બે કાવ્યો ~ રેણુકા દવે | ૧. દિવાલ કાચની અને છતાં ન આરપાર છે | ૨. એક અજાયબ વેળા હરિજી જાદુ જેવું કરી ગયા
૧. ગઝલ
દિવાલ કાચની અને છતાં ન આરપાર છે,
અહીં જગત દિસે, ત્યહીં સવાલ ધારદાર છે.
કદીક જળ વહી રહે, કદીક ઝળહળી રહે,
કદીક સ્થિર, ભીતરે અસહ્ય અંધકાર છે.
કદી નયન હસે, હૃદય મહીં ભલેને ખાર છે,
વધુ કહે શું કોઈ લ્યો, ન બોલવામાં સાર છે
અહીં થકી પસાર રાહ ભીતરેય થાય છે,
વળી જરાક ચાલ, અંધકાર તારતાર છે.
કદાચ ‘એ’ જ સાચવી રહ્યો હશે ભરમ સદા
ભલે અપાર લાગતું, બધુંય પણ અસાર છે.
~ રેણુકા દવે
૨. કાવ્ય
એક અજાયબ વેળા હરિજી જાદુ જેવું કરી ગયા.
જરા સ્નેહથી સ્મરણ કર્યું ત્યાં સઘળા સંશય ખરી ગયા.
સાવ એકલા કર્યે જતા’તા જહેમત જીવી જવાની
અંધારે આથડવા જેવી ગતિ હતી તરવાની
આંખોમાં અજવાળા જેવી હામ પછી એ ભરી ગયા…
સઘળા સંશય ખરી ગયા.
એક એક અક્ષર ઘૂંટાવી શીખવ્યો આખો કક્કો
સોટી લઇને સત સમજાવ્યું રંગ ચડાવ્યો પક્કો
અદીઠ રહીને પથમાં મારા હરિ હથેળી ધરી ગયા…..
સઘળા સંશય ખરી ગયા.
~ રેણુકા દવે
જે – ૨૦૧ – કનકકલા-૨
સીમા હૉલની સામે
મા આનંદમયી માર્ગ, સેટેલાઇટ અમદાવાદ-15
મોબાઇલ – ૯૮૭૯૨૪૫૯૫૪