કાવ્યસંગ્રહ ~ ‘રાવણહથ્થો’: કવિ ઉદયન ઠક્કર ~ વૃત્તાંતોની વ્યંજનાઓનું માહાત્મ્ય (અવલોકન) : ચંદ્રકાન્ત ટોપીવાળા

(કવિ ઉદયન ઠક્કરનો નવો કાવ્યસંગ્રહ રાવણહથ્થો‘ –
વિવેચનઃ વિદ્વાન સાહિત્યકાર, વિવેચક શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળા)

રાવણહથ્થો
વૃત્તાંતોની વ્યંજનાઓનું માહાત્મ્ય
– ચંદ્રકાન્ત ટોપીવાળા

કોઈ મને પૂછે કે ,’અત્યારે ગુજરાતીમાં નોખો કવિ કોણ છે?’ તો મારો બેધડક જવાબ હોય, ‘ઉદયન ઠક્કર’.

ચબરાકીથી કહેવાતા શેરોની ગઝલોના ગઝલકારો, લોકગીતની લાળ પાડતા ગીતકારો, વધુ પડતાં છાંદસ સ્ખલનોને નભાવી લેતા છાંદસ લખનારાઓની વચ્ચે ઉદયન ઠક્કર ગુજરાતીમાં કવિ કેવેફીના કુળના સાબિત થયા છે.

ગ્રીક કવિ કેવેફીની જેમ સંદર્ભોના ઘેરાવાઓમાંથી અવતાર લેતો એમનો કાવ્યસંગ્રહ ‘રાવણહથ્થો’ (2022)ની રચનાઓ દૂર સુદૂરના પ્રદેશોમાં અને સમયોમાં વિહાર કરે છે અને કવિદ્રષ્ટિના પ્રવેશથી વિષયવસ્તુઓનું કલ્પનાપૂર્ણ ઉત્થાન કરે છે.

કાવ્યસંગ્રહની પ્રસ્તાવના ‘કિંચિત્’માં કવિ કહે છે કે, `હું ભોંય પર ચાલું છું પણ કવિતાએ મને પાંખો આપી છે’, પણ વાસ્તવમાં તો આ કવિએ કવિતાને પાંખો આપી છે અને એમ કરીને આજના zeroxના સાહિત્યની સામે એમણે પોતાની આગવી મુદ્રા અંકિત કરી છે.

એક રીતે જોઈએ તો ઉદયન ઠક્કરની રચનાઓ સસંદર્ભ રચનાઓ છે. બાહ્ય સંદર્ભો પર આરૂઢ થઈ આ કવિ પોતાના આંતરસંદર્ભોને જોડે છે અને એમ કરીને વિષયવસ્તુને કલ્પનોત્થ વ્યાસપીઠ બક્ષે છે.

બીજી રીતે કહીએ તો ભૂતકાળને વાંચીને એને નવા વર્તમાનમાં મૂકે છે. આ કવિ માટે નવું જગત રચવા ભૂતકાળ એક ચોક્કસ શરત રહી છે. ઉદયને પોતાની રચનાઓથી સ્પષ્ટ કર્યું છે કે સમય ક્યારેય એક નથી હોતો તેમ જ ક્યારેય અસંયુક્ત નથી હોતો.

ઉદયને પોતા અંગે એક સાર્થક શેર ઉતાર્યો છે, ‘ક્યાં કવિતા? ક્યાં મુ જેડો કચ્છી માડુ?/ કોકિલાએ ઘર વસાવ્યું કાગડાનું.’  હા, કોકિલાએ કાગડાનું ઘર વસાવ્યું છે. કાગડો પૂર્વજનું પ્રતીક છે. અહી ઉદયને જે ‘પૂર્વજ’ છે એને પોતાની કવિતા પ્રતિભાથી ‘અગ્રજ’ કર્યું છે.

