પ્રકરણ:13 ~ સિડનહામ કૉલેજ ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
પ્રકરણ:13
સિડનહામ કૉલેજમાં દાખલ તો થયો, પણ કૉલેજિયન થવું અઘરું હતું. કૉલેજમાં જવા વિશેના મારા જે રોમેન્ટિક ખ્યાલો હતા તે બધા એક પછી એક એમ ધીમે ધીમે ઓસરવા માંડ્યાં.
પહેલી મોટી મુશ્કેલી તો એ પડી કે ક્લાસમાં પ્રોફેસર શું બોલે છે તેની કંઈ ખબર જ ન પડે! હું તો વાયા વિરમગામથી આવેલો. ગુજરાતી મીડિયમમાં ભણેલો. અંગ્રેજીનો કક્કો બારાખડી આવડે એટલું જ, પણ લખવા, વાંચવા અને ખાસ તો બોલવાના ફાંફા!
મુંબઈની કૉલેજોમાં મીડિયમ ઈંગ્લીશ, બધું જ કામ અંગ્રેજીમાં થાય. કંઈ ખબર ન પડે. પહેલે જ અઠવાડિયે “હું બહુ હોશિયાર છું” એ ફાંકો ઊતરી ગયો.
વધુમાં બોર્ડ ઉપર પ્રોફેસરે જે કાંઈ લખ્યું હોય તે વંચાય નહીં. ક્લાસમાં સંખ્યા મોટી, ક્લાસ રૂમ મોટા. આગળ છોકરીઓ બેઠી હોય. હું તો દૂર છેલ્લી પાટલીએ બેસનારો.
મેં બાજુવાળાને બોર્ડમાં જે લખાતું હતું તેની કોપી કરતો જોયો તો પૂછ્યું: તને આ બધું વંચાય છે? એ મને કહે: હાસ્તો, તું આંધળો છે? જા, ચશ્માં લઈ આવ. ત્યારે મને ખબર પડી કે મને ચશ્માંની જરૂર છે! બીજે દિવસે પૂછપરછ કરી કાલબાદેવી ગયો.
ત્યાં ચશ્માંવાળાઓની દુકાનો ઘણી. એકમાં ગયો. એણે થોડાક ચશ્માં મારી આંખ પર લગાડીને પૂછ્યું કેમાં સારું દેખાય છે? આમ દસ મિનિટમાં જ હું ચશ્માધારી બની ગયો!
કૉલેજમાં પહેલે જ દિવસથી મેં જોયું તો મુંબઈની કોન્વેન્ટ સ્કૂલોમાં ભણેલા છોકરાઓ, ખાસ કરીને પારસી અને ક્રિશ્ચિયન છોકરાછોકરીઓ અંગ્રેજીમાં સહજ જ વાતો કરે, ક્લાસમાં પ્રોફેસરોને પ્રશ્નો પૂછે, અને આપણી ફાટે. થાય કે ક્યાં આવી ગયા?
કૉલેજના પાઠ્યપુસ્તકો પણ અંગ્રેજીમાં જ હોય. ત્રણસો ચારસો પાનાંના આખા ને આખા અંગ્રેજીમાં લખાયેલાં પુસ્તકો મેં પહેલી વાર જ જોયાં. ઈંગ્લીશ લખવા, વાંચવા અને બોલવાની સહજતા તો ઠેઠ અમેરિકા આવ્યા પછી જ આવી. કોલેજના એ ચાર વર્ષોમાં ક્લાસમાં એક વાર પણ ઊભા થઈને પ્રોફેસરને સમ ખાવા પૂરતો પણ કોઈ પ્રશ્ન પૂછવાની હિંમત મેં કરી નહોતી!
કૉલેજમાં જવાનું બીજું આકર્ષણ એ હતું કે ત્યાં ભણતી મુંબઈની આધુનિક છોકરીઓ સાથે મારી મૈત્રી થશે. આવી કોઈ મૈત્રી પ્રેમમાં પણ કદાચ પરિણમે!
આવું બધું ઘર ઉપરની મેડીએ નવલકથાઓ વાંચતાં વાંચતાં કલ્પેલું. ગામમાં તો છોકરી સામે જોવું હોય તો પણ છાનામાના જ જોવાનું.
આગળ જણાવ્યું તેમ નિશાળમાં બે ત્રણ છોકરીઓ ક્લાસમાં હોય. પણ એ તો ક્લાસમાં આગળ બેસે. શિક્ષક સાથે આવે અને જાય. એમની સાથે વાત તો ક્યાંથી થાય? વાત કરવાની હિંમત પણ ક્યાં હતી. અરે, રસ્તામાં સામે જો કોઈ છોકરી મળી ગઈ હોય તો નીચે જોઈને ચાલવામાં આપણી ખાનદાની છે એવું અમારા મગજમાં ઠસાવાતું.
