એક ટીપું ઝાકળનું ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:૨ (ત્રણમાંથી) ~ લે: વર્ષા અડાલજા

ભાગ:૨

સમયનું ચક્ર અટકી ગયું હોય એમ ઓરડામાં સ્તબ્ધ સન્નાટો હતો. ચિત્રવત્ સહુ બેઠા હતા. રીનાના બેડરૂમમાં ચૂપકીદી હતી. અનસૂયા ગભરાઈ ગઈ. રોષથી બળુંબળું થતી રીના જે રીતે બેડરૂમમાં દોડી ગઈ અને બારણું પછાડ્યું ત્યારથી કેવા કેવા વિચારો આવતા હતા. અખબારમાં રોજના સમાચાર હતા. સાવ ક્ષુલ્લક કારણોસર છોકરાછોકરીઓ આત્મહત્યા કરતા હતા!

અનસૂયા બાપુજી પાસે દોડી ગઈ, `બાપુજી, રીનાનું ભલું પૂછવું. આવી મેન્ટલ કન્ડિશનમાં ક્યાંક… આજની જનરેશનનું કંઇ હેવાય નહિ … છાશવારે પંખા પર લટકે… ઓ ભગવાન!’

એણે જોરથી રીનાના બેડરૂમનું બારણું ધધડાવવા માંડ્યું. વીરેન્દ્ર અને બાપુજી પણ આ નવા વિચારના ફૂટેલા ફણગાથી ગભરાઈ ગયા.

`રીનાબેટા! દરવાજો ખોલ.. રીના.. રીના.. સાંભળે છે? તારા વહાલા દાદાજીના સમ.’

વીરેન્દ્રએ હાથ જોડ્યા, `રીના, તને પ્રૉમિસ આપું છું, તારી મરજી મુજબ જ અમે કરશું પણ દરવાજો ખોલ. તું તો અમારી લાડકી પ્રિન્સેસ.’

અચાનક રીનાનો અવાજ બારણાંની આરપાર સૌના હૃદયને વીંધી ગયો.

`યુ ઓલ આર લાયર્સ. જુઠ્ઠાડા છો બધા. ના. મને કોઈ પ્રેમ નથી કરતું. મારું કોઈ નથી, હું અનાથ છું.’

રીના ભાંગી પડી. અત્યાર સુધી રોષથી ધગધગતી હતી, હવે ભરતીના ધસમસતાં મોજાંની જેમ આંસુ ઊમટી આવ્યાં.  એની સોળ વરસની જિંદગી અચાનક ઉપરતળે થઈ ગઈ હતી.

અનસૂયા બારણાં પાસે ફસડાઈ પડી.

`તું જ આવું બોલે તો હું ક્યાં જાઉં?’

રીનાએ તાકીને તીર માર્યું, `શું તું મમ્મી, હું હવે તારી એકની એક નથી, મને ખબર છે. તું ક્યાં જવાની? બીજી પ્રિન્સેસ તો છે! હવે મને ડિસ્ટર્બ નહીં કરો.’

આંસુ લૂછતી રીના બેઠી થઈ ગઈ. હા, એનું કોઈ નથી. એટલે હવે પછીની જિંદગીનો નકશો પણ એણે જ દોરવાનો છે. એણે શું કરવું જોઈએ? એ શું કરી શકે! પ્રેમનું નાટક કરી મને છેતરી. હવે એ લોકો સાથે તો રહેવાય જ નહીં. ન જાણે કઈ કઈ વાતો એનાથી છુપાવતી હશે, એ પોતે તો ખરેખર એમની જ દીકરી હશે ને! શ્રીનાથજી તો એ લોકોના પક્ષે હતા, તો હવે કોની મદદ માગવી?

અચાનક બદલાયેલા આવા સંજોગોનો સામનો કેમ કરવો એ કોઈને, બાપુજીને પણ ન સૂઝ્યું. અત્યારે તો એક જ ચિંતા હતી કે રીના હવે શું કરશે? હવે આટલી ચૂપકીદી કેમ?

રસોડામાંથી બધું સાંભળતો રણજીત સંકોચ પામતો આવ્યો, `દાદાજી.. હું કાંઈ કહું?’

`આમાં તું શું કરીશ ભાઈ?’

`દીદી અંદર શું કરે છે, જોઈ લઉં?’

`પણ દરવાજો તો બંધ છે.’

`પણ મમ્મી દીદીના રૂમની એક બારી પાછલી બાલ્કનીમાં પડે છે, એ સાફ કરવા મેં સવારે ખોલી હતી, ખાલી અટકાવેલી છે હું…’

`ચાલ, જલદી.’