ઉદયન ઠકકરનો ‘રાવણહથ્થો’ કાવ્યસંગ્રહ સાત વિભાગોમાં વહેંચાયેલો છે. પહેલો વિભાગ ભારતીય પ્રાચીન વૃત્તાંતોને સ્પર્શે છે, બીજો વિભાગ વર્તમાનને વૃત્તાંતોમાં સ્પર્શે છે. ત્રીજો વિભાગ ભારતીય ઇતિહાસની સામગ્રી સાથે કામ પાડે છે, તો ચોથો વિભાગ પોતાના પૂર્વસૂરિઓની દરકાર કરે છે. પાંચમો વિભાગ યુરોપીય ચિત્રકલા તેમ જ સ્થાપત્યને પોતાના સંદર્ભોમાં ખેંચે છે. છઠ્ઠો વિભાગ પૂરેપૂરો મધ્યકાલીન ખ્રિસ્તી ક્રૂઝેડની ઐતિહાસિક સામગ્રીનો ક્યાસ કાઢે છે. સાતમો વિભાગ દુહા , સોરાઠા, ગઝલોનો છે અને એ એમના સ્વનો પરિચાયક થવા જાય છે.

પહેલા વિભાગની ‘ધર્મયુદ્ધ…?’ રચનામાં પોતાનાં વચનોથી વિપરીત જૂઠનો આશ્રય લેતા શ્રીકૃષ્ણનું ચિત્ર અંતે મૌનમાં આબાદ ઊપસ્યું છે. અહીં મૂકેલી ઉક્તિઓ કારક વ્યંગનું કામ કરી જાય છે. અશ્વત્થામા હણાયા પછી જે ચિત્ર થયું છે તે નાના ફલક પર મોટો પ્રભાવ કેવી રીતે ઊભો કરી શકાય તેનો નમૂનો છે: ” ‘સાચે હણાયો?’ ગુરુદેવ પૂછે / ‘હા, હા ‘ કહી ધર્મ લલાટ લૂછે.”

પરસેવા વળી ગયેલા લલાટવાળા યુધિષ્ઠિરના ચિત્રથી કવિએ પૂરી કરકસરથી એનું સમગ્ર ભીતર ભેદ્યું છે. અહીં અનુષ્ટુપ, સ્રગ્ધરા, મિશ્રોપજાતિના પ્રયોગો શુદ્ધ છે. હા, શ્રી ભગવાન ઉવાચ કે ‘યદા દુર્યોધન વીંઝે મંડળાકારથી ગદા’ તો અનુષ્ટુપ ‘દુર્યોધન યદા’ કર્યું હોત તો નંદવાઇ ન જાત. એનું જ અનુષ્ટુપનું એક સ્થાન અંતના અનુષ્ટુપમાં ‘લોકો અનુસરે’થી નંદવાયું છે. ‘આચરે’ના પ્રાસમાં ‘અનુસરે’ મેળવવા જતાં એમ થયું છે તે સ્પષ્ટ છે. અહીં અનુષ્ટુપનો લય તૂટે છે. ‘અનુસરે’માં ‘નુ’ની જગ્યા દીર્ઘની હતી.

‘સુન્દઉપસુન્દ’માં મધ્યકાલીન સાભાવમાં, યુદ્ધવર્ણન સમયે આવતી ઝડઝમકનો ઉચિત આશ્રય લેવાયો છે. ‘વરદાન’માં ગરુડનાં વચન સાંભળતાંવેંત થતી પ્રતિક્રિયામાં mock elementનો પ્રવેશ સફળ રહ્યો છે. ‘સ્થૂણાકર્ણ’ની પ્રાચીનકથામાં ‘મોસમની ડાળ પર’ જેવી પંક્તિમાં અસંસ્કૃત ‘મોસમ’ શબ્દ ટપકી પડ્યો છે.

‘માધવી’માં રોષ કરીને ગુરુદક્ષિણમાં ‘આઠસો ઘોડા ને તેય ઊજળે વાન’ માગતા વિશ્વામિત્ર અને તેને માટે પુરુષાર્થ કરતા ગાલવની કથા રોચક રીતે કહેવાયેલી છે. અનેક પુરુષહાથમાંથી પસાર થયેલી માધવી ‘લીલી પાઘડી સજીને ઊભેલા’ વગડાને વરે છે, એનો કટાક્ષ અંતે અછતો નથી રહેતો. ‘રામરાજય’માં રામરાજયની રાજસત્તા સામે મુકાતી કવિસત્તા ચમત્કૃતિનું કારણ છે.

