બ્રેકિંગ ન્યૂઝ… ~ વાંચો સનસનાટીભર્યા રહસ્યમયી સમાચારો ~ ન વાંચો તો તમને એક કરોડનું નુકસાન થવાનો સંભવ
પ્રકાશવાણીનું “આપણું આંગણું” કેન્દ્ર આપનું સસ્મિત સ્વાગત કરે છે અને સહર્ષ રજૂ કરે છે કેટલીક સ્ફોટક માહિતી અને વિસ્ફોટક સમાચાર…
યુક્રેનથી આમંત્રણ
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્યના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદારને યુક્રેન સાંસ્કૃતિક મંત્રાલય તરફથી એક સંયુક્ત કાર્યક્રમ યોજવા આજીજી કરવામાં આવી છે.
યુદ્ધની કારમી સ્થિતિ હોવા છતાં ભારોભાર સંવદનાને અનુસરી ભાગ્યેશ જ્હાએ ગીતાના વિષાદયોગ પર પ્રવચન આપવાનું સ્વીકાર્યું છે, તો સ્નેહલ મુઝુમદારે સંતૂર પર શાંતિના સૂર છેડવા અનુમોદન આપ્યું છે.
જો કે આ અભિનવ આયોજન અંગેની રૂપરેખા નક્કી કરવા આ બંને મહાનુભાવો આગામી મહિનામાં મોસ્કોમાં મિટિંગ કરે એવી વકી છે. જો રૂપ અને રેખા બંને તૈયાર થઈ જશે તો સુરક્ષાર્થે અત્યાધુનિક રશિયન ફાઈટર વિમાન સુખોઈ એસયુ-57માં જ ઊડવાનો દુરાગ્રહ આ બંને રાખશે એવા પ્રારંભિક રેડિયો સંકેતો અમારા પ્રતિનિધિને પ્રાપ્ત થયા છે.
ગઝલમાં વિદ્રોહ
તાજેતરમાં જ લોકસભામાંથી જેમનું અસભ્યપદ રદ્ કરવામાં આવ્યું એવા અભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ “ગુજરાતી ગઝલમાં આધુનિકતા” વિશે વિદ્રોહના સૂર છેડ્યા છે. આ સૂર ફેલાવવાની તેમની તીવ્ર ઈચ્છા હતી, પણ ભૂલથી તેમનો ફોન ઓહાયો સ્થિત ગઝલકાર ગુંજન ગાંધીને બદલે વૉશિંગ્ટન સ્થિત સૉનેટકાર નટવર ગાંધીને લાગી ગયો.
રાહુલ ગાંધીએ ગુજરાતી ગઝલોમાં પ્રવેશેલી આધુનિકતામાં અદાણી જૂથનો હાથ છે એનો ઘટસ્ફોટ દુબારા દુબારા તિબારા ચોબારા કર્યે રાખ્યો હતો. એટલું જ નહિ નટવર ગાંધી પાસેથી સૉનેટ અંગેની કોઈ પણ શીખ સ્વીકારવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. ફોન પર આક્ષેપબાજીમાં અબંધારણીય શબ્દોના ઉપયોગ બદલ તેમણે માફી માગવાનો પણ ધરાર ઈન્કાર કર્યો હતો.
ફોન પત્યા પછી પન્ના નાયક સહ્રદયી ભાવે નટવર ગાંધીની સારવારમાં વ્યસ્ત જોવાં મળ્યાં હતાં.
માતબર દાનની જાહેરાત
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ માર્ચ મહિનામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 32 કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ સમાચાર સાંભળીને નૉર્થ કોરિયાના પ્રમુખ કિંગ-જૉન-ઉન ચકિત થયા હતા.
તેમણે ભ્રમિત અવસ્થામાં મિસાઈલ સંશોધન માટે ફાળવેલી રકમના 0.000000000001 ટકા રકમ મહારાષ્ટ્રની ગુજરાતી સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે ફાળવવાની કિંગસાઈઝ જાહેરાત કરી નાખી હતી.
મધુ રાયની મમતા
ગઝલકારોના સતત પ્રકાશિત થતાં સંગ્રહોની જાણ થતાં પ્રસિદ્ધ વાર્તાકાર-નવલકથાકાર મધુ રાયે મમતાભરી દૃષ્ટિથી ગઝલસર્જન તરફ વળવાનું નક્કી કર્યું છે. વર્ષના અંત સુધી એમનો ગઝલસંગ્રહ પ્રકાશિત થશે એવી સંભાવના સમગ્ર બ્રહ્માંડમાં વર્તાઈ રહી છે.
આ સમાચાર વાયુવેગે ફરી વળતા 70 વર્ષથી પ્રકાશન વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશકે તેમને ચેતવ્યા છે. વિશેષમાં જણાવ્યું છે કે કવિતાના પુસ્તકો વેચાતા નથી, વહેંચાય છે. આ વાસ્તવિકતાથી વાકેફ થઈ મમતા સામયિકમાં નુકસાન કરતાં મધુ રાયે વધુ નુકસાન થવાની શક્યતાને ઊગતી જ ડામી દીધી છે એવા વાવડ મળ્યા છે.
શિબિરનું તિમિર
આપણું આંગણું બ્લોગમાં થયેલી વાર્તાશિબિર, લલિત નિબંધશિબિર, ગઝલશિબિરથી પ્રભાવિત થઈ અમેરિકાના પ્રમુખ જો બાઈડને આવી સર્જકીય શિબિરો વ્હાઈટ હાઉસમાં પણ થાય એવી ઇચ્છા વ્યક્ત કરી છે.
