મંગળ કરાવે દંગલ (ભાગ-૨) અતિ તેની ગતિ નહિ ~ લેખકઃ અનંત પટવા (મુંબઈ) ~ 9820258978
લેખ-૬
મંગલ કૃપા મહેલ તુમ્હારા. મંગળ ગ્રહની તાકાત વિશે લખવું હોય તો શબ્દો ઓછા પડે. મંગળનું મહત્ત્વ એટલું બધું છે કે એક લેખમાં મંગળથી થતાં નુકશાનમાંથી બચવા માટેના ઉપાયોનો સમાવેશ કરવો અઘરો હતો, એટલે આ લેખનો બીજો ભાગ પ્રસ્તુત છે.
મંગળનું કામ સેનાપતિનું છે. કળિયુગમાં રાજા સાથે સેનાપતિનું પણ એટલું જ મહત્ત્વ છે. સેનાપતિ જો ઉર્જાવાન હોય તો જ યુદ્ધભૂમિમાં સફળતા મળે.
કળિયુગમાં ત્રણ વસ્તુ છે જે જીવન જરૂરિયાત છેઃ રોટી, કપડાં અને મકાન.
એમાં મકાનનું આગવું મહત્ત્વ છે. જીવ આ જગતમાં જન્મે છે. કોઈ પણ યોનિમાં – મનુષ્ય, જળચર, એકેન્દ્રિય, બેઈંદ્રિય, તેઈંદ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય – આ બધી યોનિમાં રહેઠાણ જરૂરી છે.
આ જીવ પુદગલ રૂપી છે. શરીરમાં આવ્યો છે. આ શરીરની એક મૂળભૂત જરૂરિયાત છે. વાત તો ત્યાં સુધીની છે કે વ્યંતર યોનિ (ભૂત, પ્રેત)ને પણ પોતાનું એક ઘર હોય છે. આપણે ત્યાં કહેવાય છે ભૂતનું સ્થાન પીપળે.
આપણે વાત કરીએ ઘરની – રહેઠાણની. આ પૃથ્વી પર દરેક જીવ પોતાના કર્મ અને ભાગ્ય અનુસાર પોતાનું રહેઠાણ પ્રાપ્ત કરે છે. આ રહેઠાણ એક મહેલ પણ હોઈ શકે અને ઝૂંપડી પણ હોઈ શકે. જર્જરિત દીવાલોની વચ્ચે પણ માણસ રહે છે અને મોટા બાગબગીચા વચ્ચે શીશમહેલમાં પણ રહે છે.
દરેક જાતકનું સપનું પોતાનાં સપનાનું ઘર બનાવવાનુ અને એમાં સુખપૂર્વક રહેવાનું છે. ધરતીનો છેડો ઘર. આ ઘરનાં સપનાં પૂરા કેમ કરવા?
આપણી આ શૃંખલાનો મૂળભૂત હેતુ નડતા ગ્રહોને મિત્રો બનાવવાનો છે. મંગળ ભૂમિનો કારક ગ્રહ જ્યારે નીચ રાશિમાં એટલે કે કર્ક રાશિમાં હોય અથવા અન્ય પાપ ગ્રહો : રાહુ-કેતુ સાથે હોય કે સૂર્ય સાથે હોય કે કુંડળીના ચોથા ભાવ સાથે સંબંધ બનાવે ત્યારે ઘરનાં યોગો, પૈસા હોવાં છતાં બનતા નથી. આખી જિંદગી ભાડાના ઘરમાં હડસેલા ખાવા પડે છે.
ચતુર્થ સ્થાનનો અધિપતિ કોઈ ખરાબ યુતિ બનાવે અથવા ખાડાના ઘરોમાં બેસે ત્યારે પણ જાતક પોતાનું ઘર મેળવી શકતો નથી.
આ બધી જ અસરોથી બચવા આપણા વૈદિક જ્યોતિષની અંદર કેટલાક મંત્રો અને ઉપાયો આપવામાં આવ્યા છે. મંગળના તાપથી બચવા આ અમૃત સમાન ઉપાયોની વાત મારે આજે કરવી છે.
પહેલા ભાગમાં જણાવ્યું એમ ઘરનાં બધાં સભ્યોએ હનુમાનજીનું અને ગણેશજીનું ધ્યાન ધરવું. રોજ હનુમાનચાલીસા અને ગણેશઅથર્વશીશનો ત્રણ વાર પાઠ કરવો.