વીરેન્દ્રએ રણજીતને ચૂપનો ઇશારો કર્યો, બન્ને દબાતે પગલે બાલ્કનીમાં ગયા. વીરેન્દ્રે ખૂબ ધીમેથી બારી થોડી વધુ ખોલી, રીના રૂમમાં ચક્કર મારી રહી હતી. બહાર આવી એણે ઇશારો કર્યો. સહુને હૈયે ટાઢક થઈ. ઉભડક જીવે બે કોળિયા ખાધું. રીનાને ફરી સાદ પાડ્યો. કશો જવાબ ન મળ્યો. રણજીતે રીના સૂતી છે, નિશાની કરી.
* * *
રાતના ઓથાર નીચે માંડ સવાર પડી. બાપુજીએ વહેલાં ઊઠી, દીવોદીવેટ કરી રોજની જેમ ગાયત્રીમંત્રનો જાપ કર્યો, હે સૂર્યદેવતા, રીનાના મનમાં અજવાસ કરજો. રણજીતે રીનાનાં રૂમમાં સબસલામતની નિશાની કરી કામે વળગ્યો.

અનસૂયા ચૂપચાપ ચા-નાસ્તો કરી રહી હતી, બાપુજીએ ધરપત આપી, `બેટા, આમ સોગિયું મોં ન કર. વાવાઝોડું ક્યાં સુધી ઝીંક ઝીલે! સંસારને ભવસાગર અમસ્તો કહ્યો છે! એમાં દરિયાઈ તોફાનેય આવે ને દરિયો ઋષિ જેવો શાંત સમાધિસ્થ પણ હોય!’

અનસૂયા પગે લાગી.

`તમારા જેવા સસરા મળ્યા, હું કેવી નસીબદાર!’

`તો નસીબ પર ભરોસો રાખ. રીનાને ભાવતો નાસ્તો બનાવ.’

`મકાઈની ઉપમા એને પ્રિય છે, ફ્રીજમાં છે પણ ખરી, એના જન્મદિવસે કરવા લાવી રાખી હતી.’

`બસ તો આજે નવો જન્મ – મસ્ત બનાવજે અનુ.’

`પણ એ બહાર નીકળી ડાઇનિંગ ટેબલ પર આવશે? મને નથી લાગતું.’

`સો ટકા આવશે. કોઈને બે વાંસા નથી, આગળ પેટ છે ને?’

અનસૂયાએ નાસ્તાની તૈયારી કરવા માંડી. વીરેન્દ્ર અખબારનાં પાનાં ફેરવતાં આંખ બંધ બારણાને જોતી રહી. રવિવારની રસળતી સવાર. રણજીત પાછલી બારીએ ડોકાઈ ફરી સબ-સલામતનું સિગ્નલ આપી ગયો. ડાઇનિંગ ટેબલ પર ગરમ મઘમઘતી મકાઈની ઉપમા મુકાઈ, ઑરેન્જ જ્યુસ કાચની જોરથી ખણખણાટ કરતી પ્લેટ્સ, ચમચા બધું ગોઠવાઈ ગયું.

ત્યાં તો અચાનક જોરથી બારણું ખોલી, પછાડતી રીના બહાર આવી. ચોળાયેલો નાઇટડ્રેસ, ફુંગરાતું મોં. બાપુજીના ઇશારે કોઈ કંઈ ન બોલ્યું. રીનાએ કોઈ સામે જોયા વિના નાસ્તો કર્યો. એ ઊભી થતાં અનસૂયાને મન થયું રીનાને આશ્લેષમાં લઈ લે પણ બાપુજીએ ધીમેથી ડોકું ધુણાવી દીધું અને આમ પણ રીનાનો મિજાજ બરખેલાફ હતો.

હવામાં ચૂપકીદી. રોજ ટહુકતી વાસંતી કોયલનો ટહુકો પણ મૌન. રીનાએ પ્લેટ ભરી નાસ્તો કર્યો. જ્યુસ પીધો અને પોતાના રૂમ તરફ જવા વળી, બારણામાં ઊભી રહી. અનસૂયા આશાભરી આંખે જોઈ રહી. હમણાં કહેશે. મમ્મી! મારી ફેવરીટ ઉપમા માટે થૅન્ક્સ, એ હવે થોડી શાંત દેખાતી હતી. બાપુજીએ કાલે રાત્રે કહ્યું હતું ને વાવાઝોડું અને આંધી કાયમ તો રહેતા નથી અને જે વૃક્ષ જોરથી ફુંકાતી હવામાં નમી જાય છે એ મૂળમાંથી ઊખડતું નથી.

અનુને થયું પણ કહી દેશે સૉરી, સત્તરવાર.

રીના બેડરૂમને બારણે ઊભી રહી.

`દાદાજી, તમે ઘરના વડીલ છો, સુપ્રિમ કૉર્ટ જ ને વળી! એટલે તમને કહેવાની મારી ફરજ. જુઓ હું મારી ફરજ ચુકતી નથી હોં! પોઇન્ટ બી નોટેડ.’

રીનાએ જોયું, સહુ એના શબ્દોને ઝીલવા ઉતાવળા અને આતુર હતા. એમની સામે હવે આ પ્રિન્સેસનો દાવ.

