‘.. મેં એક સપનું જોયું છે!’ (ગીત) ~ તાજા કલામને સલામ (૩૦) ~ હિમાદ્રી આચાર્ય દવે ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
“…..મેં એક સપનું જોયું છે…!”
કાલે રાતે મેં એક સપનું જોયું છે
મેં તો એનાં હૈયે હૈયું રોપ્યું છે
માંડવડા મઘમઘતા કોળ્યા હુંફાળા
આવ્યાં વેલીએ પ્રીતિ પુષ્પો સુંવાળા
મ્હેક મ્હેક મંજરીએ મનડું મ્હોર્યું છે
કાલે રાતે મેં એક સપનું જોયું છે….
ગોળે તારા રોજે બાંધુ ગરણું હું,
મનમાં થાતુ એવું, તુજને પરણું હું
હૈયાની ભીંતે રૂપ તારું દોર્યું છે.
કાલે રાતે મેં એક સપનું જોયું છે ….
ટાઢું ટાઢું ‘ને ધખધખતું જોયું છે
સાચું કહું તો છાનું છપનું જોયું છે
મીઠું મીઠું, મદઝરતું ‘ને મર્માળું
કાલે રાતે મેં એક સપનું જોયું છે….
~ હિમાદ્રી આચાર્ય દવે
~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
સપનાં અને માનવ જીવનનો જન્મની નાળ જેવો સંબંધ છે. રાત અને દિવસ બેઉમાં દરેક માણસ સપનાં જોઈ શકે છે. પણ કવયિત્રી જ્યારે સપનાંની વાત માંડે અને એ પણ આભિસારના સપનાની… ત્યારે તો એ સપનાંનો દરબાર જ જુદો, માભો જ જુદો! ગીતની પહેલી બે પંક્તિઓ જે રીતે મોગરાની કળી ખુલે એમ ખુલીને આખેઆખો અંતરમનનો બાગ મઘમઘાવે છે. કવયિત્રી અહીં સપનું જુએ છે, ઊગાડવાનું, પાંગરવાનું અને મહેકી જવાનું, જે રેશમી વસન સમું મુલાયમ છે, નમણું છે. પણ ઊગાડવા માટે જમીનમાં કંઈક બીજ રોપવું પડે. એમાંથી જ કંઈક ખીલવાનું છે અને મ્હોરવાનું છે. એવા એ બીજને વાવીને મોટી વેલી કે વૃક્ષ બને એની રાહ તો વર્ષો સુધી જોવી પડે! એવું કરવામાં સમય બગાડવાનો અને એ પણ સપનામાં? એના કરતાં તો પ્રિયતમના હૈયાની ભૂમિમાં સીધેસીધું પોતાના હૈયાની જમીન જ કવયિત્રી વાવી દે છે. અહીં એકાદ બીજમાંથી તો એ એક જ પ્રકારનાં વેલી કે વૃક્ષ મનના માનેલાંના હૈયાની ભૂમિમાં ઊગે પણ અન્ય કેટકેટલાંયે બીજ અને અંકુર પણ હૈયામાં છે, એનું શું? આથી જ એ પોતે પોતાનું હ્રદય જ પ્રણયીની હ્રદયની ભૂમિમાં રોપી દે છે!
“મેરા મુઝમેં કુછ નહીં, જો ભી હૈ વો તેરા!”
બેઉનાં હૈયાની ભૂમિ એકમેકમાં એકાકાર થઈને જે ઊગાડશે તે જ સાચાં સાયુજ્યનું અમૃતફળ હશે. બેઉના હૈયાની જમીન જો એકાકાર થઈ ગઈ તો પછી વિસંગતિઓનું ખડઝાંખડ ઊગવાનો સવાલ જ ક્યાં? બેઉના એક બની ગયેલાં હૂંફાળા હ્રદયમાં નાજુક, કુંવારી કોળેલી વેલી પર પ્રીતિના મંદારપુષ્પોની મહેકતી મંજરીઓથી આખેઆખું ભાવવિશ્વ મ્હોરી ઊઠે છે. અને બસ, આ સ્થાને પ્રણય અદ્વૈતની પરમ સીમા પર પહોંચે છે.
