“ઋતુસ્રાવ” વિષયક પાંચ કાવ્યો ~ યામિની વ્યાસ (સુરત)
૧) બસ વહેવા દો
હું તો કંકુવરણી શુકનિયાળ નદી છું
અને તમે બંધિયાર વાવ કહો છો!
ધીમેધીમે જૂની માન્યતાનાં
જર્જરિત પગથિયાં ઊતરો તો સારું.
મેં તો એમાં સાંભળેલી
બધી ગઈકાલોને વહાવી દીધી છે.
તમેય ઓગાળી દો
વ્યર્થ ગુસપુસ ઘોંઘાટ.
મૌનથી વધાવો
છલકી ઊઠેલા રતુંબલ પ્રવાહને.
નદીને નદી જ રાખો.
તમારી રોકટોકથી એ
તરફડતી માછલી ન બની જાય,
કારણ કે
હું જ એમાં ઓગળીને
ફરી નવી બનું છું.
એ રીતે હું જ ફરી મને ઘડું છું,
ને તમારો દેહ ઘડનાર પણ હું જ.
ઋતુનું ચક્ર સહજ ફરતું રહે છે.
એ દિવસો પછી ફરી
લાલ જાજમ બિછાવવી શરૂ કરું
થાક્યા વિના ને
પ્રતીક્ષા પછી આખો અસબાબ
વહાવી દઉં નદી બની.
કદી માતૃત્વ પ્રાપ્ત કરું
તો સર્જક બ્રહ્માજીના
સાંનિધ્યે હોઉં એવું લાગે.
આ નદી મારી
ફળદ્રુપતાની નિશાની છે,
સ્ત્રીત્વની વધામણી છે,
એટલે જ વહેતી રહું છું,
ત્રિવેણી સંગમની ગુપ્ત નદી માફક,
મારી જ નસેનસમાં
ને સકલ અસ્તિત્વમાં પણ.
એનો આટલો ઊહાપોહ શાને?
આ તો શરમની નહીં,
ગર્વની વાત છે.
તમે કંઈપણ કહેવાનું રહેવા દો.
બસ, મને વહેવા દો.
૨) ગીત: એ કંઈ ચોઘડિયાં જોઈને ન આવે
મધુમાલતી જેવી લાલ માસિકા ચિઠ્ઠી
એક છોકરીને નામ આજ આવે
એ કંઈ ચોઘડિયાં જોઈને ન આવે.
જાસૂદ, ગુલાબ, કરેણ, કમળની માફક
માદક સોડમને પ્રસરાવે,
એ કંઈ ચોઘડિયાં જોઈને ન આવે.
કદી ચાંદનીમાં આવે, સૂરજ ભેગીય આવે
કે પધારે ઢળતી સાંજે,
આયખું છે બસ એનું ચારપાંચ દીનું,
પુન:જન્મે એ મહિને કે માસે,
વહે ધોધમાર નહીં તો, કદી છાંટાછાલક,
કદી રાતી વાછટથી પલાળે.
એ કંઈ ચોઘડિયાં જોઈને ન આવે.
ખીલવે પ્રથમ બે છાતીનાં ફૂલો,
પછી જ વસંત આખી ખીલતી,
ઊડતાં પતંગિયાંને હૈયામાં પકડીને
ઝીણેરો મૂંઝારો ઝીલતી,
લાલ ટીપું આવી પૂછે,
‘ઉકેલું અક્ષર કે હવે તને વાંચતા ફાવે?’
એ કંઈ ચોઘડિયાં જોઈને ન આવે.
૩) રંગ દો લાલ
નવરાત્રિએ માના ગર્ભદીપનો રંગ,
રોજ ઊગતી ઉષાનો રંગ,
ચાંદલો, મહેંદી, કંકુથાપા
કે ઉંબરે આવકારતા
સ્વસ્તિકના રંગ જેટલો જ પવિત્ર છે
લોહીનો રંગ
અને જેના લોહીમાંથી ઘડાયા
તે માનું લોહી પણ.
