અને બિટ્ટુની પાછળ દાદર ચડવા માંડી. ઢીલો થઈ ગયેલો કઠેડો એણે સજ્જડ પકડી રાખ્યો હતો. ઓ મા! પડી કે પડશે! દાદરનાં પગથિયાં પર પણ કચરો હતો. જય માતાજી બોલતી એ દાદર ચડી ગઈ. બીજા માળની દસ નં.ની ઓરડી પાસે નવીન ઊભો રહ્યો, બિટ્ટુએ બૅગ મૂકી. દાંત દેખાડતો હસ્યો, આવો ભાભી.

ખરો આવકાર મળ્યો બબડતી ચાલીને ચોતરફથી જોવા લાગી. સામે છેડે બે બાળકો લડતાં, ગાળનો ઘા કર્યો. ગાળ દડાની જેમ ઊછળી એના પગ પાસે આવી પડી. એ છળી ગઈ. નવીને ઓરડીનું તાળું ખોલ્યું અને અંદર પુરાયેલો અંધકાર હિંસક જાનવરની જેમ ત્રાટકતો બહાર ધસી આવ્યો.

હંસા ઉંબર પર જ ઊભી રહી ગઈ. નવીન અંદર ગયો અને હાથ લાંબો કર્યો, `વૅલકમ હોમ ડીયર.’

બિટ્ટુએ તાળીઓ પાડી, `સૉરી, તને ગૃહપ્રવેશ કરાવે એવું તો ઘરમાં કોઈ નથી તને ખબર છે. પધારો હંસારાણી. આપણું ઘર. માળામાં માળો.’

બિટ્ટુ તાળીઓ પાડતો રહ્યો અને સંકોચાઈને ઊભેલી હંસાનો હાથ નવીને પકડ્યો અને એણે ઘરમાં, નવા જીવનમાં પગ મૂક્યો, ટી.વી. સિરીયલોમાં જોયું હતું. નવવધૂ ઘરેણાંનાં અને ઝરીયાન વસ્ત્રોના ભારથી લચી પડતી, ચોખાના કુંભને પગથી ઠેલી ગૃહપ્રવેશ કરતી પછી કંકુની થાળીમાં પગ મૂકી પગલાં પાડતી આલિશાન ઘરમાં…

એને ઠેસ વાગી. નવીને હાથ પકડી લીધો. ટાઇલ્સનો એક ભાગ ઊખડી ગયો હતો. એમાં પગ પડી ગયો. શ્વાસ ખાતી ઊભી રહી. એણે ઝાઝાં બધાં ઘરેણાં પહેર્યાં ન હતાં, ન વિશાળ ઘર, ચોખાનો નાનો સરખો કુંભ પણ અહીં ન હતો. ગળામાં પિતાએ આપેલો નાનો હાર, હાથમાં લાલ પ્લાસ્ટિકની બંગડી સાથે બે કડાં, પતિએ આપેલી વીંટી અને કાનની બુટ્ટી. હા, હાથની મહેંદી તો સિરીયલની નવવધૂ જેવી હતી.

એણે ઘર જોવા નજર ફેરવી. ધોળે દિવસેય માંડ મોંસૂઝણું હતું. છાતીમાં અંધારું ઘૂંટાવા લાગ્યું. નવીને સ્વિચ-ઑન કરી.

`જો હંસા, તું આવી અને ઘર ઝગમગી ઊઠ્યું. બિટ્ટુ! ચલ જા હવે, ઠોયાની જેમ ઊભો છે!’

મોં એકદમ પહોળું કરી બિટ્ટુ હસ્યો. લશ્કરી ઢબે હંસાને સલામ કરી અને દોડી ગયો. નવીને બારણું બંધ કર્યું. હંસા સંકોચથી નીચું જોઈ ગઈ. પતિ સાથે આ પહેલું જ એકાંત-પરિણિત બહેનપણીઓએ કાનમાં લગ્નની પહેલી રાતનો મંત્ર ફૂંક્યો હતો.

પતિ શ્વાસ જેટલો પાસે હતો. શામળો વાન પણ દેખાવડો ચહેરો, કપાળ પાસેથી ઘસાઈને થોડા પીઠેહટ કરી ગયેલા વાળ, ઊંચો પાતળો બાંધો.. ઘડીભર આસપાસનો ન ગમતો માહોલ ભૂલી ગઈ. જિંદગીમાં પ્રથમવાર પુરુષના શરીરની ગંધ, સ્પર્શથી એ રણઝણી ઊઠી હતી.