`દાદાજી મેં બે ત્રણ વીમેન હોસ્ટેલ વિષે માહિતી મેળવી છે, મારા બે ચાર વ્હૉટ્સ એપ ગ્રુપ પર મેસેજ પણ મૂક્યો કે તરત સરનામું સાથે બધી વિગતો હાજરાહજૂર. કાલે સવારે જઈશ તપાસ કરવા, ક્યાં જગ્યા ખાલી છે, ફીસ શું છે. ડૉન્ટ વરી… ફી તો માસી કે કાકા ભરી દેશે.’

બોલવા જતી અનસૂયાનું મોં ખુલ્લું જ રહી ગયું.

`શું બોલી તું?’

દાદાજીનો તરડાયેલો સ્વર સાંભળી રીનાએ શાંતિથી કહ્યું, `તમે સાંભળ્યું તે કહ્યું દાદાજી. મમ્મી-પપ્પા તમે આઘાતથી આમ સ્ટેચ્યૂ જેમ કેમ ઊભા છો?’

વીરેન્દ્ર ધુંધવાયો.

`બહુ બોલી તું, તું અહીંથી જતી રહે અને અમે ખુશ થઈએ?’

`હા પપ્પા દેખીતું છે, તમે સમજ્યા નહીં! તમારે કેટલાં બધાં વર્ષો મારાથી વાત છુપાવવી પડી, ભગવાનને નામે ખોટું બોલીને એને ઓ… ઓ યસ રીવાને મળવા જવાનું એ બધું હવે નહીં કરવું પડે ને! ટેન્શન જ નહીં. દાદાજીને ક્યારેક બી.પી. પ્રૉબ્લેમ થઈ જાય છે તે આ સ્ટ્રેસને લીધે જ હતું ને! કભી કભી જાઓ. જબ ચાહે વાપસ. અરે હા મારો ફર્સ્ટક્લાસ પ્લાન તો સાંભળો!’

`હજી શું બાકી છે?’

જાણે આ એક ખેલ હતો અને રીનાને મજા પડી રહી હતી. રાત્રે ખૂબ વિચારીને પોતાના જીવનનો નકશો દોરી લીધો હતો. હવે હાથની રેખાઓને નકશેકદમ પર નહીં પણ પોતે દોરેલા નકશા પર જ એ આગળનાં કદમ ભરશે.

`દાદાજી બારમાં ધોરણ સુધી હોસ્ટેલમાં રહું પછી આગળનું નહીં વિચારવાનું? માસી પાસે ઓસ્ટ્રેલિયા ચાલી જઈશ અને ત્યાં જ સૅટલ થઈ જઈશ. લો, બધાનો પ્રૉબ્લેમ સોલ્વ્ડ. આમ, તો આ ઘર, તમને બધાને છોડીને જવું જરા અઘરું પડશે, પણ દાદાજી તમારું ફેવરિટ વાક્ય છે ને, આ સંસાર છે, ભરતી-ઓટ ચાલ્યા કરે તો મારે માટે આ ઓટનો સમય છે.’

અનસૂયા રડું રડું થઈ રહી, `કેવું કેવું બોલે છે તું!’

`લો, તમારા કહેવા મુજબ હું સમજદાર થઈ ગઈ છું ને! જો મમ્મી, હું નહીં હોઉં એટલે તમે એને ઘરે લઈ આવશો બરાબર! તો તમારે તો ભરતી જ ભરતી મમ્મી-પપ્પા એક રિક્વેસ્ટ.’

વીરેન્દ્ર અનસૂયા જરા ડરીને એને જોઈ રહ્યા. હવે શું?

`હું મારી અંગત થોડી ચીજો અહીંથી જઈશ ત્યારે લઈ જઈશ ઓ.કે.! મમ્મી તે મને એકવાર દાદીનો હાર બતાવેલો. અસ્સલની સરસ ડિઝાઇન. તેં કહેલું તને લગ્નમાં આપીશ. મારો હક્ક જતો કરું છું, પેલીને આપજે. એના ધામધૂમથી લગ્ન તો કરીશ ને! અને જો મને કંકોતરી નહીં મોકલતા.’

તરત બેડરૂમમાં જતાં જ બારણું બંધ. અનસૂયાને ચક્કર આવતાં હતાં. એ બેસી પડી. ઘડીભર તો વીરેન્દ્રને થયું, લાત મારી બારણું તોડી અંદર જઈ થપ્પડ ઝીંકી દે રીનાને. મુઠ્ઠી વાળી દીધી હાથની. અંદરથી મ્યુઝિકનો મોટેથી અવાજ આવતો હતો.

`બાપુજી, આ છોકરીની આટલી નફ્ફટાઈ! મને હા પાડો હમણાં બારણું ખોલાવું અને ઘડીકમાં સાન ઠેકાણે લાવી દઈશ.’