ઇચ્છા વ્યક્ત થયાની બીજી જ ક્ષણે બ્લોગના સંચાલકો વ્હાઈટ હાઉસ ઉપર ધસી ગયા અને શિબિરની તારીખો નક્કી પણ કરી નાખી.
… પણ વાર્તાશિબિરના ફેકલ્ટી મણિલાલ હ. પટેલે શિબિરમાં પ્રમુખ જો બાઈડન પણ હાજરી આપે જ આપે એવી રશિયન શરત મૂકી. છોગામાં ફેકલ્ટી રઈશ મનીઆરે ગઝલશિબિરમાં ભાગ લેનાર તમામ લોકો શિબિર પછી છંદમાં જ વાત કરે એવી શરત મૂકી.
આ શરતોને કારણે “આપણું આંગણું” બ્લોગના સંચાલકો અને વ્હાઈટ હાઉસના પ્રવક્તાઓમાં નિસાસા અને નિરાશાનું ટાઈટેનિક મોજું ફરી વળ્યું છે.
ગૂપચૂપ મુલાકાત
સતત ચર્ચામાં રહેતા રાહુલ ગાંધીએ પચ્ચીસ હજારથી વધુ કુંડળીઓનું ફળકથન કરનાર મુંબઈ સ્થિત જ્યોતિષ નિષ્ણાત અનંત પટવાની ગૂપચૂપ મુલાકાત લીધી હતી. 2024માં પેતે વડાપ્રધાન બનશે કે નહીં એ જાણવા માટેની આ ખાનગી મુલાકાત હતી.
એમની કુંડળી જોયા પછી દેશપ્રેમી અનંત પટવાએ નવકારમંત્ર ગણવાનું મુનાસિબ માન્યું હતું.
ગઝલ-ગુજરાતી
મુંબઈમાં સફળ રીતે યોજાયેલી “ગઝલ ગુજરાતી” મહેફિલની વાત વહેતી વહેતી ઉત્તર ધ્રુવના ટુંડ્રૂ પ્રદેશોમાં પહોંચ્યાના સમાચાર છે. એટલે ત્યાંની વાદીઓએ સ્વરકાર-ગાયક આલાપ દેસાઈ, સુરેશ જોશી, રેખા ત્રિવેદી અને ધ્વનિત જોશીને ગુજરાતી ગઝલો પ્રસ્તુત કરવા આમંત્રણ પાઠવ્યું છે.
આ વિચિત્ર પ્રસ્તાવમાં એક અવરોધ ઉપસી આવ્યો છે. ઉત્તર ધ્રુવના બેફામ બરફાચ્છાદિત પ્રદેશમાં અમૃત ઘાયલ અને અબ્બાસવાસી મરીઝની ગઝલો ગાવી કઈ રીતે? રજૂ કરતાં કરતાં પોતે જ ઘાયલ અને મરીઝ થઈ જાય એવી ઉજ્જવળ શક્યતા જોતાં, બધાં જ કલાકારોએ આ આમંત્રણનો સહર્ષ અસ્વીકાર કર્યો છે.
મુંબઈમાં આરે મેટ્રો કાર શેડનો વિરોધ કરનાર પર્યાવરણપ્રેમીઓએ આ કઠોર અસ્વીકારની સખેદ નોંધ લીધી છે.
એક અનોખી સ્પર્ધા
મુંબઈના એક પ્રતિષ્ઠિત અખબારે ગીતકારો અને ગઝલકારો વચ્ચે એક ટી-20 સ્પર્ધાનું એલાન કર્યું છે.
ગઝલકારોએ તંગ વસ્ત્રોમાં અને ગીતકારોએ હળવા વસ્ત્રોમાં આવવું એવી વિનંતી થતાં બંને પક્ષના સ્પર્ધકો વિસ્મિત થયા છે.
ગીતકારોએ તો હર્ષની લાગણી વ્યક્ત કરી, પણ એપ્રિલ મહિનાની ગરમીમાં આવી આકરી શરત સામે ગઝલકારોએ છંદોબદ્ધ વિરોધ નોંધાવ્યો છે.
એક પ્રસિદ્ધ વિવેચકે મમરો મૂકતાં જણાવ્યું છે કે ગઝલ પણ લખતો હોય અને ગીત પણ લખતો હોય એવા સર્જકે કયા વસ્ત્રો પહેરવા જોઈએ?
આ પ્રકારની આંટીઘૂંટીથી અજાણ આયોજકે પોતાના ચાર્ટડ ઍકાઉન્ટન્ટની સલાહ લઈને હાલ પૂરતી આ સ્પર્ધા મોકુફ રાખી છે.
અમે પણ આ પ્રસારણ મોકુફ રાખીએ છીએ… આવતા વર્ષ સુધી. આવજો વાચકમિત્રો.
સંકલન અને રજૂઆતઃ
કુમારી આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ
તા. 1 એપ્રિલ, 2023
હાસ્ય સૌથી શ્રેષ્ઠ દવા છે.
એપ્રિલના પહેલા દિવસે હાસ્યનો એક ડોઝ લઇએ. તો બાળકોને પણ આમાં સાથે રાખો
અને મજા કરો. એપ્રિલ ફૂલ ડે ટીખળ . આ બધી ટીખળ ખૂબ જ સરળ છે અને તે માટે વધારે પ્લાનિંગની જરુર પણ નથી. તો આવો જોઇએ કેટલીક ફૂલ ડેની ટીખળ આ લેખથી…
Very tasteful, witty and brilliant!
Brilliant, catchy write up… Aprilfool in very creative way…
એપ્રિલ મહિના ની શરૂઆત ખૂબ સુંદર થઈ 👌👌🤣🤣
APRILFUL NEWS. EVERY WEEK PUBLISH FOR JOY/
JABADAR KHABRE EVERY WEEK PUBLISH IT’S GOOD.