દરરોજ ઘરમાં ગોળનો પ્રસાદ ધરાવવો અને વહેંચવો. દર મંગળવારે એકટાણું અથવા નકોરડો ઉપવાસ કરવો. દર મંગળવારે ઘઉંના લોટનો શીરો બનાવી ઘરનાં બધાં સભ્યોએ આરોગવો.
ગૌમાતાની રોજ અવશ્ય સેવા કરવી. ગોળ અને રોટલી ગૌમાતાને ખવડાવવા. રોજ કાગડાને ગાંઠિયા ખવડાવવા, કબૂતરોને ચણ નાખવા.
કીડીને કીડિયારું પૂરવું. કૂતરા-બિલાડીને ખવડાવવું – દૂધ પીવડાવવું.
ઘરનાં સભ્યોએ રોજ 12 વાર મંગળનો મંત્ર ભણવો.
નવગ્રહ સ્તોત્રનો જાપ અવશ્ય કરવો.
દર મંગળવારે શક્તિ અનુસાર લાલ ફ્રૂટ, લાલ મસૂરની દાળ અથવા લાલ કપડાંનું દાન કરવાથી પણ ઘર લેવાની ઇચ્છા પૂર્ણ થાય છે.
અન્ય કેટલાક ઉપાયો જોઈએ તો રોજ સ્નાન કરવાના પાણીમાં દૂધ નાખીને નહાવું. ગૃહિણીઓએ તુલસીમાતાને પાણી પાવું અને દીવો કરવો.
ઘરમાં રોજ ઉંબરો પૂજવોનો નિયમ રાખવો અથવા માતાજીના પગલાં અને સ્વસ્તિક બનાવવા. ઘરની બારસાખ પર રોજ સ્વસ્તિક બનાવવો. ઘરમાં શાંતિનું વાતાવરણ જાળવવું. સાત્વિક આહાર ખાવો. માંસાહાર-મદિરાનો સંપૂર્ણ ત્યાગ કરવો. પરસ્ત્રીગમનથી દૂર રહેવું.
વાચકમિત્રો, આ બધા ઉપાયોનો સંપૂટ આપની સમક્ષ ખુલ્લો મૂક્યો છે. હજારો કુંડળીઓ જોયા પછી, આ નીવડેલા ઉપાયોની વાત આપની સામે મૂકી છે.
શક્તિ અનુસાર આ નાના ઉપાયોનું પાલન કરવાથી સંકલ્પશક્તિ પ્રબળ બને છે અને પ્રભુભક્તિ જોડવાથી આપણાં કાર્યો પાર પડે છે. પ્રભુકૃપાથી અશક્ય પણ શક્ય બની શકે છે.
આ ઉપાયોની માળાના મણકા આપને મોકલાવ્યા છે. યથાશક્તિ, અનુકૂળતા મુજબ એનો અમલ કરવા વિનંતી છે. આ ઉપાયો માત્ર ક્રિયા ન બની રહે અને એમાંથી શ્રદ્ધાતત્વ બાકાત ન થાય એ જોવું રહ્યું. આ ઉપાયોના માધ્યમથી આપ સૌની અધૂરી રહેલી ઇચ્છા પૂરી થાય એવી પ્રાર્થના.
અંતમાં આ લેખને વિરામ આપતાં એટલું જ કહીશ કે ઈશ્વર મદદ ચોક્કસ કરે છે, પણ શ્રદ્ધા રાખી, સાત્વિકતા જાળવી નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન થવું જોઈએ. મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય એ પણ ધ્યાન રાખવું જોઈએ. તો મનવાંછિત ફળ પ્રાપ્ત થઈ શકે.
આ કર્મરૂપી અડચણોને હડસેલવા શ્રદ્ધાપૂર્ણ ભક્તિનાં બી વાવીએ તો ચોક્કસ શાંતિ, સુખ અને સમૃદ્ધિરૂપી વડલાની છાયામાં વિશ્રામ કરી શકીશું.
***
(સંપાદકીય નોંધ: જેમને પણ માર્ગદર્શન લેવું હોય તેઓ શ્રી અનંતભાઈ પટવાનો સીધો સંપર્ક કરી શકે છે. નંબર: +91 9820258978, Email: anantpatwa@icloud.com)
Thankful for his deep knowledge and interpretation