સર્જન હોય ત્યાં મા હોય જ.
ધરતીમાના ગર્ભમંદિરમાં
ઋતુઋતુએ સર્જન છે,
ઋતુસ્ત્રાવ પણ છે,
વરસાદ છે ને નદીઓ છે.
એમાં સ્નાન કરીને પાવન થઈએ છીએ
તો જ્યાં તમારું પોતાનું સર્જન થયું છે
એ તટે વહેતી નદી અપવિત્ર?
આ તો ઉત્પત્તિની પરમ અનુભૂતિની વાત.
એના અર્થ ન હોય,
છતાં પૂછી જોયું કેટલાંક મોઢાંઓને
અને ઉથલાવી જોયો લોકકોશ.
રજોદર્શન એટલે?
દૂર બેસવું, વેગળે બેસવું,
છેટે બેસવું, ખૂણો પાળવો,
માથે બેસવું,
સ્ત્રીએ અભડાવવા માંડવું
તે ને એવું તો કંઈક ઘણું.
સમયે સમયે નવા શબ્દો
અને એના અર્થ ઉમેરાય
તેમ અમુક શબ્દો કાઢી ન નંખાય?
ખેર એ કોશમાત્ર છે,
લાગણીકોશ નથી.
એ લાલ નથી.
૪) અડકાબોળો
ટિંગટોંગ…
‘કોણ?’
‘એ તો હું માસિક. પહેલીવાર આવું છું એટલે કદાચ ન ઓળખાઉં.’
‘ઓ નાની જો મારામાં…’
‘ઓહ બેટા, થાય આ ઉંમરે… તું માથે બેઠી.’
‘કોના? ઊભી તો છું!’
‘ગુડ્ડુ, હવે ઉછળકૂદ નહીં, તું મોટી થઈ ગઈ.’
‘એટલે જ જાઉં છું બાસ્કેટબોલ રમવા.’
‘લે આ કપડું, પહેરી લે, તારી મમ્મી આવે પછી પેલું શું કહે છે?…’
‘અરે સેનેટરી પેડ. લઈ આવું છું, સામે તો દુકાન છે, નાની.’
‘તું લેવા જઈશ જાતે? સંકોચ નહીં થાય?’
‘નાની વારેવારે તને શરદી થાય છે તો તું રૂમાલ નથી ખરીદતી જાતે?’
‘સારું ઘરમાં ક્યાંય અડજે નહીં.’
‘શું કામ?’
‘સારું, માટલે ને પૂજાઘરમાં ન અડજે ને મને પણ.’
‘નાની, તને અડવાની ઇમર્જન્સી આવે તો?’
‘તો રેશમી કપડાં પહેરીને અડાય. અમારા વખતમાં નાના બચ્ચાને મા રેશમી કપડાં જ પહેરાવી રાખતી.’
‘ઓ નાની! કપાસફૂલ બનાવે એ કોટન કપડાં ન ચાલે, પ્યોર વેજ, પણ કીડો બનાવે એવાં રેશમી કપડાં ચાલે, નોનવેજ!’
‘અરે, અમારા જમાનામાં આવો અડકાબોળો ન્હોતો ચાલતો.
કંતાનના ગાદલા પર સૂવાનું, જુદા બેસીને ખાવાનું, પાણી કે ચીજવસ્તુ પણ દૂરથી જ અપાતી’
‘ઓ વાવ! આમ આઇસોલેટ થઈ ચેટ કરવાની કેવી મજા!
નાની, તું આપજે મને મોબાઈલ અનટચ કરીને.’
‘અરે, અમે તો રાહ જોતા, ક્યારે ત્રણ દિવસ પૂરા થાય ને માથાબોળ નાહી લઈએ.’
‘એમાં શું. નાની? ત્રણ દિવસ ટેરેસ પર એકલા ટહેલવાનું?’
‘ના રે… કોઈનાં અથાણાંનાં ચીરિયાં કે પાપડ સૂકવ્યા હોય તો ઓળા પડે.’