મુંબઈની છોકરીઓ અને સ્ત્રીઓ તો છૂટથી હરેફરે, ઑફિસોમાં કામ કરે, ટ્રેઈનમાં આવે જાય અને પરપુરુષો સાથે છૂટથી વાતો કરે. આ બધું જોઇને આપણે તો ખુશ થઈ ગયા. થયું કે આમાં ક્યાંક તો આપણો નંબર લાગશે. થયું કે કૉલેજમાં કોઈ છોકરી સાથે અલકમલકની વાતો કરીશું. એને પ્રણય કાવ્યોનો રસાસ્વાદ કરાવીને એના પ્રેમમાં પડીશું!
વાસ્તવિકતા કૈંક જુદી જ નીકળી. કૉલેજમાં છોકરીઓ જરૂર હતી, અને એ છોકરાઓ સાથે હળતી મળતીય ખરી. પણ એ છોકરાઓ કોણ અને કેવા? ટાયનોલમાં ધોવાયેલ એક્સ્ટ્રા સ્ટાર્ચવાળા પેન્ટ શર્ટમાં આંટા મારનારા, કેટલાકના મોઢામાંથી સિગરેટના ધુમાડાના ગોટા નીકળે, અને તાજેતરમાં જોયેલી હોલીવુડની મૂવીઓની અંગ્રેજીમાં વાતો કરતા હોય. કેટલાક તો પોતાની ગાડીમાં કૉલેજમાં આવે. કેટલાકને ડ્રાઈવર લઇ મૂકી જાય.
એ નબીરાઓની સામે આપણો નંબર ક્યાંથી લાગવાનો? હજી હું કફની લેંઘા અને ચપલમાં જ આંટા મારતો હતો. અંગ્રેજી બોલવાના ફાંફા તો પહેલેથી જ હતા. છોકરીઓની બાબતમાં આપણી દશા તો જેવી દેશમાં હતી તેવી જ અહીં રહી.
કૉલેજના ચાર વર્ષોમાં એક વાર પણ કોઈ છોકરી સાથે વાત કરવાની હિંમત કરી નહોતી, તો પછી પ્રેમ કરવાની વાત તો ક્યાં કરવી? માત્ર દૂરથી આ છોકરીઓને જોયા કરવાથી વધુ હું કશું ન કરી શક્યો.
મને ગુજરાતી કવિતા વાંચવા લખવાનો શોખ છે, એની વાત અહીં આ કૉમર્સ ભણતી છોકરીઓને કેમ કરવી?
આમ કૉલેજમાં જવાનો મારો ઉત્સાહ ઓસરવા મંડ્યો. થયું કે આ તો મોટી ભૂલ થઈ ગઈ. ક્લાસમાં જો પ્રોફેસર બોલે તે કશું સમજાય જ નહીં તો હું એક્ઝામ પેપર્સ કેમ લખીશ? અને જો ફેઈલ થયા તો રતિભાઈને શું મોઢું બતાડીશ? અને કાકાને થશે કે મોટે ઉપાડે કૉલેજમાં જઈને મેં શું ઉકાળ્યું? થયું કે દેશમાં પાછા જવું? મારકેટમાં પાછા જવું? ત્યાં તો “હું હવે કૉલેજમાં જવાનો છું,” એમ બણગા ફૂંક્યા હતા. કયા મોઢે હું પાછો જાઉં?
સાપે છછુંદર ગળ્યા જેવી વાત થઇ. આવી હતાશ મનોદશામાં હતો ત્યાં એક દિવસે કૉલેજમાં ભાઈ નવીન જારેચાની ઓળખાણ થઈ.
કૉલેજમાં એ જમાનામાં જુદી જુદી ભાષામાં વોલપેપર ચલાવાતા – ગુજરાતી, મરાઠી, હિન્દી, વગેરે. વિદ્યાર્થી રચિત કવિતા, વાર્તા, લેખ વગેરે તેમાં સારા અક્ષરે લખાઈને ભીંતે લગાડેલા કાચના બોક્સમાં મુકાય. દર મહિને એ બદલાય.
હું આ પ્રવૃત્તિ ઉત્સુક્તાથી જોતો. થતું કે મારે પણ એમાં કવિતા મૂકવી જોઈએ. પણ આપવી કોને?