`ના, ના. જો વીરેન્દ્ર આપણો હાથ અત્યારે પથ્થર નીચે છે, એને કળથી કાઢવો પડશે, બળથી કઢાય નહીં, હાથમાં છાલા પડશે.’

મારામાં એટલી ધીરજ નથી, બોલતાં બોલતાં એ લિફ્ટનીયે રાહ જોયા વિના દાદર ઊતરવા લાગ્યો.

`બાપુજી, મારા તો હાર્ટબીટ વધી ગયા. બાપ-દીકરી સામસામે આવશે? અને આ છોકરી ખરેખર હોસ્ટેલમાં જશે તો વાતનો ફંફેરો, લોકો શું ધારશે?’

હૈયું ભરાઈ આવ્યું, રડી પડી. બાપુજીએ એને માથે વહાલથી હાથ મૂક્યો, `અનુ, બેટા, એને પકડીને પાછી લાવીશ. ચાલ, તું રસોઈ કર, હું ફરસાણ મીઠાઈ લઈ આવું. આપણો રવિવારનો નિયમ તૂટવો ન જોઈએ.’

લંચ ટાઇમ થયો. ટેબલ ગોઠવાયું. રણજીતે પ્લેટ ચમચી વગેરે અવાજ કરતાં કરતાં મૂક્યા. ધમ બારણું ખૂલ્યું. રીનાએ પોતાની પ્લેટ ભરી. બાસૂંદી બે વાર લીધી. ચૂપચાપ સહુ જમ્યાં. વીરેન્દ્ર જલદી જમી અખબારો લઈ રૂમમાં જઈ તરત બારણું બંધ કર્યું. કોઈની સામે જોયા વિના થૅન્ક્સ બોલી રીના પણ ચાલી ગઈ.

અનુએ રસોડું સમેટ્યું, બાપુજી બબડતા રહ્યા, હોસ્ટેલમાં જશે ને આ છોડી અનુ, બે દાડામાં જાતે પાછી આવશે, ત્યાં ટેબલ ભરીને કોણ ખાવાનું દેવાનું હતું!

બાપુજી પૂજાના રૂમમાં ગયા. અહીં વધારાનો સામાન પણ રહેતો, કબાટમાંથી લગ્નનું જૂનું આલ્બમ કાઢ્યું. અનસૂયાએ તરત કહ્યું, `બાપુજી, જરા આરામ કરો. કાલના સહુ અધ્ધરજીવે છે.’

એ હીંચકા પર રીનાના રૂમને તાકતા આડા પડ્યા. ધીમે હીંચકો ઝૂલતો રહ્યો. હજી સાંજનો ઉજાસ હતો, અનસૂયાએ દીવાબત્તી કર્યાં ત્યાં બારણું ખૂલ્યું. રીના ફ્રીજમાં ખાંખાંખોળા કરવા રસોડામાં ગઈ. એના રૂમમાં ટી.વી. પર કોઈ ફિલ્મ ચાલી રહી હતી. રીનાએ વાટકો ભરી બાસૂંદી લીધી અને રૂમમાં આવી બારણું બંધ કરવા જાય ત્યાં જોયું તો ટી.વી. પોઝ પર! એ ટી.વી. જોતી હોય તો કોણ હિંમત કરી પોઝ પર મૂકી જાય! એણે આમતેમ જોયું.

`રિમોટ શોધે છે બેટા? મારી પાસે છે.’

`એટલે તમે રિમોટ લીધું? પણ કેમ? આપો મારું રિમોટ દાદાજી અને બાય ધ વે તમે મારા રૂમમાં કેમ આવ્યા?’

`કેવો પ્રશ્ન, બેટા! ઘર મારું, મેન્ટનન્સ હું ભરું અને હું ન આવી શકું!’

રીનાને રીસ પડી, `એટલે જ તમે મને સંભળાવો છો કે આ ઘર મારું નથી. ચિંતા ન કરો. તમારું ઘર તમને મુબારક, હું ચાલી જઈશ અને હા પ્લીઝ, પ્લીઝ મીઠી વાતોથી મને ભોળવવાની કોશિશ તો કરતાં જ નહીં.’

બાપુજીનો સ્વર કડક, બટકી જાય એવો થઈ ગયો.

`રીના, આવી તોછડાઈ અને ઉદ્ધતાઈથી વર્તે છે! અવાજ નીચો રાખી વિવેકથી વડીલો સાથે વાત કર.’

રીનાના હોઠ ભીડાયા. આજ દિવસ સુધી ઘરમાં કોઈએ આ રીતે એની સાથે વાત કરી ન હતી.

`અને તમે વડીલપણું રાખ્યું?’

`એકવાર કહ્યું ને અવાજ નીચો કર, સમજાતું નથી?’

એ ચમકી ગઈ. એ સત્તાવાહી સ્વર, સખત ચહેરો અને ધાક જમાવી દે એવો આંખમાં ચમકાર. રીના અજાણતાં બે ડગલાં પાછળ હટી ગઈ.