બીજો વિભાગ ‘કુટુંબ’ના વૃત્તાંતથી શરૂ થાય છે. દીકરીને કુટુંબ એટલે શું શીખવતાં દીકરી માટે બધું જ ‘ઠક્કર’ બની જાય એની ચમત્કૃતિ સામે ‘હું હજી શીખું છું’નો કવિઉક્તિનો ડંખ વસુધૈવ કુટુંબકમ્નો તદ્દન નવો અવતાર છે. ‘ફેન્સી ડ્રેસ’માં શૈશવથી આગળ વધતી જતી જીવનની કરુણતાનો વ્યત્યય આબાદ ઝિલાયો છે. ‘ડીમન એક્સપ્રેસ’માં અંગ્રેજી આક્રમણનો ભોગ બનેલી સામાજિક પરિસ્થિતિની વક્રતા બરાબર ઊપસે છે. ‘વળાંક’માં માથેરાનનો અરણ્યપ્રાણ અને ‘મારે ગામડે આવો ભેરુ’માં પ્રકૃતિ સાથેના પુન: અનુસંધાનની ઝંખા બરાબર ઝિલાયાં છે. ‘એક કાવ્ય’માં ગાલ પરના ખીલની ફિકર સામે મુકાયેલો ઉપેક્ષિત પ્રકૃતિઅસબાબ સફળ રહ્યો છે.

‘ઘેર પહોંચવું સહેલું ક્યાં છે?’ની શિશુકાળ ઝંખના તેમ જ ‘કચરાટોપલી’ પોતાના લેખનની નશ્વરતાનો અનુભવ તાજગીસભર છે. આ કવિના સર્જનબળની કૂંચી છે.

ઉદયન ઠક્કરે ‘ઝેરોક્સ સાહિત્ય’માં નકલખોરીની સામે પોતાની રીતે કુશળતાથી લાલબત્તી ધરી છે. ‘મારા જીવનમાં આવેલી સ્ત્રીઓ’માં નારીના સજીવ ચિત્રોનું લેખન કરકસરથી ચમત્કારી બન્યું છે. ‘વહાણ’ થોડાક અભ્યાસ સાથેની પારિભાષિક સંજ્ઞાઓમાં અટવાતી રચના એટલું સ્પષ્ટ કરે છે કે હંમેશા અરૂઢ નિરૂપણ કારગત નીવડતું નથી.

ત્રીજા વિભાગની રચનાઓ રાજકારણની ભોંય પર પ્રભા વેરતી તાજપયુક્ત રચનાઓ છે. ‘મલિક કાફૂર’માં ‘શંઢને સત્તા મળ્યાનો પહેલો કિસ્સો’ નિરૂપતા કવિ આગળ વધી એક માસ્ટર સ્ટ્રોક લગાવે છે: ‘પણ છેલ્લો નહિ.’

‘ઇબ્ન બતૂતા, વિશ્વપ્રવાસી’ વિશે મેં અન્યત્ર વિસ્તારથી લખ્યું છે, પણ આ રચનામાં ‘વહાણ ડૂબતાંવેંત જ/ મળ્યા ખજાનાઓ’માં ઝિલાયેલો ઇબ્ન બતૂતાનો સ્પિરિટ એક માસ્ટર સ્ટ્રોક છે.

‘સંગીત’માં આઠમા સૂર દ્વારા ‘આઝાદ’ હોવાની કલ્પનાનો જે રીતે છેદ ઉડાડયો છે અને ‘જુમ્મામસ્જિદ’માં નમાજ ભૂલી થાંભલા ગણતા નમાજીઓનું ચિત્રણ આપ્યું છે તે યાદ રાખવા જેવા કવિએ આપેલા કાવ્યવળાંકો છે.

‘રથ’માં પ્રજાની ઝિલાયેલી મિથ્યાભિમાનની છબી, તો ‘ગુણાઢ્યની ઉક્તિ’માં ગીર્વાણભારતી સામે માતૃભાષાનો મહિમા ધ્યાનાકર્ષક છે. આ ત્રીજા વિસ્તારમાં કવિ દ્વારા સસંદર્ભ બંધાતા કાવ્યપિંડોનું સ્થાયી મૂલ્ય છે.