એક દિવસે નવીનભાઈ ગુજરાતી વોલપેપર “પૂર્ણિમા” બદલતા હતા. મેં જઈને પૂછ્યું કે મારે અહીં કવિતા કેવી રીતે મૂકવી? એ કહે મને આપો, હું આનો તંત્રી છું. આપણે તો તૈયાર હતા! મેં એમને તરત જ મારી તાજેતરમાં લખાયેલ કવિતા આપી. એ પૃથ્વી છંદમાં લખાયેલ સૉનેટ હતું. એ એમણે ‘પૂર્ણિમા’ માં મૂક્યું.
કૉલેજના ગુજરાતીના પ્રોફેસર હતા મુરલીભાઈ ઠાકુર, એમણે આ સૉનેટ જોયું ને પૂછ્યું કે “આ નટવર ગાંધી કોણ છે?” કોઈ નવોસવો છોકરો છંદોબદ્ધ કવિતા લખે અને તે પણ પૃથ્વી છંદમાં અને સૉનેટમાં? મને મળવા બોલાવ્યો, ગયો. આમ મુરલીભાઈની ઓળખાણ થઈ.

મને કહે, તમે લખતા રહો. પાછળથી ખબર પડી કે એક જમાનામાં મુરલીભાઈ પણ પોતે કવિતા લખતા. હરિશ્ચંદ્ર ભટ્ટ સાથે “સફરનું સખ્ય” એ નામે એમનો એક જોડિયો કવિતાસંગ્રહ પણ છપાયો હતો.
મારી કવિતા આમ ‘પૂર્ણિમા’માં આવ્યાને કારણે સ્વર્ગસ્થ કવિ હરિશ્ચન્દ્ર ભટ્ટના સુપુત્ર મેઘનાદ ભટ્ટ જે બી.કોમ.ના જુનિયર વરસમાં હતા તેમની સાથે પણ મારી ઓળખાણ થઈ. એ કવિપુત્ર પણ કવિતા લખતા હતા.

જારેચા, મેઘનાદ અને હું લગભગ દરરોજ મળીએ, જે કંઈ લખ્યું હોય તે એકબીજાને બતાડીએ. હું મુંબઈમાં નવોસવો. એ બંને મારાથી બે વરસ સિનિયર, પણ કવિતાની બાબતમાં હું એ બંનેથી આગળ હતો. એ બંનેને હજી જયારે છંદનું કોઈ ઝાઝું ભાન ન હતું ત્યારે મને તો છંદોની હથોટી બેસી ગઈ હતી.
હું છંદોમાં જ કવિતા લખતો! એ ઉપરાંત મારું ગુજરાતી સાહિત્યનું, ખાસ કરીને કવિતાનું જ્ઞાન ખાસ્સું હતું. કોઈ પણ કવિનું નામ પડતાં એ કવિની કઈ કવિતા પ્રસિદ્ધ છે અને એના ક્યા ક્યા કવિતાસંગ્રહો પ્રગટ થયા છે તે હું તરત જ કહેતો. ગામની લાયબ્રેરીમાં જે થોથાં ઉથલાવ્યાં હતાં તે અહીં કામે લાગ્યાં!
આમ હું કૉલેજમાં જયારે હારીને બેઠેલો ત્યારે કહો તો કવિતાએ મને બચાવ્યો. જ્યાં મને કોઈ ઓળખતું ન હતું ત્યાં એકાએક જ મારા ભાવ વધી ગયા.
ગુજરાતીના પ્રોફેસરને જાણવું હતું કે આ નટવર ગાંધી કોણ છે! કવિતા દ્વારા જ મારી અને જારેચાની અને ભટ્ટની મૈત્રી થઈ. એ મૈત્રી કૉલેજ પછી પણ ચાલુ રહી.
બી.કોમ. થયા પછી ભટ્ટને તો લાગવગથી મફતલાલ મિલની મુંબઈની ઑફિસમાં નોકરી મળી ગઈ. એમના એક મિત્ર જે મફતલાલ છોડીને થોમસન ઍન્ડ ટેલર નામના ડીપાર્ટમેન્ટ સ્ટોરમાં નોકરી કરવા ગયા હતા ત્યાં મને તેમની ભલામણથી નોકરી મળી. આમ ભટ્ટની મદદથી મને જો મારી પહેલી નોકરી મળી તો જારેચાની મદદથી હું અમેરિકા આવી શક્યો.
મારા જીવનમાં, ખાસ તો મારી પ્રગતિમાં જે મહત્ત્વનું સ્થાન રતિભાઈ ધરાવે છે, તેટલું જ અગત્યનું સ્થાન જારેચાનું છે.
જારેચાની મદદથી હું કેવી રીતે અમેરિકા આવ્યો અને અમેરિકામાં એમણે મારી જે સંભાળ કરી એ વાત આગળ ઉપર આવશે.