બાપુજીએ એ ક્ષણ પકડી લીધી, `તને વહાલ કરીએ, જીવનાં જતન કરીએ અને અમારી કોઈ વાત સાંભળ્યા વિના મનફાવે તેમ વર્તે છે?’

રીનાએ ફરી ટટ્ટાર થઈ હુંકાર કર્યો, `અને મેંય તમને કેટલી વાર કહ્યું કે મારે તમારા લોકોની વાત સાંભળવી નથી. હું હોસ્ટેલ જઈશ એટલે જઈશ.’

બાપુજીએ સ્વસ્થતાથી સ્મિત કર્યું, રીનાને માથે વહાલભર્યો હાથ ફેરવ્યો, `તે જજેને બેટા! ઍડમિશનના પ્રૉબ્લેમ હોય તો થાય તે મદદ પણ કરીશું, અને સાંભળ ઓસ્ટ્રેલિયા જઈ સંબંધ તોડી નાખવા હોય તોય છૂટ, તું મોટી અને સમજદાર થઈ ગઈ એટલે તારો નિર્ણય તું લઈ જ શકે છે ખુશીથી.’

રીના ચમકી ગઈ. હોસ્ટેલનું શસ્ત્ર ઉગામ્યું ત્યારે એમ હતું, મમ્મી રડારોળ કરશે, પપ્પા માફી માગશે. અરે દાદાજી જેવા દાદાજી નમી પડશે, એટલે એ શરત કરશે પેલી કહેવાતી બહેન સાથે સંબંધ તોડવાનું વચન લઈ લેશે. પણ ઘરમાં અજબ શાંતિ હતી, ન રોકકળ થઈ ન કોઈએ હાથ જોડી સૉરી કહ્યું.

રીના વિફરી, `ઓહો! તો મારા જવાથી ખુશ છો તમે કે વહાલી દીકરીને ઘરે લઈ અવાય. ઓ.કે. હવે તો હોસ્ટેલમાં જઈશ જ. તમે લોકો મને છોડવા પણ તૈયાર થઈ ગયા.’

અસહ્ય પીડા થઈ આવી રીનાને. એ રડી પડી. બાપુજીએ વહાલથી પાસે બેસાડી, એમને ખભે માથું મૂકી એ રડતી રહી. અનસૂયાને દૂરથી દાદાદીકરીનું દૃશ્ય જોતાં થોડી હૈયાધારણ થઈ, જોકે રીના પર ભરોસો નહોતો. આંસુમાં રોષ, રીસ, હઠ સઘળું વહેતું રહ્યું. પરીક્ષામાં માર્ક્સ ઓછા આવ્યા ત્યારે સ્પોર્ટ્સમાં હારી ગઈ ત્યારે પહેલાં દાદીના ખોળામાં મોં મૂકી રડતી. પછી દાદાજી એની નાનકડી જિંદગીનો આધારસ્તંભ હતા. એ જ દાદાજીએ સરળતાથી કહી દીધું, તું ખુશીથી જા!

બાપુજીએ આંસુ લૂછ્યાં, `ગાંડી મારી દીકરી, તું તો અમારી આંખનું રતન. પછી આવા ધમપછાડા કરવાના?’

`તો તમે કહો, શું કરું? બીજી દીકરી છે ને, બીજી આંખનું રતન! એને છૂપી રીતે મળવા જાઓ છો, ઘરમાં લઈ આવશો, આઇ એમ શ્યૉર.’

બાપુજીએ આલ્બમમાંથી એક તસવીર લઈ રીનાના હાથમાં મૂકી મહિના બે મહિનાની એક દૂબળી પાતળી બાળકીને તેડેલી એક સ્ત્રીની તસવીર. રીનાનાં ભવાં ખેંચાયાં.

`આ વળી કોણ? મને શું કામ બતાવો છો ફોટો?’

`તારી બહેના રીવા.’

રીનાએ તરત તસવીર નીચે મૂકી દીધી.

`જો રીના, હું તને મીઠી વાતથી ભોળવવાનો નથી. તું નારાજ થઈ, રિસાઈ અને હવે ચાલી જવાની છો એ બધું અમે માન્ય રાખ્યું, હવે મારો વારો, મારી વાત…’

`હું માન્ય નહીં જ રાખું.’

`ચાલો એ પણ કબૂલ, પણ તારે મારી વાત સાંભળવી તો પડે. ગમે તેવા અપરાધને પણ કૉર્ટમાં ડિફેન્સની તક મળે છે ને! પછી તારું જજમૅન્ટ આપજે અને પછી તારે જે કરવું હોય તે પણ કબૂલ.’

બાપુજીએ સાચવીને તસવીર આલ્બમમાં મૂકી. એમાં બીજાં ફોટા પણ હશે! ના, એને આલ્બમ જોવું નથી.