આ ક્ષણની કેટલી પ્રતીક્ષા હતી!

દસમા ધોરણનું પરિણામ આવ્યું. સારા નંબરે પાસ થઈ હતી. દાદીમાને પગે લાગી હતી. દાદીએ હાથની વીંટી ઉતારી પહેરાવી દીધી હતી. દુઃખણાં લઈ પપ્પાને કહ્યું હતું, `જો તો ચંદ્રકાંતભઈલા! હંસા કેવી હાડેતી અને રૂડીરૂપાળી થઈ ગઈ છે. ભણી લીધું બસ.’

એણે જીદ કરી હતી, અગિયારમું બારમું જો કરવું જ છે, બાજુના ગામમાં તો કૉલેજ છે. બસમાં બધાંય અપડાઉન કરે છે. પપ્પા મોબાઇલ અપાવી દેજો, પ્રીતિ રેખાય જવાના છે. ભેગાં જાશું.’

પપ્પાએ કીધેલું, હા બેટા! તારી ઇ ઇચ્છાય પૂરી કરી લે. આજ તારી બા હોત તો કેટલી રાજી થાત! પણ કહી મૂકું છું, મારે તને વરાવવી છે તો શેરમાં જ. આંઈ છાણ વાસીદા કરવા નથી રાખવી.’

દાદીમાં બોખા મોંએ કેટલું હસેલાં! પપ્પા હજી એ જ તોરમાં હતા, દલપત ભેગો બે વાર મુંબઈ ગયો છુંને! અહા! કેવા કેવા ઘર, હોટલું, સિનેમા… હંસા રાજ કરશે. દાદીએ તો પપ્પાને સટાક ધરતી પર આણી દીધેલા; બેટા ચંદુ! નાના ગામની છોડીને શેરવાળો છોકરો પસંદ કરશે? પપ્પાનો વળતો જ જવાબ, `કેમ નહીં બા! હંસા તો લાખેણી છે.’

એ શરમાઈ ગઈ હતી, એ રાત્રે જ મુંબઈનું સપનું જોયું હતું. બસમાં કૉલેજ જતાં બંધ આંખોમાં મુંબઈનો દરિયો ઊછળતો રહેતો. એ તાર તાર ભીંજાઈ ગઈ હતી. મોબાઇલમાં મુંબઈનો વિડીયો જોતી અને જોતી જ રહેતી.

`અરે તું તો સાવ ચૂપ! હંસા, ઘર ન ગમ્યું ને?’

એ પરાણે હસી, `જેવું છે આપણું છે, બસ.’

નવીને ઉમળકાથી પત્નીનો હાથ પકડ્યો.

`બસ, એ જ વાત છે. શહેરમાં પોતાનું અને એય આલિશાન ઘર વસાવતા માણસને એક જિંદગી ઓછી પડે.’

`અરે અરે! એવું ન બોલો. હું સમજું છું, શહેરમાં કાઠું કાઢવું કેટલું અઘરું છે!’

`સરસ ઘરનું તો મારુંય સપનું છે. હું ખૂબ મહેનત કરીશ, તારા માટે. તું મારી પ્રેરણા છે હંસા. એક સરસ ઘરમાં તારો ગૃહપ્રવેશ કરાવીશ વચન છે.’

નવીને હાથ લાંબો કર્યો, હંસાએ હાથમાં હાથ મૂકતાં નવીને ખેંચીને એને આશ્લેષમાં લઈ લીધી. મીણની પૂતળીની જેમ પતિના આશ્લેષની હૂંફમાં એ ઓગળતી ગઈ.

ગામમાં ઘરની પાછલી જ પીપળાવાળી શેરીમાં પતિનું ઘર. બા અને નાના ભાઈને મળવા એ વર્ષમાં બે ચાર વાર અને વારતહેવારે આવે. પપ્પાએ એ જ ઘેર માગું નાંખ્યું ત્યારે અલપઝલપ એમને જોયેલા. કૉલેજે છાનામાના મળવાય આવેલા, સિનેમાય જોયું હતું પણ એ તો મૂંગીમંતર! દાદીએ જ લગ્નની ઉતાવળ કરાવી હતી, સગાઈ કર્યા કેડે લાંબુ ખેંચવાનું નહીં, કમૂરતા બેસી જાશે અને આવતું વરસ લગ્નનું કોરું છે.