‘ના સમજાયું, પણ તું કથાપૂજા બહુ કરે છે ત્યારે પિરિયડ હોય તો?’
‘અરે નકોરડા ઉપવાસ કરતા. એક ઉપવાસ એટલે એક દિવસ ઓછો પાળવાનો ને રાત્રે આભમાં તારાને જોઈને તારાસ્નાન કરતા એટલે શુદ્ધિકરણ થઈ જાય.’
‘તે હું તો રોજ રાત્રે શાવર લઉં છું ને વાળ લૂછતાં બાલ્કનીમાં તારા તો જોઉં છું તો હું…’
‘ને સાંભળ છેલ્લી વાત, છોકરાઓથી દૂર રહેજે. કંઈ ઊંચનીચ થઈ જાય તો…’
‘નાની, કેમ હવે? પહેલાનું ઊંચનીચ ચાલે?’
‘હવે તને કંઈ કહેવું નથી, પણ કોઈનું મૃત્યુ થાય ને તો એના અંતિમદર્શન કરવા નજીક ન જઈશ, આવું હોય ત્યારે.’
‘ત્યારે તો એની વિદાય માટે ત્રણ દિવસ રાહ જોવાની?’
‘અરે એટલું બધું છે કે, તને કેમ સમજાવું? હજુ તો…
મારું તો વહેલું ગયું ને એ સારું…’
‘એ જ તો મારામાં આવ્યું, નાની.’
‘નાની, જો મોબાઈલ ચાલુ છે. આપણી વાત મમ્મી ક્યારની સાંભળે છે અને આવી રહી છે બધાને ભેગા કરીને સેલિબ્રેટ કરવા અડકાબોળો. મારા ફ્રેન્ડસ, ટીચર્સ, રિલેટિવ્સ બધા, રેડ કોસ્ચ્યુમમાં… રેડ રોઝ સાથે… નાચીશું, ગાઈશું, જલસા કરીશું…’
ટિંગટોંગ…
‘જો બેલ વાગ્યો. નાની, તું બારણું ખોલ, હું મ્યુઝિક ચાલુ કરું. સનેડો સનેડો લાલ લાલ સનેડો…’
૫) ગીત: ફરી મારામાં ઠલવાતી હું
સખી મારામાં રોપાતી હું
ને હું તો ઊગી, કંઈ ઊગી, કંઈ ઊગી,
ફરી મારામાં ઠલવાતી હું,
કૂદી જોઉં કે ક્યાં લગ પૂગી?
સખી મહિને મહિને જેમાં તરતી,
ક્યાંથી આવે એ રાતું તળાવ?
ગયું ઉપર નહીં ને પડ્યું નીચે?
જેમ ન્યૂટનને થાતો સવાલ,
બધું પૂછું પૂછું ને તોય જાણું
પણ જાણી જોઈને રહું મૂંગી
ફરી મારામાં ઠલવાતી હું,
કૂદી જોઉં કે ક્યાં લગ પૂગી?
એક લાલ વહેણ મને લઈ જાતું
મારી અંદરની સાચવી ધમાલ,
મારી મુગ્ધાની વેલ ફૂલેફાલે
ને ઊડે નારી શબ્દનો ગુલાલ,
વહેંચું ન પહેલો રોમાંચ-
કે જૈસે મેરી ઝાંસી નહીં દૂંગી.
ફરી મારામાં ઠલવાતી હું,
કૂદી જોઉં કે ક્યાં લગ પૂગી?
– યામિની વ્યાસ (સુરત)
તદ્દન નવી ભાત પાડતાં કાવ્યો. નવી વાત, નવી ભાત અને નવી રજૂઆત. અભિનંદન.
Very nice
યામિનીબહેન, દરેક કાવ્ય હ્રદય સોંસરવું ઊતરી ગયું. હું નિશબ્દ!
સંયમિત ભાષામાં
સભ્યતાપૂર્વક
સત્યનિવેદન કરી
સમાજજાગૃતિ માટેનો
સાહસિક પ્રયાસ! Congratulations