`બેટા, હું સીધી જ વાત કરીશ, આમ પણ તને મીઠી વાતોથી ક્યારે ભોળવી છે? તારા પપ્પા-મમ્મીના લગ્નને આઠ વર્ષ થયાં હતાં પણ સંતાન નહોતું. વીરેન્દ્ર કે તારી દાદીએ કદી તારી મા પર દબાણ નહોતું કર્યું, પણ અનસૂયામાં વહાલ ઉભરાય એ વહાલ વહેંચવાની એને પ્રબળ ઇચ્છા.

તારા દાદી સાથે એ મંદિરે જાય, ગરીબ બાળકોની ફી ભરે પણ પોતાનાં સંતાન માટે એ ઝૂરે. ટ્રીટમેન્ટ, દેવદર્શન, બાધા બધું કરી જોયું પણ અમારા જીવનમાં, ઘરમાં બાળકના કિલકલાટનું ગુંજન ન જ થયું.

તારી મા હતાશ રહેતી, અમને એમ કે એ ડિપ્રેશનમાં સરી જશે. અમારા સહુનાં ઇમોશનલ સપોર્ટથી એ ઠીક થઈ રહી હતી ત્યાં વીરેન્દ્રએ અખબારમાં અનાથાશ્રમની દાન માટેની ટહેલ વાંચી અને અમને બાળક દત્તક લેવાનો વિચાર આવ્યો. અમે અનાથાશ્રમમાં ગયા.’

આલ્બમનાં પાનાં ફેરવતાં બાપુજી સહેજ થંભ્યા, એ આખું દૃશ્ય નજર સામે આકાર થઈ ગયું. રીના ચકિત થઈ એક અજીબોગરીબ વાર્તા સાંભળી રહી, નાની હતી ત્યારે દાદાજી બાળવાર્તાઓનાં પુસ્તકમાંથી વાર્તા વાંચતા અને એ હીંચકા પર ઊંઘી જતી. આ ઘરમાં પોતે ન હતી. ના, આ પૃથ્વી પર પણ એ ન હતી ત્યારે પણ એક સમય હતો કે જીવન ધબકતું હતું. અનસૂયા રૂમમાં પ્રવેશી.

`અને રીના બેટા…’

રીનાએ ચમકીને જોયું, મમ્મીએ વાતનો દોર એના હાથમાં લીધો હતો. રીનાને થયું અહીં જ વાત અટકાવી દે પણ આ રહસ્યનો તાગ મેળવવાની અદમ્ય ઇચ્છા થઈ આવી.

`મારી ઇચ્છા નાના અનાથ બાળકને દત્તક લેવાની હતી. એડોપ્શનની લાંબી સરકારી પ્રક્રિયા છે. અમે ઑફિસમાં હતાં ત્યાં એક નાની, મહિના બે મહિનાની બીમાર જેવી લાગતી દીકરીને જોઈ. મારું મન તરત એની પર ઠર્યું. એ બાળકીને માત્ર જીવન નહીં, નવજીવન આપી શકું તો મારું માતૃત્વ કસોટીએ ખરું ઊતરે.’

`ઓહો તો એને એડોપ્ટ કરી ઘરે લાવ્યા? વ્હેર ઇઝ શી? આ પાછી બીજી કોઈ બહેન!’

`ના રીના. એની ગરીબ મા પોતે જ બીમાર હતી. કુપોષણ અને કેન્સર. ઓર્ફનેજના મધર એને અનાથાશ્રમના શેલ્ટરહોમમાં લઈ આવ્યા હતા અને એક નન મૅરી તેની ખાસ દેખભાળ કરતી હતી. મા જીવતી હોય, પુત્રી સિવાય એનું બીજું કોઈ ન હોય. એનું બાળક હું કેમ છીનવી લઉં?

બાએ સમસ્યાને સરસ ઉકેલી આપી, મા દીકરીની સારવારનો ખર્ચ અમે આપવાનું નક્કી કરી આશ્રમમાં એને જોવા જતા. અમે અવારનવાર તેને મળવા, રમાડવા જતા. એ પણ અમારામાં એવી ભળી ગઈ કે જાણે મારો જ અંશ! જાણે મારા ગર્ભાશયની બહાર જન્મેલું મારું જ સંતાન!’

અનસૂયા આલ્બમનાં પાનાં ફેરવવા લાગી. આ પહેલીવાર ચાલતાં શીખી અને પડી ગઈ ત્યારની તસવીર.. મૅરી એને હીંચકા પર ઝુલાવી રહી છે.

દરેક તસવીર સ્થિર હતી, વીરેન્દ્ર કહેતા, અનસૂયા ફોટોઝ આર એ ફ્રોઝન ટાઇમ ઇન અ ફ્રેમ. દરેક તસવીર કેટલી મૂંગી છતાં બોલકી હતી!