નવીનનેય વધુ રજાનો જોગ નહોતો એટલે લોલેલોલમાં બે દિવસમાં લગ્ન ઉકેલ્યા. દાદીએ વિદાયવેળાએ શીખ આપી હતી, `જો સ્ત્રી માટે સંસાર એટલે અગન પરીક્ષા, સીતામાએય પરીક્ષા દીધેલીને? એમાંથી આરપાર ઊતરવાનું. સુખ-દુઃખમાં પતિપત્ની જોડાજોડ ઊભા રે એ જ સાચું સુખ.’

અને અત્યારે એ પતિના ગાઢ આશ્લેષમાં હતી. એ અળગી થઈ.

`બહુ મોડું થઈ ગયું છે. નાહીને જમી લઈશું? પછી સામાન ઠેકાણે કરશું.’

`હા નાહીને તૈયાર થઈ જઈએ પછી નજીકમાં જ હોટલ છે ત્યાં…’

`ના ના. ખાવાનું સાથે લાવી છું. પહેલાં ઘર દેખાડો.’

`લો, એ તો રહી ગયું. તું સામે હોય તો યાદ જ ન રહ્યું કે ઘર બતાવું, જોકે બહુ જોવા જેવું નથી.’

`પણ હુતોહુતીનો માળો તો છેને? સળી સળી ગોઠવી આપણે સરસ માળો કરશું.’

બન્ને સાથે જ હસી પડ્યાં. હંસાને થયું જે અપરિચિતનો હાથ પકડી એ ચાલી નીકળી હતી એની સાથે અચાનક જ કેવું પોતાપણું લાગી રહ્યું હતું!

નવીન સાથે એ ઘરમાં ફરવા લાગી, આ આપણે ઊભા છીએ એ બહારની રૂમ, એને શહેરની ભાષામાં ડ્રોઇંગરૂમ કહેવાય. અને આ છે…..’

`બેડરૂમ?’

`અરે વાહ! હા બેડરૂમ. સૉરી આપણા ગામની જેમ આંગણામાં ખાટલો ઢાળી સૂવાનું સુખ અહીં નથી. અને સામે કિચન અને આ બાથરૂમ. આ આપણું સામ્રાજ્ય હંસારાણી.’

હંસા ચાલતી રહી, સ્પર્શતી રહી દીવાલોને, ચીજવસ્તુઓને. હા, આ મારું આગવું સામ્રાજ્ય. કેવા સુંદર ઘરનું સપનું આંખમાં સંગોપીને આવી હતી! કંઈ નહીં. સપનું નંદવાયાની ઝીણી કાચની કરચો પરથી એ સાચવીને ચાલી જશે. દાદીએ શું શીખ આપી હતી, સંસાર એક અગ્નિપરીક્ષા છે. એ જરૂર પરીક્ષામાંથી પાર ઉતરશે. એ પ્રેમના રંગોથી આ દીવાલોને રંગી દેશે. રસોડાની નાની બારીની પાળી પર એ તુલસી કૂંડામાં વાવશે. એના માંજરની પવિત્ર મધુર સુગંધ એની રસોઈને વધુ સ્વાદિષ્ટ બનાવશે, અને બેડરૂમ બારી પાસે રાતરાણીની વેલ મહેકશે, રાત્રિઓ મહોરી ઊઠશે.

એ મનોમન શરમાઈ ગઈ.

`તારી માફી માગવી છે હંસારાણી.’

પોતાની અંદર પાછી ફરતી હોય એમ એણે ઊંડો શ્વાસ ભર્યો.

`તારી.. તારી માફી માગવી છે હંસા.’

નીચે મોંએ ઊભેલા પતિને આશ્ચર્યથી જોઈ રહી.

`માફી? મારી? કંઈ સમજાયું નહીં.’