અત્યારે તો કૉલેજના વર્ષોની વાત કરવાની છે. મેં જોયું તો જારેચા હજી પણ કફની લેંઘા અને ચપલમાં જ પણ નિસંકોચ ફરતા હતા. જયારે હું સંકોચ અનુભવું ત્યારે એ કૉલેજમાં બધે છૂટથી હરેફરે. હું તો કૉલેજની કેન્ટીનમાં જતા ગભરાઉં. ત્યાં કાઉન્ટર પર જઈ ઓર્ડર કરવાની પણ હિંમત ન ચાલે. જારેચાને એ કોઈ સંકોચ નહીં. એ તો મુરલીભાઈની કેબીનમાં પણ સહેજ જ પહોંચી જાય.
હું એમની આંગળીએ આંગળીએ બધે જવા માંડ્યો. એક વાર અમે બંને પ્રખ્યાત કવિ રાજેન્દ્ર શાહના પ્રિન્ટીંગ પ્રેસ લિપિનીમાં રવિવારની સવારે પહોંચી ગયા.

ત્યાં રાજેન્દ્રભાઈ ઊગતા કવિઓ માટે વર્કશોપ ચલાવતા. નવા કવિઓ હોંશે હોંશે પોતાની કવિતા વાંચે. રાજેન્દ્રભાઈ મઠારે. વચમાં વચમાં પ્રેસના કારીગરોનું કામ જોતા તપાસતા જાય અને સૂચનો કરતા જાય.
કાવ્યવાચન પછી નાસ્તો આવે. એક વાર નાસ્તો જલદી આવી ગયો. અમારા બધાનું ધ્યાન નાસ્તામાં! રાજેન્દ્રભાઈ કહે કવિતા બાજુએ મૂકો. પહેલાં નાસ્તો કરી લઈએ. “પહેલાં ભોજન, પછી ભજન!”
એક વાર મેં પણ રાજેન્દ્રભાઈને મારી છંદોબદ્ધ કવિતા દેખાડી. કોલેજના વાર્ષિક મેગેઝિનમાં છપાયેલી હતી. એટલે મુરલીભાઈના હાથ નીચે પસાર થઈ હતી. મને એમ કે જેમ મુરલીભાઈએ એને વખાણી હતી તેમ રાજેન્દ્રભાઈ પણ એનાં વખાણ કરશે.
વાંચીને કહે, તમારા છંદ કાચા છે. મને ગમ્યું નહીં. નાની ઉંમરમાં છંદોબદ્ધ કવિતા લખવાની મારી આવડતનાં અત્યાર સુધી વખાણ જ સાંભળ્યા હતા. ત્યાં જાણીતા ગીત કવિ અને ચિત્રકાર પ્રદ્યુમ્ન તન્ના આવ્યા. એની તરફ નજર કરીને કહે, જુઓ, આ પ્રદ્યુમ્નના બાવડાં જોયા? કેવા જોરદાર છે! એ જોરદાર કેવી રીતે થયા? એ દરરોજ અખાડામાં જઈને કસરત કરે છે. તમારે એવો નિયમિત છંદોવ્યાયામ કરવાની જરૂર છે.
વર્ષો પછી જ્યારે મારા પ્રથમ કવિતાસંગ્રહ, ‘અમેરિકા અમેરિકા’નું વિમોચન થયું ત્યારે રાજેન્દ્રભાઈ આવ્યા હતા. એ મને ગમેલું, પણ મનમાં હું વિચાર કરતો હતો કે હવેના મારા છંદો વિષે એ શું માનશે?
જારેચા સાથે મુંબઈમાં મેં બહુ આંટા માર્યા છે. જારેચાને કૉલેજમાં સહજતાથી અંગ્રેજીમાં વાતો કરતા, હરતાફરતા જોઈ મને થોડી ધરપત થઈ. થયું કે હું પણ વરસે બે વરસે આમ અંગ્રેજી બોલતો થઇ જઈશ.
હું જયારે કોલેજના જુનિયર વરસમાં આવ્યો ત્યારે એ તો બી.કોમ થઈ ગયા હતા. જ્યારે મોટા ભાગના ગ્રેજુએટ્સ નોકરી ગોતતા હતા ત્યારે એ અમેરિકા જવાનો વિચાર કરતા હતા!
મને થયું, “આ માણસ ગજબ છે! છે સામાન્ય સ્થિતિના, માંડ માંડ મધ્યમ વર્ગના કહી શકાય એવા કુટુંબમાંથી આવે છે, અને છતાં અમેરિકા જવાની વાત કરે છે!”
(ક્રમશ:)