બે કાવ્યો ~ ગોપાલી બુચ ~ ૧) રેખા ૨) પંચપિંડા
1. રેખા
સફેદ કેનવાસ પર
રંગોના લસરકા
નથી ચિતરતા મેઘધનુષ,
મેઘધનુષ ચિતરાય છે
ચોક્કસ આકારમાં ઢળતી
સાત સાત રંગોની ગતિથી.
સપ્તરંગી વર્તુળના બે છેડા
એક સીધી રેખા સર્જે છે
એવી રેખા જે નિરાકાર છે, પણ છે.
હા, મેઘધનુષના સર્જન માટે
એક રેખાનું હોવું જરૂરી નથી
પણ, મેઘધનુષ સર્જન કરે છે
એક રેખાના અસ્તિત્વનું.
હું પણ રાહમાં છું,
એવી જ એક રેખા બનવા
સાત સાત રંગોના શણગારે,
એક એવી રેખા,
જે પોતાના બંને અંતિમબિંદુ પર
સજાવે છે સપ્તરંગી કમાન અને
વચમાં સમેટી લે છે
અર્ધગોળાકાર આકાશને.
૨. પંચપિંડા
એણે
પાણિહારે
લાલમાટલાનાં
શુકન કર્યા,
આંગણે શુભલાભના
સિંચન કર્યા,
જાણે, જળ સાથે જીવન વ્હેણ
જોડવાનો યજ્ઞારંભ.
સૌથી પહેલી આહુતિ પણ એણે જ આપી,
સ્વ સ્વાહા !
સ્વ સ્વાહાની વેદી પર
પ્રગટ અગ્નિતેજમાં પાવક
એ બની
અન્નપૂર્ણા .
એ ઉદ્દીપક બની
શિતળતા પ્રદાન કરતી રહી.
એણે પૂર્ણ આકાર આપ્યો
સ્વત્વને,
ભીતર પાંગરતા સત્વાર્થે
એ વિરાટ બની.
સમેટી લીધું એણે
આખું ગૃહબ્રહ્માંડ આકાશ બનીને.
ધમણની જેમ ધબકતા રહી
પ્રાણસંચાર કર્યો એણે ઘરનાં એકએક ખૂણામાં
એને અવિરતપણે શ્વસી રહેલી
ચાર દીવાલો અને એક છત
હવે ઘર બન્યા છે.
એણે વાત્સલ્ય બાંધથી
જકડી રાખ્યા છે
ઘરના મૂળને
જે રીતે પૃથ્વી
ગુરુત્વકર્ષણથી જોડી રાખે છે
પ્રકૃતિને.
એ
એક માત્ર એવી વસુંધરા
જે પંચતત્વના બ્રહ્માંડનો ભાર
પોતાની ધરી પર ટકાવે છે
અને તો પણ
એણે
નથી કર્યો દાવો કદી
ગોવર્ધન ઉચક્યાંનો.
~ ગોપાલી બુચ
સુંદર રચના આલેખન તમારી કલાકાર પ્રતિભા વંદન
અભિનંદન ♥️