રીના અદબ વાળી સાંભળી રહી હતી, એક છોકરીએ અનાધિકારથી એના જીવનમાં પ્રવેશ કરી ઉલ્કાપાત સર્જ્યો જ હતો, એની વાત.

`કળિયુગમાં ચમત્કાર બને છે તે નજરોનજર મેં જોયું રીના.’

`એટલે?’

`હું પ્રેગનન્ટ થઈ હતી, મારી કૂખે તું અવતરવાની હતી, પણ પછી એને છોડી દઈએ તો કેવા સ્વાર્થી કહેવાઈએ! તું જ કહે. તારા જન્મ પછી એ છોકરીને તરછોડવાનું મન કેમ થાય? કેન્સરના ઑપરેશન પછી એની મા બિલકુલ અશક્ત અને ખાટલાવશ. એ તારી બહેન જ થઈ ને? તારા પરથી એનું ચંદ્રિકા નામ બદલી અમે રીવા પાડ્યું હતું. રીવાને મન હું અને મૅરી બે ખાસ. એની મા તો એનું કશું કરી શકે એમ નહોતી. અમારી જેમ એય પ્રેમની ભૂખી જ ને!’

બાપુજીએ એક ફોટો રીનાના હાથમાં મૂક્યો, એના પપ્પા-મમ્મી, એ પોતે અને વચ્ચે એક છોકરી. અરે એની પાસે એક ગ્રીન એમ્બ્રોયડરીવાળું ફ્રોક હતું. એવું જ ફ્રોક… ઓ નો!

`વીરેન્દ્રએ એ બાઈની સારવારનો ખર્ચ ઉઠાવ્યો, કેન્સરે ફરી દેખા દીધી એ મરતાં મરતાંય નવ-દસ વર્ષ જીવી ગઈ.’

`તો ત્યારે મને ન કહ્યું અને એને ઘરે પણ ન લાવ્યા? મને એ જ સમજાતું નથી અને હજી સુધી છુપાવતાં હતા!’

`ધીરી પડ બાપલા, ડૉક્ટરે જ ના પાડી હતી.’

`ઓ ગૉડ! આ વળી નવું તૂત.’

`જો શાંતિથી સાંભળવાનો તેં વાયદો કર્યો છે તો અથથી ઇતિ સાંભળ મારી વાત.’

`ઓ.કે. દાદાજી, શૂટ.’

`ઓર્ફનેજમાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. આનંદ દીધે આવતા. એમની સલાહ હતી કે દસ વર્ષનો અમૂલ્ય સમય વીતી ગયો છે, ઘરમાં પોતાનું સોશિયલ સ્ટેટસ છે એમ રીના માને છે અને એ હકીકત પણ છે જ ને!’

રીના ટટ્ટાર થઈ, ફરી એના ચહેરા પર અભિમાનની છાંટ આવી ગઈ. બાપુજી અને અનસૂયાની આંખ મળી. અનુ નીચું જોઈ ગઈ. હવે રીના શું કરશે!

`ડૉક્ટરે કહ્યું બન્ને નાના હતા ત્યારે સાથે રમીને, હળીમળીને મોટા થવાનો સમય ગયો. આ તબક્કે તો સગાં ભાઈ-બહેનોને પણ સિબલિંગ રાઈવલરીનો પ્રૉબ્લેમ થાય છે, એનો અર્થ તો આજની પેઢીને ખબર જ હોય. અમારા જમાનામાં તો દસ-બાર ભાઈબહેનો જોડે મોટાં થઈ જતાં. અમને દોસ્તારોની જરૂર જ ન પડતી. તમારા જેવા લાડ પણ લડાવે કોને કોને?’

`દાદાજી, પ્લીઝ મારી એટલે કે અમારી વાત કરો.’

`ડૉક્ટરનું માનવું હતું કે આ તબક્કો નાજુક અને જોખમી પણ છે. રીના હવે આ લક્ઝરિયસ લાઇફ અને અમારા બધા માટે પઝેસિવ થઈ ગઈ છે. અંગ્રેજી મિડિયમની હાઇ સોસાયટીની સ્કૂલમાં ભણે છે અને રીવા પાસે આમાનું કશું જ નથી. અત્યારે રીવાને ઘરે લઈ જશો તો રીના રીવાને સ્વીકારશે નહીં અને રીવા અનાથાશ્રમમાં ઊછરેલી. એ તમારે ત્યાં અને રીના સાથે ગોઠવાતાં એને ઘણો સમય લાગશે. બસ બેટા આ જ ગડમથલમાં સમય વીતતો ગયો.’

રીનાના સ્વરમાં દઝાડે એવો આક્રોશ હતો.

`અને તમારા લોકોનો પ્રેમ એ છોકરી પર એવો ઉભરાઈ રહ્યો છે કે એને મળવા જાઓ છો અને યસ, બેટા બેટા કહીને મમ્મી વહાલ પણ કરતી હશે અને અહીં લાવવાનો વિચાર પણ કરો છો?