‘ડોમ વસઇ’નો અને ‘કાકારેકુ’નો રાજકીય કટાક્ષ રાજયોની નિર્બળતાના ઇતિહાસની કડીઓ છે. આ જ વિભાગમાં સ્પેનિશ ફ્લૂનો સમયગાળો નિરૂપતી રચના ‘ઓગણીસો અઢાર’ કોવિડકાળની કટોકટીનો પડઘો છે. વર્તમાનમાં જે ચિત્રથી આપણે પસાર થયા તે અહીં ઝિલાયું છેઃ

‘ઘણાય હોસ્પિટલોની બહાર ઊભાં છે
કોઇની સારી, કોઇની ખરાબ દુવા મળે:
હવે આ જાય તો એના બિછાને સૂવા મળે.’

‘ચેસ્લો વિમ્બાર્સ્કાની ડાયરી’માં કટાક્ષનાં સ્થાનો રચનાની કરોડરજ્જુ બન્યાં છે. આ ડાયરી દ્વારા યુદ્ધકાળમાં માનવનિર્બળતાનું આલેખન સચોટ રહ્યું છે. ‘ગોળમેજી પરિષદ’માં ગાંધીજી શું મેળવીને આવેલા એનો મહિમા અનોખો છે; તો ‘શ્રીનિવાસ શાસ્ત્રી’ રચનામાં ‘તમે શું માનો છો? ગાંધીએ કોનું નામ કહ્યું ?’ નો પ્રશ્ન આખી ઘટનાને નવા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે.

નંદલાલ બોઝની કોનાર્ક રતિશિલ્પો અંગેની ઘટનાને કેન્દ્રિત કરતી રચનામાં ઉદયન ઠક્કર જેવો કવિ ‘એક જ લસરકે પીછીના/ કોરી સાબરમતીના કાંઠા પર/ ચીતરી આપે શાંતિનિકેતન.’

ગાંધીજીના પુત્ર મણિલાલ પર લખાયેલી ‘ફાતિમા ગુલની ચિઠ્ઠી’માં આવતો ‘ઈશ્વર અલ્લા તેરો નામ’નો અંતનો કટાક્ષ આખી રચનાનું અને ગાંધીજીનું ચરિત્ર સચોટ રીતે પ્રત્યક્ષ કરે છે.

‘પારણું’માં ભૂખની સામે મુકાયેલાં બે જુદા જુદા સમયનાં પાત્રો, વિશ્વામિત્ર અને ગાંધીજીનાં નોખાં, નોખાં વર્તન રચનાનું વિરોધબળ બની શક્યાં છે.

‘મણિબહેન પટેલ’માં ‘બાપુ દ્રોણ હોય/સરદાર એકલવ્ય હોય/તો અર્જુન કોણ હશે’ – નો વેધક પ્રશ્ન તેમ જ ‘ઇંદિરાએ જે કર્યું તે કર્યું’ સાથે રચનામાં ઉમેરાતો ઇંદિરા અંગેનો માર્મિક કટાક્ષ: ‘એનો બિચારીનો કશો વાંક ન’તો/ મણિબેનનો જ બધો વાંક હતો’ આ અવિસ્મરણીય કટાક્ષ રચનાને નવું પરિપ્રેક્ષ્ય આપે છે.

‘બોઝ’માં ગાંધીજી અને સુભાષને સાથે સાથે મૂકી ‘એક સોહરાબ હતો ને હતો બીજો રુસ્તમ’ દ્વારા સંબંધની સંકુલતાને ઉપસાવી આપે છે.

‘રખમાબાઈની ઉક્તિ’માં તત્કાલીન સમાજની માનસિકતા અને ન્યાયવ્યવસ્થાને સામસામે મૂકી રખમાબાઈની દ્વિધાને કેન્દ્રમાં મૂકી છે: ‘ના જાઉં તોય કેદ છે ને જાઉં તોય કેદ.’ આ વિભાગની આ સર્વ રચનાઓમાં થયેલું કવિનું પુનર્વાચન, આલેખન અને મર્મનું પ્રસ્થાપન કેવેફીની પ્રસંગનિર્ભર કાવ્યસત્તાની જેમ બલિષ્ઠ છે.