કવયિત્રી રાતનાં એ સપનાના ખુમારમાં હજુ વિચરી રહી છે. પાણિયારું અને પાણીના ગોળા જેવાં આપણી જમીન સાથે જોડાયેલાં આ શબ્દો હવે તો શહેરી અને ગ્રામ્યજીવન બેઉમાંથી વિલીન થવાં માંડ્યાં છે પણ એનો ભાવ તો શ્વાસોમાં વણાયેલો, એવો ને એવો અકબંધ છે.
“અમે પાણીડે ગ્યાં’તાં
ને સાયબો સામો મળ્યો રે લોલ…!’
પાણી ભરવા કૂવે કે તળાવે જવું અને પ્રેમી સાથે આંખમીંચોલીના આસવનો કેફ તો અલગ જ છે. પણ અહીં તો વાત થાય છે કે પાણી ભરીને રસ્તે આવતાં-જતાં નયનોનાં બાણ કોણ ચલાવે અને ઘાયલ પણ કેમ થવું, અને એ પણ સપનામાં? કવિ તો સીધેસીધો પ્રસ્તાવ લગ્નનો જ મૂકી દે છે કે મનમાં તો એવું થાય છે કે બસ, સાહેબા સાથે જ પરણી જઉં અને પાણીની ગાગર ભરીને એનાં જ ઘેર જઈને પાણીને ગાળું..! અહીં કવિતાને સિફતથી સાચવી લીધી છે. પાણી ગાળવામાં સમર્પણ છે. જે કંઈ બહારથી આવે છે, એ બધું જ ગાળીને, ચાળીને પતિ બનેલાં પ્રેમીને આપવામાં સ્વયંનું સંપૂર્ણપણે Assimilation – એકમેકમાં ભળી જવાની દિવ્ય ઘટના છે, જેથી અપેય અને અપાચ્ય પદાર્થો, પ્રસંગો કે વાતો કશું જ પોતાનાં વહાલાંને તકલીફ પહોંચાડે નહીં! કવયિત્રી જાણે છે કે લગ્ન ભલે નથી થયાં પણ પ્રીતમની છબી તો હૈયામાં કંડારેલી જ છે અને સદાયે સાથે રહે છે.
અહીં અનાયસે યાદ આવે છે સુરેશ દલાલના ગીતની પંક્તિઓ –
“મારી ગાગર ઊતારો તો જાણું કે
રાજ તમે ઊંચક્યો’તો પહાડને….!
હું તો ઘેર ઘેર જઈને વખાણું કે
રાજ તમે ઊંચક્યો’તો પહાડને….!”
અને છેલ્લે, કવયિત્રી કહે છે, લાજ-શરમના પડદાં હઠાવીને,
“ટાઢું ટાઢું ‘ને ધખધખતું જોયું છે
સાચું કહું તો છાનું છપનું જોયું છે
મીઠું મીઠું, મદઝરતું ‘ને મર્માળું
કાલે રાતે મેં એક સપનું જોયું છે….!”
આભિસારનું આ અંતિમ છે. પ્રેમનો એકરાર ને આહવાન આથી વધુ થઈ શકે નહીં! શિયાળાની થરથરતી રાતે, અભિસારનું સપનું જોવું અને, એ પણ, જુવાનીની જ્વાળામાં તપતાં શરીરમાં વહેતાં લોહીનો ગરમાવો માણતાં જોવું…! સપનાંમાંયે પ્રણય, શૃગાર, અને અભિસારનું મધમીઠું, મદ ઝરતું અને શબ્દોમાં ન સમજાવી શકાય એવા મરમના સુગંધી ભરમમાં અટવાતું આ સપનું પાછું સાવ છાનું છપનું જોવું પડે છે! સપનાંમાં યે આવી વાતો પાછી કહેવીયે કોને કે હવે આ તલસાટ સહેવાતો નથી, અને હવે રહેવાતુંયે નથી!
બહેન હિમાદ્રીનું આ ગીત આજના સમયની અભિસારિકાનું ગીત છે. શૃંગારને સમુચિતતાથી અને સંવેદનાથી રજૂ કરવાનું સહેલું નથી. આવા વિષય પર રચાયેલાં ગીતના કાવ્યતત્વને હાનિ ન પહોંચે અને એ સાથે રસક્ષતિ પણ ન થાય, એવું સમતોલન અને સંતુલન રાખવું અઘરૂં છે. બહેન હિમાદ્રી આ સમતોલન અને સંતુલન યોગ્ય રીતે જાળવી શક્યાં છે. આવનારા સમયમાં એમની કલમ વધુ ને વધુ નીખરતી રહે એવી જ શુભેચ્છા.