એનું હૃદય તો માતૃભૂમિ તરફ જ હોય છે ~ લેખ ~ શિવાની દેસાઈ

આજે હું ‘ઓથ’ -સોગંદ – લઈ ને આવી! આજથી હવે હું અમેરિકન નાગરિક! થોડા દિવસમાં  ઘેરા ભૂરા રંગનો પાસપોર્ટ પણ આવી ગયો અને એની કિંમત રૂપે ચૂકવ્યો કાયમી તરફડાટ અને અજંપો, મૂળસોતાં ઉખડી જવાનો….!

મને ભારત છોડે અઢાર વરસ થયા…અને ભારતનું નાગરીત્વ છોડે પંદર વરસ..! ચાલીસ વરસથી અમેરિકામાં રહેતા મારા સસરા, મોત વેળા એમની જન્મભૂમિ ચરોતરમાં આવેલ મહેડાવ માટે ઝુરતા ઝુરતા ગયા…અને જુવાનીમાં અમારા પપ્પાનું લાખો લોકોની જેમ ઝનૂની સપનું હતું અમેરિકા આવવાનું પણ ચાલીસ વરસના વસવાટ પછી પણ લાખો ઇમિગરન્ટસની જેમ એ ના અમેરિકન બની શક્યા ન ઇન્ડિયન રહી શક્યા…અને અત્યારે મારી સ્થિતિ પણ એ જ છે..!
મોટાભાગના ઇમિગરન્ટ્સ કહેતા નથી પણ વતન ઝુરાપનું ઝીણું દર્દ સતત સાથે લઈને જીવતા હોય છે. શા માટે? કોઈએ દેશ છોડવા મજબુર નહોતા કાર્ય, વિદેશી નાગરીત્વ સ્વીકારવું એ પોતાની પસંદગી હોય છે તો પછી આ અજંપો, બેચેની શેની રહેતી હોય છે?
બીજી બાજુ વિદેશમાં કમાઈ લીધા પછી પણ દેશ પાછું કેમ નહીં ફરી શકાતું હોય? આ બધા સવાલો વિદેશમાં જિંદગી પુરી થઈ જાય ત્યાં સુધી નિરુત્તર જ રહે છે!
વિદેશમાં સંતાનોના ભાવિ માટે, સારી પ્રોફેશનલ તક માટે કે વૈભવી લાઈફ માટે આવતા લોકો કેમ આ બધું મળી જાય પછી પણ શુ શોધતા હોય છે?
અને મને જે જવાબ મળ્યો એ છે, પોતાની ઓળખ..! ગમે તે કરો એક જગ્યા થી ઉખડેલો છોડ બીજી જમીનમાં નથી જ બરાબર ઊગી શકતો..એને ફૂલો તો આવે છે પણ એમાંથી સુગંધ ગાયબ હોય છે!
તમે પ્રોફેશનલ ઓળખાણ તો બનાવો છો, પૈસા તો ખૂબ કમાવો છો, તમારા સંતાનો સારા માં સારી કોલેજ માં ભણીને ખૂબ સફળતા મેળવે છે, તમારી પાસે ત્રણ ત્રણ વીલા અને ચાર ચાર વૈભવી કાર્સ હોય છે પણ ગાયબ હોય છે એ કારમાં બેસીને જેની સાથે મજા કરવાનું મન થાય એ બાળપણના ગોઠિયા…
અને આ તો એક દાખલો થયો…આમ જ વતનનું ઘર, જુના પાડોશી, સગા વહાલા, શાળા, કોલેજ, મિત્રો વગેરે ને મિસ કરતા કરતા જીવન પસાર તો થઈ જાય છે પણ આ બધા માટેનો તરફડાટ કેમેય કરી ને જતો નથી…કારણ કે દરિયો ગમે તેટલો મોટો હોય એમાં ખોવાઈ જવાનો ડર રહે છે જ્યારે, તળાવ ગમે તેટલું બંધિયાર હોય માણસ ને એક હૂંફ અને સલામતી લાગે છે કે આમાં હું તરી શકીશ…અથવા અહીં ડૂબતો હોઈશ તો કોઈ પણ મને બચાવી લેશે!
આ હૂંફ, અને સલામતી અને ઓળખ આદિકાળથી માનવીની ઝંખના રહી છે અને એ પોતાના વતન અને પોતાના માણસો જ એ આપી શકે એવું માણસને લાગે છે અને માટે જ વિદેશમાં વસેલો માનવીને સપના માતૃભાષામાં જ આવતા હોય છે અને એ પગ કર્મભૂમિ તરફ રાખી ને સુવે છે પણ એનું હૃદય તો માતૃભૂમિ તરફ જ હોય છે…!!

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.