ચોથા ખંડની નિરંજન ભગત, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર કે જયંત પારેખના નિમિત્તે થયેલી રચનાઓ આ સંગ્રહની પ્રમાણમાં સાવ નબળી રચનાઓ છે.

આ સંગ્રહનો સૌથી કીમતી પાંચમો ખંડ છે. યુરોપીય ચિત્રકલા, ભીંતચિત્ર, શિલ્પ,ગ્રીક મિથક વગેરે પરની રચનાઓ કલાકૃતિના સંદર્ભોમાં લઈ જઈ વ્યાપક ભાવફલક પર ભાવકને પ્રતિષ્ઠ કરે છે. એમાં વારે વારે આવતો વ્યંગનો પુટ એક જુદો કાવ્યાસ્વાદ ઉમેરે છે. ઘણીખરી રચનાઓ કળા અને જગત વચ્ચેના સંબંધો પર નવો ઉજાસ પાથરે છે.

‘માતા મેરીનું મૃત્યુ’માં ચિત્રકાર અને પાદરીની ચિત્રદશાનો વિરોધ કાવ્યને નવા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. ‘વેરની વસૂલાત’માં તાસ્સી અને હલોફર્નિસની એકસમતામાંથી ઊભી થતી બાઈબલની કહાણીનું હાર્દ બરાબર ઝિલાયું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મુકાયેલું ‘વોર એન્ડ પીસ’નું ભીંતચિત્ર બે વિભાગથી કઈ રીતે પ્રભાવ પાડે છે એનું સઘન નિરૂપણ છે. ‘ફેર એન્ડ લવલી’ રચનામાં કંપનીની ઠેકડી સાથે ચાર સદીનું અંતર કાપતી શીબાની રાણીનું ચિત્ર ઝટ ભુલાઈ જાય એવું નથી. ‘ક્રિસ્ટોફર પાર્ક, ન્યુયોર્ક’માં સજાતીય મુદ્દાને ધ્યાનાકર્ષક બનાવી ઉચ્ચારે છે:

સીતાફળ ભાવે કોઈને, કોઈને રામફળ,
દાસ ઉદયન કહે, જેવી જેની મરજી !

દલપતરામના મનહરનું ચાઠું લગાવી અહીં ફળોના સાર્થક ઉલ્લેખ સાથે કવિએ ગંભીરને વધુ ગંભીર બનાવવાનો કીમિયો હાથ ધર્યો છે. ‘અદાલતનો તિરસ્કાર’માં રુશવતખોર ન્યાયાધીશને રોચક રીતે ઉઘાડો પાડયો છે. ઇકરસના યુરોપીય પુરાકલ્પનોની બે ચિત્રકારો દ્વારા થતી ભિન્ન ભિન્ન ચિકિત્સાઓમાં કવિએ પોતાનો મર્મ દાખલ કર્યો છે.

‘વ્હિસલર વિ રસ્કિન’માં કવિએ લંડન કોર્ટના 1878ના મુકદ્દમાનો આધાર લીધો છે. કોઈ ચિત્રકારના ચિત્ર પર રસ્કિને આપેલા અભિપ્રાય નિમિત્તે આ રચના ‘જે ચીતરી શકે વૃક્ષો ને ફૂલ આબેહૂબ/શું એમને જ તમે ચિત્રકાર કહેવાના?/તો ચિત્ર પડતું મૂકો ને લઈ લો ફોટોગ્રાફ’ જેવા સત્યની નિકટ પહોંચી, ચિત્રની પાછળ જઈ ચિત્રકારની ઉપાસનાને કેંદ્રસ્થ કરે છે.

આમ કલાસંદર્ભો પર સમૃદ્ધ સંવેદનો ઉપાસવતું આ પાંચમું કાવ્યજૂથ ગુજરાતી કવિતાને નિઃશંક સમૃદ્ધ દિશા ભણી લઈ ગયું છે.