વેઇટ અ મિનિટ. એટલે મમ્મી એની ફ્રૅન્ડને કોઈને માટે ટ્યુશન રાખવાની વાત કરતી હતી. હા મમ્મી, ફોન પરની તારી વાત મેં સાંભળી હતી. તમારી વાત મેં સાંભળી લીધી. ઠીક છે દાદાજી! મમ્મી બરાબરને! તો હવે આ કેસના હિયરિંગમાં મારું જજમૅન્ટ હવે તમે લોકો સાંભળો, હું એક અજાણી છોકરી સાથે મારી લાઇફ શેર નહીં કરું, ડૉક્ટરની વાત સાચી છે. હું તમારા બધા માટે પઝેસિવ છું, છું, છું અને…’

`અને?’

`અને કાલે હોસ્ટેલમાં જવાનો પછીથી ઓસ્ટ્રેલિયા ચાલી જવાના નિર્ણય પર વિચાર કરી રહી છું. એ છોકરીનો ખર્ચો આપો તો વાંધો નથી, પણ મારા જેટલું વહાલ કરો એ મને મંજૂર નથી.’

તરત અનસૂયાએ કહ્યું.

`રીના વહાલ માપવાનું કોઈ થર્મૉમિટર તો નથી હોતું ને! પણ ભલે તું હવે જાણે છે તો ફરી વાત કરીશું પણ તારી બધી વાત હું માનું છું, તું મારી એક જ વાત માન.’

રીનાએ સાવધ થઈ મા પર તાક માંડી, મમ્મી ઇમોશનલ બ્લૅકમેઇલ તો નહીં કરે ને!

`તું એક વાર આશ્રમ રીયાને મળવા આવ, એ તને ખૂબ ઝંખે છે.’

`શું? હું આશ્રમ એને… એને… મળવા જાઉં? ના, આજે નહીં, ક્યારેય નહીં, કેવી વાત કરે છે મમ્મી? હવે પછી તું…’

અનસૂયાએ રીનાના મોંએ હાથ મૂકી દીધો.

`બસ, એક જ વાર.. તારા દાદી કહેતાં કેટકેટલાં વાનાં કર્યાં તોય તું અમારા જીવનમાં ન આવી પણ રીયા સાથે સ્નેહતંતું બંધાયો અને પછીથી તું આવી.’

રીના ખડખડાટ હસી પડી, `એટલે એ તમારા માટે શુકનિયાળ છે? લકી મેસ્કોટ! મમ્મી આ તો અંધશ્રદ્ધા છે.’

અનસૂયાએ પણ હસીને એનો કાન પકડ્યો, `અને તું દરેક જન્મદિવસે બાએ આપેલું ગ્રીન ટી-શર્ટ પહેરીને કહે છે ને કે ધીસ ટી-શર્ટ ઇઝ લકી! છોડ એ બધી વાતો. એ બહુ લાંબુ શાસ્ત્ર છે.’

અનસૂયા રીનાની સાવ સામે ઊભી રહી. દોરમાં મોતીની જેમ એની દૃષ્ટિમાં દૃષ્ટિ પરોવી. એ નજરથી મંત્રાઈ ગઈ હોય એમ રીના સ્તબ્ધ બની ગઈ. શું હતું માની આંખોમાં જે એને બાંધી રાખતું હતું!

`ન હું મા છું, તું દીકરી છે. તું સ્ત્રીત્વના ઉંબરે ઊભેલી એક યુવતી છે. એક સ્ત્રી તરીકે તું સ્ત્રીની વેદના, પીડા નહીં સમજી શકે! એક માણસ બીજા માણસને મળે એમ મળવા આવ. આવીશ ને?’

એ એક ક્ષણ.

એ ક્ષણની અદૃશ્ય રેખાની એક તરફ એ ઊભી હતી, સામેની તરફ એક પરિપક્વ સ્ત્રી. વચ્ચે એક ઊંડી ખાઈ. એક ક્ષણમાં વર્ષોની ખાઈ કુદાવી એ અદૃશ્ય રેખાની બીજી તરફ હતી.

એ સ્ત્રીએ ફરી પૂછ્યું, `તું આવશે ને!’

બન્ને સ્ત્રીઓ નિઃશબ્દ એકમેકને તાકી રહી.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. વર્ષાબહેન! વાર્તાલેખન શીખવાડી ન શકાય,પણ તમારૂં કલમકૌશલ્ય માણીને તો ધન્ય,તા અનુભવાય છે કે આવા ઉત્તમ વાર્તાકાર આપણા છે. નમસ્કાર.

  2. Varshaben we are waiting for new episode very eagerly once again. I am very fond of your stories. It feel like it is real. .in my young age I read many stories of of your papaji. It feel like we are near the sea in the sea. Awosme. Mor na india ne chitaraana na hoi . I wish we can meet . I am in Chicago .
    Damini