કલમ અને હૈયામાં વાંસનો અંકુર અને વડવાનલને એક સાથે સમાવનાર – ધીરુબહેન પટેલ

( આજીવન જેમણે સાહિત્ય અને શબ્દના પડખાં સેવ્યાં એવા સૌના વ્હાલાં વડીલ સાહિત્યકાર ધીરુબહેનનું માર્ચ ૧૦, ૨૦૨૩ને રોજ સવારે નિધન થયું એવું સાંભળ્યું ત્યારે થયું કે આજે ગુજરાતી ભાષાની ઈમારતનો પાયો જડમૂળથી હલી ગયો છે.. ધીરુબહેને અઢળક લખ્યું, અને દરેકેદરેક સાહિત્યના પ્રકારમાં સતત સર્જન કરતાં રહ્યાં. હું એમની કૃતિઓની મોટી ચાહક રહી છું પણ મારી કમનસીબી રહી છે કે માત્ર એકવાર જ અલપઝલપ જ કોઈ એક કાર્યક્રમમાં એમની સાથે મુલાકાત થઈ હતી. મેં એમને એમની કૃતિઓ થકી જ ઓળખ્યાં છે, સમજ્યાં છે અને એમનાં સર્જનોની મારા અંતરમનમાં અમીટ છાપ સદાયે રહેશે.  ધીરુબહેનની આ વસમી ચિર વિદાયથી સાહિત્યવિશ્વને પડેલી ખોટ કદી પૂરાશે નહીં.
‘એનાં ગયા  પછી  ભલે  સજ્યા  કરે  મહેફિલો
એની કમી પુરી કરી શકે એ આભ છે જ ક્યાં?’
“આપણું આંગણું”ની સમસ્ત ટીમ તરફથી આદરણીય પૂજ્ય સ્વ. ધીરુબહેન પટેલને સાદર અને સપ્રેમ, અશ્રુભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ઈશ્વર સદગતના આત્માને પરમ શાંતિ આપે. 🙏🙏🙏🙏🙏)

કલમ અને હૈયામાં વાંસનો અંકુર અને વડવાનલને એક સાથે સમાવનાર – ધીરુબહેન પટેલ –
શ્રદ્ધાંજલિ ~ દીપક મહેતા 

માર્ચની દસમી તારીખે સવારે નવેક વાગે એક મિત્રનો whatsapp પર ત્રણ શબ્દનો સંદેશો આવ્યો: “આપણાં ધીરુબહેન ગયાં.” ભલે છેલ્લાં થોડાં વરસથી અમદાવાદ રહેવા ગયાં હતાં, પણ મુંબઈગરા વાચકો, લેખકો, પત્રકારો માટે તો તેઓ કાયમનાં ‘આપણાં ધીરુબહેન’.  મનમાં પહેલો વિચાર આવ્યો તે એ કે ધીરુબહેન એટલે પોતાનાં કલમ અને હૈયામાં ‘વાંસનો અંકુર’ અને ‘વડવાનલ’ને એક સાથે ઉછેરી ‘આગંતુક’નો આલેખ આપનાર લેખક. ના, લેખિકા નહિ. સાહિત્યની કે તેની બહારની દુનિયામાં પણ ધીરુબહેને સ્ત્રી તરીકે ગ્રેસનો એકાદ માર્ક પણ ક્યારેય ન માગ્યો, ન સ્વીકાર્યો. પુષ્કળ લખ્યું: નવલકથા, વાર્તા, નાટક-એકાંકી, નિબંધો, લેખો, સંસ્મરણો, અને કવિતા પણ. શું જીવનમાં કે શું લખવામાં એમને કશો છોછ નહિ. પોતાની આંતરસ્ફુરણાથી લખે, તેમ બીજાની જરૂરિયાત કે માગ પ્રમાણે પણ લખે. ગઝલ પણ લખે અને જિંગલ પણ લખે. નિજાનંદ માટે લખે તેમ બીજાને માટે પણ લખે.

૧૯૬૦ના દાયકામાં ધીરુબહેન ‘સુધા’ સાપ્તાહિકના તંત્રી હતાં ત્યારે જે સંબંધની શરૂઆત થઈ તે હંમેશ તાજો ને લીલો જ રહ્યો. મારા કરતાં પહેલાં સંબંધ બંધાયેલો પત્ની વંદના સાથે. ધીરુબહેન સતત નવી કલમોની શોધમાં રહેતાં. તેમણે વંદના પાસે લેખો લખાવ્યા, મુલાકાતો લેવડાવી, અનુવાદો કરાવ્યા. પછી મારો વારો. ‘સાહિત્યનાં સરોવર’ નામે સાહિત્ય વિશેની કોલમ લખાવી. પછી એક દિવસ કહે: “હવે મુંબઈ વિષે લેખમાળા કરી આપો.” તેને નામ શું આપવું એ અંગે દસ-પંદર મિનિટ ચર્ચા કરી, પણ અમને એકે નામ ગોઠયું નહિ. કહે, ‘આવતે અઠવાડિયે પહેલો હપતો લખી લાવો પછી નામ વિચારશું.’ હજી તો લિફ્ટ પાસે પહોંચ્યો ત્યાં એમનાં સહાયક બહેન લગભગ દોડતાં આવ્યાં. કહે, ‘ધીરુબહેન બોલાવે છે.’ પાછો ગયો, તેમની કેબિનનું ફ્લેપ ડોર ઉઘાડ્યું તો કહે: ‘સાત ટાપુનું સોનેરી શહેર, આવજો.’