છઠ્ઠા વિભાગની એકમાત્ર ‘ક્રૂઝેડ’ રચના કવિને મન કદાચ મહત્ત્વાકાંક્ષી રચના હશે. યુરોપના મધ્યકાલીન ખ્રિસ્તી ધર્મયુદ્ધનો વિષય લઈને ચાલતું એનું સખળડખળ માળખું વિષમ છે: ક્યાંક ‘લોલ’ના લયપ્રદેશથી, ક્યાંક કાઠિયાવાડી લયલહેકાથી, ક્યાંક ‘લંકા મધ્યે વાનર જેમ’ જેવા ઉપહાસથી, ચાચર ચોકના પ્રવેશથી, ક્યાંક પદ્ય જોડે ગદ્યના પ્રવેશથી. કવિએ ગંભીરતાપૂર્વક અને સાવધાનીપૂર્વક વધુ કામ કરવાની ને વિષયની માવજત કરવાની જરૂર હતી.

સાતમો ખંડ દુહા સોરઠા અને ગઝલોનો ખંડ છે. એમાં કેટલુંક નિમિત્તકાર્ય છે, તો બાકીનું બહુ જુદો તેવર દાખવતું નથી, પણ છંદોવિધાન નિમિતે આ સંગ્રહની રચનાઓ વિષે વાત કરવા જેવી છે.

અહીં કવિએ ઠેર ઠેર કાવ્યરચનાને અંતે છંદોવિધાનને નિર્દેશ્યું છે. લઘુગુરૂના માળખાથી છંદનું માપ બતાવવાના આ પ્રયત્ન છતાં કવિએ એ માળખાંઓનો વારંવાર ભંગ કર્યો છે. ગઝલમાં ચાલી આવેલી ફારસી ભાષાની સમજથી ગુજરાતી ગઝલમાં લેવાતી છૂટનો ઉદયનની રચનાઓ ભોગ બની છે. ફારસીનું પ્રતિમાન ગુજરાતી ભાષા પર લાદવા જતાં, જેમ અંગ્રેજીમાંથી ગુજરાતી પર સ્વરભારાત્મક ઉચ્ચારનું રમખાણ ખબરદારે ઊભું કરેલું તેવું જ રમખાણ ગુજરાતીમાં ગઝલક્ષેત્રે ઊભું થયું છે. આ સમગ્ર પ્રયોગ ગુજરાતી ભાષાના મિજાજ વિરુદ્ધનો છે. ઉદયન ઠક્કરે એ જ માર્ગ લીધો છે અને તેથી એમણે જ દર્શાવેલું લઘુગુરુનું છંદમાપ મુશ્કેલીઓ ઊભી કરે છે.

સંસ્કૃતોત્થ ગુજરાતી ભાષાની તાસીરને સમજ્યા વગર ખબરદારે ગુજરાતી પર લાદેલું સ્વરભારાત્મક છંદવિધાન જે રીતે ગુજરાતી ભાષાને અનુકૂળ નથી (‘કલિકા’માં પ્રયોગ કર્યા પછી ખબરદારે એ પ્રયોગ છોડી દીધો હતો.) આ જ રીતે ફારસી અરુઝની બાબતમાં થયું છે. અલબત્ત આ આખો વિષય છંદ અને ભાષાની તાસીર અંગે ચર્ચાનું નવું વિષયક્ષેત્ર ખોલે છે.

ઉદયન ઠક્કરનો આ કાવ્યસંગ્રહ સભાનપણે આ વિભાવના લઈને ચાલ્યો છે. ટેવાયેલા છાંદસ કાનને આથી ક્યાંક ક્યાંક બહુ મુશ્કેલીઓ પડે છે.

આ મુદ્દાને બાજુએ રાખીને ચાલીએ તો આ કાવ્યસંગ્રહમાં વિષયોના સંવેદનશીલ નિર્વહનોથી રચનાઓ ધ્યાનાકર્ષક બની છે.

(રાવણહથ્થોઉદયન ઠક્કર, આર.આર. શેઠની કંપની, અમદાવાદ, 2022)

  • ‘બુદ્ધિપ્રકાશ,’ જાન્યુ 2023

આપનો પ્રતિભાવ આપો..