નવીનના મનમાં દ્વિધા ચાલતી હોય એમ આજુબાજુ જોતો, ફરી નીચે જોઈ જમીનને નજરથી ખોતરતો રહ્યો. પછી એકાએક બોલવા લાગ્યો,

`કેવડા મોટા ઘરમાં તું લાડથી ઊછરી અને હું તને આ પિંજરા જેવા ઘરમાં લઈ આવ્યો. મેં… હું… એટલે કે મેં તારા પપ્પાને જૂઠું કહ્યું હતું.’

અચાનક સુખેથી ચાલતા પગમાં કાંટો વાગે અને લોહીનો ટશિયો ફૂટે એમ જૂઠું શબ્દની શૂળ વાગી ગઈ. એ પતિને તાકી રહી.

`મેં તારા પપ્પાને કહ્યું હતું કે મુંબઈમાં મારું સરસ ઘર છે એમાં બધી સગવડો છે. એમણે મારો વિશ્વાસ કર્યો અને મેં… આઇ એમ સૉરી હંસા.’

તારસ્વરે એ બોલી પડી, `એટલે આપણાં નવા જીવનની શરૂઆત જૂઠાણાથી? પણ મેં તો મારા પૂરા જીવનનો વિશ્વાસ તમારા પર જ મૂકી દીધો!’

`પણ હંસા…’

`ખોટું બોલવા માટે તમને માફ ન કરી શકું અને એ સ્વીકારી લેવા માટે હું મને પણ દોષી માનતી રહીશ. પણ, શું કામ તમે ખોટું કહ્યું?’

`એનું કારણ તું. હું નવરાત્રિમાં ગામ આવ્યો ત્યારે ગરબે રમવા, આરતી ઉતારતા તને જોઈ હતી. એ છબી મનમાં ઊતરી ગઈ હતી. પછી તો તારા સ્વભાવ વિષે જાણ્યું, હું તને મનોમન પ્રેમ કરવા લાગ્યો… ટૂંકમાં તારે માટે જૂઠું બોલ્યો હતો.

નવીને મન મક્કમ કર્યું હતું, આજે જ કહી દેવું. પ્રેમાળ છે માની જશે, પાછળથી ખબર પડે અને ઝઘડો થાય… એ અત્યારે પણ ગભરાઈ રહ્યો હતો.

`હું તારા પપ્પા પાસે આવું ત્યાં એમણે જ બાને તારી વાત કરી. નાના ગામમાં વાત છૂપી રહે! તારા પપ્પાને શહેરનો સુખીસંપન્ન છોકરો જ જોઈતો હતો, ગામનાં માગાં પાછાં ઠેલતાં હતા. આમ આપણી જ્ઞાતિ એક નહીં પણ પેટાજ્ઞાતિ બધું એક જ. જોકે મારે મન એનું મહત્ત્વ નહોતું. તને પામવા ખોટું બોલ્યો પણ હું મહેનત કરીશ…’

`તમે તો કહ્યું હતું, એક ઘર માટે, સુખીસંપન્ન જીવન માટે એક જીવન પણ ઓછું પડે!’

કાન પકડી નવીન ઊભો રહ્યો. આજે ને આજે કહી દીધું એ ઠીક કર્યું કે ભૂલ હતી! કેટલી હિંમત એકઠી કરી હૃદયને સમજાવ્યું હતું. હવે કિંમત પાણીના પોટલા પેઠે છૂટી પડતી હતી.

ઘડીભર એ ડગી ગઈ. આ જ પગલે પાછી વળી જાય! પિતા સાથે પતિએ છેતરપિંડી કરી હતી પણ પાછી જાય તો ગામમાં વાતો થાય, દાદી અને પપ્પા તો ભાંગી જ પડે.

નવીને હાથ જોડ્યા, `બસ એકવાર માફ કરી દે. હું આજ જિંદગીમાં તારા પપ્પાનું, આપણું સપનું સાચું પાડીશ. પ્લીઝ હંસા, મારો વિશ્વાસ કર.’

ના. આ એનો સંસાર, આ એનો પતિ. કેટલા વિશ્વાસ અને શ્રદ્ધાથી એ પતિનો હાથ પકડી ચાલી નીકળી હતી. અને હવે ઘડીકમાં કાચા સૂતરની જેમ શું સંસાર તોડી નાંખવો? આ જ તો છે અગ્નિપરીક્ષા.

પતિ ફરતે હાથ વીંટાળી એની છાતી પર એણે માથું ઢાળી દીધું.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..