હા. ધીરુબહેનની આ ખાસિયત. જો મૂડ હોય તો કલાકો સુધી વાતો કરે, નહિતર બે-ચાર શબ્દોમાં લટક સલામ. એટલે છેવટ સુધી unpredictable રહ્યા – વ્યક્તિ તરીકે તેમ જ લેખક તરીકે પણ. જે લખ્યું તેમાં પુનરાવર્તન કયારેય જોવા ન મળે. એટલે જ તેઓ ક્યારેય કોઈ ચોકઠામાં બંધાયાં નહિ કે વાડામાં પુરાયાં નહિ. ૨૦૦૧માં ‘આગંતુક’ નવલકથા માટે દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો ત્યારે તેમની એક મુલાકાત લીધી તેમાં પૂછેલું: ‘ધીરુબહેન, તમે ગાંધીજીને પુષ્કળ ચાહો છો, છતાં ગાંધીવાદી નથી, એમ કેમ?’ જવાબમાં કહે: ‘ગાંધીજી ગાંધીવાદી નહોતા એટલે તો ચાહું છું તેમને.’ ધીરુબહેનને ગાંધીવાદી ન કહી શકાય તેમ નારીવાદી પણ ન કહી શકાય. નારી પાત્રોનું અત્યંત સબળ આલેખન, પણ નારીવાદની, કે બીજા કોઈ વાદની કંઠી ક્યારેય ન બાંધી. વાદથી પર રહ્યાં તેમ બને ત્યાં સુધી વિવાદથી પણ પર રહ્યાં. છતાં ક્યારેક આપદ્ ધર્મ તરીકે પોતાનાં માનેલાં સાથેય વિવાદમાં સંડોવાયાં તો પછી કોઈની સાડીબારી ન જ રાખી.

૨૦૨૨ના ઓક્ટોબરની ૧૭મી તારીખની સવારે મિત્ર ડો. ખેવના દેસાઈ સાથે ધીરુબહેનને તેમના અમદાવાદના ઘરે મળવાનું થયું. વ્હીલ ચેરમાં બેસીને પણ મુક્ત મને અલકમલકની વાતો કરી. હસ્યાં, હસાવ્યાં. આનંદથી ફોટા પડાવ્યા. મન સતેજ હતું, પણ તન  થાક્યું હતું એ દેખાતું હતું. થોડા દિવસ પહેલાં તો ‘હવે છેલ્લી ઘડીઓ ગણાય છે’ એવું જાણવા મળેલું. પણ આજીવન યોદ્ધાએ એક વાર તો મોતને પણ પાછું વળાવ્યું. વિડિયો અને ફોટામાં થોડો અસલ મિજાજ દેખાવા લાગ્યો. પણ આજે સવારે…

 જેને નિમિત્તે દિલ્હીની સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર મળ્યો તે ‘આગંતુક’ નવલકથાનું પહેલું પ્રકરણ શરૂ થાય તે પહેલાં ધીરુબહેને એક વાક્ય મૂક્યું છે: “રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઊડીને આવેલું પક્ષી એક બારીમાંથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત.” ધીરુબહેનનો શબ્દ જ નહિ, તેમનું વ્યક્તિત્ત્વ પણ આ પંખી જેવું. જીવન અને જગતની મહેફિલને તેમણે એક પલકારામાં આંખમાં ભરી લીધી, પોતાની કૃતિઓ દ્વારા માણી, જાણી, અને પ્રમાણી લીધી. પણ તેમાં અટવાયાં નહિ. બીજી બારીએથી પંખી બહાર નીકળી જાય એટલી જ સહજતાથી આપણી વચ્ચેથી નીકળી ગયાં. પણ ધીરુબહેન, તમારો શબ્દ તો ઘણા લાંબા વખત સુધી અમારી મોંઘી મૂડી બની રહેશે.

આવજો, ધીરુબહેન!

(‘મીડ ડે’ના સૌજન્યથી)

(નોંધ~ આપણાં બધાંના લાડીલા સાહિત્યકાર, સંગીતકાર અને ગાયક નંદિતા ઠાકોરને ધીરુબહેન સાથે ઘરોબો હતો અને એમની સાથેનાં અનુભવો અને સ્મરણો “આપણું આંગણું”માં એકાદ બે દિવસોમાં જ મૂકીશું.)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. ગુજરાતી સર્જક ધીરૂબેન પટેલનું ટૂંકી માંદગી બાદ અમદાવાદમાં ૯૭ વર્ષે નિધન થયું છે. તેમના અવસાનથી સાહિત્ય જગતને ક્યારેય ન પુરી શકાય એવી ખોટ પડી છે. તેમની રચનાઓ અને કૃતિઓનું સર્જન સાહિત્યની એ મુડી છે જેનું મૂલ્ય આંકી શકાય એમ જ નથી. તેમણે નવલિકા, લઘુનવલ, નવલકથા, ચરિત્રનિબંધો, બાળસાહિત્ય, કાવ્ય અને હાસ્યકથાઓના રૂપમાં મૂલ્યવાન કૃતિઓ આપી છે. હાસ્યસાહિત્યનું એમનું ખેડાણ અપેક્ષા જન્માવે છે.
    તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